Close

મુઝે રાજ ચલાના હૈ, બંદૂક ભી રખની હૈ ઔર તોપ ભી રખની હૈ-સરદાર વલ્લભભાઈ પટેલ

કભી કભી | Comments Off on મુઝે રાજ ચલાના હૈ, બંદૂક ભી રખની હૈ ઔર તોપ ભી રખની હૈ-સરદાર વલ્લભભાઈ પટેલ
તા. ૩૧મી ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે.
ભારતને આઝાદીની જાહેરાત બાદ સત્તાનું હસ્તાંતરણ કરવા આવેલા લોર્ડ માઉન્ટ બેટનને તા. ૨૪-૬-૧૯૪૯ના રોજ ખુદ સરદાર વલ્લભભાઈ પટેલે એક પત્રમાં લખ્યું હતું ઃ ”દેશ માટે મેં જે કાંઈ કર્યું તેનું મૂલ્યાંકન આજના લોકમત દ્વારા નહીં પણ ભારતના ઇતિહાસકારો કરે તો તેનાથી મને સંતોષ થશે.”
ગુજરાતના સામાન્ય ગરીબ કિસાન કુળમાં જન્મેલો બાળક, ખેડાની ખમીરવંતી ધરતીની ગોદમાં ઊછરીને આપબળે વકીલ બને છે. બેરિસ્ટરના અભ્યાસ અર્થે ઈંગ્લેન્ડ જાય છે. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ અઢી વર્ષમાં પૂરો કરી ગોલ્ડ મેડલ સાથે બેરિસ્ટરની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરે છે. વર્ષ ૧૯૧૩માં અમદાવાદમાં પ્રેક્ટિસનો પ્રારંભ કરી વકીલાત ક્ષેત્રે નામાંકિત બને છે.
સૌથી મોંઘા વકીલ
પ્રારંભમાં રાજકારણથી અલિપ્ત રહેલા વિખ્યાત ધારાશાસ્ત્રી વલ્લભભાઈને આ વ્યવસાયમાં યશ હતો, કીર્તિ હતી, વૈભવ હતો, લખલૂટ આવક પણ હતી. ૧૯૧૩થી ૧૯૧૭ના વર્ષોમાં વકીલ વલ્લભભાઈ પટેલની બેરિસ્ટર તરીકેની સરેરાશ માસિક આવક રૂ. ૪૦,૦૦૦ હતી. એ સાથે એમના આખરી દિવસોનું અવલોકન કરીએ તો ૧૫મી ડિસેમ્બર, ૧૯૫૦માં સરદારનું અવસાન થયું ત્યારે તેમનું બેંક બેલેન્સ માત્ર રૂ.૨૧૬ હતું.
સરદાર સાહેબ બોલ્યા હતા ઃ ”હું ગાંધીજીની જમાતમાં ભળ્યો ત્યારે મેં થોડાં ઇંધણ લાકડાં ભેગાં કર્યાં  હતાં અને એ સળગાવીને કૌટુંબિક લાભો, મારી કારકિર્દી, મારો દરજ્જો બધું એમાં સ્વાહા કરી દીધું હતું.”
વડાપ્રધાનપદના સાચા હકદાર હોવા છતાં ગાંધીજીના આદેશને અનુસરી નાયબ વડા પ્રધાનપદ સ્વીકાર્યું, પરંતુ પ્રસિદ્ધ બ્રિટિશ પત્રકાર અને લેખક બ્રેશરીએ ૧૯૫૦ના વર્ષના પ્રારંભમાં નોંધ્યું છે ઃ *નહેરુ સરકારના વડા છે, પણ સરકાર તો સરદાર પટેલ ચલાવે છે.* ”
સરદાર પટેલ તેત્રીસ વર્ષ જાહેરજીવનમાં રહ્યા. એમાં એમને ફળે ખરેખર શાસનની સત્તા તો ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭થી ૧૫મી ડિસેમ્બર, ૧૯૫૦ સુધીની એટલે કે સાડા ત્રણ વર્ષ કરતાં પણ ઓછો સમય નાયબ વડા પ્રધાનપદ ભોગવ્યું.  બાકીના ત્રીસેક વર્ષ તો આઝાદીની લડતોમાં અને જેલવાસમાં જ વીતી ગયાં.
