Close

મારાં મમ્મી-પપ્પાને ત્યાં જન્મ લીધો એ જ મારું કમનસીબ

કભી કભી | Comments Off on મારાં મમ્મી-પપ્પાને ત્યાં જન્મ લીધો એ જ મારું કમનસીબ

એક વ્યથિત યુવતીનો પત્ર છે. તે કહેે છે : ‘યે જિંદગી કૈસી હૈ પહેલી કભી હસાયે કભી યે રૂલાયે ?’
મુંબઈથી આવેલો પત્ર આ પ્રમાણે છે.
જિંદગીમાં ચડતી-પડતી, ભરતી, ઓટ, સુખ-દુઃખ એમ વારાફરતી આવ્યાં જ કરે. આ પ્રકૃતિનો નિયમ છે. સંસારનો ક્રમ છે. દુનિયાની દરેક વ્યક્તિના જીવનમાં શરૂઆતમાં સુખ તો પછી દુઃખ, દશકો- ચડતી, તો દશકો પડતીનો આવે છે. પરંતુ કુદરતની કરામત કહો કે પછી મારાં નસીબની બલિહારી. મેં જિંદગીમાં ‘સુખ’ શું કહેવાય, તે અનુભવ્યું નથી. બસ નસીબ મારાંથી બે ડગલાં આગળ દોડે છે. જિંદગીનો મહાસાગરમાં દુઃખ સાથે ઝઝૂમતી, એકલી એકલી હવે હું માનસિક, શારીરિક રીતે ભાંગી પડી છું. જી હાં, ‘હું’ એટલે ‘થર્ટી પ્લસ’ થયેલી, તન-મનથી તૂટી પડેલી, સતત એકલતા અનુભવતી ! ઘરમાં સતત ઉપેક્ષા, માનસિક ત્રાસ, ઘરમાં નવા સભ્યોનું એક-યા બીજા સ્વરૂપે આગમન, તેથી મારાં પ્રત્યે વધતું જતું દરેક સભ્યોનું ઓરમાયંુ વર્તન, કોઈ પણ સારી પ્રવૃત્તિ કરવા પર રોકટોક, કંઈક કરવાની ખૂબ જ તમન્ના, પરંતુ જો હું આગળ વધી જઈશ તો મારા ભાઈ-બહેન, પાછળ રહી જશે, તેવી હીન ભાવનાને કારણે મારામાં ઘણું બધું સામર્થ્ય, ખૂબ સારી ટેલેન્ટ હોવા છતાં આજે હું જ્યાં છું ત્યાં જ રહી ગઈ. જો મને આજથી દશ- બાર વર્ષ પહેલાં મારાં ભાઈને આપેલી છૂટ જેટલી મને આપીને મારી મનગમતી પ્રવૃત્તિ સાથે સંકળાવાની રજા મારા પિતાશ્રીએ આપી હોત તો આજે હું સફળતાની ચરમસીમાએ પહોંચી ગઈ હોત !!
