Close

રાજમોહિનીના ગ્લાસનું અડધું વધેલું પાણી નિર્મલા પી જતી

કભી કભી | Comments Off on રાજમોહિનીના ગ્લાસનું અડધું વધેલું પાણી નિર્મલા પી જતી

દિલ્હીની એક હાઈસ્કૂલ.

આ સ્કૂલમાં બે શિક્ષિકાઓ વિદ્યાર્થીઓને ભણાવવાનો વ્યવસાય કરતી હતી. એકનું નામ રાજમોહિની મહેતા અને બીજીનું નામ નિર્મલા પંત. રાજમોહિની મહેતા અત્યંત આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી મહિલા હતી. સુંદર અને એક સીમા સુધી ભાવુક પણ હતી. શેરોશાયરીની શોખીન પણ હતી. લગભગ ચારેક વર્ષ પહેલાં તેના લગ્ન વિનોદ મહેતા નામના એક યુવક સાથે થયા હતા. જ્યારે બીજી શિક્ષિકા નિર્મલા પંત કલાપ્રિય યુવતી હતી. તે અચ્છી ગાયિકા પણ હતી. કેટલાક ઈન્સ્ટ્રુમેન્ટ્સ પણ વગાડી શકતી હતી. સ્વભાવથી ગંભીર અને હૃદયથી ભાવુક પણ હતી. તેના પતિ કે. પંત રામકૃષ્ણપુરમ્માં શિક્ષક હતા.

મહેતા પરિવાર અને પંત પરિવાર માલવીયનગરમાં નજીક નજીકમાં જ રહેતા હતા. બંને પરિવારો વચ્ચે આપસમાં સંબંધો પણ વિકસ્યા હતા. રાજમોહિની અને નિર્મલા પંત એક જ સ્કૂલમાં સાથે નોકરી કરતાં હોઈ ઘણો બધો સમય સાથે જ રહેતા હતાં. સ્કૂલમાં તો તેઓ સાથે રહેતા હતા, પરંતુ ઘેર આવ્યા બાદ પણ ઘરમાં જ તેઓ એકબીજાની સાથે જ વધુ ને વધુ સમય વીતાવતા હતા. કાંઈક ખરીદી કરવી હોય તોય બેઉં સાથે જતાં. પિક્ચર જોવું હોય તો પણ બેઉ સાથે જતાં. બંને એકબીજાની સાથે જ જોવા મળે. કોઈ વાર નિર્મલા પંત રાજમોહિનીના ઘેર જોવા મળે તો કોઈવાર રાજમોહિની નિર્મલાના ઘેર જોવા મળે. રાત્રે સૂવાના સમયને બાદ કરતાં બાકીનો બધો જ સમય બેઉ સાથે ગાળતાં. પડોશીઓને પણ આ બે યુવતીઓના સખીપણા વિશે નવાઈ લાગતી. બેઉ વચ્ચે કદીયે ઝઘડો કે બોલવાનું થતું નહીં.

કોઈવાર તો દિવસના સમયે રાજમોહિની અને નિર્મલા ઘરમાં એકલાં હોય ત્યારે દરવાજો બંધ કરી અંદરની સ્ટોપર મારી દેવાતી. રોજ બેઉ જણ લાંબો સમય સુધી એકાંતમાં રહેતાં હોવાથી કેટલાકને નવાઈ લાગતી. કોઈ વાર બારણું ખુલ્લું હોય ને કોઈ અચાનક ઘરમાં આવી ચડે તો રાજમોહિની અને નિર્મલા એકબીજાના સાનિધ્યમાં હોવાનું જણાતું. લોકોની નજરમાં બંને સખીઓ વચ્ચેના અંતરંગ સંબંધોમાં થોડીક અસ્વાભાવિકતા જણાતી.

ધીમે ધીમે કેટલીક વાતો પણ શરૂ થઈ હતી. દિવસ દરમિયાન બંનેના પતિ બહાર હોય ત્યારે બંને સખીઓ એકબીજાની સાથે જ હોય. બંનેની ઘનિષ્ઠતા જ્યારે સીમાનું ઉલ્લંઘન કરવા લાગી ત્યારે સૌ પ્રથમ રાજમોહિનીના પતિ વનોદ મહેતાએ અને ત્યારબાદ નિર્મલાના પતિ કે.પતે બંનેને એકબીજાથી દૂર રહેવા સલાહ આપી. પરંતુ તેમના સંબંધોમાં કોઈ જ ફરક પડયો નહીં.

એકવાર વિનોદ મહેતાએ કડક શબ્દોમાં કહી દીધું : ‘રાજમોહિની ! તું નિર્મલા પંત સાથેનો સંબંધ કાપી નાંખ.’

રાજમોહિનીએ કહ્યું: ‘મારા ઘરમાં મારી કોઈ પણ સખીને આવતાં કોઈ રોકી શકશે નહીં.’

