Close

‘રિટ્રીટ’ બંગલામાં ૫૦ હજાર જેટલા પુસ્તકોની લાઇબ્રેરી હતી

કભી કભી | Comments Off on ‘રિટ્રીટ’ બંગલામાં ૫૦ હજાર જેટલા પુસ્તકોની લાઇબ્રેરી હતી
અંબાલાલ સારાભાઈએ હવે શાહીબાગમાં ભવ્ય નિવાસસ્થાન બનાવવા માટે વિચાર્યું. હાલ શાહીબાગમાં જ્યાં અંડર ગ્રાઉન્ડ રસ્તો છે તેની બાજુમાં ૨૧ એકર જમીનમાં પહેલાં થોરની વાડ હતી. ત્યાર પછી ઈંટોનો કોટ થયો. અંદર જૂનો બંગલો રહેતો. રાત્રે ચોરો આવતા. પથ્થરો ફેંકતા. એક ભવ્ય બંગલાની ડિઝાઇન બનાવવાનું કામ રવીન્દ્રનાથ ટાગોરના સાથી સુરેન્દ્રનાથ કૌરને સોંપવામાં આવ્યું સુરેન્દ્રનાથે રવીન્દ્રનાથ ટાગોરના મુખ્ય નિવાસસ્થાન ‘ઉત્તરાયણ’ અને ટાગોરની વિખ્યાત માટીની કોટેજ ‘શ્યામોલી’ની પણ ડિઝાઇન બનાવી હતી. હવે એ જ ડિઝાઇનરે અંબાલાલ સારાભાઈ માટે પણ કલ્પના ના કરી શકાય તેવા વિશાળ પેલેસ જેવા ભવ્ય નિવાસનું આયોજન થયું.
૧૯૩૭-૩૮નો એ સમય હતો જ્યારે ૬૦થી વધુ ઓરડાવાળી ‘રિટ્રીટ’  બંગલો તૈયાર થયો, એ જમાનામાં લાખોના ખર્ચે દૂરદૂરથી માર્બલ મંગાવવામાં આવ્યો. આજે પણ એ બંગલાની ભીતર કોઈ અજાણી વ્યક્તિને મૂકી દેવામાં આવે તો તે અંદર જ ભૂલો પડી જાય. એના ટેરેસ પર ભોજન લેવું હોય તો રસોડામાંથી ગરમાગરમ વાનગીઓ ઉપર આવે તેવી વાનગીઓ માટેની પણ અલગ લિફ્ટની વ્યવસ્થા થઈ  ‘રિટ્રીટ’ના ૨૧ એકરના પરિસરમાં જળના અનેક હોજ ઊભા કરવામાં આવ્યા. કોઈને તે રોમન સમ્રાટનો બંગલો લાગે તો કોઈને બંગાળના ગર્ભશ્રાીમંત જમીનદારની ઝાકમઝોળ દેખાય. પ્રાંગણમાં ગોઠવવા માટે ઇંગ્લેન્ડથી ગ્રીસની પ્રતિકૃતિવાળાં ‘વિનસ’નાં પૂતળાં મંગાવવામાં આવ્યાં. વેનિસથી ઝૂમ્મરો મંગાવવામાં આવ્યાં. આખાયે રિટ્રીટને એક અદ્ભુત ઉપવનમાં ફ્ેરવી નાખવા વિશ્વનાં તમામ પ્રકારનાં ગુલાબ ઉગાડવામાં આવ્યાં. ઊંચા વાંસ, ભાતભાતના પામથી બંગલો જ જાણે કે ઢંકાઈ ગયો. સંતરાંની આખી વાડી ઊભી કરી દેવામાં આવી. પાણીના અસંખ્ય કલાત્મક હોજમાં ભાતભાતનાં કમળ, પદ્મ, પોયણીઓ ઉગાડવામાં આવ્યાં. અંબાલાલ સારાભાઈ જાતે જ વિશ્વની વનસ્પતિઓ, વિશે વાંચતા અને મંગાવતા. વનસ્પતિ પર તેનાં બોટનિકલ નામોનાં લેબલ લગાડવામાં આવતાં.  