Close

મમ્મી, હું પણ લંડન જતી રહીશ પછી તમારું કોણ?

કભી કભી | Comments Off on મમ્મી, હું પણ લંડન જતી રહીશ પછી તમારું કોણ?
એર ઈન્ડિયાની ફ્લાઇટ હવે ૪૦ હજાર ફિટના ઑલ્ટિટયૂડ પર હતી. બારીની બહાર માઇનસ ફોર્ટી ડિગ્રીના તાપમાન સાથે હજી ઉજાસ થતાં પ્લેન શાયદ તહેરાન પરથી ઊડી રહ્યું હતું. પ્લેનની બત્તીઓ બુઝાવી દેવામાં આવી હતી. મોટાભાગના ઉતારુઓ ઊંઘી ગયા હતા.  પરંતુ સાક્ષી હજી જાગતી હતી. એ બંધ આંખોની   ભીતર મનને મનાવી શકતી નહોતી. એને એનો એ જ પશ્ન ઘમરોળતો હતોઃ ‘પપ્પા ગુજરી ગયા છે અને તે જાણવા છતાં તેમની અંતિમ ક્રિયા માટે ઈન્ડીયા જવા ભાઈ કેમ ના આવ્યો?’
ફ્રી એ વિચારે ચડી ગઈ. તેની નજર સમક્ષ આખોય ભુતકાળ જાણે કે પ્રગટ થયો. એને યાદ આવી ગયું કે મોટો ભાઈ ઇન્ડિયા આવ્યો એ પહેલાં મમ્મી-પપ્પાએ એના સ્વાગત માટે કેટકેટલી તૈયારીઓ કરી રાખી હતી. ભાઈના રૂમને ફરી કલર કરી દેવાયો હતો. એના બાથરૂમમાં ટિશ્યૂ પેપર્સ લાવીને મૂકી દેવાયાં હતા. નવી ચાદર, નવા કર્ટેઇન્સ, નવા ટોવેલ્સ. પણ ત્રણ અઠવાડિયાના વેકેશન દરમિયાન બધું મળીને તે માંડ ચાર જ દિવસ મમ્મી- પપ્પા સાથે રહ્યો. એના જતા રહ્યા બાદ મમ્મીને પ્રેશર વધી ગયું. પપ્પા પણ એક પ્રકારના આઘાતમાં સરી પડયા હતા. હવે તેઓ વધુને વધુ બીમાર રહેવા લાગ્યા હતા.
એમને હવે સાક્ષીની ચિંતા હતી. પપ્પાએ તેમના ત્રણેય પુત્રોને પત્ર લખી સાક્ષી માટે કોઈ મુરતિયો શોધી કાઢવા જણાવ્યું. પણ સાક્ષી બોલી હતી ઃ ‘પપ્પા તમે મારી ચિંતા ના કરો. હું મારી રીતે શોધી કાઢીશ.’ સાક્ષીનું ભણવાનું પૂરું થતાં જ એણે એક કંપનીમાં જોબ શોધી કાઢી. પગાર ઓછો હતો પરંતુ સાક્ષી માટે તે એક આવક અને પ્રવૃત્તિ પણ હતી.
એકાદ વર્ષ બાદ તેમનો બીજા નંબરનો પુત્ર ઇન્ડિયા આવ્યો. તેમને એક દીકરી હતી. તે પણ હવે ખાસ્સી મોટી થઈ ગઈ હતી. પહેલા પુત્રના લાગણીશૂન્ય વર્તાવ બાદ એનાં મમ્મી-પપ્પાએ હવે બીજા પુત્ર પાસેથી પણ ઝાઝી અપેક્ષા ના રાખવી એમ નક્કી કરી નાખ્યું હતું. સાક્ષીના પપ્પાએ એમનાં પત્નીને કહ્યું હતું ઃ ‘આપણે છોકરાંઓને પાંખો આપી ઊડી ગયાં.  પક્ષીઓ પણ એમ જ કરે છે ને. બધું ભૂલી જવાનું. કોઈની પાસેથી કાંઈ અપેક્ષા રાખીએ તો જ દુઃખી થઈએ છીએ. અપેક્ષાઓ છોડી દો તો કોઈ દુઃખ નથી. દીકરો આવે છે તો એને ફાવે તેટલું રહે. આપણો દીકરો છે એની પાસેથી તું કાંઈ આશા રાખીશ નહીં.’
