Close

મુંબઈની અંધારી આલમની આ હતી ‘માફિયા ક્વીન્સ’

કભી કભી | Comments Off on મુંબઈની અંધારી આલમની આ હતી ‘માફિયા ક્વીન્સ’
મુંબઈ અને દેશના બીજા ભાગોમાં કેટલીક સ્ત્રીઓ પણ અંડરવર્લ્ડમાં તેમનું સામ્રાજ્ય ભોગવી ચૂકી છે. મુંબઈના જાણીતા પત્રકાર એસ. હુસૈન ઝૈદી અને જેઇન બોર્ગેસે આવી કોલ્ડ બ્લડેડ માફિયા ક્વીન્સની જિંદગીમાં ઊંડા ઊતરીને સંશોધનો કર્યાં છે. મુંબઈના કમાઠીપુરાથી માંડીને ડોંગરી સુધી પથરાયેલી આવી લેડી ડોન્સના જીવન પર પ્રકાશ ફેંકતું પુસ્તક પણ લખ્યું છે.  આ પુસ્તકનું નામ છે- ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’.
જેનાબાઈ  દારૂવાલી
જ્યારે દાઉદ ઇબ્રાહીમ એક સ્ટ્રગલિંગ ગેંગસ્ટર હતો. કોઈ તકલીફ વખતે  તેણે મદદ માટે  એક ઘરનું બારણું ખખડાવ્યું.૭૦ વર્ષની જે મહિલાએ તેના ઘરનું બારણું ખોલ્યું  તે   જેનાબાઈ હતી. જેનાબાઈ સ્વયં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલી હતી. આ એ જ મહિલા હતી તેના ઘેર કરીમલાલા અને હાજી મસ્તાન પણ આવતા હતા. મુંબઈના બડા બડા ગેંગસ્ટારો સાથે  તેનો નાતો  હતો એ ગેંગસ્ટરો જેનાબાઈના આદેશનું હંમેશાં પાલન કરતા. જેનાબાઈ શરૂઆતમાં જેનાબાઈ ચાવલવાલી તરીકે જાણીતી હતી. કારણ કે તે આરંભમાં તે રેશનનું અનાજ ખરીદી કાળાબજારમાં વેચી દેતી હતી. તે પછી તે દારૂના ધંધામાં આવી અને જેનાબાઈ દારૂવાલી તરીકે કુખ્યાત બની. તે ખૂબ પૈસા કમાઈ. તે પોતે કોઈ ગેંગ ચલાવતી નહોતી પરંતુ મુંબઈના ગેંગસ્ટરો તેના આદેશનું પાલન  ના કરવાની કરી હિંમત  કરતા નહીં. જેનાબાઈએ એના સમયના ગેંગસ્ટરો જેવા કે દાઉદ ઇબ્રાહીમ અને તેના કટ્ટર વિરોધી કરીમલાલા તથા હાજી મસ્તાન જેવાઓને સાથે બેસાડી એકબીજા સામે નહીં લડવા સમાધાન કરાવ્યું હતું. જેનાબાઈ દારૂવાલીને કેટલાક ‘માસી’ કહેતા હતા. જેનાબાઈ મુંબઈની પહેલી માફિયા ક્વીન હતી. ભારત આઝાદ થયું ત્યારે તેનો પતિ પાકિસ્તાન જવા રવાના થયો પરંતુ જેનાબાઈએ તેની સાથે પાકિસ્તાન જવા ઇનકાર કરી દઈ મુંબઈમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.
