Close

મેં મારી અસાધ્ય બીમારીને મારી તાકાત બનાવી દીધી

કભી કભી | Comments Off on મેં મારી અસાધ્ય બીમારીને મારી તાકાત બનાવી દીધી

આજે વિશ્વ દિવ્યાંગ દિન છે

સ્ટિફન હોકિંગ હવે રહ્યા નથી, પણ તેમની જિંદગી પ્રેરણાદાયક છે.

જો તમે અપંગ છો અગર ભગવાને તમને કાંઇક ઓછું આપ્યું હોય તો નિરાશ ના થાવ અને સ્ટીફન હોકિંગની આ વાત  એમના જ શબ્દોમાં વાંચો :

‘મારો જન્મ બ્રિટનમાં થયો. પહેલાં મારું પરિવાર લંડનમાં રહેતું હતું પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ અમે ઓક્સફર્ડ શહેરમાં રહેવા આવી ગયા. મારા પિતા ડોક્ટર હતા અને તેઓ ઇચ્છતા હતા કે હું પણ ડોક્ટર બનું. પરંતુ મને ગણિતમાં રસ હતો. મારા પિતાએ તેમના વિચારો મારી પર ઠોકી બેસાડવા તમામ પ્રયાસો કરી જોયા. ૧૧ વર્ષની વયે મને સેન્ટ અલબસ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. શાળાના દિવસોનાં મારા અક્ષરો ખરાબ હતા. શિક્ષકો મને સજા કરતાં. શિક્ષકો મારી પર નારાજ રહેતા.

સ્કૂલનું ભણવાનું પૂરું થયા બાદ હું આગળ અભ્યાસ માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગયો. કોલેજના  દિવસોમાં  હું વિજ્ઞા।નના નવા નવા પ્રયોગો કરતો હતો. આ કારણે હું મિત્રોમાં અને શિક્ષકોમાં લોકપ્રિય બની ગયો. એ બધા મને આઇનસ્ટાઇન કહીને બોલાવતા હતા. એ બધાંને લાગતું હતું કે હું વિજ્ઞાનના વિષયમાં બહુ જ હોશિયાર છું. અને આગળ ઉપર વૈજ્ઞાનિક બનીશ. મને વિજ્ઞા।ન સાથે સંકળાયેલા રહસ્યો ખોજવામાં દિલચશ્પી હતી.

એ વખતે મારી ઉંમર ૨૦ વર્ષની હતી. થોડા દિવસ પહેલાં જ મેં મારો જન્મ દિવસ ઉજવ્યો હતો. કોલેજમાં રજાઓના કારણે હું ઘેર આવેલો હતો. અચાનક સીડી ચડતી વખતે મને લાગ્યું કે હું બેહોશ થઇ રહ્યો છું. હું મારી જાતને સંભાળી શકું તે પહેલા જ હું સીડી પરથી નીચે પડયો.  બધાંને લાગ્યું કે હું કમજોર થઇ ગયો છું. પણ મને ઠીક લાગતું નહોતું. મને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. મારી હાલત જોઇને ડોક્ટરોને કાંઇક શક પડયો. અનેક પ્રકારના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા. એ બધાંના રિપોર્ટસ આવી ગયા બાદ કહેવામાં આવ્યું કે મને એક દુર્લભ બીમારી છે. એ બીમારીને ‘ન્યૂરોન મોર્ટાર ડિસીઝ’ કહે છે. આ બીમારીમાં શરીરના અંગો ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. આ બીમારી જ્યારે પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે શ્વાસનળી બંધ થઇ જાય છે અને દર્દીનું મોત નીપજે છે.

ડોક્ટરોએ કહ્યું કે, આ છોકરો બે વર્ષથી વધુ નહીં જીવે. પરંતુ મેં કહ્યું: ‘હું જીવીશ માત્ર બે વર્ષ નહીં, પરંતુ ઓછામાં ઓછા પચાસ વર્ષ !’ મારી વાત સાંભળીને મારું મન રાજી રાખવા  માટે બધાંએ મને કહ્યું: ‘હા, તું લાંબું જીવીશ.’ ખરેખર તો એ બધાંને મારા માટે દયા ઊપજી હતી. એ બધાં માની ચૂક્યાં હતાં કે બસ હું થોડા સમયનો મહેમાન છું.

