Close

મમ્મા, તું પણ સારી થઈ જશે તે પછી આપણે મસ્તી કરીશુ

કભી કભી | Comments Off on મમ્મા, તું પણ સારી થઈ જશે તે પછી આપણે મસ્તી કરીશુ

જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ…’

ગરિમા ઘરમાં કામ કરતાં કરતાં ટી.વી. પર આવી રહેલું ગીત ગણગણતી  હતી. કામ કરતાં કરતાં   થોડો થાક વર્તાયો એણે આરામ કરવા વિચાર્યું. વૃંદા ક્રિસમસનું વેકેશન માણી રહી હતી. મમ્મીને શયનખંડ તરફ જતી  જોઈ એ બોલી, ‘ મમ્મા, સૂઈ જવાની? ચાલને, થોડીવાર લુડો રમીએ.’

‘ના બેટા, હમણાં નહીં. હું જરા આરામ કરી લઉં ને પછી રમશું હોં’ : મમ્મી બોલી.

પલંગ પર આડાં પડીને એણે બામ લીધો. કપાળે, ગળે લગાવ્યા બાદ  છાતીએ લગાવતાં જ…ગરિમાનો હાથ છાતી પર બામ લગાવતો હતો ત્યાં જ અટકી ગયો  અને પળવાર માટે તો એણે જે સ્પર્શ્યું હતું એના કારણે એનું મગજ પણ સુન્ન મારી ગયું. એ એક સોપારી જેવી ગાંઠ હતી પણ સહેજે ય પીડાદાયક  નહોતી તેથી એણે મનના સંશયોને ખંખેરી નાંખ્યાં. એને ક્યાં ખબર હતી  કે આ એમ સહેલાઈથી ખંખેરી દેવાય એવું નહોતું! એને કોઈ જાતની  અશક્તિ, થાક, તાવ કે નીપલમાંથી પાણી વહેવાની ફ્રિયાદ નહોતી.  આમને આમ વૃંદા સાથે હસવા-રમવામાં પાંચ છ દિવસ નીકળી ગયાં.  પણ એ દરમિયાન પેલો ખંખેરાયેલો સંશય ઘડીક માથું ઊંચકી લેતો તેથી  એણે એક વખત ડોક્ટરને બતાવી દેવાનું નક્કી કર્યું. આખરે મેમોગ્રાફીનો  રિપોર્ટ પોઝિટિવ આવતાં જ સંશયે હકીકતનું રૂપ લીધું. ડોક્ટરે રિપોર્ટ  જોઈને ગરિમાને કહ્યું, ‘યસ, Triple positive breast cancer – કેન્સર  બિટવીન ર્ફ્સ્ટ અને સેકન્ડ સ્ટેજ.’ સાંભળતાં જ ગરિમાને દુનિયા ડૂબતી લાગી. અનાયાસ એની આંખો છલકી ઊઠી.

‘રડવાથી કશું નહીં થાય, મેડમ. ટ્રીટમેન્ટ ચાલુ કરો.’ ડોક્ટરના આ  શબ્દો ઘરે આવ્યાં પછી પણ કાનમાં પડઘાતાં રહ્યાં. ડોક્ટરે પણ હિંમત  આપતાં શબ્દો ન કહ્યાં.

‘હું શું કરું? ના, આ પીડા મારાથી નહીં જીરવાય. આમ પળ પળ મરવા  કરતાં હું મારી જાતે જ એનો અંત લાવી દઉં તો? હા, એ જ સારું રહેશે.  કયું મૃત્યુ સરળ રહેશે? ઉપરથી નીચે પડતું મૂકું કે ટ્રેન નીચે ઝંપલાવી  દઉં?’ રાત-દિવસ આ વિચાર એનો કેડો નહોતો મૂકતો. જેને પોતાના  માનતી હતી એવા આત્મીય જનો પણ જાણે-અજાણે એવું જ કહેતાં હતાં, ‘હવે તમે શું કરશો? ઘરમાં કોણ કરશે? તમારે તો બહુ ખર્ચો થઈ જશે!’  : એવી નકારાત્મક વાતો એના મનમાં ભરતાં રહેતાં એટલે ગરિમાએ ધીરે  ધીરે પોતાની જાતને આ બધાથી અલગ કરી દીધી.

પતિ વિશ્વાસના ઉષ્માભર્યા સાથે એ મહારાષ્ટ્રની ખ્યાતનામ કેન્સર  હોસ્પિટલમાં ગઈ. ત્યાંના ડોક્ટરે રિપોર્ટ જોઈને એને સસ્મિત કહ્યું,’અરે, ઈતની સી તો હૈ, ઈસમેં ક્યા ડરને કા? વો તો ઓપરેશન સે રિમૂવ હો જાયેગી ર જ્યાદા સ્પ્રેડ ભી નહીં હુઆ હૈ.” ડોક્ટરના આ હૂંફળા શબ્દોએ જ તો અડધી ટ્રીટમેન્ટ કરી દીધી! ગરિમા તો જાણે સામાન્ય શરદી-ઉધરસ થયાં હોય એવી હળવી થઈ ગઈ. તાત્કાલિક સારવાર ચાલુ થઈ અને ઓપરેશનની તારીખ પણ નક્કી થઈ ગઈ.