કરુણતા તો એ બાબતની છે કે હવે આજે મારાં પપ્પા મને કોઈ પ્રવૃત્તિ કરવાની કહે છે. જિંદગીની અમૂલ્ય વર્ષો મેં ઘરના દરેક સભ્યોને સાચવવામાં, ઘરની અગણ્ય પ્રવૃત્તિમાં, ઘરની સમગ્ર જવાબદારી સંભાળવામાં વેડફી નાખ્યા. આ ઉંમરે માન મળવાની બાબત તો બાજુ પર રહી મને જિંદગીમાં સહેજ પણ સ્વતંત્રતા નથી. ખાવાનો શોખ કરું તો, ‘જાડી થઈ જઈશ,’ પહેરવા ઓઢવાનો શોખ કરું તો- હવે આ ઉંમરે તારે તૈયાર થઈને કોને દેખાડવાનું છે ? આ ઉંમરે તારે આમ- કરાય, તેમ ન કરાય, સતત ટોકવાનું- ઘરના નાના-મોટા સભ્યો દ્વારા ચાલુ જ છે. માન અને સ્વતંત્રતા ન હોય ત્યાં પ્રેમની તો વાત જ ક્યાં રહી ? પિતાનું વાત્સલ્ય, માતાની હૂંફ મારા માટે સ્વપ્ન સમાન બની ગયું. ભાઈ-ભોજાઈ માટે હું બોજ સમાન છું. તો ભગીનીઓ માટે હું તેમના માર્ગમાં આડખીલી છું. ટૂંકમાં મારા ઘર માટે હું ‘દીકરી સાપનો ભારો’ કહેવતની પ્રતીક છું. હું મિસ સુહાસિનીમાંથી મિસિસ સુહાસિની ‘ન’ બનું તે માટે કહેવાતો, સુધરેલો સમાજ, મારો અડોશ-પડોશ, સગા-સંબંધી અને સાથે સાથે મારાં તકદીરે પણ સાથ દીધો !! એક-એક દિવસ મારે માટે એક- એક વરસ બનતું ગયું. મારામાં કંઈ ખામી ન હોવા છતાં મારે ઘણી જ ઊતરતી કક્ષાની વ્યક્તિ સાથે થોડું ઘણું જતું કરીને ગૃહસ્થી વસાવી લેવી જોઈએ તેવો કુટુંબીજનોનો આગ્રહ હતો. હું પણ મેચ્યોર્ડ છું તેવા સંજોગો સાથે સમાધાન કરવું જોઈએ તે હું સમજું છું. પરંતુ એવું સમાધાન તો ન જ થાય કે જેને પરિણામે મળતું પાત્ર ફક્ત અને ફક્ત એક જીવંત વ્યક્તિ હોય કે જેનામાં પર્સનાલિટી, સ્માર્ટનેસ, આવડત કે એજ્યુકેશન કાંઈ ન હોય, જે વ્યક્તિ એજ્યુકેટેડ ન હોય તેનામાં અંડરસ્ટેન્ડિંગ ન હોય. અને જેનામાં અંડરસ્ટેન્ડિંગ ન હોય તે મને શું સમજી શકવાનો ?!!!
મારાં મા-બાપ મારા માટે યોગ્ય જીવનસાથી નથી શોધી શક્યા, કાંઈ વાંધો નહીં. કદાચ તેમનો પુરુષાર્થ ઓછો પડયો હશે અથવા મારું પ્રારબ્ધ બે ડગલાં પાછળ હશે. પરંતુ જો મને ક્યાંક જોબ કરવા દીધી હોત, કોઈ સારી પ્રવૃત્તિ કરવા માટે પરમિશન આપી હોત તો જરૂર મને યોગ્ય લાઈફ પાર્ટનર મળી જાત. પરંતુ કરુણતા તો એ વાતની છે કે આજે હું મારા કોઈ મિત્ર સાથે વાત કરું, બોલું અથવા તો તેનો ફોન આવે તો પણ તેના ઘરના સભ્યોને શંકા થાય છે. અઢારમી સદીમાં સ્ત્રી-પુરુષના સંબંધને શંકાની નજરે જોવાતો – તે જ નજરે આજે એકવીસમી સદીમાં પણ શંકાથી જોવાય તે મારાં એજ્યુકેટેડ મા-બાપ માટે ખૂબ જ શરમજનક વાત છે