Close

માત્ર ૧૩ વર્ષની વયે પ્રિન્સેસ પ્રિન્સ ફિલિપના પ્રેમમાં પડયાં

કભી કભી | Comments Off on માત્ર ૧૩ વર્ષની વયે પ્રિન્સેસ પ્રિન્સ ફિલિપના પ્રેમમાં પડયાં

બ્રિટનનાં મહારાણી ક્વીન એલિઝાબેથનો જન્મદિન તા. ૨૧મી એપ્રિલના રોજ કોઈ પણ પ્રકારની ઝાકઝમાળ વિના, તોપોની સલામી વિના સાદગીપૂર્ણ રીતે ઊજવાયો. ક્વીન એલિઝાબેથ ૯૪ વર્ષનાં થયાં. કોરોનાગ્રસ્ત બ્રિટન અને સમગ્ર વિશ્વએ તેમણે શુભકામના પાઠવી.

બ્રિટનનાં મહારાણી ક્વીન એલિઝાબેથ યુ.કે.ના રાજવી પરિવારનાં વડાં છે. તમે જાણો છો તેમની પાસે શું સત્તાઓ છે ?

ક્વીન એલિઝાબેથ આ વિશ્વમાં સૌથી વધુ જમીન ધારણ કરે છે. ૬.૬ બિલિયન એકર જમીન છે જે તેમના નામે છે. આજે પણ તેઓ વિશ્વના ૧૬ જેટલા દેશોનાં મહારાણી તરીકેનું સન્માન ધરાવે છે. યુ.કે.ની આસપાસના દરિયાના ત્રણ કિલોમીટરના પાણીમાં આવેલી ડોલ્ફ્નિ માછલીઓ તેમની માલિકીની છે. લંડનની ટેમ્સ નદીમાં જેટલા હંસ તરે છે તે બધાં જ તેમની માલિકીનાં છે. મહારાણી એલિઝાબેથ ડ્રાઇવિંગ લાઇસન્સ વિના જ કાર ચલાવી શકે છે, કારણ કે બીજાઓને તે ડ્રાઇવિંગ લાઇસન્સ અપાય છે તે તેમના નામે અપાય છે. તેથી તેમને ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર રહેતી નથી. ક્વીનને વિદેશ જવા માટે પાસપોર્ટની પણ જરૂર નથી. ક્વીનની બે જન્મ તારીખો છે. તમે જ્યારે બ્રિટનનાં વડાં છો ત્યારે એક જન્મ તારીખ પૂરતી ગણાતી નથી. ક્વીનનો અધિકૃત જન્મ દિવસ જૂનના બીજા શનિવારે ઊજવવામાં આવે છે, પરંતુ તેમનો વાસ્તવિક જન્મદિવસ તા. ૨૧ એપ્રિલ છે. ક્વીનને પોતાના પરિવાર માટે પ્રાઇવેટ એટીએમ છે તો લંડનના બકિંગહામ પેલેસમાં મહારાણી હોવાથી કેટલોક સમય એકાંતમાં રહી સમય પસાર કરવો પડે છે. તેથી તેમનો એક અંગત કવિ પણ છે. બ્રિટનની પાર્લામેન્ટ જે કોઈ કાયદા પસાર કરે છે તેની પર ક્વીનના દસ્તખત થાય તે પછી જ તે કાયદા અમલી બને છે. મહારાણી એલિઝાબેથે કોઈ ટેક્સ ચૂકવવાનો હોતો નથી, પરંતુ ક્વીન ૧૯૯૨થી નિયમિત કર ચૂકવે છે. ક્વીન એલિઝાબેથ ઓસ્ટ્રેલિયાનાં પણ મહારાણી છે. મહારાણી ઓસ્ટ્રેલિયાની આખી સરકારને બરખાસ્ત કરી દેવાની સત્તા ધરાવે છે. ક્વીન ધર્મમાં એટલે કે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનાં પણ વડાં છે.

ક્વીન સામે કોઈ પણ કેસ કે ખટલો ચલાવી શકાતો નથી. તેમની કદીયે ધરપકડ કે અટકાયત કરી શકાતી નથી. ક્વીન યુ.કે.ના લશ્કરનાં કમાન્ડર ઇન ચીફ છે એટલે કે યુ.કે.નાં લશ્કરી દળો તેમના નામે છે. ક્વીન પાસે કોઈ પણ મંત્રીની નિમણૂક કે બરતરફીની સત્તા છે. તેઓ બ્રિટનના વડા પ્રધાનને પણ બરતરફ કરી શકે છે. કોઈ પણ દેશ સાથેનું યુદ્ધ જાહેર કરવાની સત્તા એકમાત્ર ક્વીન એલિઝાબેથ પાસે છે.

