Close

મને મારવી હોય તો મારી નાંખો મેં તમારું ખોરડું લજવ્યું છે ને !

કભી કભી | Comments Off on મને મારવી હોય તો મારી નાંખો મેં તમારું ખોરડું લજવ્યું છે ને !
વૈશાખ વદ તેરસનું અંધારું સીમ પર સવાર હતું.
ગામમાં મોટા ભાગના લગ્ન પતી ગયાં હોવા છતાં હજુયે વિવાહનાં ઢોલ ઢબૂકતાં હતાં. આથમણા ખૂણાથી ઊપડેલા પવનની લહેરોમાં શરણાઈનો સ્વર છેક રામાના આંબાવાડિયા લગી સંભળાતો હતો. કેરીઓના ભારથી લચી પડેલા આંબાની રખવાળી માટે આંબાવાડિયામાં જ ખાટલી ઢાળીને સૂતેલા રામાના ભઈબંધો રોજ મોડી રાત સુધી ચલમોના દમ મારતા દુનિયાભરની વાતો ડહોળતા. રાત ઠીક ઠીક આગળ વધી ચૂકી હતી. છેલ્લી અને આખરી વાર તમાકુ ભરીને પેટાવેલી ચલમને બરાબર પ્રજ્વલિત કરી હીરા સમક્ષ ધરતાં રામાએ કહ્યું ઃ ‘લે હીરા… મારી લે બે દમ… માન ના માન પણ તું કાંક ખોવાયેલો રહે છે… હીરા.’ રામાએ ટકોર કરી.
હીરાએ બેઠાં થતાં જ ચલમ હાથમાં લીધી. ઉપરાઉપરી દસબાર ફૂંકો મારતાં ચલમ પરનો દેવતા હીરાના મોં પર કેસરી પ્રકાશની ઝાંય વેરી રહ્યો અને એ અજવાળે એના મોં પરની અકળામણ પકડી પાડતાં ખૂમો બોલ્યો ઃ ‘હીરિયા…! દન આથમ્યા પહેલાં તો તું રોજ રૂખીભાભીનું મોઢું જોેવા ઘરમાં પેસી જતો… અમે બોલાઈ બોલાઈને થાકીયે તોયે તું ઘરની બહાર નીકળતો નહીં… ને હમણાં હમણાંથી તું અડધી પડધી રાત લગી ખેતરમાં પડી રહે છે… એ બધું કાંય અમારાથી અજાણતું નથી. ‘
અને હીરાને ઉધરસ ચડી. રામાએ ચલમ પાછી લઈ લીધી. દરમિયાન હીરાનો હાથ ધ્રૂજી જતાં ચલમ પરનો અંગારો એના પગ પર પડયો… રામાએ ત્વરાથી એ અંગારો ઉઠાવી લઈ ફરીથી ચલમ પર ગોઠવ્યો અને હીરાએ સહેજ સળગેલા ધોતિયાને આંગળીથી મસળી બુઝાવી દીધું.
‘કાણું તો પડી ગ્યું… વાયરામાં અંગારો…’
‘મારા તો જીવતરમાં અંગારો પડી ગયો છે ભઈ… પછી ધોતિયા પર પડે એની કાંઈ નવાઈ છે ?’ હીરાએ ખુમાની વાતને બીજે વાળી.
થોડીવાર સુધી ત્રણે જણ ચૂપ થઈ ગયા. અંગારો ફરીથી આપોઆપ બુઝાઈ ગયો. અંધારિયો વૈશાખી પવન હવે જોેર પકડી રહ્યો હતો. ખર… ખર… ઘસાતાં આંબાનાં પાનાં અને તૂટી પડતી કેરીઓનાં ધીબાધીબ અવાજ જ વાતાવરણમાં પ્રભુત્વ જમાવી રહ્યો. તે બોલ્યો, ‘જેને હું મારા જીવ કરતાંયે વધારે વહાલી ગણતો’તો એ બલા નીકળી… જેની પર મેં ભઈબંધો કરતાં વધારે વિશવા મેલ્યો તો એમને જ મારી ઘરવાળીએ વિશ્વાસઘાત કર્યો.. સા..લી… આ તે કેવી બૈરી…. એમનો શો ભરોસો ?’ હીરાનો સ્વર ગુસ્સામિશ્રિાત પણ આર્દ્ર હતો.
