Close

મને લાગે છે કે ઝંઝાવાત આવી રહ્યો છે, હું પ્રેગ્નન્ટ છું, રશ્મિન

કભી કભી | Comments Off on મને લાગે છે કે ઝંઝાવાત આવી રહ્યો છે, હું પ્રેગ્નન્ટ છું, રશ્મિન
શાલિની એક ગુજરાતી નારી છે.
મુંબઈમાં જન્મી છે, મુંબઈમાં જ ભણી છે અને અમદાવાદના યુવાનને પરણી છે. અલબત્ત, તેના પતિ સુધાંશુને મુંબઈમાં જોબ મળી હોઈ બેઉ મુંબઈમાં જ રહે છે. સુધાંશુ રોજ સવારે જોબ પર જવા નીકળે એટલે શાલિની તેના બૂટ-મોજા તૈયાર રાખે. તેની બ્રીફકેસ તૈયાર રાખે. સુધાંશુએ તેની ટાઈ બરાબર બાંધી ના હોય તો મજાકથી કહે ઃ ‘તમે અમદાવાદના લોકો હજી ટાઈ બાંધતા ના શીખ્યા.’
ત્યારે સુધાંશુ કહેતો ઃ ‘જો, શાલિની ! ટાઈની ગાંઠ બાંધતાં તું શીખવ. દાંપત્યજીવનની ગાંઠ મજબૂત રાખતાં હું તને શીખવીશ.’
બેઉ હસે છે. આવી મીઠી છેડછાડ રોજ થાય. સાંજે સુધાંશુ ઘેર પાછો આવે ત્યારે શાલિની સુધાંશુને ગમતાં વ્યંજન બનાવી રાખે. વીક એન્ડના દિવસે સાંજે બેઉ બહાર જમવા જાય. કદીક જુહૂ બીચ પર જાય. પાણીપૂરી ને ભેળ ઝાપટે. સુધાંશુ અમદાવાદના પાણીપૂરીનાં વખાણ કરે અને શાલિની જુહૂનાં. રશ્મિન તેમનો ફેમિલી ફ્રેન્ડ છે. એક દિવસ રશ્મિન તેમના ઘેર આવ્યો. વાત વાતમાં એણે કહ્યું ઃ ‘ભાભી ! તમે આટલાં હોશિયાર છો, આટલાં રૂપાળા છો, સારું ભણેલાં છો, તો આખો દિવસ ઘેર શા માટે બેસી રહો છો. તમે કોઈ કામ શા માટે શોધી લેતાં નથી ?’
‘હું અને જોબ ! નોટ એટ ઓલ. હું મુંબઈની છું, પણ મને એક સારી ગૃહિણી જ બનવું છે.’ શાલિનીએ જવાબ આપ્યો.
સુધાંશુએ કહ્યું હતું ઃ ‘રશ્મિન, જવા દે ને યાર. તારી ભાભી મુંબઈની છે, પણ દેશી છે.’
શાલિનીએ છણકો કરીને કહ્યું ઃ ‘ઓ.કે. રશ્મિનભાઈ ! જો એમ જ હોય તો તમે મારા માટે યોગ્ય જોબ શોધી કાઢો… આઈ વીલ ડુ ધેટ.’
અને એક સાંજે રશ્મિન ફરી પાછો ઘેર આવ્યો. એણે કહ્યું ઃ ‘ભાભી ! એક મલ્ટિનેશનલ કંપનીનો મેનેજર મારો દોસ્ત છે. મેં એને વાત કરી છે. તેના પી.આર. ડિપાર્ટમેન્ટમાં જગા છે.’
