Close

મારી નાનકડી દીકરીને એના દાદાજી પાસે પહોંચાડજો પ્લીઝ

કભી કભી | Comments Off on મારી નાનકડી દીકરીને એના દાદાજી પાસે પહોંચાડજો પ્લીઝ

જામિયા મિલિયા યુનિવર્સિટીના અધ્યાપિકા તૈયબા મુનવ્વરે વર્ણવેલી આ એક સત્યઘટના છે.

કથા તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે : ‘વહેલી સવારે હું યુનિવર્સિટી જવાની તૈયારી કરી રહી હતી, ત્યાં જ મારો મોબાઈલ ફોન રણકી ઊઠયો. મેં ફોનનું  બટન દબાવ્યું. મેં ‘હલો’ કહ્યું. સામેથી એક અત્યંત કોમળ એવો મહિલાનો અવાજ સંભળાયો : ‘તમે એ જ બહેન છો ને કે જે નિષ્ફળ પ્રેમીઓની સત્યકથાઓ લખો છો?’

મેં ‘હા’ કહ્યું.

સામે છેડેથી બોલી રહેલી મહિલાએ એક કેન્સર હોસ્પિટલનું સરનામું આપ્યું.

બીજા દિવસે યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય પૂરું કર્યા બાદ હું કેન્સર હોસ્પિટલ પર ગઈ. તે મહિલા એક પ્રાઇવેટ રૂમમાં હતી. હું જેવી એ રૂમમાં પ્રવેશી અને ત્યાં જ એણે મારી પર છેલ્લી નજર નાખી આંખો સદાને માટે બંધ કરી લીધી. એણે પ્રાણ ત્યજી દીધો હતો. હું એની સામે બેઠી. પરંતુ તે કાંઈ બોલતી નહોતી. એના નશ્વર દેહને છોડીને ચાલ્યા જવાનું મને ઠીક ના લાગ્યું. એટલામાં એક નર્સ અંદર પ્રવેશી. એની  સાથે ત્રણ  વર્ષની નાનકડી બાળકી પણ હતી. બાળકી અત્યંત નાજુક અને માસૂમ હતી.

નર્સે એ બાળકી મને સોંપતાં કહ્યું : ‘બહેનજી ! મરવાવાળી મહિલાની  છેલ્લી ઇચ્છા હતી કે, તમે જ્યારે આવો ત્યારે તેમની બે અમાનત મારે તમને સોંપવી. એક તેમની   આ બાળકી અને બીજી તેની અંગત ડાયરી. જે હું તમને સોંપું છું.’

ડાયરી મારા હાથમાં મૂકી નર્સે મરનાર મહિલાના મૃતદેહ પર સફેદ ચાદર ઓઢાડી દીધી. તે પછી નર્સ મને બહાર લઈ ગઈ. રિસેપ્શન પાસે જઈને હું બેઠી. ત્રણ વર્ષની નાનકડી બાળકી પણ મારી પાછળ પાછળ બહાર આવી. તે નાજુક સ્વરે બોલી : ‘તમે જ મારાં માસી છો ને? મારી મમ્મી મને કહેતી હતી કે, એક માસી અહીં આવશે અને મને દાદાજી પાસે લઈ જશે.’

હું ખામોશ હતી. હું મરનાર મહિલાને, તેની પુત્રીને કે બાળકીના દાદાજીને ઓળખતી જ નહોતી. પરંતુ બાળકીની માસૂમ આંખોમાં આશાભરી  મીટ હતી. એ ફરી બોલી : ‘મને દાદાજી પાસે લઈ જશો ને. માસી? મારી મમ્મી તો મરી ગઈ.’