આ બધું હોવા છતાં એક વિદ્વાને કહ્યું હતું કે, જેટલી વધારે સત્તા એટલી જ વધારે જવાબદારી અને બ્રિટનનાં મહારાણીએ તેમની સત્તાઓને વિવેકપૂર્ણ રીતે નિયંત્રિત રાખી હોઈ તેઓ આખા વિશ્વમાં સન્માનનીય મહારાણી છે.

ક્વીન એલિઝાબેથ બીજાનો જન્મ તા. ૨૧ એપ્રિલ, ૧૯૨૬ના રોજ થયો હતો. તેઓ બ્રિટન ઉપરાંત અન્ય કોમનવેલ્થ પરિવારનાં રાષ્ટ્રોનાં પણ મહારાણી છે. તેમનો જન્મ લંડનમાં થયો હતો. તેમને ઘરમાં જ શિક્ષણ આપવામાં આવ્યું હતું. ૧૯૪૭માં તેમનું લગ્ન ડયૂક ઓફ એડિનબરોના પ્રિન્સ ફિલિપ સાથે થયું હતું. ક્વીનનું આખું નામ એલિઝાબેથ એલેક્ઝાન્ડ્રા મેરી વિન્ડસર છે. પિતાનું નામ જ્યોર્જ છઠ્ઠા અને માતાનું નામ એલિઝાબેથ બ્રોવેસ લ્યોન છે. ૧૯૫૨માં તેમના પિતાના અવસાન બાદ તેઓ કોમનવેલ્થનાં વડા બન્યાં. તેઓ જે સાત સ્વતંત્ર દેશોનાં પણ ક્વીન ગણાયાં તેમાં યુ.કે., કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને સિલોનનો સમાવેશ  થતો હતો.

બ્રિટિશ રોયલ સામ્રાજ્યના ઇતિહાસમાં સૌથી લાંબો સમય મહારાણી રહેવાનું માન ક્વીન એલિઝાબેથને ફળે જાય છે. તેમને તેમનાં માતાનું જ નામ આપવામાં આવ્યું હતું. તેમનાં બહેનનું નામ પ્રિન્સેસ માર્ગારેટ છે જેમનો જન્મ ૧૯૩૦માં થયો હતો. બંને રાજકુમારીઓને પેલેસમાં જ ઇતિહાસ, સાહિત્ય અને સંગીતનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. તેમની સારસંભાળ રાખનાર ગવર્નેસનું નામ મારિઓન ક્રાર્ફ્ડ હતું. મારિઓન ક્રાર્ફ્ડે બંને રાજકુમારીઓના બચપણની જીવનકથા ‘ધ લિટલ પ્રિન્સેસિસ’ લખી છે. આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે, પ્રિન્સેસ એલિઝાબેથને ઘોડા અને કૂતરાંઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેઓ તેમની જવાબદારીઓ પ્રત્યે સભાન હતાં. બ્રિટનના રાજા તરીકે જ્યારે તેમના દાદા ગાદી પર બિરાજતા હતા ત્યારે બ્રિટનની ગાદીના વારસદાર તરીકે તેઓ લાઇનમાં ત્રીજા નંબરે હતાં. આમ તો ૧૯૩૬માં તેમના દાદાજીનું અવસાન થયું ત્યારે તેમના કાકા એડવર્ડ આઠમાએ  ગાદી સંભાળવાની હતી, પરંતુ તેમના લગ્ન અંગે એક વિવાદ થતાં પ્રિન્સેસ એલિઝાબેથના પિતા બ્રિટનના રાજા બન્યા અને તેમના પછી પ્રિન્સેસ એલિઝાબેથ બ્રિટનનાં મહારાણી બન્યાં.

બીજા વિશ્વયુદ્ધ વખતનો કાળ કપરો હતો. લંડન પર સતત બોમ્બમારો થતો હતો. પ્રિન્સેસ માર્ગારેટ અને પ્રિન્સેસ એલિઝાબેથને કેનેડા ખસેડવાની દરખાસ્ત આવી હતી, પરંતુ આ ભલામણનો બંને રાજકુમારીઓનાં માતાએ અસ્વીકાર કર્યો. તેમણે કહ્યું, “બાળકો મારા વગર ક્યાંયે જશે નહીં, હું રાજા વગર ક્યાંયે જઈશ નહીં અને રાજા ક્યાંયે જશે નહીં.”

છેવટે બંને રાજકુમારીઓને સ્કોટલેન્ડના બાલમોરલ કેસલ ખાતે રાખવામાં આવી હતી. ૧૯૪૦માં તેમને રોયલ લોજ વિન્ડસર ખાતે અને તે પછી વિન્ડસર કેસલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ૧૯૪૦માં રાજકુમારી એલિઝાબેથે ૧૫ વર્ષની ઉંમરે બીબીસી રેડિયો પર બાળકોના કાર્યક્રમમાં ભાગ લઈ પહેલું રેડિયો બ્રોડકાસ્ટ કર્યું હતું.