બીજો પુત્ર કે જે અમેરિકા સ્થાયી થયો હતો તે તેની પત્ની અને પુત્રી સાથે ઇન્ડિયા આવ્યો તેની દીકરી છ વર્ષની થઈ હતી. ગુજરાતી જ બોલતી નહોતી. પરંતુ તે લાગણીશીલ હતી. એને દાદા-દાદી સાથે, સાક્ષી ફોઈ સાથે વાતો કરવી ગમતી હતી. તે કહેતી હતીઃ ‘સાક્ષી ફોઈ, વ્હાય ડોન્ટ યુ કમ ટું અમેરિકા? આઈ લાઈક યુ.’
ત્યારે સાક્ષી કહેતીઃ ‘બેટા, આવીશ કોઈવાર .’ બે ચાર દિવસ થયા પછી પુત્રએ ધીમેથી પૂછયું ઃ ‘પપ્પા, આપણું પોળવાળું જૂનું મકાન હતું તે વેચી દીધું?’
‘હા…બેટા…’
‘કેટલા પૈસા આવ્યા?’
‘દસ લાખ.’
થોડા દિવસ થયા એટલે એણે ફરી પૂછયું – ‘પપ્પા, અત્યારે તમે રહો છો એ ફ્લેટની કેટલી કિંમત હશે?’
*ચાલીસ કે પચાસ લાખ,’ બોલતા પપ્પાએ પૂછયું ઃ ‘પણ કેમ તું આમ પૂછે છે?’
‘ના ના… અમસ્તા જ.’
‘તો પણ’
ભાઈ બોલ્યો હતો ઃ’એ તો હું એમ વિચારતો હતો કે કાલે તમે અને મમ્મી ના હોવ ત્યારે… એની શું કિંમત આવે તે જાણવા માગતો હતો.’- એમ ‘બોલતાં બોલતાં  એણે પોતાની પત્ની સામે જોેયું. એની પત્નીએ  નીચે જોઈ લીધું. મમ્મીને ખ્યાલ આવી ગયો કે બીજા નંબરનો પુત્ર ઇન્ડિયામાં શું માલ મિલકત રહી છે તેનો અંદાજ કાઢવા માંગતો હતો.’
મમ્મીથી ના રહેવાયું એટલે એ બોલીઃ ‘આ તારી બહેનને હજી પરણાવવાની બાકી છે ને! તું આવ્યો છે તો આ કામ પતાવીને જ જાને. અમારી હવે ઉંમર થઈ ગઈ છે.’
‘એ તો મમ્મી હવે સાદગીથી પતાવી દેવાનું. લગ્નના ખોટા ખર્ચા કરવાથી શું ફાયદો? અને હવે તો.. સાક્ષી ઇઝ ક્લેવર ઈનફ.  શી કેન મેનેજ હર સેલ્ફ.’
સાક્ષી તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. એ બીજા રૂમમાં ચાલી ગઈ. સાક્ષીના પપ્પાએ એમનાં પત્નીને ઇશારો કરી આ ચર્ચા અહીં જ સમાપ્ત કરી દેવા જણાવ્યું, બેઉં ચૂપ થઈ ગયાં.
સાંજે તેમનો પુત્ર અને તેમની પત્ની  તથા નાનકડી દીકરી કોઈના ત્યાં જમવા ગયા ત્યારે સાક્ષીના પપ્પા બોલ્યા ઃ ‘મેં તને કહ્યું હતું ને આપણે છોકરાંઓને પાસે કોઈ અપેક્ષા રાખવી નહી.’
