Close

મારા માટે એ મહત્ત્વનું નથી કે તમે કોને પ્રેમ કરો છો પણ

કભી કભી | Comments Off on મારા માટે એ મહત્ત્વનું નથી કે તમે કોને પ્રેમ કરો છો પણ

એક યુવતીનો પત્ર છે. તે લખે છે :

”ખબર નહીં પણ કેમ પ્રેમ શબ્દનો ઉચ્ચાર થતા જ આપણા મનમાં એક અલગ જ ભાવ પ્રગટે છે. પ્રેમ સાંભળતા જ આપણા મનમાં હીનતાનો ભાવ જન્મે છે. આજના યુવાન યુવક-યુવતીઓએ પ્રેમ જેવા પવિત્ર સંબંધને સાવ નિમ્ન કક્ષાએ પહોંચાડી દીધો છે. શું પ્રેમ ફક્ત એક જ પ્રકારનો હોઇ શકે? શું માતા અને બાળકનો પ્રેમ ના હોઇ શકે? ભાઇ અને બહેનનો પ્રેમ ના હોઇ શકે ? બાપ-દીકરીનો પ્રેમ ના હોઇ શકે ? શું બે મિત્રોનો પ્રેમ ના હોઇ શકે ?

એ જ રીતે ભાઇ અને બહેનનો પ્રેમ પણ અનન્ય છે. પાંચ વર્ષની બહેન એના સાત વર્ષના ભાઇને પૂછે છે-‘પ્રેમ એટલે શું ?’ ભાઇ જવાબ આપતા કહે છે કે, ‘તું રોજ મારા દફતરમાંથી ચોકલેટ લઇને ખાઇ જાય છે. છતાં પણ હું ત્યાં જ ચોકલેટ રાખું છું. કારણ કે હું તને પ્રેમ કરું છું.’

ભગવાન શ્રીકૃષ્ણની પત્ની તો રુક્મિણી જ હતાં. આમ છતાં આપણે રાધા-કૃષ્ણના પ્રેમને પવિત્ર માનીએ છીએ.

એક નાનકડા ગામમાંથી દિવ્યા નામની યુવતી ભણવા માટે શહેરમાં આવે છે. દેખાવે થોડી પાતળી, થોડી શ્યામ પણ ખૂબ નમણી, લાંબાવાળ અને શરમાળ વ્યક્તિત્વ ધરાવતી હતી. એનું ફક્ત એક જ ધ્યેય હોય છે. જીવનમાં કાંઇક બનવું, સફળ થવું. આથી તે માત્ર ભણવામાં જ ધ્યાન આપતી. તે હંમેશાં છોકરાઓથી દૂર રહેતી અને નફરત પણ કરતી. બાળપણમાં એની મા હંમેશા કહ્યા કરતી- ‘બેટા ! દારૂ અને દેવતા ભેગા થાય, એટલે સળગ્યા વિના રહે જ નહીં.’ આ વાત દિવ્યાના મનમાં ઘર કરી ગઇ હતી.  પણ અચાનક એના જીવનમાં બદલાવ આવે છે. એને કોઇક ગમવા લાગે છે. પણ એને ખુદને ખબર નથી હોતી કે એક છોકરો એને ગમે છે. એ છોકરાનું નામ દર્પણ હતું. અચાનક એક દિવસ દર્પણ સામેથી દિવ્યાનો ફોન નંબર માગે છે. દર્પણ પણ દિવ્યાને ગમે છે. પણ ફક્ત એના સંસ્કાર અને સ્વભાવના કારણે તેને પોતાની ફ્રેન્ડ બનાવવા માગતો હતો. દિવ્યા કંઇ પણ પૂછયા વિના દર્પણને પોતાનો નંબર દર્પણને આપી દે છે. બંને મેસેજથી વાત કરે છે. મેસેજમાં દર્પણ દિવ્યાને કહે છે કે તેના લગ્ન થઇ ગયા છે અને તે સાચા દિલથી પોતાની પત્નીને જ પ્રેમ કરે છે. તેથી પોતાના જીવનમાં દિવ્યાને એવું કોઇ જ ખાસ સ્થાન આપી નહીં શકે. આ વાત સાંભળીને દિવ્યાને ખૂબ આઘાત લાગે છે. પણ એનામાં અદેખાઇ, ઇર્ષા, અભિમાન જેવું કાંઇ જ ન હતું. આથી તે જીવનભર ફક્ત બેસ્ટ ફ્રેન્ડ રહેવાનું વચન આપે છે. જો કે આ વાતની જાણ દર્પણની પત્ની દિશાને પણ હતી. પણ દિશાને પોતાના પતિ પર પૂર્ણ વિશ્વાસ હતો. આથી તે કોઇ વાંધો ઉઠાવતી નથી.

