Close

મુસ્કાને જાતે જ શરાબની બોટલ ખોલી અને જામ બનાવી આપ્યો

કભી કભી | Comments Off on મુસ્કાને જાતે જ શરાબની બોટલ ખોલી અને જામ બનાવી આપ્યો

મુસ્કાન ઉર્ફે સીમાનું એક વધુ જાણીતું નામ ‘નેપાલન’ હતું.

તે નેપાળની નહોતી પરંતુ દેખાવમાં નેપાળની વતની હોય તેવી લાગતી હતી. હકીકતમાં તે આસામના નસવાડી જિલ્લાની રહેવાસી હતી. તેનો પતિ કોઈ કામ ધંધો કરતો નહોતો. નશામાં ધૂત થઈ મુસ્કાન સાથે રોજ મારપીટ કરતો હતો. મુસ્કાનથી સહન ના થતાં એક દિવસ ઘેરથી ભાગીને ટ્રેનમાં બેસી દિલ્હી પહોંચી ગઈ. શરૂઆતમાં તેણે કેટલાંક ઘરોમાં સાફ સફાઈ કરવાની નોકરી કરી પરંતુ મોટાભાગના ઘરોમાં આદમીના રૂપમાં વાસના ભૂખ્યા વરુઓ જ નજરમાં આવ્યા. કંટાળીને તેણે લોકોના ઘરોમાં કામ કરવાનું છોડી દીધું.

 પરંતુ પેટ તોે ભરવાનું હતું. બહુ દિવસ સુધી ભૂખ સામે તે ટકી શકી નહીં. તે રૂપાળી હતી. લોકો ગીધની નજરે તેની કમનીય કાયાને તાકી રહેતા. મુસ્કાને પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લીધી. દેહના શોખીન લોકોને ખુશ કરી તે શરીરની કિંમત વસૂલવા લાગી. ઉત્તર પિૃમી દિલ્હીની નરેલા સ્થિત સ્વતંત્રનગર કોલોનીમાં ભાડાનોે એક રૂમ લઈ તે રહેતી હતી. આ દરમિયાન તેની મુલાકાત મૈનપુરીના વતની નરેશ સાથે થઈ. નરેશ તેની પ્રત્યે લાગણી ધરાવતો હતો. તે સારું કમાતો પણ હતો. નરેશ પણ એકલો હતો. મુસ્કાનને તેનો સ્વભાવ ગમી જતાં તેણે નરેશને પોતાની સાથે જ રાખી લીધો પરંતુ કિસ્મતે મુસ્કાનને સાથ આપ્યો નહીં. નરેશ બીમાર રહેવા લાગ્યો અને ટીબીના દર્દના કારણે ખાટલામાં જ પડી રહેતો. મુસ્કાનને ફરી પેટ ભરવાના સાંસા પડવા લાગ્યા. મુસ્કાન ફરી હરિયાણા- દિલ્હી બોર્ડર પરની કોંડલી બોર્ડર પર હાઈવે પર ઊભા રહી ધંધો કરવા લાગી. મોટાભાગે ડ્રાઈવરો તેના ગ્રાહક હતા. ડ્રાઈવરોના આધારે જ તેની આજીવિકા ચાલતી હતી.

એવામાં નરેન્દ્ર પાલ નામના એક ટ્રક ડ્રાઈવર સાથે તેની મુલાકાત થઈ. નરેન્દ્ર પાલ પરિણીત હતો. તે હરિયાણાનો રહેવાસી હતો. તે શરાબ અને શબાબનો શોખીન હતો. કોંડલી બોર્ડર પરના ઢાબા પર તે ઊભો રહેતો. દારૂ પીતો, ખાતો- પીતો અને આગળ વધતો પણ હવે તે મુસ્કાનનો ગ્રાહક પણ બની ગયો. મુસ્કાનને મળ્યા વગર આગળ જતો નહીં. દર અઠવાડિયે કોંડલી બોર્ડરના ઢાબા પર તે આવી જતો. આ બોર્ડર પર બીજી અનેક બજારુ ઔરતો પણ દેખાતી પણ મુસ્કાન તેમાં સૌથી અલગ હતી. કેટલાક તેને ‘હાઈવે ક્વીન’ પણ કહેતા.

એ દિવસે નરેન્દ્ર પાલે મુસ્કાનને પોતાની ટ્રકમાં બોલાવી. નરેન્દ્ર પાલે મૂડ બનાવવા માટે શરાબની બોટલ ખોલી, પણ મુસ્કાને જ એ બોટલ પોતાના હાથમાં લઈ લેતાં પોતાના હાથે જ જામ બનાવી આપ્યો. નરેન્દ્ર પાલ હવે મુસ્કાનનો દીવાનો બની ચૂક્યો હતો. મુસ્કાન પણ નરેન્દ્ર પાલ પર ખૂબ વિશ્વાસ કરતી હતી.