શાલિનીએ સુધાંશુ સામે જોયું. સુધાંશુએ હા પાડી. બીજા જ દિવસે રશ્મિન શાલિનીને મેકર્સ ચેમ્બરમાં આવેલી એક કંપનીની ઑફિસમાં લઈ ગયો. શાલિનીનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. તે સુંદર અંગ્રેજી બોલી શકતી હતી. તેની જોબ નક્કી થઈ. મહિને ૫૦ હજારનો પગાર. બીજા જ દિવસથી શાલિનીએ જોબ શરૂ કરી. એનું વસ્ત્રપરિધાન બદલાઈ ગયું. સાડીનો ત્યાગ કરી એણે હવે એક્ઝિક્યૂટિવ-સૂટ ધારણ કર્યો. તે ગોર્જિયસ લાગતી હતી. તેની પાસે સુંદર હાઈટ પણ હતી. મોડી સાંજે પાછી આવી ત્યારે બેડરૂમમાં સૂતી વખતે સુધાંશુએ પૂછયું ઃ ‘કેવો રહ્યો પહેલો દિવસ ?’
‘ગ્રેટ… એવરી વન લાઇક્સ મી.’ શાલિનીએ કહ્યું અને ઉમેર્યું ઃ ‘પરંતુ રશ્મિન ગજબનાક છે. તેની પહોંચ ઘણી છે.’
અને થોડા જ દિવસોમાં શાલિનીનું વ્યક્તિત્વ બદલાઈ ગયું. તે હવે બહિર્મુખ બની. વધુ ને વધુ લોકો સાથે ભળવા લાગી. વધુ ને વધુ વાતો કરવા લાગી. સહુ કોઈ તેનાથી પ્રભાવિત થઈ જતા. વળી પબ્લિક રિલેશન્સમાં કામ કરવાનું હોઈ રોજ નવા નવા માણસોને મળવાનું થતું. તે ખુશ હતી.
એક દિવસ સાંજે તે ઑફિસેથી ઘેર જવા નીકળી ત્યારે રશ્મિન કાર લઈ ગેટ પાસે ઊભો હતો. એ બોલ્યો ઃ ‘આજે આ એરિયામાં મારે કામ હતું. મને થયું કે, તમને ઘેર જવા લિફ્ટ આપું.’
શાલિની બોલી ઃ ‘હાઉ નાઈસ !’
બેઉ કારમાં ગોઠવાયાં. રશ્મિન તેને ઘેર મૂકી ગયો. સુધાંશુ હજી આવ્યો નહોતો. શાલિનીએ રશ્મિનને કોફી પીને જવા કહ્યું. થોડા દિવસ પછી રશ્મિન ફરી મેકર્સ ચેમ્બર્સના ગેટ પાસે ઊભો હતો. શાલિની ચુપચાપ તેની કારમાં બેસી ગઈ. ‘તમે આ બાજુ ક્યાંથી ?’ એવું કાંઈ જ શાલિનીએ પૂછયું નહીં. અલબત્ત, મનમાં કોઈક મૂંઝવણ તો હતી જ.
પછી તો આ સિલસિલો ચાલુ થઈ ગયો. કોઈ વાર તેઓ સીધાં જુહૂ પર જતાં. બેઉ પાણીપૂરી ખાતાં, મોડે સુધી વાતો કરતાં. શાલિની પૂછતી ઃ ‘રશ્મિન ! તમે લગ્ન કેમ નથી કરતા ?’
રશ્મિન કહેતો ઃ ‘હું એ બંધનમાં સપડાવા માંગતો નથી. પશુ-પક્ષીઓ ક્યાં લગ્ન કરે છે છતાં ખુશ રહે છે ને ? કેવાં ઊડાઊડ કરે છે ? કેવો કિલકિલાટ કરે છે ?’
શાલિની મુક્ત પંખીની જેમ વિહાર કરતા રશ્મિનની વાતો સાંભળ્યા જ કરતી. કોઈ વાર રાત્રે તે નાસ્તો કરીને ઘેર પહોંચી હોય તો સાંજનું ડિનર કરી શકતી નહીં. સુધાંશુ કારણ પૂછતો તો શાલિની કહેતી ઃ ‘મારે ફોરેનના એક ગેસ્ટ સાથે રેસ્ટોરાંમાં જવું પડયું હતું.’
સુધાંશુ તેની વાત સાચી માની લેતો.
એક સાંજે ફરી રશ્મિન અને શાલિની જુહૂ કિનારે રેતીના એક ઢગલા પાસે બેઠા હતા.
રશ્મિને કહ્યું ઃ ‘ભાભી તમે ?’
