Close

મને આ સુખદ ક્ષણો આપવા બદલ આભાર

કભી કભી | Comments Off on મને આ સુખદ ક્ષણો આપવા બદલ આભાર
આજે ફરી એક વાર નાની પણ સંવેદનશીલ કથા પ્રસ્તુત છે.
જોસેફ બેકર અમેરિકામાં રહે છે. એક ટાઉનમાં તે રહે છે. અમેરિકામાં ટેક્સીના કેબ ડ્રાઇવર જોસેફ કહે છે : ‘ઘણાં વર્ષો પહેલાં હું ટેક્સી કેબ ચલાવતો હતો. એક મધરાતે મારી કેબ સિસ્ટમ પર એક મેસેજ આવ્યો. કોઈ પેસેન્જરને  ટેક્સીની જરૂર હતી. મને એડ્રેસ આપવામાં આવ્યું. હું નિર્ધારિત સરનામાવાળી જગાએ મારી ટેક્સી લઈને પહોંચ્યો. બહાર અંધારું હતું. અંધારામાં મેં કાળું બિલ્ડિંગ જોયું. નીચેના માળે એક બારીમાંથી થોડો પ્રકાશ આવતો હતો. મેં એ બિલ્ડિંગની બહાર ટેક્સી ઊભી રાખી અને પેસેન્જરના આવવાની રાહ જોયા વિના ટેક્સીમાંથી ઊતરી મેં  જ એ એડ્રેસવાળા નીચેના ઘરનું બારણું ખટખટાવ્યું.
અંદરથી કોઈ વૃદ્ધ મહિલાનો ધીમો અવાજ આવ્યો : ‘પ્લીઝ વેઇટ…’
બારણું ખૂલ્યું.
મેં જોયું તો ૮૦ વર્ષનાં એક વૃદ્ધ મહિલા હાથમાં શૂટકેસ લઈને બહાર આવ્યા. તેમણે ડ્રેસ પહેરેલો હતો. માથાના બધા વાળ સફેદ હતા.
મેં એ વૃદ્ધ મહિલાની શૂટકેસ લઈ લીધી અને એમનો હાથ પકડી હું ટેક્સી સુધી લઈ આવ્યો. એ ટેક્સીમાં બેઠાં. એમણે કહ્યું : ‘થેંક યુ ફોર યોર કાઇન્ડનેસ.’
મેં કહ્યું : ‘ઇટસ માય પ્લેઝર…આમાં મેં કોઈ ઉપકાર  કર્યો નથી. હું મારી માતાની જે રીતે કાળજી રાખું છું તેવો જ વ્યવહાર બધાં પેસેન્જર્સ સાથે કરું છું.’
એ વૃદ્ધ મહિલા બોલ્યાં : ‘તમે એક સારા માણસ છો.’
એ વૃદ્ધ મહિલાએ એમને જ્યાં જવું હતું તે સ્થળનું સરનામું આપતાં કહ્યું : ‘તમે મને આ સ્થળે પહોંચાડશો?’
મેં કહ્યું : ‘તમે જે એડ્રેસ આપ્યું છે તે ડાઉનટાઉનનું છે ત્યાં જવાનો કોઈ ટૂંકો રસ્તો નથી. પણ હું  તમને ત્યાં લઈ જઈશ.’
‘કોઈ વાંધો નહીં, મને કોઈ જ ઉતાવળ નથી.’ મારે કોઈ જ પરિવારમાં નથી’ :  એ વૃદ્ધ મહિલા બોલ્યા.
મેં જોયું તો  એમની આંખમાં આંસુ હતા. એ પછી મેં ધીમેથી ટેક્સીનું મીટર બંધ કરી દીધું.  મેં ટેક્સી ચાલુ કરી.
રસ્તામાં અનેક જાણીતાં સ્થળો આવતાં ગયાં અને એ વૃદ્ધ મહિલા મને એક પછી એક  બિલ્ડિંગોની તેમની સાથે જોડાયેલી યાદોની વાતો કરતાં રહ્યા.
એ વૃદ્ધ મહિલા બોલતા રહ્યા : ‘આ ઊંચા બિલ્ડિંગમાં હું ક્યારેક લિફ્ટ ઓપરેટર હતી.’
બીજું એક બિલ્ડિંગ બતાવતાં તેઓ બોલ્યા : ‘આ મકાનમાં હું મારા હસબન્ડ સાથે રહેતી હતી.’
એ પછી એક વેરહાઉસ બતાવતાં તેઓ બોલ્યા : ‘અહીં એક બોલરૂમ હતો જ્યાં હું યુવાન હતી ત્યારે ડાન્સ કરવા જતી હતી.’
હું સાંભળતો રહ્યો. એ વૃદ્ધ મહિલાની યાદો જે જે મકાનો સાથે હતી ત્યાં ત્યાં હું ટેક્સી ઊભી રાખતો અને તેમને બોલવા દેતો હતો.
તેઓ બોલ્યા : ‘હવે હું થાકી ગઈ છું. ચાલો મને મારા એડ્રેસવાળા સ્થળે ઉતારી દો.’
