Close

મુંબઈની શેઠાણીઓને ‘સુંદરી’ જ્યારે સાડી પહેરતાં શીખવતા

કભી કભી | Comments Off on મુંબઈની શેઠાણીઓને ‘સુંદરી’ જ્યારે સાડી પહેરતાં શીખવતા

સિનેમાના આગમને જેમ નાટકની કેડ તોડી નાખી હતી તેમ વીડિયોના પ્રવેશથી છબીઘરોની અવદશા થઈ. બાકી નાટકોની એક આગવી દુનિયા હતી. આગવા રંગ હતા. આગવા રૂપ હતા, ગામડાની કોઈ લાઠીમાં નાટક કંપનીઓ ડેરા નાખે. ચોરસ ખાડો ખોદાય ને એમાં ખુરશીઓ ગોઠવાય. એમાંથી નીકળેલી માટીનો ટેકરો જનતા કલાસ માટે બનાવાય. એક પછી એક ઘંટ પડે અને ત્રીજા બેલે ધડાકા સાથે પડદો ખૂલે… એ દૃશ્યો હવે લુપ્ત થઈ રહ્યાં છે.

અમદાવાદના નાટયગૃહને જેમનું  નામ મળ્યું  છે એવા પ્રસિદ્ધ નટ શ્રી જયશંકર ‘સુંદરી’ એ જમાનામાં અદ્ભુત સ્ત્રી ભૂમિકાઓ કરતા. કહેવાય છે કે  સ્ત્રી-પાત્રમાં તેઓ એટલા તો જચતા કે સ્ત્રી પ્રેક્ષકોને પણ તેમનાં રૂપકમનીયતાની ઈર્ષ્યા થઈ આવતી. જયશંકર સુંદરી તો મુંબઈની ભાટિયા શેઠાણીઓને સાડી પહેરતાં પણ શીખવતા. મુંબઈમાં ગામદેવી પર ચાલતી મહિલાઓે રંગભૂમિ પર શ્રી જયશંકર સુંદરીની ચાલનું અનુકરણ કરતી હોય એમ લાગતું, પરંતુ ખરેખર તો જયશંકર સુંદરી પોતાના ગુરુએ કહ્યું હોય એવી સ્ત્રી નિરીક્ષણ કરી તેની ચાલની આબેહૂબ નકલ કરતા.

આવા શ્રી સુંદરીના ગુરુ હતા શ્રી બાપુલાલ નાયક અને જયશંકર સુંદરીની જોડી હંમેશાં પતિ-પત્ની કે યુગલ પાત્રો ભજવતી. ‘સૌભાગ્ય સુંદરી’ નાટકમાં બાપુલાલ નાયક ‘સૌભાગ્ય’ બનતા અને જયશંકરભાઈ ‘સુંદરી’  બનતા,  ત્યારથી જ તેમને સુંદરીનો ઇલકાબ મળી ગયો હતો. પરંતુ ગુજરાતની નવા પેઢી જેમને ઓછું જાણે છે એવા બાપુલાલ નાયક રંગભૂમિની એક મેઘાવી પ્રતિભા હતા. વીસ વીસ વર્ષો સુધી  નાટયકારોએ બાપુલાલ અને જયશંકર સુંદરીને લક્ષ્યમાં રાખી નાટકો લખ્યાં હતાં. તેમની સુપરહીટ નાટકોમાં ‘સૌભાગ્ય સુંદરી’ ઉપરાંત ‘વિક્રમ ચરિત્ર’,’દાત્રે હસરત’,’જુગલ જુગારી’, ‘નંદબત્રીસી’, ‘દેવ કન્યા’,’ચંદ્રભાગા’, ‘નવલશા હીરજા’, ‘સ્નેહ સરિતા’ અને ‘મધુબંસરી’નો સમાવેશ થાય છે. કેટલાંક નાટકો તો ત્રણ વરસ સુધી ચાલ્યા હતા.

મહેસાણા જિલ્લાના ગેરીતા ગામે જન્મેલા અને ઉંઢાઈ ગામના વતની બાપુલાલ નાયકે એમની કારકિર્દી દરમિયાન અનેક  સિદ્ધિવંત કલાકારો અને કસબીઓ આપેલા છે.

‘વિક્રમચરિત્ર’ નાટકમાં રાજરતનની ભૂમિકામાં બાપુલાલને જોઈ અમેરિકાના એડમંડ રસેલ દંગ થઈ ગયા હતા. ‘સૌભાગ્ય સુંદરી’માં સૌભાગ્યની ચિત્તવેધક ભૂમિકામાં તેમને જોયા બાદ એક અંગ્રેજે લખ્યું હતું કે, ‘અંગ્રેજ સ્ત્રી પુરુષો હિન્દુસ્તાનમાં રહીને  વર્ષો ગાળે છે છતાં ભારતીય રંગમંચ વિશે તથા બાપુલાલ જેવા અભિનેતાએ મેળવેલી પ્રવીણતા વિશે અજ્ઞાનમાં દિવસો વિતાવે છે તે ઘણા અફસોસની વાત છે.’

