Close

મારી માતાના અવસાન વખતે એક અજાણ્યો યુવાન આંસુ સારતો હતો

કભી કભી | Comments Off on મારી માતાના અવસાન વખતે એક અજાણ્યો યુવાન આંસુ સારતો હતો
મારું નામ ડાયના છે. હું અમેરિકાના એક અત્યંત નાના ટાઉનમાં રહું છું.
મારી માતાના અવસાન બાદ ફ્યૂનરલ સમયની  આ વાત છે. મારી મા બહુ જ ભલાં અને  બીજાને મદદરૂપ થવાની લાગણી ધરાવતાં નારી હતા. મારે જ્યારે પણ  એમની જરૂર પડી ત્યારે તેઓ હંમેશાં મારી પડખે ઊભા રહેતાં.
મારી માતા બહુ જ ગંભીર રીતે બીમાર પડયાં. એ વખતે મારી મોટા બહેનને પ્રસૂતિ હતી. એણે નવજાત શિશુની સંભાળ લેવાની હતી. મારો નાનો ભાઈ હજુ તો હમણાં જ પરણ્યો હતો. એ વખતે મારે બીજું કોઈ એન્ગેજમેન્ટ ના હોવાથી હું મારી માતાની બીમારી વખતે સતત તેમની પાસે હાજર હતી. મારા માટે માતાની સેવા કરવી એ ગૌરવની વાત હતી.
પણ હવે તેઓ આ દુનિયામાં નહોતા.  મને લાગ્યું કે  મેં બધું જ ગુમાવી દીધું છે. હું ભગવાનને કહેવા લાગી. ‘હે ઈશ્વર હવે હું શું કરીશ?’
હું એકલી પડી ગઈ હોય તેમ મને લાગ્યું.  મેં આસપાસ નજર કરી તો મારો ભાઈ એની  પત્નીના હાથમાં હાથ પરોવીને બેઠો હતો. મેં જોયું તો મારી બહેન તેના પતિની બાજુમાં બેસીને તેના તાજા જન્મેલા બાળકનું  પારણું હલાવી રહી હતી. એ વખતે તેના પતિનો હાથ એની આસપાસ વીંટળાયેલો હતો.
હું એકલી બેસી રહી. હું મારી માતાના મૃતદેહની સમીપ બેસી રહી અને ઊંડું દુઃખ અનુભવી રહી.
કોઈને મારી તરફ જોવાની ફુરસદ નહોતી.
મારી માતા મારી નજીકની મિત્ર જેવી હતી. અમે બંને સાથે બેસીને બાઇબલ વાંચતા હતા. ઘણીવાર હું જ રસોઈ તૈયાર કરી દેતી. મારી માને  ડૉક્ટર પાસે વારંવાર જવું પડતું હતું, એટલે હું જ તેને ડૉક્ટર પાસે લઈ જતી હતી.  સાંજના સમયે હું જ તેનો હાથ પકડીને બહાર ચાલવા લઈ જતી. પણ હવે મારી મા રહ્યાં નથી. હવે હું સાવ એકલી છું એવી લાગણી હું અનુભવી રહી. માતાની અંતિમક્રિયા માટે અમે ફ્યૂનરલ હોમમાં  ગયાં.
(અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેની અંતિમ ક્રિયા પહેલાં મૃતદેહને ફ્યૂનરલ હોમમાં લઈ જવામાં આવે છે.)
એટલામાં ફ્યૂનરલ હોમનું બારણું અચાનક ખૂલ્યું. મેં જોયું તો એક યુવાન ઝડપથી અંદર ધસી આવ્યો. એની આંખોમાં આંસુ હતાં. મારી બાજુમાં જ બેસી જતાં એ યુવાને કહ્યું ઃ ‘સોરી… હું મોડો પડયો છું. પણ સવાલ એ છે કે જે મૃત્યુ પામ્યાં છે તેમનું નામ માર્ગારેટ હોવા છતાં બહાર ઊભેલા બધાં તેમને મેરી કેમ કહે છે?’
મેં ધીમેથી કહ્યું ઃ ‘કારણકે એમનું નામ મેરી જ હતું. એમને કોઈ માર્ગારેટ કહી બોલાવતું જ નહોતું.’