‘હીરાની વાત ખરી છે રામા… રૂખીભાભીનું કાળિયા હારેનું લફરું કોઈ માને ના એવી વાત છે.. પણ આ બૈરાએ તો હીરાનું આખું ખોરડું લજવ્યું… એ તો હીરો જ સહન કરે ભઈ હીરાની જગાએ હું હોઉં તો એક ઘા ને બે કટકા…’ ખુમાએ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરતાં ન છેડવાની વાત પણ છેડી નાખી.
 ઘડીભર ફરીથી શાંતિ સ્થપાઈ. પણ રામાએ થોડીક હિંમત કરી પૂછી નાખ્યું ઃ ‘હીરા ! લોકો તો જાતજાતની વાતો કરે છે… કોઈ કહે છે તું બહારગામ હોય કે ખેતરમાં આઘોપાછો હોય ત્યારે ઘણીવાર કાળિયો ઘેર આવતો… કોઈ કહે છે કે રૂખીભાભીનો કાળિયા સાથેનો સંબંધ તારા લગ્ન પહેલાંનો હતો… પણ સાચી વાત શું છે?… કાળિયાને સીધો કરવો હોય તો તું કહે એટલી વાર…’
 ‘ના ભઈ ના… મારો જ રૂપિયો ખોટો છે. કાળિયાને દમ મારવાથી શું વળવાનું? આખા ફળિયાની હાજરીમાં એ મારા ઘરમાંથી ઝડપાયો… હવે કાંઈ બાકી રહી ગયું છે તે… પાછો એમને મારવો છે…’ હીરો ઢીલા અવાજે બોલ્યો.
‘એ તો ભૈ જેવી તારી મરજી… બાકી તું કહેતો હોય તો…’
‘ના ભૈ ના…’ કહેતો હીરો ઊઠયો.
હીરો રાત્રે ઘેર પહોંચ્યો ત્યારે રાત અડધી મંજિલે પહોંચવાની તૈયારીમાં હતી. બારણું માત્ર આડું જ કરેલું હતું. હીરાના ધકેલતા જ એ ખૂલી ગયું. ચીમની બુઝાવી ગયેલી હતી. બહાર આંગણામાં હીરાની બહેન કમુ અને એની માનો ખાટલો હતો. બંનેએ મોડો મોડો હીરાને આવેલો જોેયો છતાં એને પૂછવાની કોઈની હિંમત નહોતી.
પરસાળમાં અખવાળે ખાટલે અવળા હાથનું ઓશીકું કરીને સૂતેલી રૂખી બેઠી થઈ અને બાજુમાં પડેલી દીવાસળી સળગાવી ચીમની પેટાવી. કેડિયું ઉતારી હીરાએ ખીંટીએ ભરાવ્યું. રૂખી પાણીનો ગિલાસ ભરી લાવી. હીરાએ એની તરફ જોેયા પણ વિના બીજોે પ્યાલો લઈ સ્વયં પાણી પી લીધું.
‘ખાવા કાઢું…? ઃ રૂખીએ ધીમેથી પૂછયું. હીરાએ જવાબ આપ્યા વિના ડામચિયા પરથી ગોદડી ઉઠાવી.’
‘બહાર સૂઈ રહેવું છે ?’ ઃ રૂખીએ પૂછયું.
‘હોવે…’ કહેતાં હીરાએ પગ ઉપાડયા.
‘ઊભા રહો.’ કહેતાં રૂખીએ દોડીને ઝટપટ બારણું આડું કરી અંદરથી સાંકળ ભીડી દીધી. હીરો હાથમાં ગોદડી પકડીને બારણા પાસે જ અટકી ગયો. એણે ચીમનીના પ્રકાશમાં રૂખી સામે નજર નાખી. એનો ચહેરો જોેઈ પોતાનું કાળજું કંપાઈ જતું હોય એમ લાગ્યું, ‘આ એ જ શરીર, આ એ જ પાંપણો… એ જ દાંત… એ જ… આ એ જ કમર… આ એ જ પગ… એ જ આંગળીઓ… એ જ નખ… એ જ કાન એ જ રૂખી – એ બધું જ મારું હતું – હીરાનું હતું… પણ એ મારી માન્યતા હતી… એ બધામાં કો’ક પરાયાનો પણ ભાગ છે, હે ભગવાન ! મેં તારો શું ગુનો કર્યો’તો… કે તેં મારી રૂખીને ‘મારી’ ન રહેવા દીધી ?’ઃ હીરો મનોમન વલવલી રહ્યો.
