Close

મેં કોઈની હત્યા કરી નથી, મને મોતનો પણ ડર નથી !

કભી કભી | Comments Off on મેં કોઈની હત્યા કરી નથી, મને મોતનો પણ ડર નથી !

પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ઇમરાન ખાન આરૂઢ થશે.

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ અને તેમના પુત્રી મરિયમ જેલમાં છે. એ અગાઉના પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો પાક. લશ્કરના કહેવાતા ષડયંત્રના ભોગ રૂપે બોમ્બ વિસ્ફોટના ભોગ બની ચૂક્યાં છે. તે અગાઉ બેનઝીરના પિતા અને પાકિસ્તાનમાં લોકતાંત્રિક પ્રક્રિયાથી ચૂંટાયેલા પૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો લશ્કરી સરમુખત્યાર દ્વારા ફાંસીના માંચડે લટકી ચૂક્યા છે. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને મૃત્યુદંડ ના દેવા વિશ્વના દેશોએ કરેલી અપીલને સરમુખત્યાર શાસક જનરલ ઝિયા ઉલ હકે ફગાવી દીધી હતી.

અત્રે એ જાણવું રસપ્રદ થઇ પડશે કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ૧૯૭૦ની ચૂંટણીઓ બાદ સત્તામાં આવી. પરંતુ આર્મીએ તેમાં અનેક અડચણો ઊભી કરી. ૧૯૭૬માં વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ સાત આર્મી જનરલ્સને દબાણપૂર્વક હટાવી લેફ્ટ. જનરલ મોહમ્મદ ઝિયા- ઉલ-હકને ચાર સ્ટારની બઢતી આપી.

૧૯૭૭માં ફરી ચૂંટણી આવી. ભુટ્ટો સામે નવ જેટલી ધાર્મિક પાર્ટીઓએ મહાગઠબંધન કર્યું. ભુટ્ટોની પાકિસ્તાન પિપલ્સ પાર્ટી નેશનલ એસેમ્બલીની ૨૦૦માંથી ૧૫૫ સીટો જીતી ગઇ. ગઠબંધનનો રકાસ થયો. પાકિસ્તાન નેશનલ એલાયન્સ નામના ગઠબંધને આ પરિણામો સ્વીકારવા ઇન્કાર કર્યો અને વડા પ્રધાન બનેલા ભુટ્ટો સામે શેરીઓમાં આંદોલન છેડયું. ૨૦૦ જેટલા દેખાવકારોના મોત નીપજ્યા. જો કે એ વખતે લશ્કર અંદરથી વિભાજિત હતું. આર્મીના એક અધિકારીએ વડા પ્રધાન ભુટ્ટોને પાકિસ્તાન નેશનલ એલાયન્સ સાથે સમાધાન કરી લેવા સલાહ આપી. વાટાઘાટો શરૂ થઇ. દરમિયાન વડા પ્રધાન ભુટ્ટોએ મિડલ ઈસ્ટની ટૂરનો લાંબો કાર્યક્રમ બનાવ્યો. ગઠબંધને સમાધાનમાં વિલંબ કરવાનો ભુટ્ટોનો આ પ્રવાસ છે તેવો આક્ષેપ કર્યો.

જો કે એ દરમિયાન ગઠબંધન સાથેનો સમજૂતીનો કરાર તૈયાર પણ થયો પરંતુ એ કાગળ આર્મીના વડા પાસે પહોંચ્યો ત્યારે લશ્કરના વડાઓ અને આઇએસઆઇના વડા ક્રોધિત થઇ ગયા.

વડા પ્રધાન ભુટ્ટો અખાતના દેશોના પ્રવાસેથી પાછા આવ્યા અને સમજૂતીના કાગળ પર દસ્તખત કરવાના જ હતા ત્યારે પાકિસ્તાનમાં શરૂ થયેલી રાજકીય કટોકટીનો અંત લાવવા પાકિસ્તાન આર્મીએ બળવો કરી સત્તા હાંસલ કરવાનો નિર્ણય લીધો.

તા. ૩ જુલાઇ ૧૯૭૭ના રોજ મેજર જનરલ કે.એમ.આરીફે ખાનગીમાં ભુટ્ટોને જાણ કરી કે તેમને ઉથલાવી બળવો કરવાનો લશ્કરે પ્લાન કર્યો છે. આ જાણ્યા બાદ વડા પ્રધાન ભુટ્ટોએ ગઠબંધન સાથે સમજૂતી કરવા ઉતાવળ કરી. પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થા ભાંગી પડયા હતા. પરંતુ તા.૫મી જુલાઇ ૧૯૭૭ના રોજ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને તેમના મંત્રીઓને લશ્કરી વડા જનરલ ઝિયા ઉલ હક્કે પકડી લીધા.

