Close

મારા પતિ જો ‘સર’નો ખિતાબ લેશે તો હું તલાક લઇ લઈશ

કભી કભી | Comments Off on મારા પતિ જો ‘સર’નો ખિતાબ લેશે તો હું તલાક લઇ લઈશ

આજથી ૧૦૦ વર્ષ પૂર્વે ગાંધીજી સ્ટીમરમાં બેસી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા ત્યારે મુંબઈના બંદર પર તેમનું સ્વાગત કરવાની આગેવાની મોહંમદ અલી ઝીણા, ગોપાલ કૃષ્ણ ગોખલે અને કોંગ્રેસના બીજા આગેવાનોએ લીધી હતી. તા.૧લી જાન્યુઆરી ૧૯૧૫નો એ દિવસ હતો. બપોરના સમયે ગાંધીજી  સ્ટીમરમાંથી ઊતર્યા ત્યારે ગાંધીજી અને મોહંમદ અલી ઝીણા પહેલી જ વાર એક બીજાને ભેટયા હતા. ગાંધીજીએ ગોખલેનાં ચરણસ્પર્શ કર્યા હતા.

બીજા દિવસે મુંબઈમાં ગાંધીજીના સન્માન માટે સ્વાગત સમારંભ રાખવામાં આવ્યો હતો. એ સમારંભના પ્રમુખ સ્થાને મોહંમદ અલી ઝીણા હતા. ઝીણા એ વખતે રાષ્ટ્રીય નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. ગાંધીજીના સન્માન વખતે ઝીણાએ અંગ્રેજીમાં ભાષણ કર્યું અને ગાંધીજીએ ટૂકું પણ ગુજરાતીમાં ભાષણ કર્યું હતું. મોહંમદ અલી ઝીણાના પૂર્વજો કાઠિયાવાડના હતા અને ગાંધીજીની જન્મભૂમિ પણ સૌરાષ્ટ્રમાં હતી. બંનેના વતન વચ્ચે માત્ર ૬૫ કિલોમીટરનું અંતર હતું. બંનેની જીવન શૈલી અને વિચારો વચ્ચે કદી મેળ ના ખાય તેવું અંતર  હતું.

મુંબઈના બંદરે ઊતર્યા બાદ કોઈએ ગાંધીજીને કહ્યું કે ઝીણાએ સાર્વજનિક જીવનને ભૂલીને ૧૮ વર્ષની રત્તી  નામની એક યુવતી સાથે લગ્ન કરી લીધું છે. એ વખતે ઝીણાની વય માત્ર ૪૧ વર્ષની હતી.

વાત કાંઈક આવી હતી.

એ સમયમાં ભારતમાં અને ખાસ કરીને મુંબઈમાં ભારતની આઝાદી માટેનું આંદોલન વેગ પકડી રહ્યું હતું. એ  પૂર્વે ઈરાનમાં રહેતાં કેટલાક પારસી પરિવાર ઈરાનના કટ્ટરતાવાદી શાસકોના ત્રાસથી છૂટ્વા ભારત આવીને વસ્યા હતા. તેમાંનું એક પરિવાર હતું મશહૂર પારસી ઉદ્યોગપતિ સર માનકજી દિનશા પેટિટ. તેમના ઘેર તા. ૨૦ ફેબ્રુઆરી ૧૯૦૦ના રતનબાઈ  પેટિટનો જન્મ થયો. ઘરમાં બહાર તેમને વહાલથી રત્તી કહીને બોલાવતા હતા.

એ વખતે રત્તી બેહદ ખૂબસૂરત અને તેજ દિમાગ ધરાવતી બાળકી હતી. એ સમયમાં તેમના ઘેર દાદાભાઈ નવરોજી ફિરોજશાહ મહેતા, મેડમ ભીકાજી  કામા, બદરૂદીન તૈયબજી, ગોપાલકૃષ્ણ ગોખલે, શ્રીમતિ એની બેસન્ટ, સરોજની નાયડુ, મોહમંદ અલી ઝીણા, અતિયા  ફૈજી જેવી મહાન હસ્તીઓ આવતી હતી. એ બધાની અસર રત્તી પેટિટ પર પડી. રત્તી પણ દેશની આઝાદીના ખ્વાબ જોવા લાગી હતી.

