વિતેલા જમાનાના વિખ્યાત ફિલ્મ અને ટીવી સિરિયલના નિર્માતા- નિર્દેશક બી.આર. ચોપરાની ટીવી સિરિયલ મહાભારતમાં અનેક પાત્રો આવે છે પરંતુ તેમાં ધૃતરાષ્ટ્રનું પાત્ર ભજવવું કોઈ પણ કલાકાર માટે સૌથી વધુ મુશ્કેલ હતું. કારણ કે એક દૃષ્ટિવાન વ્યક્તિએ દૃષ્ટિહીન વૃદ્ધ પુરુષનો રોલ ભજવવાનો હતો.
આ સિરિયલ ફરી એકવાર તાજેતરમાં પ્રર્દિશત થઈ ત્યારે તેમણે એક દિલ્હીથી પ્રગટ થતા અંગ્રેજી અખબાર ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ને મુલાકાત આપતાં જણાવ્યું કે ધૃતરાષ્ટ્રનો રોલ ભજવવો મારા માટે એક પડકાર હતો. આ એક એવું પાત્ર હતું જે ભીતર અને બહાર એમ બંને બાજુ સંઘર્ષનો સામનો કરી રહ્યું હતું અને તે પણ ‘મહાભારત’ના અંત સુધી. તેનું એક કારણ એ હતું કે મારે એક દૃષ્ટિહીન વ્યક્તિનો રોલ ભજવવાનો હતો અને એવી વ્યક્તિનો રોલ ભજવવાનો હતો કે જે અંધ હોવાથી તેને રાજસિંહાસનથી દૂર રાખવામાં આવ્યો હતો. સૌથી મોટા હોવાના કારણે રાજગાદી પર બેસવાનો ધૃતરાષ્ટ્રનો પ્રથમ હક હતો. આથી ધૃતરાષ્ટ્રના મનમાં હંમેશાં એ દ્વિધા હતી કે શું કરવું અને શું ના કરવું?
તેઓ કહે છેઃ ‘મને આ રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે ‘મહાભારત’માં ધૃતરાષ્ટ્રના મહત્ત્વ વિશે હું બહુ ઓછું જાણતો હતો અને એ કારણે મારે આખું ‘મહાભારત’ શાંતિથી વાંચી જવું પડયું.
‘મહાભારત’ વાંચ્યા બાદ જ મને ખબર પડી કે આખીયે કથામાં આ જ એક એવું પાત્ર છે જે શરૂથી અંત સુધી રહે છે. શરૂઆત જ તેનાથી થાય છે અને અંત પણ. યુદ્ધ પૂરું થયા બાદ ‘મહાભારત’ની કથા પ્રમાણે બધા પાંડવો ધૃતરાષ્ટ્રને મળવા આવે છે. ધૃતરાષ્ટ્રના તમામ પુત્રો મૃત્યુ પામી ચૂક્યા છે ત્યારે ધૃતરાષ્ટ્ર ભીમને ભેટવા માટે પોતાની પાસે બોલાવે છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ ઇશારો કરીને ભીમને રોકે છે. તેઓ ધૃતરાષ્ટ્રના મનમાં રહેલા ક્રોધને જાણી ચૂક્યા હોઈ ભીમના બદલે ધાતુના એક પૂતળાને ધૃતરાષ્ટ્રની પાસે લઈ જાય છે. ધૃતરાષ્ટ્ર તેને ભીમ સમજી આલિંગન આપી તેને બે હાથ ભીંસી કચડી નાખવા પ્રયત્ન કરે છે અને ધાતુનું પૂતળુ તૂટી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણની અગમચેતીથી ભીમ બચી જાય છે. આવે અભિનય કરવો એક પડકાર હોય છે.
અત્રે એ નોંધવું જરૂરી છે કે કહેવાય છે કે ધૃતરાષ્ટ્રમાં ૧૦૦ હાથી જેટલું બળ હતું.
હવે ગિરિજાશંકરની વાત. તેઓ કહે છે : ‘હું દૃષ્ટિવાન હોવા દૃષ્ટિહીન વ્યક્તિ તરીકેનો રોલ કરતાં પહેલાં મારે સતત એક જ તરફ આંખ રાખી ગ્ષ્ટિહીન દેખાવા માટે ખૂબ કસરત કરવી પડી હતી. એમ કરતાં કરતાં હું ખૂબ થાકી જતો હતો. કેટલીક વાર મારે બે શોટ વચ્ચે બ્રેક લેવો પડતો હતો.