આટલી નાનકડી દીકરીની વાત સાંભળી મને અત્યંત લાગણી ઊભરી. મેં એને મારા ખોળામાં બેસાડી દીધી. મારી આંખો પણ આંસુથી ઊભરાઈ ગઈ. મારા હાથમાંથી ડાયરી નીચે પડી ગઈ. હું તો ડાયરીની વાત ભૂલી જ ગઈ હતી. બાળકીને બાજુમાં બેસાડી મેં ડાયરી ખોલી. તેમાં એક કવર પણ હતું. તેની ઉપર મારું નામ-સરનામું હતું.

કવર ખોલીને પત્ર વાંચવા માંડયો. એમાં લખ્યું હતું : ‘દીદી, આપની ઉપર ખૂબ વિશ્વાસ મૂકીને હું મારી બાળકી  આપને સોંપું છું. મારી દીકરીને એના દાદાજી પાસે પહોંચાડવાનાં હોવ તો જ મારી ડાયરી વાંચજો.’

મેં જોયું  તો બાળકી બાંકડા પર સૂઈ ગઈ હતી. એણે મારો પાલવ પકડી રાખ્યો હતો. મેં તે જ ઘડીએ નિર્ણય લીધો કે, આ બાળકીને અનાથ નહીં રહેવા દઉં મેં ડાયરી વાંચવાની શરૂ કરી.

ડાયરીમાં કાંઈક આ પ્રમાણે હતું : ‘હું અને યતીન્દ્ર આ હોસ્પિટલમાં જ મળ્યાં હતાં. કેટલાક સમય પહેલાં હું મારું ચેકઅપ કરાવવા આવી હતી. મને બ્લડ કેન્સર હતું. ડોક્ટરોનું નિદાન સાંભળીને હું મોતના ખૌફથી ડરી ગઈ હતી.  કેન્સર હોવાની વાત સાંભળી બહાર આવતાં મને ચક્કર આવ્યાં અને હું બેહોશ થઈ પડી ગઈ.

થોડી વાર પછી હું ભાનમાં આવી ત્યારે  કોઈ મને કહી રહ્યું હતું : ‘મોતથી ડરો છો? રડવું એ ઇલાજ નથી. ડોક્ટર અને ભગવાન પર શ્રદ્ધા રાખો. જુઓ, મને પણ બ્લડ કેન્સર છે. છતાં હું જીવી રહ્યો છું. મારી જિંદગી પણ હવે થોડી જ બચી છે, પણ હું રડતો નથી. મારું નામ યતીન્દ્ર છે. જિંદગી લાંબી નહીં, જેટલી છે તેટલી સુંદર હોવી જોઈએ.’

મેં જોયું તો મારી જ વયનો એક પુરુષ દર્દી મને સાંત્વના આપી રહ્યો હતો. નર્સ પણ બાજુમાં ઊભી હતી. યતીન્દ્રએ આગળ કહ્યું : ‘મૃત્યુ જ સત્ય છે. જીવન ભ્રમ છે. આપણે જન્મીશું તેની કોઈને ખબર નહોતી. પરંતુ હવે પ્રેમથી મૃત્યુને ભેટીએ, આ જ અટલ સચ્ચાઈ છે.’

– આ શબ્દોએ મારી પર જાદુઈ અસર કરી.

એ પછી હું અને યતીન્દ્ર મિત્રો બની ગયાં. અમે બંને હમઉમ્ર હતાં. બેઉ બ્લડ કેન્સરનાં દર્દી હતાં. હું તો  આમેય સાવ એકલી હતી. બચપણમાં જ મારાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં. હું એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી કરતી હતી. કેન્સર હોસ્પિટલમાં અમારી મુલાકાત બાદ હું અને યતીન્દ્ર એકબીજાના દુઃખ-દર્દ વહેંચતાં ગયાં. યતીન્દ્રએ મને માનસિક હૂંફ આપી. અમે  બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયાં. આમ ને આમ સમય વીતતો ગયો. એક દિવસ સાંજે તેઓ મને શાલ ઓઢાડી રહ્યા હતા. મોસમ મૌન હતી. મેં તેમના ખભા પર માથું ઢાળી દીધું.

