Close

માસિક રૂ. પાંચના પગારે નોકરી કરનાર કિશોર ધારાસભ્ય બન્યો

કભી કભી | Comments Off on માસિક રૂ. પાંચના પગારે નોકરી કરનાર કિશોર ધારાસભ્ય બન્યો

એમની ઉંમર ૯૨ વર્ષની છે.

નામ છે અંબાલાલ ઉપાધ્યાય. એમની જીવનકથા એમના જ શબ્દોમાં વાંચો :

પૂનમના રોજ જન્મ થયો એટલે જન્મ થતાં જ પૂનમ નામ પડી ગયેલ જે પ્રાથમિક શાળામાં નામ દાખલ થતાં સુધી ચાલુ રહેલ. મેઘરજથી આવેલા માસાએ જન્મસમયની કુંડળી બનાવી ગ્રહ જોઈ કહ્યું કે પૂનમ નામ બરાબર નથી. ગ્રહો જોતા મેષ રાશિ પર નામ આવે છે એટલે શાળામાં મેષ રાશિ મુજબ અંબાલાલ નામથી પ્રવેશ મેળવ્યો. ત્યારથી અંબાલાલ નામ ચાલુ થઈ ગયું.

ગામમાં સાત ધોરણ સુધી શાળા હતી. ગામમાં બ્રાહ્મણ જ્ઞાતિના સાઠ ઘર હતાં. બ્રાહ્મણો બધા જ મુંબઈ રસોઈ કામ કરતા હતા. દીકરો ચાર ચોપડી ભણે એટલે તેને મુંબઈ લઈ જઈ રસોઈ કામે લાવી દેવાનો રિવાજ હતો. મારે પણ ચાર ચોપડી પૂરી થઈ એટલે બાપા મુંબઈ રસોઈ કામમાં હતા તેઓએ પોસ્ટકાર્ડ લખી બાને જણાવ્યું કે અંબાલાલને કોઈ મુંબઈ આવતાની જોડે મોકલાવો. બાએ કહ્યું કે તેને સાત ચોપડી સુધી ભણવા દો પછી મુંબઈ મોકલીશું. સાત ચોપડી સુધી સળંગ પાસ થઈ ગયો. સાતમું ધોરણ પાસ થયા પછી ગુજરાતીમાં વર્નાક્યુલર ફાઈનલની છેલ્લી પરીક્ષા ગણાય તો આપવા કલાસના બાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા. વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા આપવા પ્રાંતિજ સેન્ટર હતું ત્યાં જવું પડતું હતું, પરીક્ષા આપવા ગયા ત્યારે બધાનું જમવા માટે સીધું સામાન અને રાંધવાના વાસણ લઈ ગાડામાં ભરી મોડાસા ગયા. સાથે રસોઈ કરનાર લીધા. એક શિક્ષક અમારી જોડે આવ્યા હતા. મોડાસા જઈ ત્યાં તલોદ જવા માટે ખાનગી બસમાં બેસી ગયા. જિંદગીમાં પ્રથમ વખત આગગાડી જોઈ આવડી મોટી આગગાડી ચાલે કઈ રીતે તે વિચારે તો અચરજ પામ્યો. ગાડીમાં ઊતરનારા અને બેસનારા ધક્કામુક્કીમાં માંડ સામાન ચઢાવી ચાલુ ગાડીમાં બેઠા. પ્રાંતિજ સ્ટેશન આવતાં ઊતરતાં ચઢનાર અને ઊતરનારની જબ્બર ધક્કામુક્કીમાં ઊતર્યા પણ સામાન ઉતારતાં મારા કપડાં અને પુસ્તકોની પેટી રહી ગઈ અને આગગાડી ઊપડી ગઈ. રેલવે સ્ટેશનથી ઘોડાગાડીમાં સામાન ભરી ગામમાં ઉતારે ધર્મશાળામા ગયા. પરીક્ષા સાત દિવસ ચાલી. મારા કપડાની પેટી આગગાડીમાં જતી રહી હતી એટલે ગામમાંથી ટુવાલ વેચાતો લાવી તે રાત્રે પહેરી કપડાં ધોઈ સૂકવી દેતો હતો.