૧૯૧૭માં ગાંધીજીના પ્રભાવથી બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવ્યું અને દિન-પ્રતિદિન એમાં એકાકાર થતાં ગયા. ૧૯૧૯માં તો પોતાની લાખો રૂપિયાની આવકવાળી વકીલાત છોડી પોતાનું જીવન દેશને સમર્પિત કરી દીધું. આ નેકદિલ માણસને મન સાચું તે સાચું અને ખોટું તે ખોટું પારખવાની અજબ શક્તિ હતી. ગાંધીજીની સચ્ચાઈ અને વાણી-વર્તનના સુમેળ વિશે ખાતરી થતાં જ સરદારે એમને નેતા તરીકે સ્વીકાર્યા અને આજીવન આ નેતાને અનુસર્યા. આમ છતાં પોતાની વિવેકબુદ્ધિ કે પોતાનું દૃષ્ટિબિંદુ ધરાવવાનો હક સરદારે કોઈનેય સુપરત કર્યો નહોતો. ગાંધીજીને પણ નહીં. કેટલાય બનાવોમાં એમનો મત ગાંધીજીથી જુદો પડતો ત્યારે જાહેરમાં પણ પોતાના વિચારોને વ્યક્ત કરતા. ઉદાહરણ તરીકે દેશના સંરક્ષણ અંગે ગાંધીજી સાથેનો એમનો વિચારભેદ આ શબ્દોમાં સ્પષ્ટ કર્યો છે ઃ *મુઝે રાજ ચલાના હૈ, બંદૂક રખની હૈ, તોપ રખની હૈ, આર્મી રખની હૈ । ગાંધીજી કહતે હૈં કી કુછ ન કરો । તો વહ મૈં નહીં કર સકતા । ક્યોં કિ મૈં તીસ કરોડ કા ટ્રસ્ટી હો ગયા હું । મેરી જિમ્મેદારી હૈં કિ મૈં સબ કી રક્ષા કરું । દેશ પર હમલા હોગા તો મૈં બરદાસ્ત નહીં કરુંગા ક્યોં કિ મેરી જિમ્મેદારી હૈં ।… મૈંને ગાંધીજી કો કહા, ‘આપકા રાસ્તા અચ્છા હૈ । લેકિન વહાં તક મૈં નહીં જા પાતા હું ।”
આવી હતી પ્રામાણિક્તા
તેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી બન્યા. એ સમયે જમનાલાલ બજાજ કોંગ્રેસ પક્ષના કોષાધ્યક્ષ હતા. શેઠ જમનાલાલ બજાજના અવસાન પછી કોંગ્રેસ કારોબારીએ સરદાર વલ્લભભાઈની કોંગ્રેસના કોષાધ્યક્ષપદે નિમણૂક કરી. આ હોદ્દો તેઓએ જિંદગીના અંત સુધી સંભાળ્યો અને શોભાવ્યો. એના ઉદાહરણ તરીકે એક પ્રસંગનું સ્મરણ કરીએ તો ૧૯૫૦માં સરદાર અવસાન પામ્યા ત્યારે કોંગ્રેસ પક્ષનું ભંડોળ રૂ.૨૮ લાખ હતું.
સરદારની નાદુરસ્ત તબિયતને કારણે કામનું ભારણ ઓછું થાય તે માટે સરદારનાં પુત્રી મણિબહેને રૂપિયા અઠ્ઠાવીસ લાખથી વધુ રકમનું બૅન્ક બેલેન્સ તથા પક્ષના ફ્ંડની આવક-જાવકનો તમામ હિસાબ દર્શાવતાં કાગળો કોંગ્રેસ પ્રમુખ ટંડનજીને સુપરત કર્યાં ત્યારે ટંડનજીની આંખો સજળ બની ગઈ હતી. તેમના મુખમાંથી શબ્દો સરી પડયા હતા ઃ *ધન્ય સરદાર તમારી પ્રામાણિકતાને !*
ટંડનજીએ કૉંગ્રેસ કારોબારીની બેઠકમાં સરદારને શ્રાદ્ધાંજલિ આપતાં આ હકીકત જાહેર કરી ત્યારે વડા પ્રધાન નહેરુએ આૃર્ય સાથે એવા ઉદ્ગાર કાઢયા ઃ ”હું તો માની પણ શકતો નથી કે કૉંગ્રેસ પક્ષ પાસે અઠ્ઠાવીસ લાખ જેવું ભંડોળ હશે !” માજી કૉંગ્રેસ પ્રમુખ અને ઇતિહાસકાર પટ્ટાભિ સિતારામૈયાના શબ્દોમાં સરદારને ઓળખીએ તો ”એમની પાસે નિજી કહી શકાય એવી કોઈ મિલકત નહીં, જણસ નહીં, પહેરવાનાં બે-પાંચ કપડાં, અવસાન સમયે નજીવું બૅન્ક એકાઉન્ટ.”