બીજી તરફ કે. પંતે પણ નિર્મલાને રાજમોહિનીના ઘેર ના જવા કડક શબ્દોમાં કહી દીધું. પરંતુ બંનેમાંથી કોઈએ પણ પતિની વાત પર ધ્યાન જ આપ્યું નહીં.

રાજમોેહિની મહેતા અને નિર્મલા પંતના સંબંધોની ચર્ચા હવે માલવીયનગરના પડોશીઓથી આગળ વધીને સ્કૂલમાં પણ થવા લાગી. બીજી શિક્ષિકાઓ પણ બંનેના વ્યવહારને ધ્યાનપૂર્વક જોવા લાગી. રાજમોહિની જે ગ્લાસમાં પાણી પીતી હોય તેનું અડધું વધેલું નિર્મલા પી જતી.

હવે બંનેના ઘરમાં ઝઘડા પણ થવા લાગ્યા. છેવટે કે.પંતે વિચાર્યું કે બંને સખીઓની ટ્રાન્સફર અલગ અલગ સ્કૂલમાં થઈ જાય તો તેઓનું મળવાનું ઓછું થઈ શકે. કે. પંતે શિક્ષણ વિભાગમાં પોતાની પત્નીની બદલી માટે એક અરજી કરી. તેમણે એક રાજકીય નેતાનો ઉપયોગ કર્યો અને અરજી આપ્યાના એક જ મહિનામાં નિર્મલા પંતની બદલી દૂરની એક સ્કૂલમાં થઈ ગઈ. રાજમોહિનીને દિલ્હીની મદનગીર સ્કૂલમાં મૂકવામાં આવી, જ્યારે નિર્મલાને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર આપવામાં આવી હતી.

બદલીના ઓર્ડર્સ હાથમાં આવતાં જ બંને સખીઓ ઉદાસ થઈ ગઈ. એકસાથે બેય જણની ટ્રાન્સફરનો ઓર્ડર આવતાં બંનેને ખ્યાલ આવી ગયો કે, કોઈએ યોજનાપૂર્વક બેઉને અલગ કરવાનું કામ કર્યું છે. બદલીનો પત્ર હાથમાં લઈ નિર્મલા પાંડે ઘરે ગઈ અને એ રાત્રે જ એણે એના પતિ સાથે સખત ઝઘડો કર્યો. બીજી બાજુ રાજમોહિનીએ પણ ઘેર જઈ એના પતિ સાથે વાક્યુદ્ધ ખેલ્યું. વિનોદ મહેતાએ પત્નીને સમજાવવાની બહુ જ કોશિશ કરી પરંતુ રાજમોહિનીનો ગુસ્સો ઠંડો થયો જ નહીં. બંને સખીઓ પણ અલગ અલગ સ્કૂલોમાં જવાના ઓર્ડર્સ હતા પરંતુ બીજા દિવસે બંનેમાંથી એક પણ સખી સ્કૂલમાં હાજર થઈ નહીં. બીજા દિવસે રાબેતા મુજબ બંને સાહેલીઓના પતિઓ પોતપોતાના કામે બહાર જતા રહ્યા. આજે ના તો રાજમોહિની નિર્મલાના ઘેર ગઈ કે ના તો નિર્મલા રાજમોહિનીના ઘેર ગઈ. બંનેના ઘરના બારણાં બંધ હતાં. બંનેના ઘરના બારણે તાળાં હતા.

કેટલાક લોકોએ બંને સખીઓને નજીકના માર્કેટમાં સાથે સાથે જોઈ હતી. કેટલાંકે બેઉને એક બગીચામાં હરિયાળા ઘાસ પર બેસીને વાતો કરતાં જોયાં હતાં.

સાંજે બેઉ પોતપોતાના ઘેર પાછાં પહોંચી ગયા. રાજમોહિની આજે સાવ ચૂપ હતી. એણે કોઈનીયે સાથે વાત કર્યા વિના ચૂપચાપ થોડુંક ખાઈ લીધું. નિર્મલા પણ ઘેર પહોંચીને કોઈનીયે સાથે બોલી નહીં : એ જમ્યા વગર જ સૂઈ ગઈ. બીજા દિવસે બંને સટ્વખીઓના પતિઓ પોતપોતાના વ્યવસાય પર જતા રહ્યા. તેમના ગયા બાદ બપોરે ૧૨ વાગે રાજમોહિની અને નિર્મલા પોતપોતાના ઘેરથી નીકળી. ઘરને તાળું માર્યું. નિર્મલા ઘરમાંથી બહાર નીકળી ત્યારે કાફી ગંભીર અને નર્વસ લાગતી હતી.