ધીરે ધીરે બંને એકબીજા સાથે પોતાના જીવનની દરેક વાત શેર કરવા લાગે છે. પરંતુ ક્યારેય પોતાની મર્યાદા ભૂલતા નથી. બંનેને એકબીજા પ્રત્યે લાગણી છે. પણ બંનેની લાગણીમાં ફરક છે. દિવ્યા માટે કોઇ બીજી વ્યક્તિને અપનાવવી મુશ્કેલ બની જાય છે. કારણ કે તે એવું માનતી હોય છે સ્ત્રી જીવનમાં ફક્ત એક વાર પ્રેમ કરી શકે છે. બીજી વાર પ્રેમ કરવો શક્ય જ નથી. પણ દર્પણ તો ફક્ત જસ્ટ ફ્રેન્ડ માનતો હતો. ધીરે ધીરે દર્પણનો દિવ્યા પ્રત્યેનો પ્રેમ ઓછો થવા લાગે છે. તે પોતાના કાર્યમાં વ્યસ્ત રહે છે. આથી દિવ્યા માટે થોડો ટાઇમ પણ કાઢી શકતો નથી. દિવ્યા પણ જાણતી હતી કે હવે પોતે દર્પણને માટે સાવ ગૌણ બની ગઇ છે. આમ છતાં એમના પ્રેમમાં કોઇ જ ફરક પડતો નથી. એ તો નિસ્વાર્થ ભાવે આજે પણ દર્પણને જ પ્રેમ કરતી હતી. દિવ્યા જ્યારે પણ દર્પણ સાથે બે ઘડી વાત કરતી ત્યારે એવું જ અનુભવતી કે દર્પણ સાથે એમનો જન્મોજન્મનો સંબંધ છે. દિવ્યા શરીરને નહીં પરંતુ એના આત્માને પ્રેમ કરતી હતી આથી દિવ્યાને દર્પણના કોઇ પણ ઉપેક્ષિત વર્તનથી કોઇ જ ફરક પડતો નહતો.

એક દિવસ અચાનક દર્પણ દિવ્યાને મળવાનું કહે છે. તેની આ વાત સાંભળીને એના મનમાં અનેક સવાલો ઊઠે છે કે આજે અચાનક એવું તે શું બન્યું કે દર્પણના જીવનમાં મારું કોઇ સ્થાન ન હોવા છતાં તે એકવાર મને મળવા માગે છે તે પોતાના મનમાં ઊઠેલ દરેક સવાલના જવાબ મેળવવા માટે દર્પણને મળવા જાય છે. બંને થોડી વાર મૌન રહે છે. થોડી વાર પછી દર્પણ ખૂબ જ માસૂમ સ્વરમાં પૂૂછે છે કે, ‘તને શું લાગે છે હું કોઇને સાચો પ્રેમ કરી શકું કે નહીં?’ દિવ્યા પાસે દર્પણના સવાલનો કોઇ જવાબ ન હતો. દર્પણ કહે છે કેઃ ‘હું મારી પત્ની દિશા સિવાય એક બીજી છોકરીને પણ પ્રેમ કરું છું, જેનું નામ છે આરતી. આરતી મારો પ્રથમ પ્રેમ હતી અને જીવનમાં છેલ્લા શ્વાસ સુધી રહેશે. હું આજે પણ આરતી સાથે કાયમ વાત કરું છું.’  તે કહે છે આજથી ઘણા સમય પહેલાં મારી મુલાકાત આરતી સાથે થઇ હતી. અમે બંને બેસ્ટ ફ્રેન્ડ હતા. ધીમે ધીમે હું એને ચાહવા લાગ્યો પરંતુ અમારી વચ્ચે જમીન આસમાન ફરક હતો. તે દરેક ક્ષેત્રમાં મારા કરતા આગળ હતી. અને ઉંમરમાં પણ મોટી હતી. આથી મારામાં કહેવાની હિંમત ન હતી કે હું તને પ્રેમ કરું છું. એવામાં મારા જીવનમાં દિશા આવી. એક દિવસ દિશાએ મને કહ્યું કે, ‘હું તને પ્રેમ કરું છું અને તમારી સાથે લગ્ન કરવા માગું છું.’ મેં ખૂબ વિચાર્યા બાદ લગ્ન માટે દિશાને હા પાડી અને ઘરમાં જણાવ્યું કે હું દિશા જોડે જ લગ્ન કરવા માગું છું. શરૂઆતમાં ઘરના લોકોએ વિરોધ કર્યો પણ પછી બધા સહમત થયા અને અમે બંનેએ લગ્ન કરી લીધા.

