Close

મહારાણીએ હિન્દુ શરણાર્થીઓ માટે રાજમહેલના દરવાજા ખોલી નાંખ્યા

કભી કભી | Comments Off on મહારાણીએ હિન્દુ શરણાર્થીઓ માટે રાજમહેલના દરવાજા ખોલી નાંખ્યા

પદ્માવતી દેવી.

છત્તીસગઢના રાજનંદગાંવથી  સંસદ સુધી પહોંચનાર એકમાત્ર મહિલા મહારાણી પદ્માવતી સિંહ દેવી હતા. તેમણે ૧૯૬૭માં ચોથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ  પર વિજય હાંસલ કર્યો હતો. તેઓ ખૈરાગઢ રાજ્ય પરિવારના મહારાણી હતા.

રાણી પદ્માવતી દેવીએ કળા સંગીતની ઇંદિરા વિશ્વ વિદ્યાલય યુનિવર્સિટીની સ્થાપના માટે પોતાનો રાજમહેલ દાનમાં આપી દીધો હતો.

મહારાણી પદ્માવતી દેવીનો જન્મ તા. ૧૭ જુલાઇ ૧૯૧૮ના રોજ પ્રતાપગઢમાં થયો હતો. ૧૯૩૪માં રાજા વિરેન્દ્રસિંહ સાથે તેમનાં લગ્ન થયાં.  ૧૯૫૨માં તેઓ રાજ્ય વિધાનસભામાં ચૂંટાયા. ૧૯૫૬માં તેઓ મધ્યપ્રદેશના રાજ્ય સરકારના મંત્રી બન્યા. ૧૯૬૭માં તેઓ રાજનંદગાંવથી ચૂંટણી લડીને લોકસભામાં ગયાં. આ ચૂંટણીમાં તેમને ૧ લાખ  ૩૨ હજાર ૪૪૪ મત મળ્યાં હતા જ્યારે તેમના પ્રતિ સ્પર્ધી ઉમેદવારને માત્ર ૪૬,૦૦૪ મત મળ્યા હતા. પરંતુ ૧૯૭૧માં કોંગ્રેસે તેમને ટિકિટ ના આપી.

મહારાણી પદ્માવતી દેવીએ તેમના પુત્રી રાજકુમારી ઇંદિરાના નામે પોતાનો રાજમહેલ ‘કમલ વિલાસ’ દાનમાં આપી દીધો. આ રાજમહેલમાં મધ્યપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી રવિશંકર શુકલના સહયોગથી એશિયાનું પ્રથમ સંગીત વિશ્વવિદ્યાલય- યુનિવર્સિટીની સ્થાપના થઇ. એ વિશ્વવિદ્યાલયનું ઉદ્ઘાટન એ વખતના વડા પ્રધાન ઇંદિરા ગાંધીના હસ્તે કરવામાં આવ્યું.

પદ્માવતી દેવી પ્રતાપગઢના રાજા પ્રતાપ બહાદુરસિંહના સૌથી નાનાં પુત્રી હતા. તેમને મહેલમાં જ શિક્ષણ પ્રાપ્ત થયું.

મહારાણી પદ્માવતી દેવીએ છોકરાઓને ભણાવવા માટે રાજભવનમાં જ પદ્માવતી પુસ્તકાલયની સ્થાપના કરી. ખૈરાગઢની ‘રાજા લાલ બહાદુર કલબ’માં સપ્તાહમાં એક દિવસ મહિલાઓ માટે અનામત રહેતો. એ કલબમાં કેરમ, બેડમિંટન અને સંગીતની સુવિધા હતી.

તેમણે મહિલાઓને ઘોડેસ્વારી અને બંદૂક ચલાવવાની તાલીમનો પણ આરંભ કર્યો હતો.  ગરીબ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિનો પણ ઇન્તઝામ કર્યો હતો.

આમ તો એ વખતના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને મધ્યપ્રદેશના એ વખતના મુખ્યમંત્રી રવિશંકર શુકલએ ૧૯૪૮માં મહારાણી પદ્માવતી દેવીને રાજનીતિમાં આવવા માટે ઉત્સાહિત કર્યા હતા. તેઓ હિન્દી, ઊર્દૂ, નેપાળી અને છત્તીસગઢી ભાષાઓમાં પારંગત હતા.