સમય વીતતો ગયો.

અમારી વચ્ચે શું થયું તેની મને ખબર નહોતી. પરંતુ જ્યારે હું તેમનાથી અળગી થઈ ત્યારે એક પવિત્ર અંશ મારા ઉદરમાં જન્મ લઈ ચૂક્યો હતો. તેઓ ઊઠીને તેમના વોર્ડમાં ચાલ્યા ગયા.

એક  દિવસ મેં યતીન્દ્રને કહ્યું  : ‘હું મા બનવાની છું.’

પણ એ સાંભળીને યતીન્દ્ર ફરી ખામોશ થઈ ગયા. તેમણે ખિસ્સામાંથી પર્સ કાઢી એક વિઝિટિંગ કાર્ડ મને આપ્યું. એ કાર્ડ મને આપતાં તેમણે કહ્યું: ‘આ મારા પિતાજીનું સરનામું છે. હું આવનારા આપણા બાળકને અનાથ થવા નહીં દઉં. તું પિતાજીને મળી બધું સત્ય કહી દેજે.’

હું એ કાર્ડ હાથમાં લઈ અપલક નજરે તેમને જોઈ રહી. એટલામાં જ એમના રૂમમાં એમનો આખો પરિવાર  આવી ગયો. હું ચૂપચાપ ઊઠીને મારા ઘેર જતી રહી.

એ વખતે યતીન્દ્રની હાલત બહુ જ ખરાબ હતી, દિવસે દિવસે તેમની તબિયત વધુને વધુ ખરાબ થતી ગઈ. હું મારા ઘેર આવી. પૂરા મહિને એક બાળકીને જન્મ આપ્યો.  એનું નામ મેં ‘યતી’  રાખ્યું, એ પછી તો ‘યતી’  મોટી થતી ગઈ. મને એક દિવસ ખબર મળ્યા, કે યતીન્દ્ર રહ્યા નથી. તેમના પોતાના સમાચાર જાણ્યા પછી હું ફરી નિઃસહાય થઈ ગઈ. હું ભાંગી પડી. મારી  તબિયત વધુને વધુ લથડતી ગઈ.  ત્રણ વર્ષ સુધી હું મોત સામે લડતી રહી, પરંતુ યતીન્દ્રનાં માતા-પિતા સામે જવાની મારી હિંમત ચાલી નહીં મને ખબર હતી કે યતીન્દ્રના દાદા મોટા જાગીરદાર હતા. તેમની મિલકત પર દાવો કરવા માટે હું  આવી છું તેવી ગેરસમજ ના થાય તે માટે મેં એમની પાસે જવાનું ટાળ્યું. મારું પણ મૃત્યુ નજીક આવતું રહ્યું. મને હવે મારી દીકરીની ચિંતા થવા લાગી કે મારા મૃત્યુ પછી મારી પુત્રીનું કોણ? મને લાગ્યું કે, આજે હું જિંદગી હારી રહી છું. મૃત્યુ જીતી રહ્યું છે. મેં પૂરાં ત્રણ વર્ષ યતીન્દ્રની યાદોના સહારે પસાર કરી લીધાં હતા. પણ હવે મારી પાસે સમય નથી. મારું બ્લડ કેન્સર છેલ્લા સ્ટેજમાં છે. આ તબક્કે હવે તમારી પર જ મને ભરોસો છે. તમારી સત્યઘટનાઓમેં વાંચી છે. તમે મારી દીકરી યતીને થોડી જ મદદ કરજો. એને એના દાદાજી પાસે પહોંચાડજો, પ્લીઝ. યતીન્દ્રના દાદાજીનું સરનામું પણ  મેં અહીં લખેલું છે. એક નાનકડી બાળકીને અનાથ થતાં બચાવી લેજો.’