રૂખી નજીક આવી હીરાના હાથમાંથી ગોદડી લઈ લેતાં બોલી ઃ ‘ખાવું નથી ?’
‘ખૂબ ખાધું… હવે ભૂખ નથી.’
‘એક કોળિયો ખાવ… તો મને શાંતિ થાય…’ રૂખીએ આજીજી કરી.
‘મારા એકલાના ખાવાથી તને થોડી શાંતિ થશે?’ અનિચ્છાએ પણ હીરાએ ટોણો માર્યો અને રૂખી ચૂપ થઈ ગઈ.
‘તમારે મને મારવી હોય તો મારી નાંખો, મને વાઢી નાખો… મેં તમારું ખોરડું લજવ્યું છે ને ! એની જે શિક્ષા કરવી હોય તે કરી લ્યો… પણ એક કોળિયો ખીચડી ખાતા જાવ.’
‘શિક્ષા તો મારે મારી જાતને કરવાની છે… કેમ કે મેં ભોળાએ બૈરાની જાત પર વિશવા મેલ્યો’તો.. એનું ફળ મારે જ ભોગવવાનું ને !…. હું તો સહન કરી લઉં પણ  મારી બહેન બચારી કમુનું…!’
‘શું કમુનું? તું તો જાણે જાણતી જ નથી…! એની સગાઈ એક સારા ઘેરથી આવવાની હતી, પણ  તારા કાળીયા સાથેના લફરાની વાત હાંભળી એ લોકો આવા ઘરની કન્યાને લેશે ખરા ?’
અને રૂખી સ્તબ્ધ થઈ ગઈ. મૌન થઈ ગઈ. પૂતળું થઈ ગઈ. થોડીક ક્ષણો સુધી જ્યમ ને ત્યમ ઊભા રહી હીરો નિસાસો નાખતાં બારણું ખોલી બહાર ચાલ્યો ગયો.
ઘરની અંદરના ઉકળાટ કરતાં બહાર વહી રહેલો ઠંડો પવન ખાટલામાં સૂતેલા હીરાને શાતા આપી રહ્યો અને અકળાવી પણ રહ્યો. ભરઉનાળે પણ એ બહાર સૂતો નહીં. ઉનાળાના ઉકળાટમાં પણ એ રૂખીના સાંનિધ્યમાં પરસેવાથી રેબઝેબ થતા શરીરે રૂખીના હાથના પંખે વાયરો ખાતાં આહ્લાદ અનુભવતો… પણ આજે એ પહેલી જ વાર બહાર સૂતો. છતાં એને શાંતિ કે શીતળતા પ્રાપ્ત થઈ નહીં. એનો આત્મા એક જ અવાજ પોકારતો હતો ઃ
‘રૂખી… રૂખી… તેં આ શું કર્યું? તું તો લૂંટાઈ પણ ભેગો મનેય લૂંટી લીધો…! હવે હું કોની પર વિશ્વાસ મૂકું ?… હે રામ ! મારું મન તો હજુય માનતું નથી કે મારી રૂખીમાં કો’ક પરાયાનો પણ ભાગ છે ! જે બની ગ્યું એ સપનું બની જાય તો…?’ એમ ને એમ વિચારોમાં અટવાતા હીરાની આંખ માંડ મળી અને અચાનક કોઈના ઊબકાથી તે જાગી ગયો.
ખાટલામાંથી બેઠાં થતાં તેણે પાછળ પરસાળમાં નજર કરી… ઘરનાં નેવામાં બેઠું બેઠું કોઈ ઊલટી કરી રહ્યું હતું. બાજુમાં ડોશી એના ખભે હાથ ફેરવી રહ્યાં હતાં. એ ઊબકા, હીરાની બહેન કમુના હતા. હીરો ઊભો થઈ એની પાસે ગયો. હીરાની બહેન કમુ શ્વાસ લીધા વિના ઊલટીઓ કર્યે જ જતી હતી.