અને સાક્ષીની મમ્મીની આંખમાંથી પાણી નીકળી ગયું.
થોડા દિવસ રહી તેમનો બીજો પુત્ર પણ પરિવાર સાથે અમેરિકા પાછો જતો રહ્યો.
સાક્ષીએ કહ્યું ઃ ‘પપ્પા મારા માટેની તમે બધી જ ચિંતાઓ છોડી દો.’
સાક્ષી જે કંપનીમાં કામ કરતી હતી તે કંપનીના જ એક કોમ્પ્યૂટર એન્જિનિયર સાથે તેને પરિચય થયો. યુવાન બીજી જ્ઞાતિનો હતો. પરંતુ સમજદાર હતો. બંને વચ્ચેનો પરિચય સમજદારીપૂર્વક મજબૂત બન્યો. એક દિવસ ઘેર આવીને એણે વાત કરીઃ ‘મમ્મી, મેં છોકરો શોધી કાઢયો છે. રવિવારે તે આપણા ત્યાં આવશે. તમે બંને જોઈ લો.’
સાક્ષીના મમ્મી-પપ્પાએ છોકરો  જોેયો. છોકરાની જ્ઞાતિ અલગ હતી પરંતુ એમણે બાંધછોડ કરી. સાક્ષીએ કહ્યું ‘પપ્પા, મારા લગ્ન નિમિત્તે કોઈ જ ખર્ચ કરવાનું નથી. અમે કોર્ટ મેરજ કરવાનું નક્કી  કર્યું  છે. થોડાક મિત્રોને નાનકડી પાર્ટી આપી દઈશું.
‘પણ બેટા ?’
‘ના, મમ્મી. તું બોલીશ નહીં.’
‘તારા ભાઈઓને જાણ તો કરવી પડશે ને!’
‘હા, તમે પત્ર લખી દેજો.’ અને સાક્ષી એના અભિજિત નામના યુવાન સાથે પરણી ગઈ.
લગ્ન પછી તે અલગ રહેવા ગઈ હતી. પરંતુ અઠવાડિયામાં બે વખત તે મમ્મી-પપ્પાની ખબર જોેવા આવતી હતી. પપ્પાની તબિયત હવે વધુ લથડવા માંડી હતી. તેમને ડાયાબિટીસ હતો. તેમની આંખોનું તેજ સાવ ઘટી ગયું હતું. તેઓ હવે બહાર ઝાઝું ફરી શક્તા નહોતા. એક દિવસ તેમને દેખાતું સાવ બંધ થઈ ગયું. ડોક્ટરોએ નિદાન કર્યું  કે ડાયાબિટીસનું આ એક પ્રકારનું કોમ્પ્લિકેશન્સ છે. તેમણે હવે આ રીતે જ જિંદગી ગુજારવી પડશે. સાક્ષીના પિતા અંધ બની ગયા. ૭૦ વર્ષની વયે આંખો જતી રહી હોવાથી તેઓ બીજા પર આધારિત બની ગયા તેમને કપડાં પણ શોધી આપવા પડે. બાથરૂમમાં દોરીને લઈ જવા પડે. સાંજના સમયે બહાર હીંચકા પર બેસાડવામાં આવતા.  ટી.વી. તો તેઓ જોેઈ શકતા નહોતા તેથી એક ટાન્ઝિસ્ટર ઓશીકા પાસે મૂકી રાખતા.
સાક્ષીએ તેના ભાઈઓને જાણ કરી કે, ‘પપ્પાની આંખો જતી રહી છે.’ એટલે ત્રણે ય જણે એક જ સલાહ આપી ઃ ‘સારા ડોક્ટરને બતાવી લો.’  કોઈએ પણ પૈસાની જરૂર હોય તો કહેજોે કે ટ્રિટમેન્ટની જરૂર હોય તો ઇંગ્લેન્ડ કે અમેરિકા આવી જાવ એવું કહ્યું નહીં.
પરંતુ સાક્ષીના પપ્પા મજબૂત મનના હતા. લાગણીઓ પર કાબૂ રાખતા તેઓ શીખી ગયા હતાં.