શાલિનીએ કહ્યું હતું ઃ ‘તમે મને ભાભી ના કહો, માત્ર શાલિની કહો !’
‘પણ એવું તમને ગમશે ?’ રશ્મિને પૂછયું હતું.
‘હા… એમ જ ગમશે.’ શાલિની બોલી.
અને પહેલી જ વાર રશ્મિને શાલિનીનો હાથ પોતાના હાથમાં લઈ પંપાળ્યો. શાલિનીએ આંખો બંધ કરી દીધી. શાલિની બોલી ઃ ‘રશ્મિન ! હું બદલાઈ રહી છું. હું પાપ કરું છું કે પુણ્ય મને ખબર પડતી નથી.’
રશ્મિનની એક જ ફિલસૂફી હતી ઃ ‘બધું કુદરત પર છોડી દેવું જોઈએ. નેચર જ્યાં લઈ જાય ત્યાં જવા દેવું જોઈએ. એ પ્રવાહને રોકવો જોઈએ નહીં.’
– એક દિવસ સુધાંશુ તો રોજના નિયમ પ્રમાણે રાતના ૮ વાગે ઘેર આવી ગયો હતો, પરંતુ શાલિની હજુ આવી નહોતી. રાતના નવ થયા, દસ થયા, બાર થયા. સુધાંશુએ શાલિનીના મોબાઈલ પર ખૂબ ફોન કર્યા, પરંતુ નો રિપ્લાય આવતો હતો. તે ચિંતાતુર થઈ ગયો. એણે શાલિનીનાં માતા-પિતા કે જેઓ મુંબઈ સાંતાક્રૂઝમાં જ રહેતાં હતાં ત્યાં ફોન કર્યા, પરંતુ શાલિની ત્યાં પણ ગઈ નહોતી. શાલિની છેક રાત્રે બે વાગે ઘેર આવી. તે ખૂબ થાકેલી હતી.
સુધાંશુએ પૂછયું ઃ ‘કેમ આટલું મોડું… ફોન કેમ ઉપાડતી નહોતી ?’
‘સૉરી સુધાંશુ ! ચાઈનાથી એક ડેલિગેશન આવેલું હતું. કંપનીના એમડીએ તાજમાં કૉન્ફરન્સ કમ ડિનર રાખ્યું હતું. ફોન સાઈલન્ટ મોડ પર રહી ગયો હતો અને તને તો ખબર છે ને મારી જોબમાં તો મોડું થાય છે જ !’ શાલિનીએ સ્પષ્ટતા કરી.
એ રાત્રે સુધાંશુ સૂઈ ગયો. માત્ર એની આંખો જ બંધ હતી. અંદરથી એ જાગતો હતો. શાલિની તો ઘસઘસાટ ઊંઘવા લાગી. શાયદ એણે થોડો વાઈન પણ પીધો હતો.
બીજા દિવસે સવારે સુધાંશુ મૌન હતો. એણે નિત્યક્રમ પતાવ્યો. બ્રેકફાસ્ટ કરીને ઑફિસે જવા નીકળ્યો. શાલિની તેના ગયાના અડધો કલાક પછી નીકળતી. શાલિનીના ચહેરા પર કોઈ ગિલ્ટીના ભાવ હતા. એણે સુધાંશુ સાથે આંખ જ ના મિલાવી, તે એટલું જ બોલી  ઃ ‘હવેથી મોડું થાય તેવું હશે તો અગાઉથી તને ફોન કરી દઈશ.’
આ વાતને કેટલોક સમય વીત્યો.
એક સાંજે શાલિની અને રશ્મિન એક રેસ્ટોરાંમાં મળ્યાં હતાં, બેઉ હવે એકબીજાને થોડો સમય પણ મળ્યા વગર રહી શકતા નહોતા. શાલિની બોલી હતી. ‘મને લાગે છે કે એક મોટો ઝંઝાવાત આવી રહ્યો છે. હું પ્રેગ્નન્ટ છું, રશ્મિન !’
રશ્મિને કહ્યું ઃ ‘એમાં વાંધો શું છે ? તું મેરિડ છે.’