આ કારણે એક દિવસે મુસ્કાને પોતાની સોનાની ચેન નરેન્દ્ર પાલને સાચવવા આપી. કેટલાક દિવસો બાદ મુસ્કાન અને નરેન્દ્ર પાલ ફરી મળ્યા. મુસ્કાને તેની સોનાની ચેન પાછી માગી તો નરેન્દ્ર પાલ બહાના બતાવવા લાગ્યો. તે પછી કેટલીયે વાર મુસ્કાને નરેન્દ્ર પાલને તેની સોનાની ચેન પાછી આપવા માગણી કરી પરંતુ ડ્રાઈવર નરેન્દ્ર પાલની નિયત હવે બગડી ચૂકી હતી. નરેન્દ્ર પાલ જાણતો હતો કે મુસ્કાન એક ધંધો કરવાવાળી ઔરત છે, તેથી સોનાની ચેન પાછી ના આપું તો પણ તે મારું કાંઈ બગાડી શકે તેમ નથી. નરેન્દ્ર પાલ એ વાત ભૂલી ગયો હતો કે સ્ત્રીઓને ઘરેણાં પ્રત્યે વિશેષ લગાવ હોય છે. મુસ્કાનને હવે ખ્યાલ આવી ગયો કે, ડ્રાઈવર નરેન્દ્ર પાલે તેની ચેન પચાવી જ પાડી છે.

મુસ્કાન હવે ગુસ્સામાં હતી. મુસ્કાન બીજા અનેક પુરુષોના પણ સંપર્કમાં હતી. તેનો એક આશિક ડો. નરેન્દ્ર ઉર્ફે બબલુ પણ હતો. મુસ્કાને ડ્રાઈવર નરેન્દ્ર પાલે પચાવી પાડેલી સોનાની ચેન અંગે વાત કરી. મુસ્કાને કહ્યું ‘હું નરેન્દ્ર પાલ સાથે બદલો લેવા માંગુ છું.’

ડો. બબલુએ તેને મદદ કરવા હા પાડી. ડોક્ટર બબલુ મુસ્કાનને નરેલાના એક દેવી મંદિરમાં લઈ ગયા. આ મંદિરમાં ત્રણ પૂજારી હતા તેમાં રામુ તિવારી એક મુખ્ય પૂજારી હતો. ડો. બબલુએ મુસ્કાનની મુલાકાત મંદિરના પૂજારી રામુ તિવારી સાથે કરાવી. પૂજારીએ કહ્યું : ‘તારી સોનાની ચેન પાછી મળી જશે તેની વ્યવસ્થા હું કરી દઈશ.’

મુસ્કાને કહ્યું: ‘મારે માત્ર સોનાની ચેન પાછી લેવી નથી. મારે નરેન્દ્ર પાલને વિશ્વાસઘાત કરવા બદલ પાઠ પણ ભણાવવો છે. હું શરીર વેચીને આ ચેન કમાઇ હતી. મારે તેને ખતમ કરી દેવો છે! ‘

પૂજારી રામુ તિવારીની આંખો પહોળી થઈ. એણે પૂછયું : ‘તને સોનાની ચેન તો પાછી મળશે જ અને તેનોે મૃતદેહ પણ… પરંતુ મને શું મળશે ?’

‘બોલો ?’

પૂજારીએ મુસ્કાનના માથાથી પગ સુધી વાસનાભરી નજર નાખી. પૂજારી બોલ્યોઃ ‘તારું આ રૂપ મને શું કામ આવશે ?’

મુસ્કાન સમજી ગઈ. એણે પ્રતિભાવ આપ્યો. એ પૂજારી રામુ તિવારીને શરણે થઈ ગઈ. મોડી રાત્રે પૂજારી રામુ તિવારીએ કહ્યું ‘બસ, હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. તને તારી સોનાની ચેન પણ પાછી મળી જશે અને નરેન્દ્ર પાલની લાશ પણ… પણ તારે દર અઠવાડિયે મને મળવું પડશે.’

મુસ્કાને હા પાડી.

એ પછી પૂજારીએ મુસ્કાનને કહ્યું: ‘હવે તને ડ્રાઈવર નરેન્દ્ર પાલ મળે ત્યારે તેને કોઈ સૂમસામ જગાએ બોલાવી લાવવો, તારીખ અગાઉથી નક્કી કરવી, અને મને જાણ કરવી. તારું કામ પતાવી દઈશ !

ચાર દિવસ પહેલાં જ મુસ્કાન અને ડ્રાઇવર નરેન્દ્ર પાલ મળ્યા હતા. ત્યારે જાણી જોઈને મુસ્કાને ચેઇનની વાત યાદ કરી નહોતી. એથી ઊલટું મુસ્કાને કહ્યું હતું : ‘નરેન્દ્ર પાલ, મને તારી યાદ બહુ આવે છે. આ ટ્રકમાં મળવાના બદલે કોઈ સૂમસામ જગાએ મળીએ કે જ્યાં આપણે બે એકલાં જ હોઈએ !’