મને આૃર્ય એ વાતનું હતું કે એક અજાણ્યો યુવાન મારી બાજુમાં બેસી મારા માતાના અવસાન વખતે દુઃખ વ્યક્ત કરી આંસુ કેમ સારતો હશે?’
કેટલીકવાર બાદ ફરી એણે એનો એ પ્રશ્ન પૂછયો. મને લાગ્યું કે મારી માતાના અવસાન નિમિત્તે મારી શોકવ્યક્ત કરવાના પ્રસંગે આ યુવાન મને ડિસ્ટર્બ શા માટે કરી રહ્યો હશે?’
એટલામાં એ ફરી બોલ્યો ઃ ના એમનું નામ માર્ગારેટ જ છે.
મેં કહ્યું ઃ ‘ના… તમે ખોટા છો. અહીં જેની ફ્યૂનરલ વિધિ ચાલી રહી છે તેમનું નામ મેરી છે .
અચાનક એ યુવાનને કાંઈ ભાન થયું હોય તેમ તે બોલ્યો ઃ ‘આ લૂથર્ન ચર્ચ નથી?’
મેં કહ્યું ઃ ‘ના.’ લૂથર્ન ચર્ચ આ રસ્તાના છેવાડે છે.
હવે તે સમજી ગઈ કે તે યુવાન ભૂલથી કોઈ ખોટી વ્યક્તિની અંતિમક્રિયા માટે ફ્યૂનરલમાં આવી ગયો હતો. એ યુવાને ક્ષોભ અનુભવ્યો. કારણ કે એણે માર્ગારેટ નામની એની આન્ટની  અંતિમક્રિયામાં જવાના બદલે અહીં  મેરી નામના મહિલાના ફ્યૂનરલમાં આવી ગયો હતો. આ પરિસ્થિતિમાં મને હસવું આવી ગયું અને તે પણ હસી પડયો.
વિચાર કરો કે અમને બંનેને હસતાં જોઈ કદાચ મારી માને પણ હસવું આવી ગયું હશે. છેવટે એણે ‘આમેન’ કહ્યું. મારી માતાને શ્રાદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ અમે બંને સાથે જ કાર પાર્િંકગના પ્લોટ સુધી ગયા. મને લાગ્યું કે ખોટી અંતિમ ક્રિયામાં  આવી જવાનો આ કિસ્સો કદાચ ગામમાં ટૉક ઑફ ધી ટાઉન બની જશે.
એટલામાં છૂટા પડતાં એ યુવાન બોલ્યો ઃ ‘લોકો મારી ભૂલ પર ભલે મજાક કરે… મારે મારી આન્ટના ફ્યૂનરલમાં જવાનું હતું તે તો હવે મિસ થઈ ગયું પરંતુ હવે તમારાં માતાની અંતિમક્રિયા  થઈ જ  ગઈ છે તો ચાલો આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જઈ કૉફી પીએ !
મેં હા પાડી.
આ ઘટનાના એક  વર્ષ બાદ હું અને એ યુવાન પરણી ગયાં અને તે પણ અમારા નાનકડા ટાઉનના કન્ટ્રી ચર્ચમાં. આ વખતે અમે બંને સાચી જ જગાએ એટલે કે સાચા જ ચર્ચમાં પહોંચ્યાં. ના તો એણે ભૂલ કરી કે ના તો મેં મારી માતાની અંતિમક્રિયામાં ભૂલથી હાજરી આપનાર જોનાથન મારો હસબન્ડ  બન્યો અને મારા દુઃખના સમયે એણે જ અનાયાસે પ્રેમ અને  એણે કરેલી ભૂલથી હસવાની તક આપી.
હવે અમે બંને અમારા લગ્નની બાવીસમી વેડિંગ એનિવર્સરી ઊજવી રહ્યા છીએ. ક્યારેક કોઈ અમને પૂછે છે કે અમે એક બીજાને ક્યારે મળ્યા ? ત્યારે હું જવાબ આપું છું કે, ‘મારી માતા અને એના આન્ટે અમને બંનેને એકબીજા સાથે પરિચય કરાવ્યો હતો.’