સપના દીદી
અશરફ ખાન ઉર્ફે સપના દીદી એવી જ એક બીજી માફિયા ક્વીન હતી. તેના પતિ મહેમૂદ કાલિયાનું મોત થઈ જતાં તેનો બદલો લેવા તે અંડરવર્લ્ડમાં આવી હતી. પોલીસ એન્કાઉન્ટરમાં તેના  પતિનું મોત નીપજ્યું હતું. તેના પતિના મોત માટે દાઉદ ઈબ્રાહીમનો હાથ હતો તેવી શંકાના આધારે તે ખુદ દાઉદ ઈબ્રાહીમને પતાવી દેવા માગતી હતી. તે સપના દીદી તરીકે પણ જાણીતી હતી. તે આમ તો એક સામાન્ય મહિલા હતી પરંતુ પતિના મોતનો બદલો લેવાના મક્કમ નિર્ધાર  બાદ તે ખુદ દાઉદ માટે પડકારરૂપ બની ગઈ હતી. તેનો પતિ મહેમૂદ કાલિયા ખુદ દાઉદનો એજન્ટ હતો. તેનો પતિ દુબઈથી પાછો આવી રહ્યો હતો ત્યારે જ સાંતાક્રુઝ ઍરપોર્ટ નજીક તેનું મોત નીપજ્યું હતું. દાઉદ સાથેનો બદલો લેવા માટે તેણે શસ્ત્ર ચલાવવાની તાલીમ લીધી હતી અને કહેવાય છે કે તે દાઉદના દુશ્મન અરુણ ગવળીને પણ મળી હતી. સપના  ક્રિકેટ જોવા ગયેલા દાઉદની હત્યા કરવા શારજાહ ગઈ હતી પરંતુ દાઉદને સપનાની એે યોજના વિશે અગાઉથી ગંધ આવી જતાં તે પોતાનો ઈરાદો પાર પાડે તે પહેલાં જ દાઉદે તેના માણસોને સપનાના ઘેર મોકલી  તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
નીતા નાઇક
નીતા નાઇક પણ મુંબઈની એક માફિયા ક્વીન  હતી. મુંબઈનો નોટોરિયસ ગેંગસ્ટર અમર નાઈક પ્રતિસ્પર્ધી ગેંગ દ્વારા હિંસક હુમલાનો ભોગ બનતાં વ્હીલચેરમાં આવી ગયો હતો.  તે પછી તેનો લંડનમાં ભણેલો ભાઈ અમર નાઇક ભાઈની ગેંગનો ધંધો સંભાળવા લાગ્યો હતો. તે વખતે તેની પત્ની નીતિ નાઇકે પણ પતિને મદદ કરવા સાથ આપ્યો હતો. તે અત્યંત મહત્ત્વાકાંક્ષી હતી. તેના પતિ પર હુમલો થયા બાદ તે દેશ છોડી ગયો અને તે પછી  નીતા નાઇકે ગેંગનું સુકાન સંભાળ્યું હતું. પતિની ઈચ્છા વિરુદ્ધ તે એક રાજકીય પક્ષમાં જોડાઈ હતી અને મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેટ પણ બની. તે પછી તેઓ છૂટા પડયાં અને કોઈકે તેને ગોળી મારી તેની હત્યા કરી નાખી હતી.
રુબિના સિરાજ સઈદ
દેખાવમાં  અત્યંત સ્વરૂપવાન રુબિના સિરાજ સઈદ છોટા શકીલ અને તેની ગેંગના માણસોને ફૂડ, આર્મ્સ અને પૈસા સપ્લાય કરતી હતી. તે કોઈવાર મહત્ત્વપૂર્ણ બાતમી એકબીજાને પૂરી પાડી કેટલાક લોકોની ફેવર હાંસલ કરતી હતી. કહેવાય છે કે  તે પછી ભાયખલાની જેલમાં હતી. કેટલાક તેને ‘હીરોઇન’ પણ કહેતા હતા. રુબિના  છોટા શકીલની ગર્લફ્રેન્ડ પણ હતી.
મહાલક્ષ્મી  પાપામણિ
મહાલક્ષ્મી પાપામણિ તરીકે જાણીતી મુંબઈની આ મહિલા ડ્રગ બેરોનેસ હતી. તે ખૂબ પૈસા કમાઈ હતી. મુંબઈમાં જે ડ્રગ સપ્લાયનું કામ કરતી હતી. કહેવાય છે કે ગરીબી દૂર કરવા આ ધંધામાં આવી હતી અને તે પછી નાર્કો  બિઝનેસમાં તેણે ઝંપલાવ્યું હતું. પાપામણિની વિશ્વાસુ સાથી જ્યોતિ આદિરમલિંગમ ઉર્ફે  જ્યોતિ અમ્માએ પણ તેનો ડ્રગ સપ્લાય કરવાનો ધંધો આગળ  વધાર્યો હતો. તેની સાથે સાવિત્રી નામની મહિલા પણ જોડાઈ હતી, સાવિત્રી, જ્યોતિ અને પાપામણિ આ ત્રણેય સ્ત્રીઓની ત્રિપુટી ડ્રગ્સ બિઝનેસમાં કુખ્યાત બની હતી.
તરન્નુમ ખાન
તરન્નુમખાન મુંબઈની  દીપા બાર ખાતે કામ કરતી હતી. કહેવાય છે કે તેની બ્યુટીના કારણે બોલિવૂડથી માંડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કેટલાક ખેલાડીઓ પણ તેના ગ્રાહકો હતા. એક માણસે તો તેના ડાન્સ પાછળ લાખો રૂપિયા ઉડાડયા હતા. અલબત્ત, તેણે એ આક્ષેપોનું ખંડન કર્યું હતું.  એણે કહ્યું હતું કે હું અંડરવર્લ્ડના કોઈપણ માણસને  જાણતી નથી. હું પોતે કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી નથી.