આ વાતને એકાદ વર્ષ વીત્યું.
એક દિવસ સાક્ષી ઘેર આવી. એણે કહ્યું ઃ ‘મમ્મી, અભિજિતને લંડનમાં જોબ મળી છે.’
‘એ તો સારા સમાચાર છે.’
અને સાક્ષી રડી પડી.’કેમ રડે છે, બેટા ?’ ઃ મમ્મીએ પૂછયું.
‘મમ્મી, મારા હસબન્ડ અભિજિતની સાથે લંડન જતી રહીશ પછી અહીં તમારું કોણ ?’
પપ્પા બોલ્યા હતાઃ ‘બેેટા, તારે લંડન જવાનું જ છે. તારી પાસે હજી લાંબી જિંદગી છે. અમારું જીવન તો હવે સમાપ્તિના આરે છે. ભગવાન સાચવનારો છે. ગોે હેડ બેટા. તું અમારા માટે આટલી લાગણી રાખે છે એ જ
અમારો સંતોષ છે’
સાક્ષીને રડતી જોઈ એની મમ્મી પણ રડી પડી.
થોડા દિવસ પછી સાક્ષી અને તેનો પતિ અભિજિત ફરી પિતાના ઘેર આવ્યા. બેઉએ સાક્ષીના મમ્મી-પપ્પાના આશીર્વાદ લીધા અને વર્ક પરમિટ વિઝા પર બેઉ લંડન જવા રવાના થઈ ગયા.
સાક્ષી માટે લંડન નવું નવું હતું. અભિજિતના કેટલાક મિત્રો પહેલેથી જ લંડનમાં રહેતા હતાં. થોડા દિવસ તેઓ લંડનના વેમ્બલી વિસ્તારમાં એક મિત્રને ત્યાં રહ્યાં, અભિજિતે જોબ શરૂ કરી થોડા દિવસ પછી સાક્ષીને પણ જોબ મળી ગઈ. એક દિવસ તેના મોટા ભાઈનો ફેન આવ્યો ઃ’સાક્ષી, તારે કોઈ કામ હોય તો કહેજે, સન્ડે તું ને અભિજિત જમવા આવજોે’
છ મહિનામાં લંડનમાં સાક્ષીને ફાવી ગયું. એણે અંડરગ્રાઉન્ડ ટ્રેનની સિસ્ટમ બરાબર સમજી લીધી હતી. તે હવે એકલી ફરી શકતી હતી. એકલી જોેબ પર જઈ શકતી હતી. અંગ્રેજી પણ તે બરાબર બોલી શકતી હતી. લંડનનું એક્સ્ટ્રીમ વેધર પણ ધીમે ધીમે એને ફાવતું ગયું. ત્રણ ચાર મહિને એકાદ વાર તે ભાઈને જઈ આવતી.
લંડનમાં સ્થાયી થયાને હવે ત્રણ વર્ષ થયા હતાં. સાક્ષી અને અભિજિત-બેઉ પાસે અલગ અલગ ગાડી હતી. સારા પગારના કારણે તેમણે હવે પોતાનું નાનકડું પણ આગવું  હાઉસ લઈ લીધું હતું. બંનેની પાસે અલગ અલગ મોબાઈલ હતા. સાક્ષીએ લંડનના કાતિલ શિયાળાને અનુકૂળ વસ્ત્રો પણ હવે અપનાવી લીધા હતા. સાક્ષીએ લંડનમાં  પોતાનું એક નાનકડું મિત્ર વર્તુળ પણ બનાવી દીધું હતું.
અને એક દિવસ મધરાતે એના ફોનની ઘંટડી રણકી ઊઠી. ઇન્ડિયાથી કોઈ દૂરના સગાનો ફોન હતોઃ ‘સાક્ષી, એક દુઃખદ સમાચાર છે. તારા પપ્પા ગુજરી ગયા.’