રાજકુમારી એલિઝાબેથ ૧૯૩૪માં તેમના ભાવિ પતિ પ્રિન્સ ફિલિપ ઓફ ગ્રીસ એન્ડ ડેન્માર્કને મળ્યા હતા. તે પછી ફ્રી ૧૯૩૭માં મળ્યા. કહેવાય છે કે, તે પછી માત્ર ૧૩ વર્ષની વયે તેઓ પ્રિન્સ ફિલિપના પ્રેમમાં પડી ગયાં હતાં અને એ ૧૯૩૯ની સાલ હતી જ્યારે તેઓ પ્રિન્સ ફિલિપને ડારમોથની રોયલ નેવલ કોલેજ ખાતે મળ્યા હતા. એ પછી તેઓ એકબીજાને પત્રો લખતાં રહ્યાં. રાજકુમારી એલિઝાબેથ ૨૧ વર્ષનાં થયાં ત્યારે તેમનું સગપણ પ્રિન્સ ફિલિપ સાથે અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું. આ સગપણ પણ વિવાદનો વિષય બન્યું હતું, કારણ કે પ્રિન્સ ફિલિપ આર્થિક રીતે સદ્ધર નહોતા. વળી તેઓ વિદેશમાં જન્મેલા હતા. બીજો વિવાદ એ હતો કે પ્રિન્સ ફિલિપનાં બહેન નાઝી સંપર્ક ધરાવતા, પરંતુ એક જર્મન ખાનદાન વ્યક્તિને પરણ્યા હતાં. કેટલાક કહેતા હતા કે તેઓ પ્રિન્સ છે પણ તેમની પાસે રાજ નથી, પરંતુ છેવટે બધું સમુંસુતરું પાર ઊતર્યું. લગ્ન પહેલાં પ્રિન્સ ફિલિપે ડયૂક ઓફ એડિનબરોનું બિરુદ હાંસલ કર્યું અને તેઓ હીઝ રોયલ હાઇનેસ બન્યા. છેવટે તા. ૨૦ નવેમ્બર, ૧૯૪૭ના રોજ એલિઝાબેથ અને ફિલિપ લગ્નગ્રંથિથી જોડાયાં. તેમના આ રોયલ લગ્ન પ્રસંગે આખા વિશ્વમાંથી ૨,૫૦૦ જેટલી ભેટસોગાદો આવી હતી.

તા. ૧૪ નવેમ્બર, ૧૯૪૮ના રોજ એલિઝાબેથે તેમના પ્રથમ પુત્ર પ્રિન્સ ચાર્લ્સને જન્મ આપ્યો. ૧૯૫૦માં રાજકુમારી એનને જન્મ આપ્યો. હવે આ રોયલ પરિવાર લંડનના બકિંગહામ પેલેસમાં રહે છે.

ક્વીન એલિઝાબેથ અનેક દેશોની મુલાકાત લઈ ચૂક્યાં છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી માંડીને અમેરિકાની મુલાકાત પણ લઈ ચૂક્યાં છે. ૧૯૫૭માં અમેરિકાની મુલાકાત દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને પણ સંબોધી હતી.

તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાનું લગ્નજીવન અનેક વિવાદોનું વિષય બન્યું હતું. ક્વીન પર હુમલાના નિષ્ફ્ળ પ્રયાસો પણ થઈ ચૂક્યા છે. ૧૯૭૭માં ડાયવોર્સ પછી પૂર્વ પુત્રવધૂ ડાયનાનું પેરિસમાં એક કાર અકસ્માતમાં અવસાન નીપજ્યું હતું.

૨૦૦૭માં ક્વીન વિક્ટોરિયા તેમના ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડમધર ક્વીન વિક્ટોરિયા કરતાં પણ યુનાઇટેડ કિંગ્ડમના સૌથી વધુ લાંબો સમય રહેનારાં મહારાણી બન્યાં.

ક્વીન ભાગ્યે જ કોઈને ઇન્ટરવ્યૂ આપે છે. બ્રિટનના બંધારણીય વડાં હોવાના નાતે તેઓ કદી પોતાનો અંગત રાજકીય અભિપ્રાય જાહેર કરતાં નથી. તેઓ ધર્મનું ઊંડું જ્ઞાન ધરાવે છે. આજે પણ તેઓ ૬૦૦ જેટલી સંસ્થાઓ અને ચેરિટી ટ્રસ્ટોનાં વડાં છે. આજે પણ તેઓ બ્રિટનનાં જ નહીં પરંતુ વિશ્વનાં આદરણીય મહિલા  છે. હેપ્પી બર્થડે.        DEVENDRA PATEL

http://www.devendrapatel.in

Be Sociable, Share!