આ વિશાળ બાગ-બગીચાઓની સંભાળ માટે પૂનાથી નિષ્ણાત ‘ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટ’  બોલાવી તેમને જવાબદારી સોંપવામાં આવી. ૩૦થી વધુ માળીઓ અને એટલા જ પહેરેગીરો હતા. ‘રિટ્રીટ’  સંકુલ એક અજોડ  ‘બોટનિકલ ગાર્ડન’ બની ગયું. વિદ્વાન અભ્યાસીઓ ‘રિટ્રીટ’  જોઈને દંગ થઈ જતા. એના પ્રાંગણમાં ઇનડોર સ્વિમિંગ પૂલ,  સ્ટાફ્ ક્વાર્ટર્સ અને બીજા અનેક બંગલાઓ તો ખરા જ. બંગલામાં ઠેર ઠેર સેંકડોથી વધુ ફ્ૂલોનાં કુંડાં મુકાયાં ‘રિટ્રીટ’ બંગલામાં બગીચો તૈયાર થયા બાદ કાળિયાર મૃગ, હરણાઓ, માઉસ ડિયર, નીલ ગાય, માંક.ડાં, સસલાં, ઈરાની બિલાડીઓ, કૂતરાં અને ભાતભાતનાં કબૂતરો પણ લાવવામાં આવ્યાં. બગીચામાં સારસ-સારસી પણ ફ્રતાં જણાતાં. બ્રહ્મદેશ, જર્મની અને ઇજિપ્તથી ભાતીગળ મોર પણ લાવવામાં આવ્યા, ‘રિટ્રીટ’ આખો દિવસ કાકાકૌઆના મેકો જાતના પોપટ, આલ્સેશિયન બેલ ભાતભાતના અવાજોે કરતા, અંબાલાલ સારાભાઈએ વિશ્વના એટલા બધા પોપટ વસાવ્યા કે તેમનો પોપટસંગ્રહ આખા ભારતમાં ‘સર્વશ્રોષ્ઠ પોપટસંગ્રહ’તરીકે નામના પામ્યો. ૧૯૩૭ થી ૧૯૪૨ દરમિયાન ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાથી અસંખ્ય પશુ-પક્ષીઓ લાવ્યા. ‘રિટ્રીટ’ના ચીડિયાઘરમાં બચ્ચાં પણ આવ્યાં. પરંતુ તે બધાંને કુદરતી મુક્ત વાતાવરણમાં જ રાખવાનો પ્રયત્ન થયો.
અંબાલાલ સારાભાઈે, સરલાદેવી અને બાળકોને વાંચવાનો જબરો શોખ હતો. ૫૦ હજારથી વધુ પુસ્તકો વસાવવામાં આવ્યાં. એે બધાં પુસ્તકોમાં  બાગાયત, પ્રાણી, વનસ્પતિશાસ્ત્રથી માંડીને વૈદક, કાયદાશાસ્ત્ર, ફ્લિસૂફી, ઇતિહાસ, સાહિત્ય, ધર્મ, કથા,  સંગીત અને મહાપુરુષોની આત્મકથાઓ હતી, કાવ્ય, નાટકો અને નિબંધો પણ હતાં,  સંસ્કૃત,  ચીની,  ફરસી, અરબી,  ગ્રીક, રોમન, ઇટાલિયન,  ફ્રેન્ચ અને જર્મન ભાષાનાં શ્રોષ્ઠ પુસ્તકોના તરજુમા પણ હતા. અંબાલાલ સારાભાઈના ઓશીકા નીચે નવાં તાજાં જ પુસ્તકો હોય. તેમણે દેખાડવા માટે નહીં પરંતુ વાંચવા માટે ગ્રંથાલય બનાવ્યું હતું.  આટલા વ્યસ્ત ઉદ્યોગપતિ હોવા છતાં એક પણ દિવસ વાંચ્યા વગરનો પસાર થતો નહીં.
‘રિટ્રીટ’ના સ્વિમિંગ પૂલમાં અમલદારો તરવા માટે આવતા,  અંદર જ ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ક્રોકે ગ્રાઉન્ડ અને ક્રિકેટનું મેદાન બનાવવામાં આવ્યાં. ‘રિટ્રીટ’ના કંપાઉન્ડમાં ઘોડેસવારી માટે ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યો. સ્ત્રીઓ ઘોડેસવારી કરતી, અંદર બીજી અનેક બાઇસિકલો અને ટ્રાઇસિકલો તો ખરી જ.  બાળકો રેસ કરતાં.