બાપુલાલ નાયક અને જયશંકર સુંદરી એ બેઉ તખ્તાના સાથી હતા.  સુંદરી તો  બાપુલાલ નાયકને ગુરુ જ માનતા.

બાપુલાલભાઈની આંખો નબળી હતી. એક વાર ‘સૌભાગ્ય સુંદરી’ નાટકમાં સુંદરીને નિયત જગ્યાએ ઊભા રહેવાનું હતું. પણ તે જરા દૂર હતા. બાપુલાલભાઈએ નિયત જગ્યાએ  હાથ લંબાવી પોતાનો કાયમનો સંવાદ બોલવાનું શરૂ કર્યું : ‘હે… સુંદરી…’ પણ ત્યાં તો નટની ભૂલ પર પ્રેક્ષકોમાં હાસ્ય ફરી વળ્યું. ચાલક શિક્ષક તોફાને ચડેલા વિદ્યાર્થીઓને કાબૂમાં લે તેમ પ્રેક્ષકોની નાડ પારખનાર આ કુશળ નટે પોતાની ભૂલ સુધારી લેતાં કહ્યું : ‘સુંદરી ! તું ક્યાં છે? મને તો ચારે બાજુ સુંદરી જ દેખાય છે.’

અને પ્રેક્ષકોને પણ આ સંવાદ ગમી ગયો. પછી તો કાયમ માટે આ વાકય નાટકમાં ઉમેરી દેવાયું.

‘કોલેજ કન્યા’ નામના નાટકથી ખૂબ જાણીતા બનેલા છગન રોમિયોને ‘કાશ્મીરનું પ્રભાત’  નાટકમાં સૈનિકનો રોલ આપવામાં આવ્યો. બાપુલાલભાઈ આ પાત્રને સૈનિક……. જાય ત્યારે  સૈનિકે થાપ આપી નાસી જવાનું હતું. પણ ગુસ્સે થયેલ છગન રોમિયાએ બાપુલાલને છટકવા ના  દીધા. બાપુલાલે છગન રોમિયોની  આડોડાઈ જોઈને બૂમ મારી : ‘છુપાઈ રહેલા દોસ્તો ! બહાર આવો  અને આની કતલ કરો…’ એટલે નેપથ્યમાંથી  બે માણસો આવી છગન રોમિયોને અંદર ઢસડી ગયા અને ત્યારબાદ  આ કલમ તે નાટકમાં કાયમ માટે દાખલ કરવામાં આવી.

આવા હતા બાપુલાલ નાયક.

ગુજરાતની  અને ખાસ કરીને અમદાવાદની પ્રજાને પહેલેથી જ નાટકો પ્રિય રહ્યાં છે.

આજે વીતેલા જમાનાના એક સુપ્રસિદ્ધ એક્ટર જયશંકર સુંદરીની વાત કરવી છે. તેમનું અસલી નામ જયશંકર ભોજક હતું. એમના જમાનામાં સ્ત્રીઓને નાટકમાં અભિનય કરવાની છૂટ ના  હોઈ પુરુષ કલાકારો જ સ્ત્રીનો રોલ કરતા હતા. જયશંકર ભોજક નાટયમંચ પર સ્ત્રીનો રોલ એટલો તો સરસ રીતે ભજવતા તેમની સુંદરતાના લીધે તેમનું નામ ‘જયશંકર સુંદરી’ પડી ગયું હતું. કેટલાક લોકો નાટકમાં અદાકારી કરતા જયશંકર સુંદરીને જોઈ તે એક પુરુષ કલાકાર છે તેમ માનવા પણ તૈયાર નહોતા. એક લેજન્ડ એવી  છે કે જયશંકર સુંદરી આઝાદી પહેલાંના જમાનામાં કરાચીમાં નાટક ભજવવા ગયા હતા. કહેવાય છે કે જયશંકર સુંદરી કરાચીમાં તેમની  બગીમાં બેસી નાટયગૃહ તરફ જવા નીકળ્યા  ત્યારે એમને સુંદર સ્ત્રી સમજીને એક માણસે ઉઠાવી જવા પ્રયાસ કર્યો હતો. જો કે આ બાબત અંગે અગાઉથી માહિતી મળી જતાં એ પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો.