બંને સખીઓ પોતાની નવી સ્કૂલમાં ગઈ હતી. કેટલાક સમય બાદ રાજમોહિની મહેતા નિર્મલાની સ્કૂલમાં ગઈ. રાજમોહિનીએ અડધા દિવસની રજા મૂકી દીધી હતી. નિર્મલાએ પણ તેની સ્કૂલમાંથી અડધા દિવસની રજા મૂકી દીધી. બેઉ સાથે જ રિક્ષામાં બેઠી. નીકળતી વખતે રાજમોહિનીની આંખમાં આંસુ હતા. નિર્મલા એકદમ મૌન હતી. એ દિવસે બપોરે પણ દિલ્હીમાં ધુમ્મસ છવાયેલું હતું. સખત ઠંડી હતી. બપોરના લગભગ સાડા ત્રણ વાગે બંને યુવા મહિલાઓ કુતુબમિનારના પ્રાંગણમાં પ્રવેશી. બંનેના ચહેરા પર ના સમજાય તેવા અકળ ભાવ હતા. આંખો સુકાઈ ગઈ હતી. રાજમોહિનીએ ગુલાબી રંગના સલવાર- કમીઝ પહેરેલાં હતા. નિર્મલાએ સાડી પહેરેલી હતી.

બંને જણ ચૂપચાપ કુતુબમિનાર પાસે જઈ ઊભા રહ્યા. ઊભા ઊભા તેમણે કુતુબમિનારની ઊંચાઈ માપી. થોડીક જ ક્ષણો બાદ બંનેએ એકબીજાનો હાથ પકડી કુતુબમિનારની સીડીઓ ચડવાનું શરૂ કર્યું. પહેલી મંજિલ તો બેઉ એક જ શ્વાસે ચડી ગયાં. પહેલી મંજિલ ૬૫ ફૂટની ઊંચાઈ પર છે. તેના ઝરૂખામાં જઈ તેઓ ઊભા રહ્યા. રાજમોહિની મહેતાએ ઉપરથી એક નજર નીચે નાંખી લીધી. નિર્મલા પંત તો રાજમોહિનીને જ જોઈ રહી હતી. બંને યુવતીઓએ એકબીજા સાથે કોઈ જ વાત કરી નહીં. થોડીવાર પછી બંનેએ પોતપોતાના સેન્ડલ ઉતાર્યા. પર્સને બાજુમાં મૂક્યા. થોડીવાર માટે બેઉ એકબીજાને લપેટાઈ ગયાં પછી ધીમેથી અલગ થયાં…

… અને થોડીક ક્ષણોમાં કુતુબમિનારના ઝરૂખા પરથી બેઉએ સાથે જ નીચે પડતુ મૂક્યું.

ઉપરથી નીચે પડતું મૂકનાર યુવતીઓ જેવી જમીન પર પછડાઈ એટલે ધબાક અવાજ સાંભળી બીજાં પર્યટકો પણ એ તરફ જોવાં લાગ્યાં. બધાંને ખ્યાલ આવી ગયો કે બે યુવતીઓએ સાથે જ ઉપરથી નીચે ભૂસકો માર્યો છે. ચોકીદાર દોડી આવ્યો. બંને સખીઓ લોહીલુહાણ થઈ ગઈ હતી. રાજમોહિની મહેતાની આંખ અને શ્વાસ બંધ થઈ ગયા હતા, પરંતુ નિર્મલા થોડું થોડું કરાહી રહી હતી. ચોકીદારે તાત્કાલિક પોલીસને ખબર આપી. પોલીસ આવી ગઈ. પોલીસે જોયું તો રાજમોહિની મૃત્યુ પામી હતી, પરંતુ નિર્મલાના દેહમાં થોડો થોડો જીવ હતો. પોલીસે પૂછયું : તેં આમ કેમ કર્યું ?

નિર્મલા બોલી : ‘મને ઊંઘ આવી રહી છે.’

પોલીસે તત્કાળ એમ્બ્યુલન્સ બોલાવી બંનેને હોસ્પિટલમાં પહોંચાડી દીધી. કુતુબમિનારના પ્રથમ માળેથી બંનેનાં પર્સ મળ્યા. તેમાં તેમના સરનામાં હતા. રાજમોહિની મહેતાના પર્સમાંથી બંનેની એક સંયુક્ત તસવીર પણ મળી. છબીની પાછળ લખેલી પંક્તિઓ કાંઈક આવી હતી :

‘તુમ મુઝ સે દૂર હોતે હુએ ભી મેરે પાસ હો

આત્માઓં કે રિશ્તે કભી ટૂટ નહીં શકતે.’

રાજમોહિની તો નીચે પડતાં જ મૃત્યુ પામી હતી અને નિર્મલા હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પ્રાણ છોડી દીધા.

આજે પણ દિલ્હીના માલવીયનગરમાં બે સખીઓના પ્રેમના કરુણાન્તને કારણે એક ખામોશી છવાયેલી છે.

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!