સરદારના જીવનવ્યવહારમાં અકિંચન સ્વરૂપના સમ્યક્ દર્શન કરાવતા અનેક પ્રસંગો મળી આવે છે… મહાવીર ત્યાગીએ મણિબહેનની સાડીમાં એક મોટું થીંગડું જોેઈને મણિબહેનની મજાક કરી ઃ  *તમે એવા બાપની દીકરી છો, જેમણે એવું અખંડ રાજ્ય સ્થાપ્યું છે, જે મોગલોનું કે અંગ્રેજોેનું પણ નહોતું. આવા સરદારની દીકરી થઈ તમે સાંધેલાં કપડાં પહેરતાં શરમાતાં નથી.*
આ સાંભળી સરદાર તાડૂકી ઊઠયા ઃ  *ગરીબ માણસની દીકરી છે. સારા કપડાં ક્યાંથી લાવે ? એનો બાપ થોડો કંઈ કમાય છે ?*
એમ કહી સરદારે એમના ચશ્માનું ખોખું બતાવ્યું. જે ૨૦ વર્ષ જૂનું હતું. એમનાં ચશ્માની એક જ દાંડી હતી. બીજી બાજુએ દોરો બાંધ્યો હતો. એ જ રીતે એમની ઘડિયાળ ત્રણ દાયકા જૂની હતી અને પેન દસ વર્ષ જૂની હતી. ડૉ. સુશીલા નાયરે નોંધ્યું છે, *મણિબહેન નિયમિત રેંટિયો કાંટે ને એમાંથી જ સરદારની કફ્ની અને ધોતિયા બને છે. એ કપડાં જ્યારે ફટી જાય ત્યારે એને કાપી સીવીને સાંધીને મણિબહેન પોતાનાં કપડાં બનાવે છે.*
સરદાર નાયબ વડાપ્રધાન હતા ત્યારે વી. શંકર એમના અંગત સચિવ હતા. તેઓએ સરદારના પક્ષ વ્યવહારનાં બે પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. એમણે લખ્યું છે, *અંગત ઉપયોગ માટે થતાં ફેનનું અલગ રજિસ્ટર રાખવામાં આવતું અને સરદાર પોતાના ખિસ્સામાંથી એ રકમ ભરપાઈ કરતાં… ખાનગી કામ માટે સરકારી વાહનનો ઉપયોગ સરદાર નહોતા કરતા. પોતાની જૂની અંગત ગાડી વાપરતા… પક્ષ તેમ જ ખાનગી પત્રવ્યવહારનો ખર્ચ પોતે ભોગવતા… સરકારી પ્રવાસ કરે તો પણ પ્રવાસભથ્થું લેતાં નહોતાં… નાદુરસ્ત તબિયત હોવા છતાં રોજના ૧૮ કલાક કામ કરતાં… નહેરુ વિદેશ ગયેલા, એ સમયગાળામાં સરદાર વડા પ્રધાનપદનો હવાલો સંભાળતા હતા… સરદારે પ્રધાનો અને કર્મચારીઓના પગારમાં ૧૫ ટકા કાપ મૂક્યો અને દરેક સરકારી ખાતાંને કરકસર કરવાની સૂચના આપી. એનાથી લગભગ રૂપિયા ૮૦ કરોડની બચત થઈ હતી. આ આંકડો વર્ષ ૧૯૪૯નો છે.
આમ ગાંધીજીની જેમ સરદાર પણ આજીવન અકિંચન રહ્યા હતા. એમના અંતકાળે તેમની પાસે પોતાની અંગત મિલકત જેવું ગણાય તેમાં ચારેક જોેડી કપડાં, બે જોેડી ચંપલ, એક પતરાંની બેગ, રેંટિયો, બે ટિફ્નિ, એલ્યુમિનિયમનો લોટો અને સગડી હતાં, જે અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલાં કેન્દ્રના પૂર્વ મંત્રી દિનશા પટેલ દ્વારા સંચાલિત  ‘સરદાર સ્મારક’માં સરદાર સાહેબની સ્મૃતિ રૂપે આજે પણ જળવાઈ રહ્યા છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!