જેમ જેમ મારી બીમારી વધતી ગઇ તેમ તેમ જિંદગી જીવવાની ઇચ્છા વધતી ગઇ. ધીમે ધીમે મારા શરીરના અંગ નબળાં પડી રહ્યા હતા, પણ મેં ભણવાનું બંધ કર્યું નહોતું. ઓક્સફર્ડમાં ભણવાનું પૂરું કર્યા બાદ નક્ષત્ર વિજ્ઞાનમાં સંશોધન માટે હું કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યો. પીએચ.ડી. કર્યું. તે પછી હું યુનિવર્સિટીમાં ભણાવવા લાગ્યો. લોકો  મને પ્રોફેસર સ્ટિફન કહીને બોલાવવા લાગ્યા.

આ દરમિયાન મારા શરીરના જમણા હિસ્સાએ કામ કરવાનું બંધ કરી દીધું. હવે હું મારા પગ પર ઊભો રહી શકતો નહોતો. હું લાકડીના સહારે ચાલવા લાગ્યો. એ વખતે જ જેન વાઇલ્ડ મારી જિંદગીમાં આવી. હું તેના પ્રેમમાં પડયો. એ પ્રેમ એ મને ભાવનાત્મક સહારો આપ્યો. હવે જીવવાની મારી ઇચ્છા વધુ પ્રબળ બની. મેં અને જેન વાઇલ્ડે લગ્ન કરી લીધાં. અમને ત્રણ સંતાનો પ્રાપ્ત થયા. બાળકોએ અમને અપાર ખુશી બક્ષી. એક વૈજ્ઞાનિક તરીકે મારી કારકિર્દી આગળ વધી રહી હતી. એક તરફ દુનિયાભરમાં મારી ખ્યાતિ આગળ વધી રહી હતી તો બીજી તરફ મારા શરીરના અંગો સાથ છોડી રહ્યા હતા. મેં શારીરિક તકલીફો તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું. હવે મારું બધું જ ફોક્સ મસ્તિષ્ક પર હતું, જે વિજ્ઞા।નના  રહસ્યોને સુલઝાવવામાં વ્યસ્ત હતું. શરીરનાં અંગો એક પછી એક કામ કરવાનું બંધ કરી રહ્યા હતા, પહેલાં જમણો અને તે પછી ડાબો ભાગ પણ કામ કરતો અટકી ગયો.

હવે લાકડી પણ અર્થહીન બની હઇ. હું ચાલી શકતો નહોતો. હું ઊભો પણ થઇ શકતો નહોતો. મને અનેક ટેક્નિકલ સુવિધાઓથી સજ્જ એક વ્હિલ ચેર આપવામાં આવી. એ એક અત્યંત અદ્યતન અને સ્માર્ટ વ્હિલચેર હતી. તેમાં લાગેલાં ઉપકરણ મારા મસ્તિષ્કની અંદર ચાલતા વિચારોને વાંચવામાં, સમજવામાં સક્ષમ હતાં. ધીમે ધીમે બધી જ માંસપેશીઓ પરથી મારું નિયંત્રણ જતું રહ્યું. હું મારા ગાલ પર  લગાડેલાં ચશ્મા પર લાગેલાં સેન્સરને કમ્પ્યુટર સાથે જોડીને વાત કરવા લાગ્યો. શરીરથી હું સાવ અપંગ થઇ ગયો હતો પણ દિમાગ મજબૂત હતું. મારી દુર્લભ બીમારીને મેં મારી તાકત બનાવી દીધી. દુનિયાની તમામ ચીજોથી દૂર હું વિજ્ઞા।નના સંશોધનોમાં દિમાગથી વ્યસ્ત થઇ ગયો. મને લાગ્યું કે જીવનમાં કાંઇક કરવા માટે કોઇને કોઇ ધૂનની બહુ જ જરૂર રહે છે. કામ કરવાની ધૂન જીવનને એક હેતુ પૂરો પાડે છે.

