Close

મારી સાસુને સીધી કરવી છે મને કોઈ રસ્તો બતાવો ને !

કભી કભી | Comments Off on મારી સાસુને સીધી કરવી છે મને કોઈ રસ્તો બતાવો ને !
ઘણાં  વર્ષો પહેલાંની આ વાત છે.
એ વખતે ચીનના એક નાના ગામમાં લી નામની એક છોકરી રહેતી હતી. વયસ્ક બનતાં તેનાં એક સુંદર યુવક સાથે લગ્ન થઈ ગયાં. લગ્ન બાદ લી તેના સાસરે ગઈ. એના પરિવારમાં તેના પતિ એક માત્ર સાસુ જ હતા.
શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું.
આરંભમાં તો સાસુનો તેની પ્રત્યેનો વ્યવહાર બહુ સારો હતો. પુત્રવધૂને  પુત્રીની જેમ જ સાચવતી હતી પરંતુ કેટલોક સમય વીત્યા બાદ વાતાવરણ પહેલાંના જેવું ના રહ્યું. સમય વીતતાં તેની સાસુનો લી પ્રત્યેનો વ્યવહાર બદલાઈ ગયો. વાતવાતમાં સાસુ પુત્રવધૂનો દોષ શોધી કાઢતી ઃ ‘તને રસોઈ બનાવતાં આવડતી નથી. તને ઘર સાફ કરતાં બરાબર આવડતું નથી ‘.
વાતવાતમાં સાસુ લીને પરેશાના કરવા લાગી. રોજ તેને લડતી રહેતી. રોજ લીને મહેણાં ટોણાં મારતી રહી.  સાસુ- વહુ વચ્ચેના ખટરાગને ત્રણ મહિના થયા. સમય વીતતા એ બંને વચ્ચેના સંબંધો વધુ બગડી ગયા. એકવાર તો સાસુએ લી પર વાસણ છૂટું ફેંક્યું. બીજી વાર સાસુએ લીને તમાચો મારી દીધો.
સાસુથી કંટાળીને લી તેના પિયર જતી રહી.  સાસુએ તેની સાથે જે મારપીટ કરી હતી તેથી તેને બહુ જ ખરાબ લાગ્યું હતું.  એ કોઈ પણ સંજોગોમાં તેની સાસુ સાથે બદલો લેવા માગતી હતી. કોઈએ એને સાસુને ઠીક કરવા એક ઉપાય બતાવ્યો અને ગામના  એક  વૈદ્યરાજ પાસે જવા સલાહ આપી.
લી ગામના વૈદ્ય પાસે ગઈ. લીએ વૈદ્યને કહ્યું ઃ ‘મારી સાસુ બહુ જ ખરાબ  સ્વભાવની છે. રોજ મારી સાથે લડાઈ કરે છે. મારી સાસુથી હું બહુ જ પરેશાન છું. વાત વાતમાં મારો વાંક કાઢે છે. મારાથી એ બધું સહન થતું નથી. મારે એને સીધી દોર કરીને બદલો લેવો છે. મને કોઈ ઉપાય બતાવો. મારે એને પતાવી દેવી છે. ‘
લી ક્રોધમાં બધું બોલી ગઈ.
વૈદ્ય ધીમેથી બોલ્યા ઃ ‘બેટા તારા પિતા મારા સારા દોસ્ત હતા એટલે હું તને જરૂર મદદ કરીશ. પરંતુ હું તને જે ઉપાય બતાવું તે તારે ખાનગી રાખવાનો છે અને કોઈને કહેવાનું નથી.’
‘હા… વૈદ્યરાજ, તમે જેમ કહેશો તેમ જ હું કરીશ’ ઃ લી બોલી.
વૈદ્ય બોલ્યા ઃ ‘હું જેમ કહું તેમ જ કરજે નહિતર તું ફસાઈ જઈશ… જો સાંભળ હવે. હું તને કંઈક આપું છું.’