પાકિસ્તાન લશ્કરમાં વડા પ્રધાન ભુટ્ટોના પણ કેટલાક વફાદાર અધિકારીઓ હતા પરંતુ મિલિટરી બળવો કરવામાં સરળતા રહે તે માટે જનરલ ઝિયાએ ભુટ્ટોના વફાદાર મેજર જનરલ તાજમુલ હુસેન અને ભુટ્ટોના બીજા વફાદાર અધિકારીઓને એક તાલીમ માટે અન્યત્ર મોકલી દીધા હતા. એ સિવાય બળવાની રાત્રે બીજા સિનિયર લશ્કરી અધિકારીઓને બળવો સફળ થાય ત્યાં સુધી તેમની ઓફિસોમાંથી ઘેર જવા દીધા નહોતા અને દરમિયાન બળવાનો તખ્તો ગોઠવાઇ ગયો હતો.

એ રાત્રે જ વડા પ્રધાન ભુટ્ટોની ધરપકડ બાદ જનરલ ઝિયા ઉલ હક્કે પાકિસ્તાનમાં માર્શલ લો જાહેર કરી દીધો. બંધારણ રદ કરવામાં આવ્યું. પાકિસ્તાનની સાંસદ અને રાજ્યોની વિધાનસભાઓને વિખેરી નાખવામાં આવી. જનરલ ઝિયાએ આવતા ૯૦ દિવસમાં ચૂંટણી યોજવાનું વચન આપ્યું.

તા.૨૯ જુલાઇ ૧૯૭૭ના રોજ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. વિશાળ જનસમૂહે તેમનું સ્વાગત કર્યું. તેઓ લારખાનાના વતની હતા. બહાર આવ્યા બાદ તેમણે પાકિસ્તાનનો વિસ્તૃત પ્રવાસ શરૂ કર્યો. અનેક જનસભાઓ કરવા લાગ્યા. પ્રવચનો કરવા લાગ્યા. તેઓ ફરી રાજનીતિમાં સક્રિય થયા પરંતુ તા. ૩ સપ્ટેમ્બરના રોજ તેમની ફરી ધરપકડ થઇ. તા.૧૩મી સપ્ટેમ્બરે તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા. જો કે તેમને ડર હતો કે તેમની ફરી ધરપકડ થશે. એ કારણે તેમની પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના પ્રમુખ તરીકે તેમણે તેમના પત્ની નુસરતનું નામ જાહેર કર્યું.

તા.૧૬મી સપ્ટેમ્બરે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ફરી ધરપકડ થઈ. તેમની સાથે તેમની પીપીપી પાર્ટીના અનેક નેતાઓની પણ લશ્કરે ધરપકડ કરી. એ બધાને ચૂંટણી લડવા માટે ગેરકાયદે ઠેરવ્યા.

પરંતુ હકીકત એ હતી કે ભુટ્ટો જ્યાં જ્યાં પ્રવચન કરવા જતા હતા. ત્યાં ત્યાં હજારોની માનવ મેદની ઊમટતી હતી. તેઓ ટ્રેનમાં ફરતા હતા, ભીડના કારણે ટ્રેનો મોડી પડતી હતી. વહીવટીતંત્ર લોકોને રોકવા નિષ્ફળ પ્રયાસ કરતું હતું. એટલા માટે ભુટ્ટોને ફરી પકડયા હતા.

તેમની ધરપકડ કરવા માટે ભુટ્ટોને ૧૯૭૬માં તેમના રાજકીય વિરોધીઓની હત્યાના હુકમો કરવાનું કારણ આપવામાં આવ્યું હતું. ટૂંકમાં ભુટ્ટો પર હત્યાના આરોપ મૂકવામાં આવ્યા હતા. તેમને બચાવવા નુસરત ભુટ્ટોએ પાકિસ્તાનના શ્રેષ્ઠ વકીલો રોક્યા. જે જજે તેમને જામીન આપ્યા હતા તે જજને પણ લશ્કરી વડાએ હટાવી દીધા. હવે ભુટ્ટો સામેનો ખટલો શરૂ થયો જે પાંચ મહિના સુધી ચાલ્યો.

