Close

મુન્ની, આપણે બંને સાથે જ જીવીશું ને સાથે જ મરીશું

કભી કભી | Comments Off on મુન્ની, આપણે બંને સાથે જ જીવીશું ને સાથે જ મરીશું

મુન્ની.

હરિયાણાના સિરસા જિલ્લાનું એક ગામ રોડી છે, તેની વસ્તી લગભગ ૨,૫૦૦ છે. ગામમાં ખેડૂત પરિવારની એક દીકરી જેનું નામ મુન્ની છે. તે ૯માં ધોરણમાં ભણે છે. તીખો નાક નકશો, ચંચળ સ્વભાવ અને ખૂબસુરતીની માલિકણ છે. જ્યારે મુન્નીને સપ્તસંગી સપના દેખાવાની ઉંમરમાં પગ મૂક્યો તો તેનું હૃદય જાતે જ અલગ રીતે ધબકવા લાગ્યું. પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. કોઈ નથી જાણતું કે જિંદગી કયા મોડ ઉપર ક્યારે કોને કોની સાથે પ્રેમ થઈ જાય !

 મુન્નીની પડોશમાં ગરીબૂનો પરિવાર રહેતો હતો. તેની એક છોકરીનાં પંજાબના માનસા જિલ્લામાં મલસિંહપાલા ગામમાં પ્રકાશસિંહની સાથે લગ્ન થયા હતા. કેટલાક વર્ષો પહેલાંની વાત છે. ગરીબૂ પોતાના પૌત્ર સંતોષને પોતાની સાથે લાવ્યો હતો. સંતોષ પોતાના ઘરે પાછો ના જતા નાનાની સાથે જ રોકાઈ ગયો.

૧૭ વર્ષીય સંતોષ વ્યવહાર કુશળ અને મૃદુભાષી પણ હતો. પડોશીઓ તેને નાનપણથી જાણતા હતા. આથી બધા તેને પ્રેમ કરતા. મુન્ની અને સંતોષ અલગ અલગ જાતિના હતા પરંતુ તેમની વચ્ચે મધુર સંબંધ હતા. તેમના સંબંધની મધુરતા ત્યારે વધી ગઈ જ્યારથી સંતોષ ગમે તે સમયે મુન્નીના ઘરે જઈ તેમના ઘરના કામમાં મદદ કરવા લાગ્યો. મુન્ની ઉંમર નાજુક મુકામ પર હતી અને તેણે પણ પોતાના સપનાના રાજકુમારની છબી પોતાના મગજમાં બનાવવા લાગી.

જો કોઈ યુવતીએ પોતાના સપનોના રાજકુમારની કોઈ છબી દિલોદિમાગમાં બનાવી રાખી હોય અને તે છબીવાળો કોઈ યુવક મળી જાય, તો તેના હૃદયમાં ખૂબસુરત ચાહત પેદા થઈ જાય છે. મુન્નીની સાથે પણ એવું જ થયું. સંતોષ એવો પહેલો યુવક હતો જેણે આંખોના રસ્તાથી મુન્નીના હૃદયમાં જગ્યા બનાવી લીધી હતી. ઇચ્છા ના હોવા છતાં મુન્ની તેને સપનોના રાજકુમાર જેવો લાગવા માંડયો. સંતોષ અને મુન્ની કોલેજ આવવા-જવા દરમિયાન પણ મળતા હતા અને ઘરે પણ તેમની વાતચીત થતી રહેતી.

મુન્ની અને સંતોષની આંખો જ્યારે ચાર થતી ત્યારે તેમને એકબીજાની આંખોમાં પોતાની ચાહતનો અહેસાસ હિલોળા લેતો નજરે આવતો હતો. તે બંને હજુ પુખ્ત ન હતા. પરંતુ પ્રેમનો મતલબ તેઓ જાણતા હતા. એક દિવસ મોકો મળતાં સંતોષે પોતાના દિલની વાત મુન્નીની સામે કહી દીધી : ‘મુન્ની હું તને એક વાત કહેવા માગું છું.’

મુન્નીને ખબર પડી જ ગઈ હતી. છતાં પણ સંતોષના મોેેઢે સાંભળવા માંગતી હતી ‘બોલ તારે શું કહેવું છે? ‘

‘તને મારી વાતનું ખોટું નહીં લાગે ને ?’ સંતોષે પોતાના દિલની આશંકા જાહેર કરી,’ તો તે બલી ‘ભલા મને તારી વાતનું ખોટું કેમ લાગે ?’