– એમ કહી વૈદ્ય અંદરના રૂમમાં ગયા. જડીબુટ્ટીઓ ભરેલી એક ડબ્બી લઈને બહાર આવ્યા.  એ ડબ્બી લીને આપતા તેઓ બોલ્યા ઃ ‘લી, આ ડબ્બી લે. આ ડબ્બીમાં ભરેલી જડીબુટ્ટીઓ તને  હું આપું છું. તારે તારી સાસુને મારી  નાંખવી હોય તો કોઈ કાતિલ ઝેરનો પ્રયોગ ના કરી શકાય. કોઈ ઝેર તું આપે ને તારી સાસુ તરત જ મરી જાય તો તારી પર જ આળ આવે તો તને સજા થાય. તેથી હું તને આ દુર્લભ જડીબુટ્ટીઓ આપું છું. તેને વાટીને તેનું ઝીણું ચૂર્ણ બનાવ જે. એ લઈને તું તારી સાસરે પાછી જા. જાણે કાંઈ જ બન્યું નથી એ રીતે તારી સાસુ સાથે  વર્તન કર. તારી સાસુ માટે જે ભોજન પીરસે તેમાં રોજ થોડું થોડું આ ચૂર્ણ ભેળવી દેજે. આ જડીબુટ્ટીઓમાં ધીમું ઝેર છે. તે રોજ ખાવાથી માનવીના શરીરમાં ધીમું ઝેર  પેદા કરે છે અને છ મહિના સુધી આ જડીબુટ્ટીઓનું ભોજનમાં સેવન કરવાના કારણે માનવીનું મૃત્યુ થાય છે પણ યાદ રાખજે તારી સાસુ તારું જ બનાવેલું  ભોજન ખાય એ માટે રોજ સારા સારા સ્વાદિષ્ઠ પકવાન બનાવજે જેથી તે મોજથી જમે અને તે પકવાનમાં આ જડીબુટ્ટીઓનું  ચૂર્ણ ભેળવતી રહેજે.’
‘જી… વૈદ્યરાજ.’
વૈદ્ય બોલ્યા ઃ ‘અને હા, તારી સાસુને વહેમ ના જાય એટલે તું એમની સાથે સારો વ્યવહાર  રાખજે. પ્રેમથી બોલજે. એે લડે તો સહન કરી લેજે અને તારી સાસુને આદર આપજે.  જેથી તારી પર એમને કોઈ શંકા ના જાય… બસ આટલું કરજે એટલે છ મહિનામાં જ તારી સાસુનો ખેલ ખલાસ થઈ જશે.
‘જી… વૈદ્યરાજ.’
‘તો હવે તું આ જડીબુટ્ટીઓ લઈને તારા સાસરે પાછી જા અને મેં જેમ કહ્યું છે તેમ કર. બસ, એટલું જ યાદ રાખજે કે તારે તારી સાસુ સાથે સારો વ્યવહાર રાખવાનો છે.’
‘જી… વૈદ્યરાજ’ બોલીને  લી ખુશ થતી વૈદ્યરાજે આપેલી જડીબુટ્ટીઓની ડબ્બી લઈ સીધી જ તેના સાસરે ગઈ.
સાસુને પણ પિયરથી પાછી આવેલી લીને જોઈ આૃર્ય થયું. એણે એમણે મહેણાં પણ માર્યા પરંતુ લીએ  સાસુને કોઈ જવાબ આપ્યો નહીં. સાસુને ફરી આૃર્ય થયું કે દર વખતે તો પુત્રવધૂ સામે થઈ જતી હતી પણ આજે એ મૌન રહી.
હવે લી રોજ એનાં સાસુ માટે અવનવા ભોજન બનાવતી રહી. સાસુની થાળીમાં જે ભોજન પીરસાય તેમાં તે વૈદ્યે આપેલી જડીબુટ્ટીઓનું ચૂર્ણ થોડું થોડું  ભેળવતી  રહી. લીએ પીરસેલું સ્વાદિષ્ઠ  ભોજન સાસુ આરોગતા રહ્યા. વૈદ્યરાજની સૂચના પ્રમાણે લી તેની સાસુ સારો સારો વ્યવહાર રાખવા  માંડી હતી. સાસુનો  પડયો બોલ તે ઝીલી લેતી. સાસુને  બહુ જ માન આપવા લાગી હતી. કોઈવાર સાસુ ગુસ્સો કરે તો પણ તે સહન કરી લેવા માંડી. અને પોતાના ક્રોધ પર કાબૂ રાખવા માંડી.
છ મહિના વીતી ગયા.