ઘરે આવીને એણે લાડકી વૃંદાને માનસિક રીતે તૈયાર કરવા માંડી. ગૂગલ પર કેમોથેરાપી લીધેલ મહિલાઓના ફેટોઝ બતાવ્યાં. ‘મમ્મા,  તારા વાળ પણ જતાં રહેશે? તું ઘરની બહાર નહીં નીકળતી.’ એણે  સહમીને કહ્યું. પછી એણે સાજી થઇ ગયેલી વ્યક્તિઓના ફેટોઝ જોયાં એમના માથા પર વાળ જોઈને એ  તરુણીના ચહેરા પર  સ્વસ્થતા આવી અને એણે મમ્મીને હિંમત આપી.  ‘મમ્મા, જોજે તું પણ સારી થઈ જશે પછી આપણે મસ્તી કરીશું.’

આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો. ઓપરેશન થિયેટરમાં જતાં  પહેલાં એણે પ્રેમભરી નજરોએ પતિ અને પુત્રીને નિહાળ્યાં અને એ બંનેનાં ભરપૂર આત્મવિશ્વાસમાં પોતાને પણ ઉમેરીને એ અંદર ગઈ.

સફ્ળ ઓપરેશન પછી વારો આવ્યો કેમોથેરપીનો. હોસ્પિટલના સાઇકિયાટ્રિસ્ટે સેશન દરમિયાન પોઝિટિવ થિન્કિંગ, સ્પિરિચ્યુયાલિટી, આત્મવિશ્વાસ વગેરે વિકસાવ્યું હતું અને ગરિમાએ પણ એ બધું જ પોતાના રોજિંદાક્રમમાં સામેલ કરીને આત્મબળ મજબૂત કર્યું હતું. ડાયટિશિયનની સલાહ પ્રમાણે એણે પોતાના સાત્ત્વિક અને પૌષ્ટિક ખોરાકનું સમયપત્રક પણ બનાવ્યું હતું. એટલી હિંમતવાળી કે પતિની  નોકરીની મજબૂરીના કારણે એ એકલી જ ડ્રાઈવર સાથે મુંબઈ કેમોથેરપી લેવા જતી હતી.  કેમોથેરપી એક બાજુ ચાલુ હોય અને એ કાનમાં હેડફેન નાખી કેમોથેરપી વખતે એ જૂના ગીતો સાંભળતી અને ગાતી…. ‘પ્યારે પંછી બાગો મેં’- એ ગીત વારંવાર સાંભળતી. ત્યાંથી આવીને તરત ઘરના બાકી રહેલાં કામો નિપટાવતી હતી. એના ડોક્ટર્સનો પણ સંપૂર્ણ સહકાર મળતો હતો તે ત્યાં સુધી કે સારવાર માટે ખૂટતી રકમનો પણ ડોક્ટરે બંદોબસ્ત કરાવી દીધો હતો. કોઈપણ જાતના નાત-જાતના ભેદભાવ વગર! ખરો માનવધર્મ તેમણે બજાવ્યો હતો. ચાર મુખ્ય કેમો વત્તા બાર અન્ય કુલ સોળ કેમોથેરપી ગરિમાએ ઘરગૃહસ્થી નિભાવવા સાથે એકલાં ઝઝૂમીને કરાવી. એ પછીના છ મહિનાની બીજાં ઈન્જેક્શોની ટ્રીટમેન્ટ પણ કરાવીને કેન્સર સામેનો જંગ જીતી ગઈ.

એ પણ એક સ્ત્રીનું જ હૃદય ધરાવતી હતી ભલે એણે પોતાને આંતરિક રીતે મજબૂત બનાવી દીધી હતી પણ એક માની મમતાની હૂંફ્ની ખોટ એને પણ ખૂબ સાલી. સ્વજનોના સાચા પ્રેમનું કેટલું મૂલ્ય છે એ જીવનની  આવી કપરી પળોમાં જ સમજાય. આજે ગરિમા સવાર-સાંજ દોઢ-દોઢ  કલાક યોગ કરવા દ્વારા અલૌકિક આનંદ સાથે સ્વાસ્થ્ય જાળવી રહી છે.  જમતી વખતે સાલતી એકલતા અને ભીની થતી આંખનો પણ એણે અદ્વિતીય ઉપાય શોધી લીધો છે! હવે એ જમવામાં એકલી નથી પણ મધુર કલબલાટ કરતાં પંખીઓ પણ બારીએ સાથે બેસીને જમે છે અને હા, સ્વયં ભગવાન પણ  દીપક પ્રગટાવતાંની સાથમાં જ એનો સાથ આપે છે. ગરિમા એનો સમય પ્રકૃતિના સાંનિધ્યમાં વિતાવવાનું વધુ પસંદ કરે છે.  એક વખત જીવન ટૂંકાવવા તૈયાર થયેલી ગરિમા જિંદગીનો જંગ જીતનાર વીરાંગના બની ચૂકી છે. સલામ છે ગરિમા તારા હોસલાને.

કેન્સરને પણ માત આપી શકાય છે, જો તમારું મનોબળ મજબૂત હોય તો.  બીમારી તો દરેકને આવશે જ પરંતુ બીમારીથી ગભરાઈ જવાની જરૂર નથી. કેટલીક વાર તો બીમારી કરતાં બીમારીનોે ભય વધુ નુકસાન કરે છે. બીમારી આવે તો  નિષ્ણાત તબીબ પાસે જાવ, સારવાર  લો, ડોક્ટરની સલાહ અનુસરો અને પોઝિટિવ થિન્કિંગ કરો. આ જ તમને સાજા અને તંદુરસ્ત કરી દેશે, તમે કોઈ દર્દીના સગાં છો તો  તેને સારું થઈ જશે એવી હિંમત આપો, નિરાશાજનક વાતો ના કરો. (અહીં આ સત્યઘટનાના પાત્રોના નામ બદલીને લખવામાં આવ્યા છે.)

(કથા આલેખન : સૌજન્ય : નૂતન કોઠારી,વાપી)

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!