પછી ભલેને મારા પિતાશ્રી તેમની સ્ત્રી- કર્મચારી, કોઈ સંબંધીની પત્ની કે, તેમની ઓફિસમાં આવતી સ્ત્રી-ગ્રાહક સાથે છૂટથી વાતો કરે. મારા મમ્મી પણ તેમના સર્કલમાં, સગા-સંબંધીના પુરુષ વર્ગ સાથે હસી-મજાક કરે. તેમને માટે બધું સામાન્ય. પરંતુ હું ફક્ત ફોન પર જ વાતચીત કરું, મોટા-ભાગે મારી બહેન, મમ્મી-પપ્પા ત્યારે કોઈને કોઈ કામસર સતત ત્યાં હાજર હોય તો પણ તેઓ શંકા કરે ત્યારે મારી જગ્યાએ બીજી કોઈ બળવાખોર યુવતી હોત તો જરૂર કાંઈક નવાજૂની કરે. પરંતુ મારા સંસ્કારમાં એવું નથી. હું મારા મિત્રને ક્યારેક જાહેરમાં મળી નથી, કયારેય ક્યાંક પિકચર જોવા, ડિનર કે લંચ લેવા ગઈ નથી. તેમની આબરૂને કલંક લાગે તેવું મેં ક્યારેય કોઈ કાર્ય કર્યું નથી. છતાંય મારી એ સારપની નોંધ લેવાની તો વાત બાજુ પર રહી તેઓએ હંમેશા મારું અપમાન કર્યું છે. મારા મમ્મી-પપ્પા કે ઘરના સભ્યો કેમ સમજી શકતા નહીં હોય કે, મને જો કોઈ સાથે લફરું, કે અફેયર હોત તો હું આટલા વરસ તેમના ઘરમાં અપમાન સહન કરવા, મ્હેણાં-ટોણાં સાંભળવા, ઘરના ઢસરડા કરવા તો ન જ રોકાણી હોત !!
મારા પપ્પાએ ઘરની બધી જ જવાબદારીનો બોજ મારી પર નાંખી દીધો છે. પોતે શાંતિથી બેઠા- બેઠા જીવન પસાર કરે છે. સામાજિક વ્યવહારિક બાબતની પણ મહ્દ અંશે જવાબદારી મારાં પર છે. તેથી કોઈ પ્રસંગોપાત કોઈ વ્યક્તિને- સંબંધીને કહેવામાં ભૂલચૂક થઈ જાય તો પણ મારાં પપ્પા મને ક્યાંય મૂકી આવે છે. ઘરમાં કાંઈ પણ ભૂલ-ચૂક થાય, વહેવારમાં ક્યાંય કંઈક રહી જાય, તો તરત જ મારા પપ્પા કહે કે સુહાસિનીના હિસાબે જ આવું થયું. તેમના કોઈ સગા-સંબંધી સાથે તેમને મન દુઃખ થાય તો તરત જ કહેશે- સુહાસિનીના લીધે જ ફલાણા સગાં આપણે ત્યાં આવતા નથી. સગા-સંબંધીને પણ મારા પપ્પા એવું કહે કે- જુઓને, સુહાસિનીએ ઘરનો બધો જ કારભાર સંભાળી લીધો છે. ઘરનો ‘મેંઢારો’ બધો જ સુહાસિનીના હાથમાં છે. ત્યારે મારું અંતરમન આક્રંદ કરી ઊઠે છે, કે મારા પપ્પા તેમને પોતાને ‘સારા’ બતાવવા માટે મને કેમ ખરાબ ચીતરે છે ??? મારા મમ્મી, એ પણ ઘરની જવાબદારી મને સોંપીને કીટીપાર્ટી, કલબ, મંડળ અને ધર્મ-ધ્યાનમાં દિવસ પસાર કરે છે. તે તો મારા પ્રત્યે સાવ લાગણીશૂન્ય છે. નાનપણથી સમજણી થઈ ત્યારથી અત્યાર સુધીમાં મારી માએ મને ક્યારેય પ્રેમ આપ્યો નથી. ધગ-ધગતા તાવમાં મારી જાતે પાણીની ધાર કરીને મારી ‘મા’એ મારી પાસેે દિવાળીનો નાસ્તો કરાવ્યો છે. ઘરનું બધું જ કામકાજ, રસોઈમાં મદદ કરીને પછી જ હું સ્કૂલ- કોલેજ જઈ શકી છું. નાનપણથી આજે- અત્યારે આ ઉંમરે પણ વાંક-ગુનો હોય કે ન હોય, હજી પણ મા,બાપ, ભાઈ, બહેનો અનહદ માર ખાઉં છું. મન આક્રોશ કરી ઊઠે તો મારાથી પણ જેમ તેમ બોલાઈ જાય તો મારની પરાકાષ્ઠા, સાણસી, વેલણ, સાવરણી જેવા કોઈ પણ હાથવગા સાધનથી વધી જાય છે. આ મારી જિંદગીની નક્કર કરુણ વાસ્તવિક્તા છે. કરુણતા તો એ વાતની છે કે, જે ભાઈને મેં હોશેથી પરણાવીને ભાભીને ઘરમાં લાવી, આજે તે ભાભી મને મારા મા-બાપની દેખતાં ન કહેવાના વચનો, મ્હેણાં-ટોણાં, મારીને હડધૂત કરે છે, તેને મારા મા-બાપ કાંઈ કહી શકતા નથી. જો મારી મમ્મી કાંઈ કહેવા જાય તો તેનું પણ અપમાન કરીને મૂંગી કરી દે છે અને મારાં પપ્પા અને મારો ભાઈ બંને મારી ભાભીને વશ થઈ ગયાં હોય તેમ કાંઈ કહેતા નથી. ઘણીવાર તો હું એવી લાગણીનો અનુભવ કરું છું કે હું આ ઘરની દીકરી નથી, એટલું બધું મારાં પપ્પા મારી ભાભીના ખરાબ વર્તને છાવરીને સારા સસરાનો મોભો જાળવી રાખે છે. ભાભીને સાચવવાની લ્હાયમાં મારા પપ્પા મને કટુવચનો કહીને ઉપરાંત બે તમાચાનો ખિતાબ પણ આપે છે. મારા પપ્પાને ઘરનું કામકાજ મારી પાસે કરાવવું છે અને આળ-પંપાળ તથા સાચવવી છે મારી ભાભીને. આ ક્યાંનો ન્યાય ?!!! જો મને મારાં મમ્મી,પપ્પાનો થોડો પ્રેમ, થોડી સહાનુભૂતિ મળી હોત તો હું આટલી બધી ભાંગી પડી ન હોત, આજે એકલતા, ઉદાસી અને અશ્રુઓ મારા સાથીદાર છે.
શું આ જ મારી જિંદગી છે ? મને ચાહનારો, સમજનારો, મારા સુખ-દુઃખનો સાથીદાર આ જગતમાં ક્યાંય નહીં હોય?! મારા મમ્મી-પપ્પાને ત્યાં મેં જન્મ લીધો તે મારી ભૂલ છે ? મારા મમ્મી-પપ્પા મને ક્યારેય નહીં સમજી શકે ?? મારી ભાભીને વાણી, વર્તન, હરવા, ફરવા, બોલવા, ચાલવા બધાં પ્રકારની સ્વતંત્રતા અને મારા માટે બધી જ પાબંદી આ કયાંનો ન્યાય ? લખીને બસ હૈયું હળવું કરું છું. મને સહાનુભૂતિ, દયા નહીં, પરંતુ મારું મનોબળ ટકી રહે તે માટે તમારા સૌની પ્રાર્થનાની જરૂર છે. હું તો મારા જેવી કંઈ કેટલીયે કમનસીબ યુવતીઓના દૃષ્ટાંતરૂપ છું. આજે યુવતીઓ શા માટે અવળા રસ્તે ચાલવા મજબૂર બને છે? શા માટે મોતને વ્હાલું કરે છે ? શા માટે ઘર છોડી દે છે ? શા માટે જ્યાં ત્યાં ફસાઈ જાય છે ? સમાજશાસ્ત્રીઓ, સમાજના ઘડવૈયાઓ ભારતીય સંસ્કૃતિના રખેવાળો, મારા પ્રશ્નો પર વિચાર કરવાનો સમય હવે પાકી ગયો છે.
એક કમનસીબ યુવતી
સુહાસિની .
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!