Close

રાવણનો અભિનય કરતાં પહેલાં અરવિંદ ત્રિવેદી ભગવાન રામની માફી માંગી લેતા

કભી કભી | Comments Off on રાવણનો અભિનય કરતાં પહેલાં અરવિંદ ત્રિવેદી ભગવાન રામની માફી માંગી લેતા

૧૯૮૭માં  બનેલી રામાનંદ સાગરની ટી.વી. સિરિયલમાં ભગવાન શ્રી રામ પછી બીજું મહત્ત્વપૂર્ણ પાત્ર સીતાજીનું છે. અરૂણ ગોવિલને  તો પહેલાં ઈનકાર  પછી બીજી વખતના સ્મિત સાથેનાં સ્ક્રીન ટેસ્ટમાં ભગવાન શ્રીરામનો રોલ તો મળી ગયો પરંતુ હવે સીતાનો રોલ કોને આપવો તેની મૂંઝવણ હતી. રામાનંદ સાગરે સૌથી પહેલાં સીતાના રોલ માટે દેબશ્રી રોય નામની અભિનેત્રીનો સંપર્ક સાધ્યો. દેબશ્રી રોય ૧૯૮૧માં કનક મિશ્રાની ફિલ્મ ‘જિયો તો ઐસે જિયો’માં કામ કર્યું હતું. ત્યારથી રામાનંદ સાગર તેમને જાણતા હતા પરંતુ દેબશ્રી રોય બંગાળી ભાષામાં બનતી ફિલ્મોમાં વ્યસ્ત હોઈ તેથી સ્ક્રીન ટેસ્ટ માટે આવી જ નહીં, તે શક્ય ના બન્યું.

એ પછી બીજી અભિનેત્રીઓને સંપર્ક સાધવામાં આવ્યો પરંતુ એ બધી અભિનેત્રીઓને લાગ્યું કે  સીતાનો રોલ ભજવીશું તો તેમની રોમેન્ટિક અપીલ ધરાવતી ફિલ્મ કેરિયરને નુકસાન થશે તેથી છેવટે રામાનંદ સાગરે દીપિકા ચિખલિયાનો સંપર્ક સાધી તેમને સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યાં. કેટલાયે સ્ક્રીન ટેસ્ટની આકરી પરીક્ષામાં  પાસ થયા બાદ સીતાના રોલ માટે દીપિકા ચિખલિયાની પસંદગી કરવામાં આવ્યા.

દીપિકા ચિખલિયા સીતાના રોલમાં લોકોને પસંદ આવી. દીપિકા ચિખલિયાનો જન્મ તા. ૨૯ એપ્રિલ ૧૯૬૫ના રોજ મુંબઈમાં થયેલો છે. ‘રામાયણ’ સિરિયલમાં કામ કરતાં પહેલાં દીપિકાએ કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કરેલું છે જેમાં (૧) સુન મેરી લયલા (૧૯૮૩) (૨) રૂપયે દસ કરોડ, (૩) ઘર કા ચિરાગ અને (૪) ખુદાઈનો સમાવેશ થાય છે. એણે બંગાળી, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. એ સિવાય ગુજરાતી ફિલ્મોના એ વખતના સુપરસ્ટાર નરેશ કનોડિયા સાથે ગુજરાતી ફિલ્મ ‘જોડે રહેજો રાજ’ અને ‘લાજુ લખન’ માં પણ કામ કરેલું છે. આ ઉપરાંત ‘દાદા દાદી કી કહાની’ (૧૯૮૫) ટી.વી. શ્રેણી માટે પણ અભિનય કર્યો હતો. પરંતુ તેને અસલી બ્રેક તો ‘રામાયણ’ થી જ મળ્યો. વાત એમ હતી કે રામાનંદ સાગરે આ અગાઉ ‘વિક્રમ ર વેતાલ’ નામની ટી.વી. શ્રેણીમાં તેને એક રોલ આપ્યો હતો ત્યારથી તેઓ દીપિકાને જાણતા હતા. ‘રામાયણ’ની સફળતા બાદ દીપિકા ચિખલિયાએ ધી સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન અને લવકુશ-૧૯૮૯માં પણ મહત્ત્વની ભૂમિકા અદા કરી. રામાયણ ટીવી સિરિયલમાં સીતાના રોલમાં તેની સફળતા બાદ તેની લોકચાહનાના કારણે ભારતીય જનતા પાર્ટીએ દીપિકા ચિખલિયાને ૧૯૯૧માં ગુજરાતની વડોદરા મત વિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી અને આ બેઠક પર તેમનો વિજય થયો.