નરેન્દ્ર પાલે કહ્યું: ‘બોલ, ક્યાં અને ક્યારે ?’

‘બે દિવસ પછી દેવીના મંદિરની પાછળ રાત્રે આઠ વાગે’ મુસ્કાને કહ્યું.

નરેન્દ્ર પાલે હા પાડી.

એ ૧૫મી જુલાઈની રાત હતી. આકાશમાં કાળાં ડીબાંગ વાદળો છવાયેલા હતા. હલકી હલકી વર્ષા થઈ રહી હતી. નરેન્દ્ર પાલ ટ્રક લઈને બોર્ડર પર આવી પહોંચ્યો. મુસ્કાન પહેલેથી જ ઇંતજાર કરી રહી હતી. ટ્રકને દૂર ઊભી રાખી બેઉ જણ દેવીના મંદિરની પાછળની ઘાટીમાં ગયા. અહીં જંગલ વિસ્તાર હતો. બેઉ ભીંજાતાં હતા. નરેન્દ્ર પાલના હાથમાં બોટલ અને ગ્લાસ હતા. એક ઝાડ નીચે બેસી નરેન્દ્ર પાલે બોટલ ખોલી. હવે વરસાદ થંભી ગયો હતો. વાતાવરણ માદક બની ગયું હતું. ફરી એક વાર નરેન્દ્ર પાલના હાથમાંથી બોટલ લઈ લેતાં મુસ્કાને જામ બનાવી આપ્યો. નરેન્દ્ર પાલ જામ ઉપર જામ પીવા લાગ્યો. લગભગ આખી બોટલ પૂરી થવા આવી. મુસ્કાન તેને શરાબ પીવરાવતી જ રહી. નરેન્દ્ર પાલને હવે બોલવાના પણ હોશ નહોતા.

મુસ્કાને પર્સમાંથી ટોર્ચ કાઢી મંદિર તરફ તેનો પ્રકાશ ફેંક્યો. થોડી જ વારમાં પૂજારી રામુ તિવારી હાથમાં ધારદાર ચાકુ લઈ આવી પહોંચ્યો. મુસ્કાને ઈશારો કર્યો. નરેન્દ્ર પાલ હવે ઊભો પણ થઈ શકે તેમ નહોતો. પૂજારી રામુ તિવારીએ નરેન્દ્ર પાલની છાતીમાં ચાકુ ભોંકી તેની હત્યા કરી નાંખી.

મુસ્કાન હવે ખુશ હતી. એણે પૂજારીને કહ્યું : ‘આજે હું ખુશ છું. તમે પણ શરાબ પીવો.’

પૂજારી પણ શરાબી હતો. ખરેખર તો તે કોઈ ગુનેગાર હતો પણ પૂજારીના વેશમાં એ રહેતો હતો જેથી પોલીસ તેને પકડી ના શકે. તે અસલી પૂજારી હતો જ નહીં. પૂજારી રામુ તિવારીને પણ મુસ્કાને બાકીની બોટલ પીવરાવી દીધી. એણે શરાબના નશામાં મુસ્કાનના વસ્ત્રો ખેંચ્યા. મુસ્કાને કહ્યું: ‘ઉતાવળ ના કરો. મને જ એ કામ કરવા દો !’

તે એક ઝાડની પાછળ ગઈ. એણે વસ્ત્રો હટાવી દીધા હતા. તેના હાથ પાછળ હતા. તે પૂજારીની નજીક ગઈ અને પૂજારી કાંઈ પણ હરક્ત કરે તે પહેલાં મુસ્કાને પૂજારીનું છુપાવી રાખેલું ધારદાર ચાકુ પૂજારીની છાતીમાં ઘુસાડી દીધું. પૂજારી રામુ તિવારી ત્યાં જ લોહીલુહાણ થઈ ઢળી પડયો. પૂજારી કાંઈક બબડતો હતો. મુસ્કાન બોલી : તું પૂજારી થઈને આ ધંધો કરતો હોય તો મને હવે આ દુનિયાના દરેક પુરુષ માટે નફરત છે. હું મારા શરીર સાથે ખેલનાર કોઈ પુરુષને નહીં છોડું.’ મુસ્કાનની આંખોમાં લોહી હતું.

થોડી જ વારમાં પૂજારી રામુ તિવારી ઉર્ફે એક મુજરિમ મોતને ભેટયો. બેઉ લાશને ત્યાં જ પડી રહેવા દઈ મુસ્કાન બોર્ડર તરફ ચાલી ગઈ.

કેટલાક દિવસો બાદ બોર્ડરના ઢાબાના માલિક તથા અન્ય ટ્રક ડ્રાઈવરોના નિવેદનના આધારે મુસ્કાનને પકડી લેવામાં આવી..

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!