મારા લગ્ન બાદ પણ હું આરતી સાથે કાયમ ફોન પર વાત કરતો અને ક્યારેક મળતા પણ હતા. એક દિવસ આરતીએ મને પૂછયું કે શું તું તારા લગ્ન પહેલાં કોઇને પ્રેમ કરતો હતો. ત્યારે મારાથી કહેવાઇ ગયું કે ‘હા હું તને જ પ્રેમ કરતો હતો અને હંમેશા કરીશ.’

ત્યારે આરતીએ કહ્યું કે ‘પ્રેમ તો હું પણ તને કરતી હતી અને હંમેશા કરીશ.’ ત્યારે અમને બંનેને અમારા મૌન પર રહેવા પર ખૂબ પસ્તાવો થયો હતો પણ હવે પસ્તાવો કરવાનો કોઇ જ અર્થ ન હતો. મારા જીવનમાં દિશા પણ એક ખાસ સ્થાન મેળવી ચૂકી હતી. દિવ્યા સમક્ષ પોતાના જીવનની આટલી વાત કરતા દર્પણ થોડી વાર મૌન થઇ જાય છે. આગળ કંઇ જ બોલી શકતો નથી.

કેટલીક ક્ષણો બાદ તે કહે છે : ‘દિવ્યા, હવે હું તને જે કહેવા જઇ રહ્યો છું એ ધ્યાનથી સાંભળ જે કદાચ તને મારી વાત પર વિશ્વાસ નહીં આવે પણ એ જ હકીકત છે. દિવ્યા તારા આવ્યા બાદ મારા જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. હું સાવ બદલાઇ ગયો છું. હવે તારી પાસે ખોટું નથી બોલી શકતો અને તારાથી કંઇ છુપાવી પણ નથી શકતો. હવે હું ખોટું કાર્ય કરતા પણ અચકાઉં છું. તં મને જે આપ્યું છે એ કદાચ કોઇએ મને આપ્યું નથી. મારા જીવનમાં ઘણી એવી વાતો છે જે હું બીજા કોઇને નથી કઇ શકતો પણ તારી પાસે નિસંકોચપણે કરી શકું છું. તું મને જેટલો સમજી શકે છે એટલો કોઇ જ મને સમજી નથી શકતું. આરતી પણ નહીં અને દિશા પણ નહીં. જો મારા લગ્ન દિશા સાથે ન થયા હોત તો હું જરૂર તારી સાથે લગ્ન કરત. સાચે જ તારા જીવનમાં જે વ્યક્તિ આવશે તે ખૂબ જ નસીબદાર હશે. જેને તું સાચો પ્રેમ કરીશ એને તો સર્વસ્વ મળી જાશે. તું મારા જીવનમાં પરી બનીને આવી છે. જે એક દિવસ ઊડી જવાની છે પણ હું તને જીવનમાં ક્યારેય ગુમાવવા નથી માગતો. હું ઇચ્છું છું કે તું હંમેશા મારી બેસ્ટ ફ્રેન્ડ બનીને રહે.’

