Close

રવીન્દ્રનાથ ટાગોરનાં શિષ્યા જ્યારે લોકસભામાં પહોંચ્યાં

કભી કભી | Comments Off on રવીન્દ્રનાથ ટાગોરનાં શિષ્યા જ્યારે લોકસભામાં પહોંચ્યાં

લોકસભાની ચૂંટણી દ્વારા દેશના લોકતંત્રનું મહાપર્વ ઉજવાઇ ગયું. આઝાદીના સાત દાયકા દરમિયાન ચૂંટણી પ્રચાર, પદ્ધતિ, સરઘસો અને સભાઓના પ્રકારમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે ત્યારે અહીં કેટલીક અવિસ્મરણીય વાતો-ઘટનાઓ પ્રસ્તુત છે.

રેણુ ચક્રવર્તી

એમનું નામ હતું રેણુ ચક્રવર્તી.

તા. ૧૨ ઓક્ટોબર, ૧૯૧૭ની સાલમાં જન્મેલાં રેણુ વયસ્ક થતાં ૧૯૪૨માં એ વખતના પ્રસિદ્ધ પત્રકાર નિખિલ ચક્રવર્તી સાથે તેમનાં લગ્ન થયાં. રેણુ ચક્રવર્તી ડાબેરી વિચારધારા ધરાવતાં દેશનાં પ્રખર મહિલા નેતા હતાં. ઉચ્ચ શિક્ષણ પામેલાં રેણુ ચક્રવર્તી પૂરા પંદર વર્ષ સુધી પ્રખર વક્તા અને સ્ત્રીઓનો અવાજ બનીને રહ્યાં. ૧૯૫૨માં અને તે પછી ૧૯૫૭માં તેઓ પશ્ચિમ બંગાળનાં બશીરહાર લોકસભા મત વિસ્તારમાંથી ચૂંટાઈને લોકસભામાં  ગયાં. તેઓ ભારતીય સામ્યવાદી-કમ્યુનિસ્ટ પાર્ટીની ટિકિટ પર આ ચૂંટણીઓ લડયાં હતાં. ફરી ૧૯૬૨માં તેઓ બેરાપુર મતક્ષેત્રમાંથી ચૂંટણી લડયાં અને જીતી ગયાં. રેણુ ચક્રવર્તીએ લોકસભામાં મહિલાઓના દાંપત્ય અધિકારો માટે સંઘર્ષ કર્યો, લોકસભાની બહાર પણ. એ  જમાનામાં દહેજ પ્રથા પર તેમણે લોકસભામાં જોરદાર ભાષણ કર્યું. ૧૯૬૪માં કમ્યુનિસ્ટ પાર્ટીના વિભાજન બાદ તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં જ રહ્યાં. લોકસભાનાં ૧૫ શ્રેષ્ઠ વક્તાઓમાં  રેણુ ચક્રવર્તીનો સમાવેશ થાય છે.

રેણુ ચક્રવર્તીનો જન્મ સાધનચંદ્ર બ્રહ્મકુમારીના પરિવારમાં થયો હતો. તેમણે કોલકાતાની લોરેટો કોન્વેન્ટ સ્કૂલ દ્વારા  શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તે પછી તેમણે ન્યૂનહેમ, કેમ્બ્રિજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ૧૯૩૮માં તેઓ વામપંથી લેખક રજની પામદત્તના સંપર્કમાં આવ્યાં હતાં. વિદ્યાર્થી અવસ્થા દરમિયાન જ તેઓ બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલ કમ્યુનિસ્ટ સંગઠનમાં સક્રિય બન્યાં  હતાં.  ભારત આવ્યા બાદ તેમણે કોલકાતા યુનિર્વિસટીમાં અંગ્રેજી સાહિત્ય ભણાવ્યું હતું. ૧૯૬૪માં તેમનું નિધન થયું. આજે ભાગ્યે જ કોઇ સાહિત્યપ્રિય વ્યક્તિ રાજનીતિમાં આવે છે.

રાણી મંજુલા દેવી

મંજુલા રાની દેવી બીજી લોકસભામાં આસામનાં ગ્વાલપાડા મત ક્ષેત્રનાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈને લોકસભામાં ગયાં હતાં.