આ દરમિયાન રત્તીની જિંદગીમાં એક વણ કહ્યો મધુર સંબંધ આકાર લેવા માંડયો હતો. ૧૮ વર્ષની રત્તી અને ૪૦ વર્ષના મોહંમદ અલી ઝીણા વચ્ચે આ લાગણીભર્યો સંબંધ વિકસવા લાગ્યો. જો કે ઝીણા તો રત્તીના પિતાના મિત્ર હતા. એ સમયગાળામાં મુંબઈની સોસાયટીમાં ઝીણાનું એક આગવું સ્થાન હતું.

અને તા.૨૦ ફેબ્રુઆરી, ૧૯૧૮ના રોજ  રત્તી પેટિટ પોતાના ૧૮મા જન્મ દિવસે પિતાનું ઘર છોડી મોહમંદ અલી ઝીણા પાસે ચાલી ગઈ. તેઓ પતિ-પત્ની બની  ગયાં.

૧૯૧૯-૧૯૨૦માં રત્તીએ કોંગ્રેસના કોલકત્તા તથા નાગપુર ખાતે મળેલા અધિવેશનમાં રત્તીએ ઉત્સાહભેર ભાગ લીધો. રત્તી ભારતને જલદી આઝાદી મળે તેવી ચાહ ધરાવતી હતી. તે પછી ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયનના પહેલા અધિવેશન વખતે રત્તીએ પ્રતિભાવશાળી પ્રવચન કર્યું. એ વખતે રોલેટ એક્ટ  સાથે દેશમાં જબરદસ્ત વિરોધ હતો.

રત્તી હાજર જવાબી હતી અને અંગ્રેજોને રત્તીની આ કુશળતા ખૂબ ખૂંચતી હતી. શિમલા અધિવેશનમાં રત્તીએ વાઈસરોય લોર્ડ ચેમ્સફોર્ડનું તેમણે બે હાથ જોડીને અભિયાદન કર્યું. જે એક ભારતીય પરંપરા હતી. કાર્યક્રમ ખત્મ થયા બાદ લોર્ડ ચેમ્સફોર્ડ ક્રોધથી રત્તીને કહ્યું: ‘મિસિસ ઝીણા તમારા પતિની રાજનીતિ અને વ્યવહાર શાનદાર હોય છે તમે પણ તેમની જેમ જ વ્યવહાર કરો. ઈન રોમ યુ મસ્ટ ડુ એ જ રોમન્સ ડુ.’

રત્તીએ બહુ જ વિનમ્રતા પૂર્વક વાઈસરોયને જવાબ આપ્યોઃ ‘મેં એમ જ કર્યું છે. ભારતમાં મેં તમારું ભારતીય પ્રણાલિકા પ્રમાણે જ અભિવાદન કર્યું છે. ‘

અને વાઈસરોય ખામોશ થઈ ગયા.

હવે ૧૯૨૧ની વાત. એ વખતે લોર્ડ રીડિંગ ભારતના વાઈસરોય હતા. એકવાર તેમણે રત્તીને કહ્યું: ‘મારે જર્મની જવાની ઇચ્છા છે પણ હું જઈ શક્તો નથી.’

રત્તીએ પૂછયું: ‘કેમ? ‘

લોર્ડ રીડિંગે કહ્યું: જર્મન લોકો અમને એટલે કે અંગ્રેજોને પસંદ કરતા નથી.’

રત્તી હાજર જવાબી હતાં. તેઓ બોલ્યાઃ ‘મહામહીમ, તો પછી આપ અહીં કેવી રીતે આવ્યા?’