નથી લાગતું કે અમારાં લગ્ન સ્વર્ગમાં જ નક્કી થયા હતા અને પરર્ફોર્મ પૃથ્વી પર થયાં !
– ડાયના એવી વાત પૂરી કરે છે.
ક્યારેક ફ્યૂનરલ હોમ પણ બે જીવોના મિલનનું  નિમિત્ત બની જતું હોય છે. તેનું આ ઉદાહરણ છે. હમણાં થોડાંક દિવસો પહેલાં જ ‘મેરેજ ડે’ ગયો. ભારતમાં લગ્ન એક સ્ત્રી અને પુરુષના પવિત્ર સંબંધોનું મિલન ગણવામાં આવે છે. અગ્નિની સાક્ષીએ સ્ત્રી અને  પુરુષના લગ્ન થાય છે. એક સ્ત્રી એક પુરુષ સાથે જે  સાત પગલાં ભરે છે તે તમામ પગલાંમાં એક સંકલ્પ હોય છે. તેથી જ ભારતમાં લગ્ન એક ‘સંસ્થા’ ગણાય છે. પિૃમના દેશોમાં ભારત કરતાં છૂટાછેડાનું પ્રમાણ વધુ છે.
બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ ચાર્લ્સ  અને ડાયનાના ડિર્વોર્સની કહાણી જાણીતી છે.
નોંધપાત્ર વાત એ છે કે પ્રિન્સ ચાર્લ્સ અને  પ્રિન્સેસ ડાયનાના લગ્ન થયા ત્યારે  વિશ્વના ૭૪ જેટલા દેશોના એક બિલિયન જેટલા દર્શકોએ એમના લગ્ન સમારંભ ટી.વી. પર નિહાળ્યો હતો.
સેંટ પૉલ કેથેડ્રલ ખાતે ૨,૬૫૦ અતિથિઓની હાજરીમાં તેમનો ભવ્ય લગ્નસમારોહ  યોજાયો હતો. આ યુગલનો પ્રેમ વિશ્વભરના લોકો માટે જિજ્ઞાસા અને આકર્ષણનું કેન્દ્ર હતો. તેમનું પ્રથમ સંતાન તે પ્રિન્સ વિલિયમનો  જન્મ ૧૯૮૨માં થયો હતો પરંતુ ૧૯૯૨માં આ શાહી યુગલે  સેપરેશન જાહેર કર્યું અને ૧૯૯૬માં તેમના ડિર્વોર્સ થયા. એે પછી પ્રિન્સેસ ડાયના લોકહૃદયમાં અપ્રતિમ સ્થાન ધરાવતા રહ્યા પરંતુ તા. ૩૧ ઑગસ્ટ ૧૯૯૭ના રોજ પેરિસમાં થયેલા એક કાર અકસ્માતમાં તેમનું અવસાન થયું.  એમના મૃત્યુનું કારણ પણ જાણવા જેવું છે. તેઓ પેરિસની એક ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમની તસવીર લેવા પાછળ પડેલા પાપારાઝીઓથી બચવા ડ્રાઇવરે જે રીતે કાર ચલાવી તેથી અકસ્માત થયો. ડ્રાઈવર પીધેલો હતો. ડ્રાઈવરનું પણ મોત નીપજ્યું.
એ સિવાય પિૃમના દેશોનાં જે જાણીતા યુગલો છે તેમાં  તેમાં બાર્બરા સ્ટ્રીસાન્ડ અને જેમ્સ બ્રોસ્નાન, અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ કેનેડી અને જેકવેલીન કેનેડી, મેરિસ સ્ટ્રમ્પ અને ડોન ગમર, પ્રિયર્સ બ્રોસ્નાન અને કીલી શભે સ્મીથ, જ્હોન ટ્રવોલ્ટા અને કેલીપ્રિસન, કેવિન કોસ્ટનર, અને ક્રિસ્ટાઇન બાઉન ગાર્ટનર અને નિકોેલ કિડમેન અને કીથ અર્બનનો સમાવેશ થાય છે.  ફિલ્મ અભિનેત્રી એલિઝાબેથ ટેલર બે વાર રિચાર્ડ બર્ટનને પરણીને બે વખત છૂટાછેડા થયા.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!