અમે નિર્ધારિત સ્થળે પહોંચ્યા અને અમે ટેક્સીમાંથી બહાર આવ્યા. એ જ  વખતે બે સહાયકો ટેક્સી  પાસે આવ્યા. જાણે કે તેઓ આ વૃદ્ધ મહિલાની રાહ જ જોતા હતા. મેં એ વૃદ્ધાની શૂટકેસ મારા હાથમાં લઈ લીધી.
વૃદ્ધા માટે વ્હીલચેરની જરૂર હતી જે પહેલેથી ટેક્સીમાં ફોલ્ડ કરીને રાખેલી હતી.
બહાર ઉતર્યા બાદ તેઓ વ્હીલચેરમાં બેઠા અને બોલ્યા : ‘બોલો મારે તમને કેટલા પૈસા આપવાના થાય છે ?’
મેં કહ્યું : ‘કાંઈ જ નહીં.’
એ વૃદ્ધા બોલ્યા : ‘પણ તમારે પણ તમારું ઘર ચલાવવાનું છે ને.’
મેં કહ્યું : ‘મને બીજા પેસેન્જર્સ મળી રહેશે?’
-એટલું બોલીને મેં એ વૃદ્ધાને મેં હગ કર્યું. હું તેમને ભેટયો. એમણે મને કેટલીયે વાર સુધી પકડી રાખ્યો અને તેઓ એટલું જ બોલ્યા : ‘મને આ ખુશીની ક્ષણો આપવા બદલ તમારો ખૂબ આભાર.’
એ પછી હું મારી ટેક્સી તરફ જવા રવાના થયો. મેં જોયું તો એ વૃદ્ધ મહિલાએ એ ઘરનું બારણું બંધ કરી દીધું. એ બારણાનો બંધ થવાનો અવાજ સાંભળતા જ મને લાગ્યું કે, એ મહિલાએ  એ જ ક્ષણે તેમની અંગત જિંદગીને પણ બંધ કરી દીધી. મને લાગ્યું કે, એ વૃદ્ધ મહિલાને વર્ષોથી કોઈએ ભેટીને આવો સ્નેહ આપ્યો નહતો, જેનો એમને ઇન્તજાર હતો. કદાચ એમના પુત્ર, પુત્રી, ભાઈ કે કોઈ સ્વજનની લાગણીઓનો ઇન્તજાર હતો. એમને ભેટતાં મને લાગ્યું કે હું મારી માતાને મળ્યો.
એ મહિલાને ઉતાર્યા બાદ એ રાતે મેં એક પણ પેસેન્જરને લીધાં નહીં અને હું કોઈ પણ જાતના કારણ કે હેતુ વગર  એ વૃદ્ધ મહિલાની જિંદગી વિશે વિચારતો શહેરમાં ડ્રાઇવિંગ કરતો જ રહ્યો. ખૂબ વિચાર્યા બાદ મને લાગ્યું કે એ વૃદ્ધ મહિલાને ભેટીને મેં મારી જિંદગીનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. મારા માટે પૈસા કરતાં કોઈની લાગણીઓને સ્પર્શી તેમને ખુશી આપવાની  આવી ક્ષણો પૈસા કરતાં પણ વધુ અમૂલ્ય છે. મારા માટે આ ડ્રાઇવ હંમેશાં એક યાદગાર  સ્મૃતિ રહેશે.
– અને અમેરિકાના કેબ ડ્રાઇવર જોસેફ બેકરની વાત અહીં પૂરી થાય છે.
યાદ રહે કે વૃદ્ધોને જ્યારે એકલતા કોરી ખાતી હોય છે ત્યારે કોઈ તેમને આ રીતે સ્નેહ-પ્રેમ બક્ષે તેની પણ જબરદસ્ત જરૂર હોય છે. ખબર નથી કે એમને  પતિએ તરછોડી છે કે કોઈ વિધવા છે? ખબર નથી કે કોઈને સંતાનોએ તરછોડી કે કોઈ સંતાનહીન જ છે. ખબર નથી કે એમની એકલતા માટે કોણ જવાબદાર છે. વૃદ્ધાશ્રમ કે અનાથઆશ્રમમાં આવાં અનેકપાત્રો મળી આવશે. વૃદ્ધાશ્રમની બહાર પણ આવા કોઈક પાત્રો તો હશે જ.
એક નાનકડો સ્નેહ તેમની અનેક સાંજ ખુશીથી ભરી દેશે. જે વાત એક કેબ ડ્રાઈવર સમજ્યો તે આપણે પણ સમજીએ અને ક્યારેક આવું એકલવાયું જીવન જીવતું પાત્ર મળી જાય તો એને ખૂબ પ્રેમ, લાગણી અને આદર આપીએ.
આજના કપરા સમયમાં એકલા પડી ગયેલા અથવા સ્વજન ગુમાવી બેઠેલા કોઈને આવી હુંફ બહુ જ જરૂર હશે. તમે પણ કોઈને આવી લાગણી કે સ્નેહભરી હુંફ આપો.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!