‘વાત એમ છે કે મુન્ની હું તને પ્રેમ કરવા લાગ્યો છું.’ તો મુન્નીના ચહેરા પર શરમના ભાવ આવી ગયા અને તે મુશ્કુરવા લાગી, સંતોષને તેની મુશ્કુરાહટમાં જ પોતાનો જવાબ મળી ગયો. પ્રેમનો એકરાર થઈ ગયો. બંનેની ખુશીઓનો પાર ના રહ્યો ત્યાર પછી પ્યારભરી વાતોની શરૂઆત થઈ અને તે મુલાકાતોમાં બદલાઈ ગઈ. બંને ચોરીછુપીથી ખેતરોમાં મળવા લાગ્યા. તેમનો પ્રેમ ઉત્તરોત્તર વધવા લાગ્યો. પરંતુ બંને એકબીજાને મળવામાં સતર્કતા રાખતા હતા.

સંતોષ અને મુન્ની એ કડવી વાસ્તવિકતાને પણ જાણતા હતા કે સામાજિક બંધન તેમના પ્રેમની વચ્ચે આવશે. તેમ છતાં પણ તેઓ પોતાની ભાવનાઓને કાબૂમાં ના રાખતા મુલાકાતમાં મશગુલ રહેતા. પ્રેમ કરનાર પ્રેમીઓને સમાજનો ડર લાગતો નહોતો. તેઓ તો પોતાની મસ્તીમાં જ મસ્ત રહેતા. પરંતુ આ જ તેમની સૌથી મોટી ભૂલ હતી. સંતોષ અને મુન્નીના કિસ્સામાં પણ આવું થયું.

એક દિવસ ખેતરમાં તેઓ પોતાની મસ્તીમાં હતા ત્યારે મુન્નીનો ભાઈ તે બંનેને જોઈ ગયો. હરિયાણાનું સામાજિક પરિવેશ અને ત્યાંની પરંપરા પ્રેમીઓ માટે અનુકૂળ ન હતી. ફળસ્વરૂપ મુન્નીને તેના ઘરવાળાઓએ બહુ જ ધમકાવી અને તેને ઘરમાં પૂરી દીધી. બંનેની મુલાકાત બંધ થઈ ગઈ. તેમની ઉપર કડક નજર રાખવામાં આવી જ્યારે પ્રેમની ઉપર પહેરો લાગે છે તો પ્રેમ વધુ જોરથી ઉછાળા મારે છે. મુન્ની અને સંતોષ બંને એવું નહોતા ઇચ્છતા કે તેમનો પ્રેમ આવી રીતે ખલાસ થઈ જાય. તે બંનેએ એકબીજા વગર જીવવાની કલ્પના જ છોડી દીધી હતી.

એક દિવસ તક મળતાં જ તે બંનેની ખાનગી મુલાકાત થઈ ગઈ. તો બંનેની આંખોમાં આંસુઓની ધારા વહેવા લાગી. ‘હવે શું થશે સંતોષ ? આપણે તો મળતા પહેલાં જ જુદા થઈ ગયા.’

‘ભરોસો રાખ મુન્ની, બધું જ સારું થઈ જશે. આપણે પ્રેમ કર્યો છે, કોઈ ગુનો નથી કર્યો. જો જે આપણે એક દિવસ જરૂર એક થઈ જઈશું.’

તે બંનેેએ ફરીથી એકસાથે જીવવા-મરવાની કસમ ખાધી. પ્રેમની પગદંડી પર તે બંને વધુ આગળ વધે તે પહેલાં જ મુન્ની એક દુર્ઘટનાનો શિકાર બની ગઈ. ૨૭ નવેમ્બરની બપોરની વાત છે તે વખતે મુન્ની ઘરમાં એકલી હતી અને રસોઈ બનાવી રહી હતી, તે દરમિયાન જ તે સંદિગ્ધ હાલતમાં દાઝી ગઈ, થોડોક સમય પછી પરિવારના લોકો પહોંચ્યા. તો તેમણે મુન્નીને દાઝેલી હાલતમાં જોઈ તેની હાલત જોઈને તેમના હોશ ઊડી ગયા, તે વખતે તે મરણાસન પર હતી. મુન્નીના ઘરમાં ચીસો સાંભળીને આજુબાજુવાળા ભેગા થઈ ગયા.