એ પછી વૈજ્ઞાનિક સંશોધનોમાં મેં અંતરિક્ષના બ્લેક હોલ અને બીગ બેંગની થિયરી પર મારું સંશોધન રજૂ કર્યું, જેનો દુનિયાએ સ્વીકાર કર્યો. આ સફરમાં મારી પત્ની જેન વાઇલ્ડ મારી સાથે હતી. એણે મને બહુ જ સાથ આપ્યો પણ ધર્મ અને ઇશ્વરના અસ્તિત્વ વિશે અમારા બંનેના વિચારો અલગ હતા. ૧૯૯૫ની સાલમાં અમે અલગ થઇ ગયાં. ફરી એક વાર મેરી ઇલિયાના મેસન મારી જિંદગીમાં આવી અને અમે લગ્ન કરી લીધા. પણ આ સાથ લાંબો ચાલ્યો નહીં. ૨૦૦૬માં અમારા છૂટાછેડા થઇ ગયા. ૨૦૦૭માં મેં અંતરિક્ષમાં મુસાફરી કરી,  ભૌતિક વિજ્ઞાનમાં શ્રેષ્ઠ કામગીરી માટેના તમામ એવોર્ડઝ મને મળ્યા. એક ડઝન એવોર્ડ મળ્યા.

ફિઝિક્સમાં તથા નક્ષત્ર વિજ્ઞા।નમાં મેં કરેલાં સંશોધનો અંગે મેં અનેક પુસ્તકો લખ્યા. ‘અ બ્રીફ હિસ્ટરી ઓફ ટાઇમ’, ‘બ્લેકહોલ એન્ડ બેબી યુનિવર્સ’,’ધ યુનિવર્સ ઇન અ નટશેલ’,’ધી ગ્રાન્ડ ડિઝાઇન’ તથા ‘માય બ્રીફ હિસ્ટ્રી’ એ બધાં જ  પુસ્તકો બેસ્ટ સેલર બની ગયાં. મને સૌથી વધુ ખુશી એ વાતની હતી કે મેં બ્રહ્માંડને સમજવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નભાવી. દુનિયાના લોકો મારા સંશોધન અને કામને જાણે છે એ વાત પર મને ગર્વ થાય છે.

હું ૭૦ વર્ષનો થયો ત્યારે લોકોને લાગ્યું કે, હવે હું જિંદગીથી પરવારી ગયો હોઇશ. પરંતુ મારા  જન્મદિવસે મેં કહ્યું કે, હુ હજુ વધુ જીવવા માંગુ છું. મારી આ વાત સાંભળીને ઘણાંને આશ્ચર્ય થયું હશે. પરંતુ મારી ભીતર મને હજુ વધુ જીવવાની તમન્ના બાકી હતી. કારણ કે વિજ્ઞાનના કંઇ કેટલાયે  વણઉકેલેલા રહસ્યો મારે ઉકેલવાના બાકી છે મેં એવું મહેસૂસ કર્યું છે કે અગર કોઇ વ્યક્તિ અપંગ છે તો તેમાં એની કોઇ ભૂલ નથી. પોતાની અપંગતા માટે  દુનિયાને જવાબદાર ઠેરવી શકાય નહીં. અપંગતા માટે  દુનિયાને દોષ દેવાના બદલે બહેતર એ છે કે તમે મુશ્કેલીઓની વચ્ચે જ જીવવાનો શ્રેષ્ઠ વિકલ્પ શોધી લો. કોઇનીયે પાસેથી દયાની આશા રાખવી જોઇએ નહીં. મનની તાકાત સાથે હોય તો કોઇ જ કામ મુશ્કેલ નથી.’

  • અને સ્ટિફન હોકિંગ તેમની વાત પૂરી કરે છે.

દુર્લભ બીમારી છતાં ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં મહામૂલો ફાળો આપીને સ્ટિફન હોકિંગ ૭૬ વર્ષ જીવ્યા અને ગયા માર્ચ ૨૦૧૮માં તેમનું અવસાન થયું.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!