તા. ૫ જાન્યુઆરી, ૧૯૫૨માં મંજુલા દેવીનો  જન્મ પીથાપુરમમાં થયો હતો. તેઓ આંધ્ર પ્રદેશના  ગોદાવરી જિલ્લાના પીથાપુરમના મહારાજાનાં પુત્રી હતાં. તેમણે શરૂઆતનું શિક્ષણ ચર્ચ પાર્ક કોન્વેન્ટ, ચેન્નાઈમાં લીધું. બચપણમાં જ તેઓ કવિવર રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યથી પ્રભાવિત હતાં અને એ કારણે તેઓ કવિતાઓ ગદ્યની રચના કરવા લાગ્યાં હતાં. તેમને ફોટોગ્રાફી અને શિકારનો પણ શોખ હતો.

મંજુલા રાનીનાં લગ્ન સિધલીના રાજા અજીત નારાયણ દેબની સાથે થયાં. લગ્ન બાદ તેઓ સમાજસેવાના  ક્ષેત્રમાં સક્રિય થયાં. તેઓ ધુબડી એજ્યુકેશન બોર્ડનાં અધ્યક્ષ પણ બન્યાં. તે પછી આસામ પ્રદેશ મહિલા સમિતિનાં પણ અધ્યક્ષ બન્યાં.

મંજુલા રાની દેવીને વીણાવાદન, શાસ્ત્રીય સંગીત એને ઓઈલ પેઈન્ટિંગનો શોખ હતો. કવિવર રવીન્દ્રનાથ ટાગોર મંજુલા દેવીને પોતાની પુત્રી માનતા હતા. ટાગોર બચપણથી જ મંજુલા દેવીને ભણવા માટે શાંતિ નિકેતન લાવવા માગતા હતા. લગ્ન પછી ટાગોરના આશીર્વાદ લેવા તેઓ શાંતિ નિકેતન ગયાં હતાં.

શરણાર્થી મહિલાઓ માટે

સ્વતંત્રતા બાદ દેશના ભાગલા થયા એ વખતે એ વખતના પૂર્વ પાકિસ્તાન અને હાલના બાંગ્લાદેશથી શરણાર્થીઓ ભારત આવ્યા હતા. એમાં આવેલી મહિલા શરણાર્થીઓના પુનર્વસનના કામમાં તેઓ સક્રિય થયાં. મહિલાઓના કલ્યાણ માટે તેમણે ૪૦ જેટલાં કેન્દ્રો ઊભાં કર્યાં.

મંજુલા દેવી ૧૯૫૭માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડયાં અને લોકસભામાં ગયાં. એ વખતે આસામના ગ્વાલપાડાથી લોકસભાના સભ્ય ચૂંટાઈને લોકસભામાં જતાં હતાં. તેમાં હાલનું મેઘાલય અને ગારો હિલ્સ આવતાં હતાં. હવે ગ્વાલપાડા મત ક્ષેત્ર રહ્યું નથી. હવે તેનો મોટા ભાગનો વિસ્તાર ધુબડી મતક્ષેત્રમાં સમાવવામાં આવ્યો છે.

મંજુલા દેવીએ રવીન્દ્રનાથ ટાગોર પ્રત્યેના અનન્ય આદરના કારણે ૧૯૪૮માં શિલોંગમાં ટાગોરની યાદમાં સિધલી હાઉસ ખરીદ્યું હતું.

આજે તો રવીન્દ્રનાથ ટાગોર જેવા કવિઓ પણ નથી અને મંજુલા દેવી જેવાં તેમનાં  પ્રિય શિષ્યા પણ નથી.

૧૯૫૨માં

૧૯૫૨માં દેશની પહેલી લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થઇ ત્યારે બિહારના બક્સર લોકસભા મતક્ષેત્રમાં મતદાનના દિવસે મહિલાઓ બળદગાડામાં બેસી મતદાન કરવા આવતી હતી. એ જમાનામાં જયપ્રકાશ નારાયણના કહેવાથી સોશિયાલિસ્ટ પાર્ટીના સભ્ય રામાનંદ તિવારી શાહપુરમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. તેમની સામેના કોંગ્રેસના ઉમેદવાર સશક્ત હતા, પરંતુ રામાનંદ તિવારી અને તેમના સાથીઓ સાઈકલ પર બેસી ચૂંટણી પ્રચાર કરતા હતા.

હવે સાઈકલ ગુમ  છે, હેલિકોપ્ટર્સ હાજર છે. બળદગાડું ગુમ છે,  લક્ઝુરિયસ મોટરકારો હાજર છે. સાહિત્યકારો ગુમ છે, વ્યવસાયીઓ હાજર છે.

સમય સમયની વાત છે.

 

Be Sociable, Share!