ગમે તેમ કરીને મુન્નીને હોસ્પિટલમાં લઈ ગયા. તે ૮૦ ટકા દાઝી ગઈ હતી. આથી તાત્કાલિક તેની સારવાર શરૂ કરી દેવામાં આવી. તેની હાલત એકદમ ગંભીર હતી, આ વાતની ખબર સંતોષને પડતાં તેની ઉપર વીજળી પડી હોય તેવું લાગ્યું. તેને વિશ્વાસ જ નહતો થતો કે આવું પણ થઈ શકે છે. ડોક્ટરે બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ છેવટે મુન્નીનું મૃત્યુ થઈ ગયું.

મુન્નીનો પરિવાર તેના મૃતદેહને તેના ગામમાં લઈ ગયા ત્યાં સુધીમાં સાંજ થઈ હતી. મુન્નીના મૃત્યુના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા હતા, લોકો જાતજાતની વાતો કરતા હતા પરંતુ મામલો ગામનો જ હતો અને છોકરીનો હતો. આથી દુઃખની ઘડીમાં બધાયે તેના પરિવારને સાથ આપ્યો.

રિતરિવાજ પ્રમાણે સાંજના સમયે અગ્નિદાહ ના અપાય. પરંતુ ગામના લોકોએ આપસમાં વિચારવિમર્શ કરીને મુન્નીના અંતિમસંસ્કાર સાંજે જ વખતે કરી નાંખવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેના શબને ગામની બહાર સ્મશાનઘાટમાં લઈ જઈ અંતિમસંસ્કાર કરી નાંખ્યા.

મુન્નીના મૃત્યુના સમાચાર સાંભળીને સંતોષની હાલત ગાંડા જેવી થઈ ગઈ, કોઈ તેને જોઈ જાય તેવું તે ઇચ્છતો ન હતો. આથી સંતોષે સંતાઈ જઈને તેણે મુન્નીની અંતિમક્રિયા જોઈ. મોડા મુન્નીના ઘરના લોકો તેમના ઘરે પાછા ફર્યા.

રોડી ગામમાં ૩૦ની નવેમ્બરની સવારનો સમય બેહદ સનસનીખેજ અંદાજમાં થયો. મુન્નીના પરિવારના કેટલાંક લોકો જ્યારે સવારે અસ્થિ લેવા સ્મશાને પહોંચ્યા તો મુન્નીની સળગતી ચિતા ઉપર એક અડધું સળગેલું શબ પડેલું જોઈને બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. રાતના જ્યારે તેઓ પણ પાછા ફર્યા ત્યારે મુન્નીની લાશ લગભગ સળગી ગઈ હતી જ્યારે અત્યારે ચિતા ઉપર પડેલું બીજા કોઈનું શરીર અડધું સળગેલું હતું.

બધાએ એ શબને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું પરંતુ શબ એ હાલતમાં નહોતું કે તેની ઓળખ કરી શકાય. ત્યારે એક વ્યક્તિની નજર થોડેક દૂર પડેલી એક સાઇકલ પર ગઈ જેની બાજુમાં એક મોબાઈલ અને શર્ટ પડેલું હતું. લોકો આ બધી વસ્તુને ધ્યાનથી જોવા લાગ્યા. ત્યાં જ તેમને ખબર પડી ગઈ કે આ બધી ચીજ વસ્તુઓ સંતોષની છે.

સૂરજ ઉગતામાં તો આ ખબર જંગલના આગની જેમ આખા ગામમાં ફેલાઈ ગઈ. જેણે પણ સાંભળ્યું તેઓ સ્મશાનઘાટ તરફ દોડવા લાગ્યા. સંતોષની ચારે તરફ શોધખોળ કરી પરંતુ તે ક્યાંય ના મળતા તેના નાના પણ રાતભર ચિંતામાં હતા કારણ કે તે આખી રાત ઘરમાંથી ગાયબ હતો. છેવટે એ વાતની પુષ્ટિ થઈ ગઈ કે મુન્નીની ચિતા પર જે અડધી બળેલી લાશ છે તે સંતોષની જ છે.

આ એક દર્દનાક ઘટના હતી. ઘટનાની કલ્પનાથી જ લોકોના રુંવાટા ઊભા થઈ ગયા. પ્રેમિકાનું મૃત્યુ સંતોષ સહન ના કરી શક્યો અને તેણે તેની પ્રેમિકાની ચિતા ઉપર જ જાતે સળગી જઈને પોતાનો જીવ આપી દીધો.

એક પ્રેમી પણ પ્રેયસીની ચિતા પર ચઢી મોતને ભેટે તેવો આ પહેલો કિસ્સો છે.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!