તા. ૧૮ જુલાઇ ૧૯૭૮ના રોજ ભુટ્ટોને હત્યાના કેસમાં દોષી નથી તેમ જાહેર કરાયા પરંતુ તેમને ફાંસીની સજા જાહેર કરવામાં આવી. આ જજમેન્ટ અંગે ન્યાયાધીશો વિભાજિત હતા. વાત સુપ્રીમ કોર્ટ સુધી ગઇ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશના પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ જ ફાંસીની સજા બદલીને જન્મટીપની કરી શકે છે. પરંતુ લશ્કરી વડા જનરલ ઝિયાનો ઇરાદો કાંઇ ઓર જ હતો. ભુટ્ટોને રાવલપિંડીની જેલમાં ખસેડાયા. ફરી સુપ્રીમ કોર્ટમાં પ્રયાસ થયો. તા.૧૮ સપ્ટેમ્બર, ૧૯૭૮ના રોજ રાવલપિંડીની કોર્ટમાં હાજર થયા. ઝિયા ખુદ દેશના પ્રેસિડેન્ટ હતા. જેલમાં અનેક યાતનાઓ ભોગવીને થાકી ગયેલ ભુટ્ટોએ કોઇ પણ જાતના કાગળ કે નોંધનો ઉપયોગ કર્યા વિના ચાર દિવસ સુધી કોર્ટ સમક્ષ બોલ્યા. પોતાનો બચાવ પોતે જ કર્યો.

તા.૨૩મી ડિસેમ્બર ૧૯૭૮ના રોજ સુપ્રીમ કોર્ટે ભુટ્ટોને દોષિત જાહેર કર્યા. તેમના પરિવારે ફરી અપીલ કરી. તા. ૨૪ માર્ચ ૧૯૭૯ના રોજ સુપ્રીમ કોર્ટે ભુટ્ટોના પરિવારે કરેલી અપીલને ફગાવી દીધી. તેમની ફાંસીની સજા કાયમ રહી.

મૃત્યુના થોડા દિવસ પહેલાં સેન્ટ્રલ જેલની ફાંસીની કોટડીમાંથી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ તેમના પુત્રી બેનઝીરને એક પત્ર લખ્યો હતો.

‘મારી સૌથી વહાલી દીકરી,

મેં એ માણસની હત્યા કરી નથી. ખુદા એ વાત જાણે છે, મેં એવી કોઇ ભૂલ કરી હોત તો એ સ્વીકારવાની મારામાં તાકાત છે. મારી પર જે ખટલો ચલાવાયો છે તે જંગલી છે. હું એક મુસલમાન છું. દરેક મુસલમાનનું ભાવિ અલ્લાહના હાથમાં છે. હું તેમની સમક્ષ ઊભો રહી કહેવા તૈયાર છું કે મેં રાખમાંથી એક ઇસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાનને ફરી બેઠું કર્યું હતું. લખપતની જેલની આ કાળ કોટડીમાં હું મારા આત્મા સાથે સંપૂર્ણ શાંતિ અનુભવી રહ્યો છે. મને મોતનો ડર નથી. હું કેવી આગમાંથી પસાર થયો છું તે તો નિહાળ્યું છે.’

ભુટ્ટોને ફાંસીની સજા જાહેર થયા બાદ લિબિયાના કર્નલ ગદ્દાફીએ તેમના વડા પ્રધાન અબ્દુલ સલામને પાકિસ્તાન મોકલી ભુટ્ટોને ફાંસી ના આપવા પાકિસ્તાનના લશ્કરી વડાને અપીલ કરી હતી. ભુટ્ટોને દેશ નિકાલ કરવામાં આવે તો તેમને લિબિયામાં રાખવાની પણ તેમણે ઓફર કરી હતી. પરંતુ જનરલ ઝિયાએ લિબિયાના વડા પ્રધાનની ઓફર ફગાવી દઇ ફાંસીની સજા કાયમ રાખી હતી.

ભુટ્ટોને ફાંસીની સજા કાયમ રખાતાં મુસ્લિમ વિશ્વ આઘાતમાં સરી પડયું હતું.

એ પછી તા. ૪ એપ્રિલ ૧૯૭૯ના રોજ રાવલપિંડીના સેન્ટ્રલ જેલમાં ભુટ્ટોને ફાંસી અપાઇ હતી. તેમને એક ગ્રામ્ય કબ્રસ્તાનમાં દફનાવી દેવાયા હતા.

ફાંસીના માંચડે ચડતા પહેલાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટો બોલ્યા હતા, ‘હે અલ્લાહ મને મદદ કરો. હું નિર્દોષ છું.’

– આવી છે પાકિસ્તાનની આર્મી કન્ટ્રોલ્ડ લોકશાહી.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

Be Sociable, Share!