મોહિન્દર કૌર

એવાં જ બીજાં એક સન્નારી મહારાણી મોહિન્દર કૌર હતા. જેઓ પણ પટિયાલા રાજવી પરિવારમાંથી આવતા હતા. ૧૯૬૭ની ચોથી લોકસભામાં પટિયાલાથી ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા હતા. દેશના તેઓ છેલ્લા મહારાણી માનવામાં આવે છે. ૧૯૪૭માં ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે શરણાર્થીઓને તેમણે ખૂબ મદદ કરી હતી. પટિયાલાના રાજવી પરિવારને શીખ ધર્મ સાથે જોડી રાખવામાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી.

મહારાણી મોહિન્દર કૌરનો જન્મ તા. ૧૪ સપ્ટેમ્બર ૧૯૨૨ના રોજ લુધિયાણામાં થયો હતો.  તેમના પિતા હરચંદસિંહ જેઓ કોંગ્રેસના સહયોગી સંગઠન સિયાસત  પ્રજામંડળ સાથે સંકળાયેલા હતા. તેમના લગ્ન પતિયાલાના મહારાજા યાદવિંદર સિંહ સાથે થયા હતા. મહારાજા યાદવિંદર  સિંહ નેધરલેન્ડના એમ્બેસેડર પણ બન્યા હતા.

૧૯૭૪માં હેગમા મહારાજા યાદવિદરસિંહનું અવસાન થયું.

વાત એમ હતી કે રાણી મોહન્દર કૌરના પતિ યાદવિંદરસિંહ જ ઇચ્છતા હતા કે તેઓ દેશની રાજનીતિમાં સક્રિય રહે પરંતુ એ વખતના વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ તેમને વિદેશમાં ભારતના એમ્બેસેડર તરીકે નિમણૂક આપી હતી.

એ પછી તેમના પત્ની મહારાણી મોહિન્દર કૌર રાજનીતિમાં આવ્યા. ૧૯૬૪થી ૧૯૬૭ સુધી તેઓ કોંગ્રેસના સભ્ય રહી રાજ્યસભામાં રહ્યા. ૧૯૬૭ની ચોથી  લોકસભામાં તેઓ ચૂંટણીમાં વિજય હાંસલ કરીને સંસદમાં ગયા. ૧૯૭૧ સુધી તેઓ લોકસભામાં રહ્યા.

નોંધપાત્ર વાત એ છે કે ૧૯૪૭માં દેશના ભાગલા  બાદ પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓ માટે તેમણે પોતાના પટિયાલાના શાહી મહેલના દરવાજા ખોલી નાખ્યા હતા. તેઓ ખુદ લંગર રાંધતા હતા.  મહારાણી હોવા છતાં ઉઘાડા પગે નિઃસહાય શરણાર્થીઓની સેવા કરતા હતા. તબીબી કેમ્પોનું પણ તેઓ રોજ પરિક્ષણ કરતા હતા. પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના પુર્નવસવાટ માટે પણ તેમણે ખૂબ કામ કર્યું.

ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી તેનો વિરોધ મહારાણી મોહિન્દર કૌરે કર્યો. એ કારણે તેઓ જનતા પાર્ટીના સભ્ય બની ગયા. જનતા પાર્ટીએ તેમને પક્ષના મહામંત્રી બનાવ્યાં. ૧૯૭૮થી ૧૯૮૪ સુધી તેઓ જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સભ્ય રહ્યા.

૧૯૭૪માં પતિના નિધન બાદ  મહારાણી મોહિન્દર કૌરે સાદગી ભર્યું જીવન અપનાવી લીધું. એમણે ઘરેણાં અને સિલ્કની સાડીઓનો ત્યાગ કર્યો અને ફક્ત સફેદ કે નીલા રંગના વસ્ત્રો પહેરવાની શરૂઆત કરી. પોતાના જીવનના અંતિમ દિવસોમાં તેઓે સામાજિકજીવનથી  દૂર રહી ધાર્મિક  કાર્યોમાં વ્યસ્ત થઇ ગયાં.

તા. ૨૪ જુલાઇ ૨૦૧૭ના રોજ ૯૫ વર્ષની વયે પટિયાલામાં તેમનું અવસાન થયું. મહારાણી મોહિન્દર કૌરના પુત્ર કેપ્ટન અમરિન્દરસિંહ આજે પંજાબના મુખ્યમંત્રી છે. .

– દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!