Close

મારી દીકરી એક દિવસતો જરૂર યશસ્વી બનશે

કભી કભી | Comments Off on મારી દીકરી એક દિવસતો જરૂર યશસ્વી બનશે

સ્વપ્ના બર્મન.

તેઓ એથ્લેટ છે. હવે તેઓ દેશનાં દરેક યુવક-યુવતી માટે રોલ મોડેલ છે. તાજેતરમાં જ જાકાર્તામાં યોજાયેલી એશિયાડ ખેલકૂદ પ્રતિયોગિતામાં ભારતનું નામ રોશન કર્યું છે.

સ્વપ્નાના જીવનની કથા જાણવા જેવી છે. સ્વપ્નાનો જન્મ પશ્ચિમ બંગાળના જલપાઇગુડી વિસ્તારના એક નાનકડા ગામના સામાન્ય પરિવારમાં થયો હતો. ઘરમાં કોઇ ખાસ આવક નહોતી. પિતા રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા, પરંતુ એટલી આવક ઘર ચલાવવા માટે પૂરતી નહોતી. એ આવક ઓછી પડતાં સ્વપ્નાની માતા ચાના બગીચાઓમાં મજૂરી કરવા લાગી.

સ્વપ્નાને સરકારી પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવી. સ્કૂલમાં યુનિફોર્મ પહેરવો ફરજિયાત હતો. સાથે જૂતા પહેરવા પણ ફરજિયાત હતા. મુશ્કેલી એ હતી કે સ્વપ્નાના બંને પગે છ આંગળીઓ હતી તેના પગના માપના શૂઝ મળતાં ન હોતા. વળી સ્વપ્નાની પગની છ આંગળીઓ જોઇ બીજાં બાળકો પણ ભાતભાતના સવાલો કરતા હતા. ખુદ સ્વપ્ના પણ વિચારતી હતી કે બધાને પાંચ આંગળીઓ છે તો મારે છ કેમ ?

બજારમાં મળતાં કોઇ પણ જૂતા તેને અનુકૂળ આવતાં નહોતાં. છતાં તે ગમે તેમ કરી શૂઝ પહેરી સ્કૂલમાં જતી, બંને પગમાં ખૂબ દર્દ થતું.

સ્વપ્ના સાત વર્ષની થઇ અને તેના પિતાને અચાનક લકવો થઇ ગયો. સરકારી હોસ્પિટલમાં લાંબો સમય ઇલાજ ચાલ્યો, પરંતુ કોઇ ફાયદો ના થયો. તેમનું હરવા ફરવાનું બંધ થઇ ગયું.

હવે ઘર ચલાવવાની જવાબદારી મા પર આવી પડી. બહાર જઇ મજદૂરી પણ કરવી પડતી હતી અને ઘરમાં બીમાર પતિની સારસંભાળ પણ રાખવી પડતી હતી પરંતુ માએ તમામ મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કર્યો.

નાનકડી સ્વપ્ના માની તમામ મુશ્કેલીઓ હવે સમજવા લાગી હતી. બીજાં બાળકોની જેમ તે નવી નવી ચીજો કે નવાં પુસ્તકોની માગણી કરતી નહીં. ચૂપચાપ તેણે ભણવા તરફ ધ્યાન આપ્યું. દસ વર્ષની ઉંમર થતાં જ તેણે સ્કૂલમાં યોજાતી રમતગમત ખેલકૂદની સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડયો. આ દરમિયાન તેના શિક્ષકને લાગ્યું કે સ્વપ્ના ખેલકૂદમાં પાવરધી છે. એમાંયે દોડવામાં તો તેજ છે. દોડવાની સાથે લાંબા કૂદકામાં તો અવ્વલ છે. તેના રમતગમતના ટીચરનું નામ અભિજિત મજુમદાર છે. તેમને ખ્યાલ આવી ગયો કે સ્વપ્ના ખૂબ જ મહેનતુ અને શાંત છોકરી છે. તેનામાં અંદરથી કાંઇ કરી બતાવવાની તમન્ના છે. બધી જ તકલીફો વેઠીને તે અહીં સુધી આવી છે.

વ્યાયામ શિક્ષકે નક્કી કરી નાંખ્યું કે સ્વપ્નાને પ્રોત્સાહન આપવું. તમામ સ્પર્ધાઓમાં તે ભાગ લે તેવી રીતે તેને તૈયાર કરવી. પરંતુ તેના ઘરની હાલત પણ તેઓ જાણતા હતા. રમતગમત સ્પર્ધા માટે શ્રેષ્ઠ સ્પોટર્સ શૂઝ ખરીદવાના તેની પાસે પૈસા નહોતા. સ્પોર્ટ્સ કિટ ખરીદવાના પણ તેની પાસે પૈસા નહોતા. સ્કૂલમાં ભણીને ઘેર ગયા બાદ ગૃહકાર્ય પણ કરવું પડતું હતું.

આમ છતાં તેના ટ્રેનરે સ્વપ્નાને ખેલકૂદ માટે ફિટ રહેવા દૂધ અને ઇંડાં ખાવાની સલાહ આપી. પરંતુ સ્વપ્ના જાણતી હતી કે મા પાસે એટલા પૈસા નહોતા કે તે તેના માટે આ બધી વ્યવસ્થા કરી શકે, એટલે સ્વપ્નાએ ઘેર માને કદી કહ્યું નહીં કે મારે પોષક તત્ત્વવાળો ખોરાક ખાવો જરૂરી છે. તે જાણતી હતી કે સ્કૂલની ફી અને યુનિફોર્મનું ખર્ચ જ માંડ મા આપી શકે છે.