બીજી બાજુ ઘરનો માહોલ સાવ બદલાઈ ચૂક્યો હતો. સાસુ કે જે પહેલાં લીની બહુ જ બૂરાઈ કરતી હતી તે હવે પુત્રવધૂના બીજાઓ આગળ વખાણ કરવા લાગી હતી ઃ ‘મારી પુત્રવધૂ જેવું કોઈ નહીં.’
ઘેર ઘેર ફરીને સાસુ લીનાં વખાણ કરતી. એ કહેતી ઃ ‘લી મારી પુત્રવધૂ નહીં પરંતુ મારી પુત્રી જ જેવી લાગે છે.’
અને હવે લીને પણ સાસુમાં પોતાની માતાના દર્શન થવા લાગ્યા. પરંતુ લીને ભય સતાવી રહ્યો. એને બીક હતી કે મેં ઝેરી જડીબુટ્ટીઓનું ધીમું ઝેર મારી સાસુને આપ્યું છે તે કારણે મારી માતા જેવી સાસુ ગુજરી જશે તો…?’
એ એક બહાનું કાઢીને પોતાના પિયર ગઈ.  પિયર પહોંચી એ સીધી વૈદ્યરાજ પાસે ગઈ. એણે વૈદ્યને કહ્યું ઃ ‘વૈદ્યરાજજી આપના કહેવા પ્રમાણે  મેં તો મારાં સાસુને ઝેરી જડીબુટ્ટીઓનું ચૂર્ણ બધું જ  ખવરાવી દીધું છે. હવે તો છ મહિના થઈ ગયા. હું મારા સાસુને મારી નાખવા માગતી નથી.’
‘કેમ ?’
લી બોલી ઃ ‘મારા સાસુનો મારી પ્રત્યેનો વ્યવહાર એકદમ બદલાઈ ગયો છે. હવે તેમને તેમની પુત્રવધૂની જેમ નહીં પરંતુ એક પુત્રીની જેમ સાચવે છે. તેઓ મને બહુ જ પ્રેમ આપે છે. હું પણ તેમનો બહુ જ આદર કરું છું. મારાં સાસુ મારા માટે સાક્ષાત મારી મા સમાન છે. હવે કાંઈક એવું કરો કે મેં એમને જે ધીમું ઝેર આપ્યું છે તેની અસર તાત્કાલિક ખતમ થઈ જાય.’
– એટલું બોલતાં બોલતાં લી રડવા લાગી.
વૈદ્યરાજ હસીને બોલ્યા ઃ ‘બેટા લી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હકીકતમાં મેં તને ઝેર આપ્યું જ નહોતું. મેં ડબ્બીમાં જે જડીબુટ્ટીઓ આપી હતી કે ખરેખર તો સ્વાસ્થ્યવર્ધક જડીબુટ્ટીઓ જ હતી. ઝેર તો તારા દીમાગમાં તારા વિચારોમાં હતું. એટલે જ મેં તને કહ્યું હતું કે તારી સાસુને રોજ સારી સારી વાનગીઓ બનાવી પીરસજે. તેમની સાથે સારો વ્યવહાર રાખજે. તારાં  સાસુને માન આપજે.  સાસુની સેવા કરજે. તારા એ સારા વ્યવહારના કારણે જ તને પણ તારા સાસુનો પ્રેમ મળ્યો. તારા પ્રેમને કારણે તેઓ પણ બદલાઈ ગયા. હવે તું પણ જા અને મેં જે શીખવ્યું છે તેનો કાયમ અમલ કરજે. સાસુને પ્રેમ ને આદર આપીશ તો તને પણ  એવો જ પ્રેમ  સાસુ તરફથી મળશે.
આ સાંભળીને લી ખુશ થઈ ગઈ.
વૈદ્ય બોલ્યા ઃ ‘બેટા, હવે તું પાછી સાસરે  જા અને તારા પતિ અને સાસુ સાથે ખુશખુશાલ જિંદગી જીવ. મારા તને આશીર્વાદ છે.’ અને લી વૈદ્યરાજને પ્રણામ કરીને ખુશખુશાલ થઈ ફરી પતિગૃહે જવા રવાના થઈ.
પ્રેમ મેળવવો હોય તો પ્રેમ આપો. આદર મેળવવો હોય તો વડીલોને આદર કરો.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!