– મરનાર યુવતીની ડાયરી વાંચતાં વાંચતાં મને આંખમાં આંસુ આવી ગયાં. મેં તરત જ નાનકડી યતીને ઊંચકી લીધી. તેને કારમાં બેસાડી મેં કાર સ્ટાર્ટ કરી. ડાયરીમાં યતીના દાદાજીના સરનામાવાળું વિઝિટિંગ કાર્ડ પર પડયું હતું. મેં સરનામું શોધી કાઢયું. એક મોટી હવેલી આગળ જઈ મારી કાર ઊભી રહી. મેં દરવાનને મારું કાર્ડ આપ્યું.

એટલામાં એક રૂઆબદાર બુઝુર્ગ ખુદ અંદરથી બહાર આવ્યા.  મને અને યતીને ડ્રોઇંગરૂમમાં લઈ ગયા. એક આરામ ખુરશીમાં બેસતાં પ્રશ્નાર્થભરી નજરે મને જોઈ રહ્યા. મેં કહ્યું : ‘આપ જ દીવાનસિંહજી છો?’

‘જી.’

મેં તેમના હાથમાં તેમના પુત્ર યતીન્દ્રની ડાયરી અને તેણે યતીની મમ્મીને આપેલું વિઝિટિંગ કાર્ડ આપ્યું. તેમણે યતીન્દ્રની ડાયરી ખોલી. એક પછી એક પાનાં વાંચતાં ગયા. ડાયરી વાંચી રહ્યા બાદ તેમણે મને પૂછયું : ‘આ ડાયરી તમને ક્યાંથી મળી?’

મેં કહ્યું : ‘હોસ્પિટલમાંથી. યતીની મમ્મીએ મૃત્યુ પૂર્વે મને આપવા નર્સને આપી રાખી હતી.’

‘તો જેણે આ ડાયરી લખી છે તે નથી?’

‘ના બ્લડ કેન્સરથી આજે જ તેમનું મૃત્યુ થયું અને આ આપની પૌત્રી છે.’

થોડી વાર સુધી તેઓ મૌેન થઈ ગયા અને અચાનક જોશથી બોલ્યાઃ ‘અરે સાંભળો છો? જલદી અહીં આવો. આપણા યતીન્દ્રની દીકરી આવી છે.’

અંદરથી એક બુઝુર્ગ મહિલા દોડી આવ્યાં. દાદા-દાદી બેઉએ નાનકડી યતીને ઊંચકી લીધી અને છાતીસરસી ચાંપી દીધી. દાદાજીએ પૂછયું: ‘આનું નામ શું છે?’

‘યતી.’

‘તેની મમ્મીની અંતિમક્રિયા થઈ ગઈ?’

મેં કહ્યું : ‘ના.’

દાદાજીએ તરત જ ડ્રાઇવરને બોલાવ્યો. પતિ-પત્ની બેઉ હોસ્પિટલ પહોંચી ગયાં અને યતીની  મમ્મીના મૃતદેહનો કબજો લઈ સન્માનપૂર્વક તેની અંતિમક્રિયા કરી.

દાદાજી બોલ્યા : ‘યતીન્દ્રએ તેના મૃત્યુ પહેલાં એક પત્ર દ્વારા મને તેની આ અંગત વાત જણાવી દીધી હતી. હું જ છેલ્લા ત્રણ વર્ષથી યતીની તલાશ કરી રહ્યો હતો. તમે મારી પૌત્રી શોધી આપી મારી પર બહુ જ મોટા ઉપકાર કર્યો છે.’

અને તેમણે યતીને ફરી ઊંચકી વાત્સલ્યભર્યું ચુંબન કરી લીધું.

હું જ્યારે જિંદગીથી થાકી જાઉં છું. ત્યારે ક્યારેક ક્યારેક યતીને મળવા તેની પાસે પહોંચી જાઉં છું.’

– તયબ્બા મુનવ્વરની વાત અહીં પૂરી થાય છે.

–  દેવેન્દ્ર પટેલ

http://www.devendrapatel.in

Be Sociable, Share!