Close

મારા પિતાની ઉંમરના શખ્સે મારી સાથે ગંદી હરકત કરી

કભી કભી | Comments Off on મારા પિતાની ઉંમરના શખ્સે મારી સાથે ગંદી હરકત કરી

વિશ્વભરમાં મહિલા દિવસ ઊજવવો તે હવે એક ફોર્માલિટી થઈ ગઈ છે.

 વાસ્તવિક પરિસ્થિતિ શું છે ?

ભારતમાં શહેરોથી માંડીને ગ્રામ્ય વિસ્તારોમાં રોજેરોજ જેટલી બળાત્કારની ઘટનાઓ ઘટે છે તે દેશ માટે લજ્જાનો વિષય છે. ‘નારી તું નારાયણી ‘ અને જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ રમે છે- તેવી ઉક્તિઓ માત્ર ગ્રંથોમાં જ કેદ છે, વ્યવહારમાં નહીં.

બળાત્કાર અને યૌન ઉત્પીડનના મામલામાં ભારત વિશ્વમાં ચોથા નંબરે છે, પહેલા નંબરે અમેરિકા છે. (૧) અમેરિકામાં માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં જ ૨૫ ટકા છોકરીઓ બળાત્કાર અથવા યૌન ઉત્પીડનનો શિકાર બને છે. (૨) ત્યાર પછી બીજા નંબરે દક્ષિણ આફ્રિકા આવે છે. આ દેશમાં દર ત્રણ મહિલાએ એક સ્ત્રી યૌન અપરાધનો શિકાર બને છે. (૩) ત્રીજા નંબર પર સ્વિડન આવે છે. સ્વિડનમાં દર ચાર મહિલાએ એક સ્ત્રી બળાત્કારનો શિકાર બને છે. (૪) ચોથા નંબરે ભારત આવે છે. અહીં દર ૨૨ મિનિટે બળાત્કારનો એક નવો કેસ દાખલ થાય છે. (૫) પાંચમા નંબરે બ્રિટન આવે છે. અહીં એક વર્ષમાં ૮૫ હજાર બળાત્કારના કેસ નોંધાય છે. (૬) છઠ્ઠા નંબરે જર્મની આવે છે અહીં ૨.૪ લાખ મહિલાઓ બળાત્કારનો શિકાર બની ચૂકી છે. (૭) સાતમાં નંબરે ફ્રાંસ આવે છે. ફ્રાંસમાં પ્રતિવર્ષ ૭૫ હજાર જેટલા બળાત્કારના કેસ નોંધાય છે. (૮) આઠમાં નંબરે કેનેડા આવે છે. કેનેડામાં દર ૧૭માંથી એક મહિલા બળાત્કારનો શિકાર બને છે. (૯) નવમા નંબરે શ્રીલંકા આવે છે. શ્રીલંકામાં ૬૪.૯ ટકા બળાત્કારીઓએ એકથી વધુ વાર બળાત્કાર કર્યો છે. (૧૦) દસમાં નંબરે ઇથોપિયા આવે છે. અહીં ૬૦ ટકા મહિલાઓ યૌન અપરાધનો શિકાર બનતી હોય છે.

આ આંકડા સંયુક્ત રાષ્ટ્રસંઘના રિપોર્ટના છે.

આ પૃાદ્ભૂમિકા પછી વાતની શરૂઆત વિશ્વના સૌથી વધુ ધનવાન, શિક્ષિત અને જાગૃત એવા દેશ- અમેરિકાથી કરીએ. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર કેટલીક સ્ત્રીઓેએ યૌન શોષણના આરોપો મૂકેલા છે. છેલ્લા અહેવાલ પ્રમાણે વયસ્ક ફિલ્મોની અભિનેત્રી સ્ટેફની ક્લિફોર્ડે એક કેસ નોંધાવતાં જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેને કહેવાતા શારીરિક સંબંધો હતા અને આ સંબંધો જાહેર નહીં કરવા માટે ટ્રમ્પના એક વકીલે ૨૦૧૬માં તેને એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવા ફરજ પાડી હતી. આ દસ્તાવેજો ગેરકાનૂની જાહેર કરવા પણ તેમણે માગણી કરી છે.

સ્ટોર્મી ડેનિઅલ્સના નામે મશહૂર અભિનેત્રી સ્ટેફનીએ આ મુકદમો કેલિર્ફોિનયાની એક પ્રાંતીય કોર્ટમાં દાખલ કર્યો છે. પોતાની અરજીમાં સ્ટેફનીએ એવો આરોપ મૂક્યો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલ માઈક્લ કોહેને તેમને ૧.૩૦ લાખ ડોલર આપ્યા હતા અને ટ્રમ્પ સાથેના સંબંધો જાહેર નહીં કરવાનું કહ્યું હતું. એ કાગળો પર ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ સહી કરી ન હોતી અને છતાં પણ વકીલ તે કાગળો પર સહી કરી સ્ટેફનીના ખાતામાં ૧.૩૦ લાખ ડોલર નાંખ્યા હતા. અલબત્ત પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વકીલે આ આરોપોનો ઈન્કાર કરી તે આરોપો જુઠ્ઠા હોવાનું જણાવ્યું હતું. બની શકે તે આક્ષેપો ખોટા પણ હોઈ શકે પરંતુ એક ચર્ચા તો ઊભી થઈ જ છે.

ભૂતકાળની વાત કરીએ તો હોલિવૂડની અભિનેત્રીઓ મેરિલિન મનરો અને સોફિયા લોરેન પણ યૌન શોષણનો ભોગ બની ચૂકી છે.