શ્રી જયશંકર ભૂદરદાસ ભોજક (સુંદરી)નો  જન્મ ૩૦મી જાન્યુઆરી ૧૮૮૯ના રોજ વિસનગર નજીક ઉઢાઈ  ગામે થયો હતો. એમના પિતા સ્વ ત્રિભોવનદાસ શ્રેષ્ઠ દરજ્જાના શાસ્ત્રીય સંગીતકાર હતા. લગભગ ૮૦ વર્ષ પહેલાં પાલનપુરના મર્હુમ નવાબે રાજગાયક તરીકે એમની સેવાઓ સ્વીકારી હતી.

૧૯૯૮માં નવ વર્ષની વયે એમને એમના માતા-પિતાએ એમની અનિચ્છા છતાં કોલકાતામાં આટલી નાની વયે  તેમણે ‘પઢોરી’ નું પાત્ર સુંદર રીતે ભજવ્યું. ત્યારબાદ ૧૯૦૧માં ગેઈટી થિયેટરમાં એમની કારકિર્દી શરૂ થઈ. તેઓ બાપુલાલ  નાયકની ‘ગુજરાતી નાટક કંપની’માં જોડાયા. લગભગ ૭૦ નાટકોમાં એમણે અભિનય આપેલો અને બધા જ નાટકોમાં તેઓ ‘નાયિકા’નો પાઠ જ ભજવતા. એમના સુવિખ્યાત પાત્રો એટલે ‘સૌભાગ્ય સુંદરી’માં સુંદરી અને ‘જુગલ જુગારી’માં લલિતા સુંદરીના પાત્રથી તેઓ ‘સુંદરી’ તરીકે ઓળખાવા લાગ્યા હતા.

સ્ત્રી પાત્રો એ એટલી સહજતાથી ભજવતા કે પ્રેક્ષકોને ખ્યાલ પણ ન આવી શકે કે આ પુરુષ હશે. ‘બાજીદેશપ્રભુ’માં નાયિકા ‘ગજરા’નું કામ કર્યું ત્યારથી એમને મહારાષ્ટ્રના ‘ગુર્જર ગાંધર્વ’ કહેવામાં આવતા. એમની વસ્ત્ર પરિધાનની કળા, પ્રતિષ્ઠિત ગુજરાતી કુટુંબની સુસંસ્કારી મહિલાઓમાં ફેશનના આદર્શ સમી થઈ ગઈ હતી.

૧૯૫૨માં એમને ‘ગુજરાત વિદ્યા સભા’એ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત કર્યો હતો. ૧૯૫૭માં નાટકમાં દિગ્દર્શક અને રજૂઆત  માટે ‘રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક’ એનાયત થયો હતો. ૧૯૬૬થી ૧૯૬૯ સુધી ગુજરાત સરકારે એમની ‘ઓનરરી મેજિસ્ટ્રેટ’ તરીકે નિમણૂક કરેલી. ૧૯૭૧માં  કેન્દ્ર સરકારે એમને ‘પદ્મભૂષણ’નો ઇલકાબ આપ્યો હતો. તા. ૨૨ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ વિસનગર ખાતે તેમનું અવસાન થયું.

તેમની આત્મકથા ‘થોડાં આંસુ થોડાં ફૂલ’ ચાર વર્ષના સમયગાળામાં આંશિક લખાયેલી અને આંશિક તેમના પુત્ર દિનકર ભોજક અને સામાભાઈ પટેલને કહીને લખાયેલી છે. આ આત્મકથા છેલ્લાં સો વર્ષની ગુજરાતી રંગભૂમિ અને નાટયસ્થિતિને સમજવા માટે મહત્ત્વની છે. લેખક-નિર્માતા-દિગ્દર્શક વચ્ચે સુમેળના અભાવે ગુજરાતી નાટક અને રંગભૂમિને પ્રતિકૂળ અસર પહોંચાડી છે તેનો ખ્યાલ તેમાંથી આવે છે.

અમદાવાદમાં એક નાટયગૃહને તેમની યાદમાં ‘જયશંકર ‘સુંદરી’ નાટયગૃહ’ નામ આપવામાં આવ્યું છે.  વડનગર, ઉત્તર ગુજરાતમાં આવેલું ભવાઈ ગવર્નમેન્ટ મ્યુઝિયમ તેમના કાર્યોનું પ્રદર્શન ધરાવે છે. મોરબીના કલા મંદિર દ્વારા જયશંકર સુંદરીનું તૈલચિત્ર અનાવરણ કરવામાં આવ્યું હતું અને સૌરાષ્ટ્રના કલા મંદિરના સભાખંડમાં મૂકવામાં આવ્યું હતું..

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!