અને સાક્ષી  ધ્રુસકે ધ્રુસકે  રડી પડી. અભિજિતે એને સાંત્વના આપી. એના પીઠ પર હાથ ફેરવ્યો પરંતુ સાક્ષી કેમેય શાંત થતી નહોતી. અભિજિતે તેને પાણી પીવરાવ્યું.
મધરાતે  જ થોડીવાર પછી લંડનમાં જ રહેતા એના મોટા ભાઈનો ફેન આવ્યો ઃ ‘સાક્ષી, પપ્પા ઇઝ નો મોર.’  સાક્ષી એના ભાઈ સાથે વાત કરતાં કરતાં પણ ખૂબ રડી, એ બોલી ઃ ‘ભાઈ, મારે અત્યારે ને અત્યારે ઇન્ડિયા જવું છે’
‘ઓ.કે….ઓ.કે.  હું સવારે એર ઇન્ડિયા સાથે ચેક કરું છું કે કાલની ટિકિટ અવેલેબલ છે કે કેમ ?’
બીજા દિવસે એના ભાઈએ બે ટિકિટ મોકલી આપી અને કહ્યું, ‘સાક્ષી તું હીથ્રો એરપોર્ટ પર પહોંચી જજે.. હું સીધો જ આવી જઈશ. એ લોકોએ આપણા પહોંચ્યા બાદ જ પપ્પાની અંતિમ ક્રિયા કરવાનું નક્કી કર્યું છે.’
સાક્ષી લંડન એરપોર્ટ પર પહોંચી ત્યાં જ એના મોબાઈલ પર એના ભાઈનો ફોન આવ્યો ઃ ‘સાક્ષી મારે થોડો પ્રોબ્લેમ આવી ગયો છે. એમ કર, તું પ્લેનમાં બેસી જા… હું હમણાં નહીં આવી શકું.’
સાક્ષી માટે આ વાત પણ એક આંચકો જ હતો. તે એના ભાઈને કરગરતી રહી કે, ‘એકાદ દિવસ માટે પણ તું ઇન્ડિયા ચાલ. તારા વગર પપ્પાની અંતિમ ક્રિયા કોણ કરશે?
પણ તેનો ભાઈ ઍરપોર્ટ પર ના આવ્યો તે ના જ આવ્યો. સાક્ષીને આ જ વાતનું દુઃખ હતું. ત્રણ ત્રણ ભાઈઓ છતાં પિતાની અંતિમક્રિયા માટે કોઈને સમય નહોતો. સાક્ષી હવે એકલી જ ઇન્ડિયા જવા વિમાનમાં બેઠી. એ બધું જ યાદ કરતાં કરતાં તે શૂન્યમનસ્ક બની ગઈ હતી. એરક્રાફ્ટની બહાર હવે અંધારું હતું.  બધા જ પેસેન્જર્સ ઊંઘી ગયા હતા. સ્ક્રીન પર દેખાતી ફિલ્મ પણ હવે પૂરી થઈ ગઈ હતી. પરંતુ સાક્ષી એકલી એકલી ધીમા અવાજે રડતી હતી.
પ્લેન હવે ઇન્ડિયાની આકાશ સીમામાં પ્રવેશી ચૂક્યું હતું.
પૂરા આઠ કલાકની મુસાફ્રી બાદ સાક્ષી મુંબઈ થઈ અમદાવાદ પહોંચી. બીજા દિવસે એણે સ્મશાનઘાટ પર પિતાની ચિતાને અગ્નિદાહ દીધો. હિન્દુ સ્ત્રી સ્મશાનમાં જ ના જઈ શકે તેવી પરંપરાને તેણે તોડી નાંખી કેટલીય વાર સુધી તે ભભૂકતી જ્વાળાઓને જોેઈ રહી…..’પપ્પા…પપ્પા….’ બોલતી રડતી રહી.
માતાના ઉદરમાં જ દીકરીઓની ભ્રૂણ હત્યા કરનારાઓને આ લાગણીસભર કથા અર્પણ છે.
 – દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!