દીપિકા ચિખલિયાએ હેમંત ટોપીવાલા નામના એક નામાંક્તિ બિઝનેસમેન સાથે  લગ્ન કરી લીધું છે. હવે તેઓ દીપિકા ટોપીવાલા તરીકે ઓળખાય છે. તેઓ (૧) નિધિ અને (૨) જુહિ નામની બે દીકરીઓના માતા છે. તેઓ મુંબઈમાં રહે છે.

હવે ‘રામાયણ’ સિરિયલમાં રાવણનો રોલ ભજવનાર અરવિંદ ત્રિવેદીની વાત. અરવિંદ ત્રિવેદી  ગુજરાતી અને ગુજરાતના જાણીતા અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીના ભાઈ છે. ‘રામાયણ’ સિરિયલ માટે નાવિકના રોલ માટે ઓડિશન આપવા ગયેલા અરવિંદ ત્રિવેદીની રામાનંદ સાગરે રાવણના રોલ માટે પસંદગી કરી. વાત એમ હતી કે એ વખતે અરવિંદ ત્રિવેદી પરેશ રાવલના ‘મહારથી’ નાટકમાં એક મહત્ત્વપૂર્ણ રોલ કરતાં હતાં અને એ નાટકમાં વ્યસ્ત હોઇ તેમણે  રાવણનો રોલ કરવા ઇનકાર કરી દીધો પરંતુ એક્ટર પરેશ રાવલે અરવિંદ ત્રિવેદીને રાવણનો રોલ  સ્વીકારી લેવા સલાહ આપી અને અરવિંદ ત્રિવેદીને ‘રાવણ’નો રોલ માટે જબરદસ્ત સફળતા મળી. રાવણ ખુદ શિવભક્ત હતો અને રાવણે શિવસ્તુતિ માટે રચેલા શ્લોકો  ટીવી શ્રેણી માટે અરવિંદ ત્રિવેદીએ મોઢે કરી લીધા. અરવિંદ ત્રિવેદી ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે. ‘રામાયણ’ સિરિયલમાં રાવણનો રોલ કરનાર અરવિંદ ત્રિવેદીને તેમના અભિનય દરમ્યાન ભગવાન શ્રી રામને ‘વનવાસી, તૃચ્છ માનવ, વનમેં ભટકને વાલા ભિખારી…’ જેવા અપશબ્દો કહેવા પડતાં હતા. જેથી તેમના મનમાં ભારે દુઃખ થતું હતું. પરંતુ રાવણનું પાત્ર જ એવું હતું એટલે માટે તેઓ પાપમાં પડતા હતા. જેથી શૂટિંગ માટે જતાં પહેલાં  ભગવાન શ્રી રામને મનોમન વિનંતી કરીને કહેતા હતા તેઓ ‘જે કઈ કરે છે, તે તેમનું કર્મ છે. અભિનય અને પેટ કાજે ભગવાને અપશબ્દો કહેવા પડે છે માટે મને માફ કરજો.’ અને તે દરમિયાન તેમણે કરેલા સંકલ્પ અનુસાર તેમણે ઈડરના સાપાવાડા ખાતે હિંમતનગર હાઈવે પર ‘અન્નપુર્ણા’ ભવનનું નિર્માણ કર્યુ અને તા.૩-૬-ર૦૦૧ના રોજ પૂ.મોરારીબાપુના હસ્તે શ્રી રામજીની ર્મૂિતની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ ૧૯૯પથી દર વર્ષે રામનવમીએ પરીવાર સાથે શ્રી રામની ભવ્ય પૂજાપાઠ કરે છે અને સાંજે સંદરકાંડ પણ કરે છે જેમાં ઈડર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.  છેલ્લા રપ વર્ષથી તેઓ રામનવમી નિમિત્તે ભવ્ય પાટોત્સવ કરીને ઉજવણી કરે છે તથા સાંજના સમયે જાહેર જનતા માટે સુંદરકાંડનો પાઠનું આયોજન પણ કરે છે. ભાદરવી પૂનમે અંબાજી દર્શન કરવા જતાં લાખો માઈભક્તો માટે સતત ચાર દિવસ સુધી તેમના ઈડર ખાતેના અન્નપુર્ણા ભવન ખાતે જમણવાર અને આરામ કરવા માટે ૧૯૯પ (છેલ્લા રપ વર્ષ)થી વિસામાનું આયોજન પણ કરે છે. અરવિંદ ત્રિવેદી પરીવારના ત્રણ સભ્યોએ રામાયણમાં ભૂમિકા ભજવી. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે, રામાયણ સિરીયલમાં અરવિંદ ત્રિવેદીએ પોતે રાવણ તરીકે જયારે તેમની મોટી બહેન વિદ્યાબેનના પુત્ર સંજય જાનીએ શ્રવણ તરીકે જયારે તેમના ભત્રીજા કૌસ્તુભ ભાલશંકર ત્રિવેદીએ કેવટ તરીકેનો અભિનય કર્યો હતો.  અરવિંદ ત્રિવેદી હાલ મુંબઈમાં રહે છે અને  સ્વસ્થ છે.