લોર્ડ રીડિંગને રત્તીએ આડકતરી રીતે કહી દીધું. કે ‘જેમ જર્મન લોકો તમને પસંદ કરતા નથી તેમ અમે ભારતીયો  પણ તમને એટલે કે અંગ્રેજોને પસંદ કરતા નથી. તમે અહીં શા માટે આવ્યા?

રત્તીનો આ વ્યંગ સાંભળી લોર્ડ રીડિંગ મૌન થઈ ગયા.

હવે ૧૯૨૮ની સાલની વાત. અંગ્રેજો બુદ્ધિશાળી ભારતીયોને પોતાની તરફ ખેંચવા અને તેમના સમર્થક બનાવી દેવા ‘સર’ નો ખિતાબ આપતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે ‘સર’નો ખિતાબ સ્વીકારવા ઈન્કાર કરી દીધો હતો. ૧૯૨૮માં ભારતમાંની બ્રિટિશ સરકારે મોહમંદ અલી ઝીણાને ‘સર’નો ખિતાબ આપવાની વિચારણા ચાલી. તો આ વાતની જાણ થતાં રત્તીએ  સ્પષ્ટ પણે કહી દીધું કે, ‘મારા પતિ ઝીણા જો ‘સર’ નો ખિતાબ સ્વીકારશે તો હું તેમનાથી તલાક લઈ લઈશ.’

શેક્સપિયરે કહ્યું છે કે, ‘પુરુષો જ્યારે પ્રેમ કરે છે ત્યારે વસંત ઋતુ હોય છે પરંતુ લગ્ન બાદ પુરુષો શીતઋતુમાં પરિવર્તીત થઈ જાય છે.’

બસ આવું જ કાંઈક ઝીણાના જીવનમાં પણ થયું. શાદી બાદ રત્તી પોતાની  હરેક સાંજ તેમના પતિ સાથે ગુજારવા માગતા હતા પરંતુ હવે તેમની વચ્ચેના પ્રેમમાં તીરાડ આવતી ગઈ. ખાસ કરીને ઝીણાની બેરુખી, કડક મિજાજ અને શુષ્કતાના કારણે એમના પ્રેમમાં ઓટ આવતી ગઈ.

રત્તી હવે પતિ દ્વારા ઉપેક્ષિત થવા લાગ્યા હતા. ૧૯૨૮માં ઉપેક્ષિત રત્તી મુંબઈની તાજ હોટેલમાં રહેવા ચાલ્યા ગયાં. એ વખતે દેશમાં સાંપ્રદાયિક તનાવ વધી રહ્યો હતો. ઝીણાની કેટલીક જીદથી રત્તી તેમનાથી દૂર થતા રહ્યાં. રત્તી હવે દિવસે દિવસે કમજોર થવા લાગ્યા હતાં. દબાતા પગલે મૃત્યુ તેમની તરફ આવી રહ્યું હતું અને તા.૨૦ ફેબ્રુઆરી, ૧૯૨૯ના રોજ માત્ર ૨૯ વર્ષની વયે જ રત્તીએ દેહ છોડી દીધો અને એમના અવસાનની સાથે જ આ દેશને આઝાદ થયેલો જોવાની રત્તીની ખ્વાહીશ પણ ખામોશ થઈ ગઈ. રત્તી એક તેજસ્વી, પ્રભાવશાળી, હસમુખા અને માયાળુ મહિલા હતા. મુંબઈમાં તેમની થાણામાં તેમની કબર છે. અલબત્ત, રત્તીના અવસાનથી મોહંમદ અલી ઝીણા પણ હતાશ થઈ ગયા હતા અને રત્તીના વિયોગથી બહાર આવતા તેમને ઘણો સમય લાગ્યો હતો. ક્યારેક ચૂપચાપ તેઓ કબ્રસ્તાનમાં જઈ રત્તીની કબર પર ફૂલોનો ગુલદસ્તો મૂકી આવતા હતા. અને ઉદાસ ચેહરે પાછા ફરતા હતા.

તેઓ શાયદ રત્તીને સમજવામાં નિષ્ફળ ગયા હતા. પાકિસ્તાનના સર્જક પણ તેઓ જ હતા.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!