હીરાએ પાણી લેવા જવા બારણું ખખડાવ્યું.
‘હીરા…! અહીં આવ તો.’ ઃ એની વૃદ્ધ માએ ધીમેથી એને પાસે બોલાવ્યો. ડોસીએ ધીમેથી હીરાના કાનમાં કહ્યુંઃ ‘ભઈ! આ છોડીને ત્રીજોે મહિનો જાય છે આ એના ઊબકા છે.’ કાપો તો લોહી પણ ના નીકળે એવી દશા હીરાની થઈ. ઉપર આફતોથી ઘેરાતું જતું એનું મન હવે વિચારશૂન્ય થઈ ગયું. કમુ એની એકની એક બહેન હતી, કુંવારી હતી. આજકાલમાં જ એના વિવાહ થવાની વાત ચાલતી હતી.
‘તમને કેમ ખબર પડી ?’ હીરાએ પૂછયું.
‘એ મૂઈએ જ કહ્યું…’
‘કોનું પાપ છે ?’
‘ભગવાન જાણે…’
હીરો પાણી લેવા બારણું ધકેલતાં ઘરમાં દોડયો. અંધારામાં પ્યાલું ન જડતાં ફાંફાં મારીને એણે રૂખીના ખાટલે પડેલી દીવાસળી શોધી કાઢી. દીવાસળીથી ચીમની સળગાવતાં એણે પ્યાલા માટે નજર ફેરવી.
અચાનક એની નજર રૂખીના હાથ તરફ ગઈ. એનો એક હાથ ખાટલાની ઈસ પર ઢળેલો પડયો હતો. હાથની નીચે પ્યાલો ઢોળાયેલો પડયો હતો… પ્યાલામાંથી ઢોળાયેલું પ્રવાહી એ પાણી નહોતું. હીરાને ફાળ પડતાં એ રૂખી તરફ ધસ્યો. રૂખીનાં બંને બાવડાં પકડી એને ખૂબ ઢંઢોળી… એની બંધ આંખોના ખૂણામાં ભરાઈ રહેલાં આંસુ છલકાઈને વેરાઈ ગયાં… પણ રૂખી ન જાગી તે ન જ જાગી. હીરાએ પ્યાલું સૂંઘી જોેયું. એમાંથી ઝેરી જંતુનાશક દવાની વાસ આવતી હતી. હીરો એક ત્રાડ પાડતો રૂખીને બાઝી પડયો. રૂખીનો માંસલ દેહ હવે નિર્જીવ હતો.
કમુ અને ડોસી બેઉ અંદર દોડયાં અને ક્ષણમાં પરિસ્થિતિ પામી ગયાં. ‘ભાભી ! ભાભી !’ કરતી કમુ રૂખીના પગે બાઝી પડી. કમુ બોલતી રહી ઃ ‘ભાભી ! તમે મારી ખાતર આ શું કર્યું ?’ અને કમુના શબ્દોએ ડોસીને અને હીરાને ચોંકાવી દીધાં.
‘કમુ ?’ ડોસીએ પૂછયું.
‘હા… બા… આ ઘેર કાળિયો મને મળવા આવતો’તો… ભાભીને નહીં. ભાભીએ તો મને ઘણીયે વાર ના પાડેલી… પણ મેં માનેલું નહીં… તે દિવસે પણ કાળિયો આવ્યો ને બધા જોેઈ ગ્યા ત્યારે ભાભીએ મને સંતાડીને બચાવી લીધી અને દોષનો ટોપલો એમના માથે આવ્યો… બા… ભાભી તો દેવી જેવાં પવિત્ર હતાં…’ કહેતાં કમુ ફરી રૂખીને વળગી પડી.
‘તો આ પાપ એ કાળિયાનું જ છે ને ?’ ડોસીએ પૂછયું. પ્રત્યુત્તરમાં કમુ ચૂપ રહી, બલકે એણે મૌન રહી હા પાડી.
પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું.
હીરાનું આક્રંદ ભગવાનને પણ પીગળાવી દે તેવું હતું. બ્રહ્મા એકવાર પણ સાંભળી લે તો રૂખીને તેઓ પાછી સુપરત કરી દે, પણ આ દુનિયામાં એવું કાંઈ બને છે ખરું?
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!