પ્રાંતિજમાં હોટલમાં આઈસ્ક્રીમ એક પૈસામાં ડિશ મળે તે લઈ ખાતાં તેના સ્વાદથી અને ઠંડકથી તે ગમી ગયો એટલે સાતે દિવસ એક પૈસો આપી આઈસ્ક્રીમ ખાધો. ઘેર આવતાં મુંબઈ જવાનું ગોઠવાતું હતું એટલામાં મામાની તલોદમાં અંબિકા હિંદુ લોજ હતી ત્યાં તેઓએ મને બોલાવી લઈ માસિક રૂપિયા પાંચના પગારથી પીરસવાના કામે જોતરી દીધો. સવારે પાંચ વાગે જાગી જઈ ભઠ્ઠા સળગાવી તેના પર દાળ અને કઠોળ ચઢાવવા મૂકી દેવાનું. દાળ શાક મસાલા કાઢી દેવાના. અડધો મણ જેટલો ઘઉંનો લોટ મોટી પરાતમાં કાઢી પાણી નાખી લોટ મસળી બાંધવાનો. બાર વર્ષની ઉંમરે ફાવે નહીં, એટલે ઢીંચણોથી ગુંદી બાંધવો પડતો. શાક સમારવા બેસી જવાનું. દસ વાગતામાં રસોઈ થઈ જાય એટલે આગલી રાતની વધેલી ભાખરી કે પૂરી દાળમાં ખાઇ લેવાની. શાક, કઠોળ, ભાત કે રોટલી લેવાની નહીં. સળંગ દોઢ વરસ ત્રાસદાયક સ્થિતિમાં કાઢી કંટાળી ગયેલો પણ મામા ઘેર જવાની રજા ન આપે.

તલોદમાં ભારત નાટક કંપની આવેલી ૬ માસ સુધી ચાલેલી. ત્યારે તેના માલિક હીરાલાલ ડી. નાયકને રોજ બે વખત જમવાની થાળી આપવા જવું પડતું હતું. નાટકના માલિકે મને મફત નાટક જોવા બેસાડી દે. હું દરરોજ નાટક જોતો હતો. નાટક જવાનું થયું એટલે માલિકે મને કહ્યું કે તારે નોકરી કરવી હોય તો અમો નરોડા જવાના છીએ, નરોડા આવી જજે. મામા પાસે ઘેર દવાનું બહાનું કાઢી માંડ ચાર દિવસ રજા લઈ ભાડાના પૈસા લઈ ગાડીમાં બેસી ઘેર જવાના બદલે નરોડા નાટક કંપનીમાં પહોંચી ગયો. નાટક કંપનીના માલિક મારી પાસે તેઓનું કામકાજ કરાવતા હતા. અઠવાડિયું થયું પણ ઘેર ગયો ન હતો. તલોદમાંય ન હતો એટલે ઘરના ચિંતામાં પડી ગયા. બાપા બીમાર હતા એટલે મુંબઈથી મારા બનેવી શંકરલાલ હીરાલાલ ત્રિવેદીને બોલાવી મારી શોધ ચાલુ કરી. તેઓ મને શોધતા ઓચિંતા નરોડા નાટક કંપનીમાં આવી ગયા મને સમજાવી ઘેર લઈ ગયા. મને મુંબઈ લઈ જઈ રસોઈયા તરીકેની નોકરીએ ચઢાવી દીધો.

દેના બેન્કના માલિક દેવકરણ નાનજીના દીકરા પ્રાણલાલભાઈની દીકરી કલાબહેન પારેખના ઘેર રસોઈયાની નોકરીએ માસિક રૂ. ૩૦ના પગારથી મૂક્યો. દેના બેન્કના માલિક પોરબંદરના વતની હતા. મહાત્મા ગાંધીજીના નજીકના કુટુંબી હતા એટલે કલાબહેનના ઘેર ગાંધી સાહિત્ય અને છાપાઓ આવતા હતા. રસોઈ પરવારી પુસ્તકો અને છાપાઓ વાંચતો હતો. મુંબઈમાં તે વખતે સ્વાતંત્ર્યની લડત જોશભેર ચાલતી હતી. રોજેરોજ સત્યાગ્રહો થાય. મંદિરે દલિતોના પ્રવેશ માટે સત્યાગ્રહો થાય જેમાં હુંય બેસી જતો હતો. પરદેશી કાપડની હોળી થાય તે રસપૂર્વક જોતો હતો. ચોપાટી પર સભાઓ થતી જેમાં હું હાજર રહેતો હતો. ચોપાટીની સભામાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર,જય પ્રકાશ નારાયણ, અશોક મહેતાની સભાઓ સાંભળી હતી. મેં મુંબઈથી ખાદી પહેરવાનું ચાલુ કર્યું હતું.

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સ્વાતંત્ર્ય દિને હું મુંબઈમાં હતો. આખું મુંબઈ શણગારાયેલું. મુંબઈ શહેરના લાખો માનવીઓએ ગાંડા બનીને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી. આખું મુંબઈ રસ્તાઓ પર ઊતરી ગયું હતું. ટ્રેન, બસ, વગર ભાડે ત્રણ દિવસને રાત ખુલ્લા મુકાયા હતા. હું પણ રાતભર રખડવામાં ક્યાંય નીકળી ગયા તેની પણ ખબર ન પડી ભૂલો પડી ગયો પણ રહેઠાણની જગા નું નામ યાદ રહી ગયેલ એટલે પૂછી પૂછી બીજા દિવસે સાંજે આવી શક્યો હતો. હોટેલો, લોજોમાં મફત ખાવાની છુટ હતી.