આમ છતાં માએ દીકરી માટે શૂઝની વ્યવસ્થા કરી પરંતુ ફરી એની એ જ મુશ્કેલી. સ્વપ્નાને પગમાં છ આંગળીઓ હતી. જે જૂતા લાવ્યા તે ફિટ પડવા લાગ્યાં. એમ છતાં સ્વપ્ના એ જ જૂતા પહેરી દોડવા લાગી. ભારે દર્દ થતું છતાં તે સહન કરી લેતી. કોઇ વાર તેને પોતાની જાત પર ગુસ્સો આવતો : ‘ભગવાને મને આવા પગ કેમ આપ્યા ?’

પરંતુ સ્વપ્નાએ ફરી મન મજબૂત કરી લીધું પગની આંગળીઓની તકલીફને ભૂલી જવા તેણે નિર્ણય કર્યો. પગ પહોળા હોવાના કારણે જૂતાં વારંવાર ફાટી જતાં હતા. નવા શૂઝ લાવવા તેની પાસે પૈસા નહોતા. કેટલીક વાર તો ફાટેલા જૂતા સાથે દોડતી પરંતુ દોડવાનું બંધ કર્યું નહીં.

તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં તે આગળ વધતી રહી. સ્કૂલની ભલામણના આધારે સ્પોર્ટ્સમાં વિશેષ તાલીમ માટે તેને સ્પોર્ટ્સ એકેડેમીમાં મોકલવામાં આવી. ‘ગો સ્પોર્ટ્સ ફાઉન્ડેશન’ નામની સંસ્થાએ તેની તાલીમનું ખર્ચ ઉઠાવી લીધું : સ્વપ્નાના પરિવારમાં કોઇ ભણેલું હતું જ નહીં પરંતુ માને ભરોસો હતો કે ‘મારી દીકરી એક દિવસ જરૂર યશસ્વી બનશે’.

માએ પુત્રીને કદીયે ખેલકૂદની પ્રવૃત્તિમાં જતાં રોકી નહીં સ્વપ્ના એક પછી એક ખેલકૂદ સ્પર્ધાઓ જીતતી ગઇ. પહેલાં જિલ્લામાં તે પછી રાજ્ય સ્તરની પ્રતિ-યોગિતાઓમાં ભાગ લેવા માંડી. વિઘ્ન દોડ, ઊંચો કૂદકો અને ગોળા ફેંકમાં તે લાજવાબ રહી. આવી સાત પ્રકારની એથ્લેટ સ્પર્ધામાં તે પારંગત થઇ ગઇ. સ્પર્ધાઓ જીતતાં તેને રોકડ ઇનામ પણ મળવા લાગ્યું. તે બધી જ રકમ તે તેની માતાને આપી દેતી અને માને કહેતી :’ મા, આ પૈસાથી તું પાપા માટે દવા લઇ આવજે.’

સ્વપ્નાએ ૨૦૧૭માં પતિયાલા ફેડરેશન કપ જીતી લીધો. આ ઉપરાંત તે ભુવનેશ્વરમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડમેડલ લઇ આવી.

આ જ વર્ષે તે જાકાર્તામાં યોજાયેલી એશિયાડ ગેમ્સમાં પણ ભાગ લેવા ગઇ. સ્પર્ધા પહેલાં તેના દાંતમાં દુઃખાવો શરૂ થયો. એ પીડા એટલી બધી હતી કે ખેલ સ્પર્ધાના એકાગ્રતા કેળવવી તેના માટે મુશ્કેલ બની રહ્યું. રમતગમત સ્પર્ધાના નિયમો અનુસાર પ્રતિયોગિતા પહેલાં કોઇ પેઇન ક્લિર દવાઓ લઇ શકાય નહીં. પરંતુ બીજી બાજુ સ્વપ્નાને દાંતનું દર્દ અસહ્ય અને પીડા કારક હતું. તેણે પેઇન ક્લિર લેવાના બદલે મોં પર કસીને પટ્ટી બાંધી લીધી અને એ જ હાલતમાં તે મેદાનમાં ઊતરી. સ્પર્ધા દરમિયાન તે દર્દને ભૂલી ગઇ.

હવે આખા ભારત દેશની નજર સ્વપ્ના બર્મન પર હતી. સ્વપ્નાએ સાત સ્પર્ધાઓમાં ૬,૦૨૬ આંક હાંસલ કરીને સુવર્ણચંદ્રક જીતી લીધો. હેપ્ટાથલનમાં ગોલ્ડ મેડલ જીતવાવાળી તે પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. ભારતનું નામ તેણે રોશન કરી દીધું.

સ્વપ્નાની મા બાશોના તેના ઘરમાં ટી.વી. સામે બેસીને પૂરા પરિવાર સાથે દીકરીને જીતતાં જોઇ હર્ષનાં આંસુ સાથે રડી પડી. ભગવાનની પ્રતિમા પાસે જઇ એણે મસ્તક નમાવી દીધું.

મા કહે છે : ‘મારી દીકરીને હું કદીયે પૌષ્ટિક ખોરાક ખવડાવી શકી નહીં પરંતુ એણે પોતાની મહેનતથી જ નામના હાંસલ કરી, હવે મારી એક જ ઇચ્છા છે કે, સ્વપ્ના, મારી પુત્રી, વિશ્વ ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીતે.’

આવી છે સ્વપ્ના બર્મનની કહાણી..

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!