Close

મને માત્ર તેર વર્ષની વયે જપરણાવી દેવામાં આવી હતી

કભી કભી | Comments Off on મને માત્ર તેર વર્ષની વયે જપરણાવી દેવામાં આવી હતી

નીતૂ સરકાર.

તે એક મહિલા કુસ્તીબાજ છે. સામાન્ય રીતે મહિલાઓ કુસ્તીબાજ બનવાથી દૂર રહેતી હોય છે પરંતુ નીતૂ સરકારની કહાણી કંઇક અલગ છે.

નીતૂ હરિયાણાના બેડવા ગામની વતની છે. અહીં અવારનવાર પહેલવાનો વચ્ચે કુસ્તી દંગલ થતા હતા. લોકો કુસ્તીના આ પ્રયોગો જોવા એકઠા થઇ જતા. નાનકડી નીતૂ પણ આ ભીડમાં ઊભી રહી પહેલવાનોની કુસ્તી જોઇ રહેતી. એ વખતે જ એના મનમાં એક પહેલવાન થવાનું સ્વપ્ન જાગ્યું હતું.

એ વખતે નીતૂ ૧૩ વર્ષની હતી. તેના માતા-પિતા અભણ હતા. માતા-પિતાએ તેર વર્ષની નીતૂને એક  દિવસ ૪૫ વર્ષની વ્યક્તિ સાથે પરણાવવાનું નક્કી કરી દીધું. લગ્ન પણ કરી દેવાયું. નાનકડી નીતૂ માતા-પિતાને કરગરવા લાગી : ‘મને સાસરે ના મોકલો.’

પણ ઘરવાળા માન્યા નહીં.

નીતૂને સાસરીમાં વળાવી દેવામાં આવી. સાસરીનું વાતાવરણ બિહામણું હતું. પતિ માનસિક રીતે અસ્વસ્થ હતો. નીતૂ માટે આ વાતાવરણ અસહ્ય હતું. તે એક પળ માટે પણ અહીં રહી શકે તેમ નહોતી. તે એક ડર સાથે સમય પસાર કરતી હતી. સાસરીનાં સભ્યોનું વર્તન પણ સારું નહોતું. તેના સસરા પિતાની ઉંમરના નહીં પરંતુ દાદાની ઉંમરના હતા. વળી સસરા ખુદ નીતૂને ખરાબ નજરે જોતા હતા. નીતૂ તેના સસરાથી દૂર રહેતી.

લગ્ન થયાને હજુ એક જ અઠવાડિયું થયું હતું. તે દિવસે નીતૂ ઘરમાં એકલી જ હતી. અચાનક સસરા તેના રૂમમાં આવી ગયા અને નીતૂને પકડી લઇ તેની સાથે દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો. પરંતુ નીતૂને ભગવાને હિંમત આપી. તેણે સસરાનો સામનો કર્યો. પૂરી તાકાત અજમાવી તે સસરાની પકડમાંથી છૂટીને બહાર ભાગી ગઇ. ભાગીને સીધી તે તેના માતા-પિતાના ઘેર પહોંચી ગઇ. ઘેર જઇને તેણે તેના સસરાએ બળજબરીથી દુષ્કર્મ કરવા કરેલા પ્રયાસની વાત કરી. પરંતુ માતા-પિતાએ પુત્રીને સાથ અને સાંત્વના આપવાના બદલે નીતૂને જ ખખડાવી નાખી. નીતૂ કહે છે : ‘માત્ર ૧૩ જ વર્ષની વયે મારું લગ્ન કરી દેવાયું હતું. મારા જીવનનો એ સૌથી વધુ ખરાબ દિવસ હતો.’

માને એક જ ચિંતા હતી કે ગામમાં લોકોને ખબર પડશે કે દીકરી સાસરીમાંથી ભાગી આવી છે તો સમાજમાં તેમની બદનામી થશે. મા ઇચ્છતી હતી કે નીતૂ ફરી સાસરે જાય. પરંતુ નીતૂ ફરી  સાસરે જવા તૈયાર નહોતી. તે મક્કમ રહી. પિયરમાં પણ તે દુઃખી થઇને જ રહી. તેને વારંવાર માતા-પિતા તરફથી ખરાબ વચનો  જ સાંભળવા પડતાં.

પિતા કોઇ પણ હાલતમાં દીકરી ઘરમાં રહે તેવું ઇચ્છતા ન હોતા. એટલે તેમણે નીતૂને બીજી વાર પરણાવી  દીધી. હવે નીતૂ પાસે કોઇ જ વિકલ્પ નહોતો. એને બળજબરીપૂર્વક નવા સાસરે વળાવી દીધી.

અહીં પણ વાતાવરણ સારું નહોતું. એનો પતિ બેકાર હતો. ઘરનું ખર્ચ સાસુના પેન્શનથી નીકળતું હતું. પણ આ બાબત અંગે નીતૂને કોઇ ફરિયાદ નહોતી. એનું એક કારણ એ હતું કે તેના પતિનો તેની સાથેનો વ્યવહાર સારો હતો. તે નીતૂની તકલીફ સમજતો હતો. માત્ર ૧૪ વર્ષની વયે નીતૂ બે જોડિયા બાળકોની માતા બની ગઇ. બાળકો થતાં હવે ઘરમાં ખર્ચ પણ વધ્યું. તે સાસુ પાસે પૈસા માંગતા સંકોચાતી હતી સાસરિયાં પાસે નહોતી ખેતી કે નહોતું ખેતર.