‘પણ છેલ્લા બે મહિનાથી તેમણે મને સ્પર્શ પણ કર્યો નથી.  તેઓ મારાથી નારાજ છે, મારાથી દૂર રહ્યા છે ‘ ઃ શાલિની બોલી.
‘ઓહ !’ બોલતાં રશ્મિને કહ્યું  ઃ ‘તો એબોર્શન કરાવી લે.’
શાલિની ચૂપ થઈ ગઈ.
પણ એણે મનોમન કોઈક નિર્ણય તો કર્યો જ હતો. શાલિનીએ કહ્યું ઃ ‘બિયર મંગાવી લે.’
રશ્મિનને આૃર્ય લાગ્યું કે, શાલિની હવે પૂરી એક્ઝિક્યૂટિવ થઈ ચૂકી હતી. એણે ફોસ્ટર બિયર મંગાવ્યો. બિયર પીને રાત્રે તે ઘેર પહોંચી.
રોજ કરતાં સહેજ મોડી, પરંતુ સુધાંશુએ તેને કાંઈ પૂછયું જ નહીં, પણ શાલિની થોડી નશામાં હતી. જમી લીધા બાદ એ બેડરૂમમાં ગઈ. એણે લાઈટો બંધ કરી દેવા કહ્યું. થોડી વાર પછી બોલી ઃ ‘સુધાંશુ, મારે એક વાત કહેવી છે.’
‘કહે ને !’
‘હું પ્રેગ્નન્ટ છું.’
સુધાંશુ મૌન રહ્યો.
શાલિનીએ કહ્યું ઃ ‘કેમ કોઈ જવાબ આપ્યો નહીં.’
સુધાંશુએ મૌન જ રહેવાનું પસંદ કર્યું.
થોડી વાર પછી તે બોલી  ઃ ‘મારે એબોર્શન કરાવી લેવું છે.’
‘કેમ ?’
‘કારણ તું જાણે છે.’ શાલિની બોલી.
‘સારું કાલે સવારે આપણે ડૉક્ટર પાસે જઈશું. અત્યારે સૂઈ જા.’ સુધાંશુએ કહ્યું.
બીજા દિવસે કાંઈ બન્યું જ ના હોય તે રીતે સુધાંશુ સ્પષ્ટ હતો. શાલિની મૌન હતી. તેનો ચહેરો ગિલ્ટીથી ભરેલો હતો. સુધાંશુએ વહેલી સવારે જ ગાયનેક ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી. શાલિનીએ સાડી પહેરી લીધી. બેઉ કારમાં ગોઠવાયાં. પાલમાં કોઈ એક ગાયનેક તબીબની પ્રાઇવેટ હૉસ્પિટલ પર પહોંચ્યાં. ડૉક્ટરે શાલિનીને તપાસીને કહ્યું ઃ ‘કોંગ્રેચ્યુલેશન્સ, શી ઇઝ પ્રેગ્નન્ટ.’
શાલિનીએ પૂછયું ઃ ‘એબોર્શનમાં કેટલો સમય લાગશે, ડૉક્ટર.’
સુધાંશુએ વચ્ચે દરમિયાનગીરી કરતાં કહ્યું ઃ’અમે કાલે ફરી મળીશું ડૉક્ટર.’
બેઉ કારમાં પાછાં ફર્યાં. સુધાંશુએ શાલિનીને કહ્યું ઃ ‘તારે એબોર્શન કરાવવાનું નથી…’
‘પણ… ?’
‘એમાં આવનારા બાળકનો શું વાંક ? આપણી ભૂલ માટે એક જીવની હત્યા કરવાનો આપણને અધિકાર નથી.’ સુધાંશુ બોલી રહ્યો.
અને શાલિની રડી પડી. એ બોલી  ઃ ‘સૉરી સુધાંશુ, હું ગુમરાહ થઈ ગઈ હતી.’
– બીજા દિવસે શાલિનીએ નોકરી છોડી દીધી. એણે બાળકને જન્મવા દીધું. શાલિની કહે છે  ઃ ‘મારા પતિ માત્ર માનવી નથી, દેવતા છે. લોકોને જાણ થવા દો કે આવા પુરુષો પણ છે.’
અને શાલિની પોતાની વાત પૂરી કરે છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!