હોલિવૂડની હાલની અભિનેત્રી એલિસા મિલાનોએ ‘સ્ી ંર્ર્’ ‘મી-ટુ’ અભિયાનમાં જે જે સ્ત્રીઓ સાથે યૌન ઉત્પીડન થયું છે તે તમામ પીડિતાઓને હેશટેગ ‘મી-ટુ’ પર જોડાયા અને તેમના દુઃખદ અનુભવો જણાવવા અપીલ કરી છે. તેમના આ ટ્વિટના ગણતરીના જ કલાકોમાં બે લાખ વ્યક્તિઓએ ટ્વિટ કર્યું. ફેસબુક પર ૨૪ કલાકની અંદર જ લગભગ ૪૭ લાખ લોકોએ આ હેશટેગની સાથે પોતાની પોસ્ટ જારી કરી. હજારો લોકોએ આ ટ્વિટ પર પોતાની કોમેન્ટસ કરી. નોંધપાત્ર વાત એ છે કે, ‘મી-ટુ’ હેશટેગ પર પોતાનું દુઃખ વ્યક્ત કરનાર સ્ત્રીઓમાં અમેરિકાની કેટલીક મોટી મહિલા હસ્તીઓ પણ હતી. જોતજોતામાં ‘મી-ટુ’ અભિયાન થોડા જ દિવસોમાં આખા વિશ્વમાં ફેલાઈ ગયું.

એ પછી હોલિવૂડની અભિનેત્રી એશ્લે જેડએ મશહૂર ફિલ્મ નિર્દેશક વીસ્ટાઈન પર યૌન શોષણનો આરોપ મૂક્યો છે. તે પછી બીજા પણ કેટલીક મશહૂર અભિનેત્રીઓ આગળ આવી છે અને ખૂલીને બોલવા લાગી છે.

આ બાબતમાં ભારત પણ પાછળ નથી. હોલિવૂડ બાદ ભારતમાં પણ ‘મી-ટુ’ અભિયાનની અસર જોવા મળી. અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે, તે જ્યારે ૧૪ વર્ષની હતી ત્યારે તેના પિતાની ઉંમરના એક શખ્સે તેની સાથે શરમજનક હરકત કરી હતી. પોતાના દુઃખનું વર્ણન કરતા કંગનાએ કહ્યું કે, ‘શરૂઆતના દિવસોમાં મને ઘણી મુશ્કેલીઓ નડી. જ્યારે તમને કોઈ જરૂરિયાત હોય છે ત્યારે લોકો તમારો ફાયદો ઉઠાવવાની તક છોડતા નથી. ઇચ્છા ના હોવા છતાં પણ તમે એવી જાળમાં ફસાઈ જાવ છો. હું તમામ છોકરીઓને એવી અપીલ કરું છું કે તમારી સાથે એવું કાંઈ બન્યું હોય તો એવા પુરુષોને બેનકાબ કરો.

આવો જ અનુભવ અભિનેત્રી સ્વરા ભાસ્કરનો છે. બોલિવૂડમાં શરૂઆતના દિવસોમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર સાથે એક ફિલ્મ નિર્દેશક શરાબના નશામાં અભદ્ર વ્યવહાર કર્યો હતો. તે આખો દિવસ સ્વરાને ફોન પર અભદ્ર મેસેજ મોકલતો રહ્યો હતો. રાત્રે તે નશામાં ધૂત થઈ તેના કમરામાં ઘૂસવા આવી ગયો હતો પરંતુ સ્વરાએ બારણું જ ના ખોલ્યું. આ ઘટનાથી તે આઘાતમાં સરી પડી હતી.

ટીવી શો ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’માં બબીતાનો રોલ કરતી અભિનેત્રી મુનમુન દત્તાએ પણ ‘મી-ટુ’માં હેશટેગ કરીને લખ્યું છે કે ‘હું નાની હતી ત્યારે એક અંકલે એક વાર એકાંતમાં મને પકડીને મારી સાથે શરમજનક હરક્ત કરી હતી. તેઓ આ વાત કોઈનેય ના કરવા મને ધમકાવતા હતા.’

હાસ્ય કલાકાર મલ્લિકા દુઆએ સોશિયલ મીડિયા પર સ્વીકાર કર્યો છે કે ‘હું અને મારી ૧૧ વર્ષની બહેન કારમાં સાથે હતા ત્યારે પાછળની સીટ પર બેઠેલાં એક શખ્સે મારી સાથે અશ્લિલ હરકત કરી હતી પરંતુ પપાએ તેને રંગેહાથ પકડીને તેને જડબાતોડ જવાબ આપ્યો હતો.

આવી તો અનેક ઘટનાઓ છે આ બાબતે ભારત વર્ષના લોકોએ ગર્વ લેવા જેવું જરાયે નથી. છેક ‘મહાભારત’ના સમયમાં કૌરવોએ જુગારમાં રાણી દ્રૌપદીને જીતી લીધા બાદ દુઃશાસન તેના વાળ પકડી બધાની વચ્ચે ખેંચી લાવ્યો હતો અને જાહેરમાં રાણી દ્રૌપદીના ચીર ખેંચ્યા હતા. આ સભામાં હાજર આચાર્ય દ્રૌણાચાર્ય અને ભીષ્મ પિતામહ્ પણ મૌન નિસહાય થઈ બેસી રહ્યા હતા. એકમાત્ર ભગવાન શ્રીકૃષ્ણ જ દ્રૌપદીની સહાયે આવ્યા હતા. દ્રૌપદી આજે હયાત હોત તો તેઓ પણ ‘મી-ટુ’ હેશટેગ પર પોતાના દુઃખદ અનુભવનું વર્ણન કરત.

વિશ્વમાં અને ભારતમાં રોજ દર બાવીસ મિનિટે અનેક લાચાર સ્ત્રીઓના ચીર હરાય છે પણ ભગવાન શ્રીકૃષ્ણ કયાં છે?

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!