છેવટે નીતૂએ અન્ય ખેતરોમાં ખેત મજદૂર તરીકે જવાનું શરૂ કર્યું. બાકીના સમયમાં બીજા લોકોના કપડાં સીવીને બે પૈસા કમાવાનું શરૂ કર્યું. પરંતુ એમાં કોઇ ખાસ કમાણી થતી નહોતી. તેના મનમાં હજુ કાંઇ કરી બતાવવાની તમન્ના હતી, તે ઘરની હાલત સુધારવા માગતી હતી. પરંતુ તે સમજી શકતી નહોતી કે શું કરું તો ઘરની પરિસ્થિતિ સુધરે ?

એક દિવસ વાતવાતમાં નીતૂએ તેના પતિને કહ્યું: ‘જો હું કુસ્તી શીખી હોત તો કાંઇક કરી શકત. હું નાની હતી ત્યારથી જ કુસ્તીબાજ બનવા માગતી હતી, પણ મને મોકો જ મળ્યો  નહીં.’

પતિએ કહ્યું: ‘જો નીતૂ ! હજુ કાંઇ જ મોડું થયું નથી. તું હજું પણ કુસ્તી શીખી શકે છે અને પહેલવાન બનવાનું તારું સ્વપ્નું પૂરું કરી શકે છે.’

– પરંતુ તેની સાસુ પુત્રવધૂ કુસ્તીબાજ બને તે વાત પસંદ કરતી નહોતી. બીજી બાજુ નીતૂ મનોમન નક્કી કરી ચૂકી હતી કે હું તો કુસ્તીબાજ બનીશ જ. તે હવે ૧૭ વર્ષની હતી. તે ત્રણ બાળકોની મા બની   ચૂકી હતી છતાં તેને કુસ્તીની તાલીમ લેવાનું શરૂ કર્યું.  આ વાત ૨૦૧૧ના વર્ષની છે.

ગામના અખાડામાં પુરુષોનું વર્ચસ્વ હતું. તે પહેલી જ વાર કુસ્તીની તાલીમ લેવા ગઇ તો તેને ત્યાં રોકવામાં આવી. પરંતુ નીતૂએ એ વાતને નજર અંદાજ કરી લીધી. એણે બધાંને કહી દીધું: ‘હું તો કુસ્તી શીખીશ જ.’

પુરુષો સંમત થયા.

તાલીમ આપનાર ટ્રેનરે નીતૂને સૌથી પહેલાં વજન ઘટાડવાની સલાહ આપી. રોજ  બે કલાક દોડવાની પણ સલાહ આપવામાં આવી. નીતૂને મનમાં ડર હતો કે ગામની પુત્રવધૂનો રસ્તા પર દોડતી જોઇ  લોકો તેની મજાક ઉડાવશે.

પરંતુ તે મક્કમ હતી.

એણે ગામ લોકો તેને દોડતી જુએ નહીં એટલે રાતના ત્રણ વાગે ઊઠીને દોડવાનું  શરૂ કર્યું. સવારે પાંચ વાગે તે ઘેર પાછી આવતી. હવે તેણે ગામમાં જ કુસ્તી શીખવાનું શરૂ કર્યું. ગામમાં શરૂઆતની ટ્રેનિંગ બાદ તે વધુ તાલીમ લેવા રોહતક એકેડેમીમાં ગઇ. રોહતક તેના ગામથી ૫૦ કિલોમીટર દૂર હતું. નીતૂએ હવે અહીં રહી કુસ્તીની ઘનિષ્ઠ તાલીમ લેવા માંડી. પૂરાં બે વર્ષ સુધી તે તેનાં બાળકોથી દૂર રહી. બાળકોના પિતાએ બાળકોને સાચવ્યા. ટ્રેનિંગમાંથી રજા મળે ત્યારે તે બાળકોને જોવા ગામડે જતી રહેતી.

બે વર્ષની સખત તાલીમ બાદ નીતૂને નેશનલ ગેમ્સમાં ભાગ લેવાની તક મળી. એને પહેલી જ  સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મળ્યો. આ સફળતા બાદ તેણે પાછું  વળીને જોયું નહીં.

રમતગમતના ક્વોટામાંથી નીતૂને સશસ્ત્ર સીમા દળમાં નોકરી મળી ગઇ. ૨૦૧૫માં નેશનલ ગેમ્સમાં કુસ્તીની સ્પર્ધામાં તેને સિલ્વર મેડલ મળ્યો. તે પછી અન્ડર ૨૩ નેશનલ કુસ્તી ચેમ્પિયનશિપ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી લીધો. તે પછી અંડર ૨૩ વર્લ્ડ ચેમ્પિયન સ્પર્ધાની તૈયારીમાં લાગી ગઇ.

નીતૂ કહે છે : ‘મને  બચપણથી જ કુસ્તીબાજ બનવાનો શોખ હતો. પરંતુ મને ‘બાલિકા-વધૂ’ બનાવી દેવામાં આવી. મને ભણવાની પણ તક ના મળી.’

પરંતુ નીતૂ સરકાર હવે એક સેલિબ્રિટી છે.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!