અર્ચના શર્મા
અર્ચના શર્મા  બબલુ શ્રાીવાસ્તવની ગેંગ સાથે સંકળાયેલી હતી. કેટલાક લોકોના અપહરણોે કરવામાં અને બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવવાની ઘટનાઓમાં તે સામેલ હોવાનું કહેવાતું હતું. તે હાલ ક્યાં છે તેની કોઈનેય ખબર નથી. તે વિદેશની ધરતી પરથી તેનો કારોબાર ચલાવતી હોવાનું કહેવાતું હતું.
શોભના ઐયર
શોભના ઐયરનું નામ પણ મુંબઈના અંડરવર્લ્ડમાં કુખ્યાત છે. તે એક નોટોરિયસ ક્રિમિનલ હતી. વર્ષોથી પોલીસ તેને શોધે છે તેના માટે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરાયેલી છે. તેના માટે ઈનામ પણ જાહેર કરાયેલું છે. તે એક ખતરનાક ગેંગસ્ટર હોવા છતાં ભાગ્યે જ તેના વિશે કોઈ માહિતી છે. તે ક્યાં છે તેની પણ કોઈને ખબર નથી.
બેલા આન્ટી
૧૯૭૦ના ગાળામાં મુંબઈના ધારાવી વિસ્તારમાં બેલા નામની એક મહિલા ગેરકાયદે દેશી દારૂનો ધમધોકાર ધંધો કરતી હતી. આ ગેરકાનૂની ધંધો ચલાવવા તે વખતના અધિકારીઓને મોટી લાંચ આપતી હતી.  અને તે રીતે ટ્રકોની ટ્રકો ભરીને દેશી દારૂ વેચતી હતી. એ વખતનો મોટામાં મોટો ગેંગસ્ટર વરદરાજ મુદલિયાર પણ તેના ધંધામાં દરમિયાનગીરી કરી શકતો ન હોતો.
અંજલિ માકન
અંજલિ મુંબઈમાં ફ્રોડ, નકલી નોટો અને ફોર્જરી જેવા અનેક અપરાધોમાં સંડોવાયેલી હતી. એણે એક બેંક સાથે રૂ. ૧.૫ કરોડની ઠગાઈ કરી હતી પરંતુ બેંક અધિકારીઓ તેના ફ્રોડને ના તો સાબિત કરી શક્યા કે ના તો તેના વિશે કોઈ માહિતી પ્રાપ્ત કરી શક્યા. તે પોલીસ દ્વારા મોસ્ટ વોન્ટેડ હતી અને તેના માટે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી. તે  ક્યાં છે તે આજ સુધી  કોઈ જાણી શક્યું નથી. ઇન્ટરપોલે પણ તેને પકડવા માટે   અરેસ્ટ વોરંટ અને રેડકોર્નર નોટિસ જારી કરેલી છે.
રેશમા મેમણ- શબાના મેમણ
૧૯૯૩ના મુંબઈના બોમ્બ ધડાકા માટે મોસ્ટવોન્ટેડ ટાઇગર મેમણની પત્ની રેશમા મેમણ અને તેની સાળી શબાના મેમણ ‘બ્લેક ફ્રાઈડે’ની ઘટનામાં સામેલ હતી. પોલીસે તેમના માટે મોટું ઇનામ પણ જાહેર કર્યું હતું. ઈન્ટરપોલ પણ  તેમને શોધી રહી છે. કહેવાય છે કે તેઓ કરાંચીમાં રહે છે.
શિલ્પા ઝવેરી
શિલ્પા ઝવેરી કુખ્યાત ગેંગસ્ટર સમદ ખાનની મિત્ર હતી. સમદખાન જ્યારે જામીન પર છૂટયો ત્યારે પોલીસની બીજી ટીમ સેશન કોર્ટના કંપાઉન્ડમાં બીજા એક અપરાધ બદલ તેની ધરપકડ કરવા રાહ જોઈ રહી હતી પરંતુ શિલ્પાએ ઝડપથી સમદખાનને પોતાની કારમાં બેસાડી દઈ ખૂબ સ્પીડ સાથે કાર ચલાવી તેને ભગાડી ગઈ હતી.
સમીરા જુમાની
સમીરા જુમાની તે ગેંગસ્ટર અબુ સલેમની પૂર્વ  પત્ની હતી. તે ખંડણીથી માંડીને  બોમ્બ ધડાકા અને કેટલાક ઠગાઈના કેસોમાં સંડોવાયેલી હતી. વર્ષોથી પોલીસ તેને શોધી રહી છે. કહેવાય છે તે સમીરા અમેરિકા ભાગી ગઈ છે.
-આવી છે અંધારી આલમની માફિયા- ક્વીન્સની કહાણીઓ.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!