અરવિંદ ત્રિવેદીને ગુજરાતના લોકો સારી રીતે જાણે છે. તેમનો જન્મ તા ૮ નવેમ્બર 1938ના રોજ ઇન્દોર ખાતે થયો હતો.  તેઓ મૂળ સાબરકાંઠાના કુકડીયા ગામના વતની છે. ‘રામાયણ’ માટે કામ કરતાં  પહેલાં તેમણે ‘વિક્રમ ર વેતાલ’ ટી.વી. શ્રેણી માટે પણ કામ કર્યું હતું. તેમણે અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં પણ કામ કરેલું છે. ગુજરાતી ફિલ્મ  ‘દાદા દેશ રે જોયા પરદેશ રે જોયા’માં દાદાજીનો રોલ કર્યો હતો જે  ફિલ્મે અનેક રેકોર્ડ્સ બ્રેક કર્યા હતા. અરવિંદ ત્રિવેદીએ ૨૦૦ જેટલી હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલું છે. ૧૯૯૧માં ભારતીય જનતા પાર્ટીએ તેમને સાબરકાંઠાની લોકસભાની બેઠક માટે  ટિકિટ આપી હતી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. તેમની જાણીતી ગુજરાતી  ફિલ્મોમાં (૧) ઢોલી (૨) સંતુ રંગીલી (૩) જોગીદાસ ખુમાણ (૪) હોથલ પદમણી (૫) કુંવરબાઈનું મામેરું અને (૬) જેસલ તોરલ વગેરેનો સમાવેશ થાય છે.

અરવિંદ ત્રિવેદીની જબરદસ્ત લોકપ્રિયતાને કારણે કેટલાંક લોકો તેમના નામે સોશિયલ મીડિયા પર બનાવટી એકાઉન્ટ્સ ધરાવે છે. અરવિંદ ત્રિવેદીએ ‘સંદેશ’ સાથેની વાતચીત દરમિયાન સ્પષ્ટ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના કોઈ પણ નેટવર્ક પર તેઓ કાર્યરત નથી.

DEVENDRA PATEL

 

Be Sociable, Share!