ગિરિજાશંકર કહે છે : ‘મહાભારત’માં ધૃતરાષ્ટ્રનો રોલ મને કેવી રીતે મળ્યો તે પણ તમને કહું. એ પહેલાં મેં બી.આર. ચોપરાની ‘આજ કી આવાજ’ ફિલ્મમાં રોલ કર્યો હતો. એ ફિલ્મના હીરો હીરોઇન તરીકે રાજબબ્બર અને સ્મિતા પાટિલ હતા. એ ફિલ્મ કરતાં પહેલાં હું થિયેટર એટલે કે નાટકોમાં કામ કરતો હતો. એકવાર ચોપરા સાહેબે મુંબઈના પૃથ્વી થિયેટરમાં મારું એક નાટક જોવા સપરિવાર આવ્યા હતા. તેમને એક નાટકમાં મારો અભિનય બહુ જ ગમી ગયો. તે પછી તેમણે ‘આજ કી આવાજ’ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું અને તેમણે મને બોલાવી તે ફિલ્મમાં નાનો પણ મહત્ત્વનો રોલ આપ્યો. તે પછી તેમણે મને ‘બહાદુરશાહ ઝફર’ શ્રેણીમાં પણ રોલ આપ્યો.
તેઓ કહે છે : ‘મહાભારત’માં ધૃતરાષ્ટ્રના રોલ માટે મારી પસંદગી થયા બાદ રવિ ચોપરાએ મને કહ્યું હતું : ‘ગિરિજા, તમારે આ સીન કેવી રીતે કરવા છે? તમે કેવી રીતે મૂવમેન્ટ કરશો? હું એ પ્રકારે શોટ ગોઠવીશ.’
રવિ ચોપરાની આ વાત કોઈ પણ એક્ટર માટે એક મોટું સન્માન હતું.
તેઓ કહે છે : ‘પહેલાં તો મને કહેવામાં આવ્યું કે હું દૃષ્ટિહીન લાગુ તે માટે મારે લેન્સ પહેરવા જોઈએ. હું દ્વિધામાં પડી ગયો વળી એે લાંબી પ્રક્રિયા હતી તેથી મે રવિ ચોપરાને કહ્યું કે મને આ રોલ નેચરલી એટલે કે સ્વાભાવિક રીતે જ કરવા દો.’
એ પછી પહેલો શોટ લેવાયો અને દૃષ્ટિહીન વ્યક્તિ તરીકેનો મારો અભિનય જોઈ તેઓ મને ભેટી પડયા. તેઓ બોલ્યા : ‘તમે પરફેક્ટલી ઓલ રાઇટ છો. હવે બીજું કાંઈ કરવાની જરૂર નથી.’
‘મહાભારત’માં કામ કરતા પહેલાં ગિરિજા શંકરે દૂરદર્શનની સિરિયલ ‘બુનિયાદ’ અને ‘ઉત્તરાન’માં પણ કામ કર્યું હતું. પરંતુ તેઓ મોટે ભાગે પંજાબી ફિલ્મોમાં કામ કરતા હતા. પરંતુ નામ અને સન્માન તેમને ‘મહાભારત’ ટીવી શ્રેણી દ્વારા જ પ્રાપ્ત થયા.
‘મહાભારત’ ટીવી સિરિયલ આજથી ૩૨ વર્ષ પહેલાં રજૂ થઈ હતી. હવે તે ફરી પ્રસારિત થઈ.
એક્ટર ગિરિજાશંકર હવે ૬૦ વર્ષના થયા છે અને તેઓ અમેરિકામાં લોસ એન્જલસ ખાતે સ્થાયી થયા છે. હા પંજાબી ફિલ્મોમાં કામ કરવા તેઓે અવારનવાર લોસ એન્જલસથી ભારત આવન-જાવન કરે છે. તેઓ કેટલીક ફિલ્મોની સ્ક્રિપ્ટ જાતે જ લખે છે. લોસ એન્જલસમાં પણ તેમનું એક પ્રોડક્શન હાઉસ છે. તેઓ એક ટીવી શ્રેણી બતાવવાની તૈયારી કરતા હતા પરંતુ અમેરિકામાં કોરોનાની મહામારી ફેલાતાં હાલ તે કામ સ્થગિત કરાયું છે. ગિરિજા શંકર કહે છે : ‘કોરોના મહામારી ખતમ થયા બાદ અમે ફ્લોર પર ફરી જઈશું. ભારત કરતાં અહીં અમેરિકામાં કામ કરવું સરળ છે કારણ કે ભારતમાં અમે કોઈ શો કરીએ છીએ અને ક્યારેક તેના પર વિવાદ સર્જાતા હોય છે. તેથી ભારતમાં શું દર્શાવવું અને શું ના દર્શાવવું તેની દ્વિધા રહે છે. અહીં બધું વધુ ઉદાર વાતાવરણ છે. બધંુ લિબરલ છે. અહીં તમારે જે કામ કરવું હોય તે કરી શકો છો.’
ગિરિજાશંકરની વાત સાચી છે, ભારતમાં તો લોકોની લાગણીઓ વાતવાતમાં ઘવાઈ જતી હોય છે. લોકોની લાગણીઓનો અહીં બહુ જ ખ્યાલ રાખવો પડે છે.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in