મુંબઈ પ્રજાકીય મંડળની સભામાં ગયેલ ત્યારે ઈડર સ્ટેટ સામેની લડત માટે ઇડર સ્ટેટના ભીલોડામાં પ્રજા પરિષદ ભરવા નક્કી થતાં મુંબઈના પંદર જેટલા ભાઈઓ પ્રજા પરિષદના પ્રચાર માટે દેશમાં આવ્યા હતા જેમાં હું પણ આવ્યો હતો. દસ દિવસ સુધી પગપાળા ગામડે ફરી પ્રજા પરિષદની પત્રિકાઓ વહેંચી હતી. એ રીતે જાહેરજીવનમાં આવ્યો.

૧૯૪૦ની સાલમાં રવિશંકર મહારાજ અને પૂજ્ય સંતબાલજીએ મારા લીંભોઈ ગામે રાત્રે જાહેર સભા યોજી હતી. જેમાં આબાલ વૃદ્ધ સૌ ગ્રામજનો હાજર રહ્યા હતા.ઇડર રાજ્યે તેઓને રાજકીય ભાષણ ન કરવાની શરતે પરવાનગી આપી હતી. સભામાં સંતબાલજીએ અને રવિશંકર મહારાજે વ્યસન મુક્તિ, બાળકોને ભણાવવા અને અસ્પૃશ્યતા દૂર કરવા ભાષણ કર્યા. ભાષણ પછી રવીશંકર મહારાજે કહ્યું જે બાળકો શાળામાં ભણતા હોય અને ચા પીતા હોય તેમાંથી ચા ન પીવાની પ્રતિજ્ઞા લે તે બાળક ઊભા થાય. હું ઊભો થયો અને ચા ન પીવાની પ્રતિજ્ઞા લીધી. રવિશંકર મહારાજે મારા માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બેટા લોકોની સેવા કરજે. તે પ્રતિજ્ઞા મેં ૧૯૮૦માં બીજી વખત વિધાનસભામાં ચૂંટાઈ ગયો ત્યાં સુધી ૫૧ વર્ષ સુધી પાળી.

– આવા યુવાને સ્વરાજ્ય આવ્યા બાદ સક્રિય રાજનીતિમાં જ પ્રવેશ કર્યો. મોડાસા તાલુકા પંચાયતના અધ્યક્ષ તરીકે બે ટર્મ, ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે બે ટર્મ, સાબરકાંઠા જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે દોઢ ટર્મ રહી લોકોપયોગી કામો કરનાર લીંભોઈ (તા.મોડાસા) ના એક સામાન્ય પરિવારમાંથી આવતા અંબાલાલ ઉપાધ્યાયનું બાળપણ ગરીબી અને અભાવો વચ્ચે વીત્યું, પરંતુ ગાંધી- સરદારને સાંભળ્યા બાદ જાહેર જીવનમાં આવ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ભાગ લીધો. પારડી ઘાસીયા જમીન સત્યાગ્રહમાં પણ ભાગ લીધો. દીવ-દમણ-ગોવા મુક્તિ સંગ્રામમાં પણ ભાગ લીધો. મેઢાસણના ગામોમાંથી વેઠપ્રથા બંધ કરવી. દલિતોને મંદિર પ્રવેશ કરાવરાવ્યો. દારૂની ભઠ્ઠીઓ પર પિકેટિંગ કર્યું.

– આ જીવનકથા અંબાલાલ ઉપાધ્યાય નામના મોડાસાના એક પૂર્વ ધારાસભ્યની છે. તેઓ બે વાર ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા, બે ટર્મ દરમિયાન એક પણ દિવસ વિધાનસભામાં ગેરહાજર ના રહ્યા. ગૃહમાં પૂરો સમય બેસી કાર્યવાહીનું નીરિક્ષણ કર્યું. હાઉસમાંથી એક પણ દિવસ વોકઆઉટ કર્યો નહીં. ગાંધીનગર જવા-આવવા બસમાં પ્રવાસ કર્યો. વિધાનસભા સચિવાલયે આપેલી રેલવેની કૂપનનો કદી ઉપયોગ કર્યો નહીં. તબીબી સારવાર માટે પોતાના પરિવાર કે પોતાના માટે કદી એક રૂપિયાનું બિલ મંજૂર કરાવ્યું નહીં, સરકાર હાઉસનો એક દિવસ કે એક રાત માટે ઉપયોગ કર્યો નહીં. મત વિસ્તારમાં ઓફિસ, કાર્યાલય માટેનું ભાડું કે સ્ટાફ માટે કદી પગાર લીધો નહીં. મતવિસ્તારના એક પણ વ્યક્તિને કામ માટે ગાંધીનગર આવવું પડતું નહીં. આવા નેતાઓ-ધારાસભ્યો કેટલા ?

આજે ૯૨ વર્ષની વયે અંબાલાલ ઉપાધ્યાય સ્વયં એક સંસ્થા છે.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!