દર્પણની આટલી વાત સાંભળ્યા પછી દિવ્યા ફક્ત એટલું જ કહે છે કે : ‘હવે આપણે જઇશું?’ દર્પણ ફક્ત એક વાર દિવ્યાને ગળે વળગીને સોરી કહેવા માગતો હતો અને બે ઘડી રડી લેવા માગતો હતો પણ દિવ્યાએ કાંઇ જ પ્રતિભાવ ન આપ્યો. બંને એકબીજાને હાથ મિલાવીને હંમેશને માટે છુટા પડવાનું કહે છે. આમ છતાં આજે પણ નથી દર્પણ દિવ્યાને ભૂલી શક્યો કે નથી દિવ્યા દર્પણને ભૂલી શકી. દિવ્યા તો માત્ર ને માત્ર દર્પણને સાચા દિલથી પ્રેમ કરે છે અને હંમેશા કરશે. પણ દર્પણનો સાચો પ્રેમ કોને ગણવો? એવો પ્રથમ પ્રેમ આરતી કે પછી બીજો પ્રેમ દિશા કે પછી દિવ્યા કે જેને તે ફક્ત એક બેસ્ટ ફ્રેન્ડ માને છે. દર્પણ અને દિવ્યાનો સંબંધ તો ફક્ત એક પ્રશ્નાર્થ બનીને રહી ગયો કે જેનો કોઇ જ જવાબ નથી. અને કોઇ જ નામ નથી. પ્રેમમાં જ્યારે વાસના ભળી જાય છે ત્યારે તો પોતાની પવિત્રતા ગુમાવી બેસે છે ત્યારે પ્રેમ પોતાની સુવાસ પણ ગુમાવી બેસે છે. જે પ્રેમમાં વાસનાની કોઇ જ ભૂખ ના હોય એ જ પ્રેમ સાચો અને પવિત્ર કહેવાય.

દર્પણને પ્રેમ કઇ પ્રકારનો છે એ જાણવું મુશ્કેલ છે. પણ દિવ્યા દર્પણ પ્રત્યેનો પ્રેમ સાચો અને ગંગા જેવો પવિત્ર છે. જેમાં વાસનાની કોઇ જ લહેર નથી. દિવ્યાના પ્રેમમાં હંમેશા ભરતી જ આવે છે ક્યારેય ઓટ આવતી જ નથી. અને કદાચ એટલે જ દિવ્યા દર્પણની દરેક વાત કહ્યા વિના જ સમજી શકે છે અને તેની તમામ તકલીફોને અનુભવી શકે છે. દિવ્યાના મનમાં બે વાકયો હંમેશા ગુંજ્યા કરે છે જેને તે દર્પણને કહેવા ઇચ્છતી હતી : ‘દર્પણ, મારા માટે એ મહત્ત્વનું નથી કે તમે કોને પ્રેમ કરો છો. મારા માટે તો તમારી ખુશી જ મહત્ત્વની છે. પછી એ આરતી પાસેથી મળે કે દિશા પાસેથી મળે…’  દર્પણના જીવનમાં રુક્મિણીનું સ્થાન તો એમની પત્ની દિશાનું જ છે પણ રાધાનું સ્થાન કોનું છે અને મીરાનું સ્થાન કોનું છે એ નક્કી કરવું મુશ્કેલ છે.  દિવ્યાના દુઃખની પીડા તો ફક્ત દિવ્યા જ સમજી શકે. પ્રેમ જ્યારે બંને તરફ હોય ત્યારે એ ખુશી અને આનંદ આપે છે પરંતુ પ્રેમ જ્યારે એક તરફ હોય ત્યારે એ ખૂબ જ દુઃખ અને તકલીફ આપે છે.’

–              અને મુંબઇથી આવેલો એ પત્ર પૂરો થાય છે.

–              દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!