 ‘રિટ્રીટ’માં બપોરનું ભોજન પાટલા અને બાજઠ પર અને રાત્રે ડાઇનિંગ ટેબલ પર યુરોપિયન ભોજન પીરસાતું.
 ૧૯૧૫માં ગાંધીજી અમદાવાદ આવ્યા ત્યારે તેઓ પણ અંબાલાલ સારાભાઈના મહેમાન બન્યા. તેમણે પ્રસિદ્ધિ વગર ગુપ્ત દાન શરૂ કર્યું. જમણા હાથનું દાન ડાબો હાથ ના જાણે તે તેમનો સિદ્ધાંત હતો,  બીજી બાજુ સરલાદેવી ગાંધીજીની વિચારસરણીથી આકર્ષાયાં હતાં.  તેમને પહેલેથી જ સાદગી અને ત્યાગ પસંદ હતાં. ગાંધીજી પણ સરલાદેવીના ગુણોને આવકારતા. બાપુ તેમની નાની નાની જરૂરિયાતો સરલાદેવી પાસે માંગતાં સંકોચાતા નહોતા. બાપુ દલિતોના ઘેર જમવા જતા તો સરલાદેવી અને અંબાલાલ સારાભાઈ ઉત્સાહભેર તેમાં સામેલ થતાં.  આ પરિવારે એ જમાનામાં આભડછેટ દૂર કરી દીધી હતી. ઘરમાં કોઈનાં વાસણ જુદાં રખાતાં નહીં. સ્ત્રીઓને માસિક ધર્મ વખતે આભડછેટ પાળવાનો રિવાજ પણ અહીં દૂર થઈ ગયો હતો, જે રિવાજ તેમને બુદ્ધિથી ના સમજાય તેનો તેઓ ત્યાગ કરી દેતા. પોતે જૈન છે માટે સૂર્યાસ્ત પછી જમાય જ નહીં એ વાત તેમણે સ્વીકારી નહોતી. તેમના ડાઇનિંગ ટેબલ પર ગાજર, મૂળા દેખાતાં અને ટમેટાં, બટાટાનું શાક પણ દેખાતું.
યુરોપિયન મહેમાનોની તો કાયમ માટે અવરજવર હતી,  તેથી દારૂ પીરસવાનો શરૂ થયો પરંતુ સરલાદેવી વ્યથિત થઈ જતાં તેથી ઘરમાં દારૂ લાવવાનું બંધ કરી દેવામાં આવ્યું. અંબાલાલ સારાભાઈ સિગારેટ અને ચિરૂટ પીતા. સરલાદેવી પણ સિગારેટ પીવે તેઓ શરૂઆતમાં તેમનો આગ્રહ હતો પરંતુ તેમની પર આ માટે દબાણ ના કરવું તેવી સમજૂતી થઈ. ઘરમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને બહુ લોકો બેસવા આવે કે લાંબો સમય બેસી રહે તે તેમને ગમતું નહીં. એકાંતમાં રૂમાલમાં મોં દબાવી આંસુ લૂછી લેતાં, ને પોતાની ફ્રજ પર લાગી જતા. સરલાદેવી પણ આમ જ કરતાં.
આઝાદીની લડત હવે વેગ પકડી રહી હતી. એ વખતે અંબાલાલ સારાભાઈ મિલમાલિક મંડળના પ્રમુખ હતા, પરંતુ શહેરની મિલના મજદૂરીની અવદશા જોઈ અંબાલાલ સારાભાઈના મોટા બહેન અનસૂયાનું દિલ કકળી ઊઠયું. મજૂરીએ ૧૪ કલાક કામ કરવું પડતું.  નાનાં બાળકો અને સ્ત્રીઓએ પણ  કાળી મજૂરી કરવી પડતી. એક મિલમાલિકનાં બહેન અનસૂયાએ મજૂરોની ગંદી-ગંદી ચાલીઓમાં ફરી-ભણાવવાનું કામ શરૂ કર્યું. ગાંધીજીની સલાહથી અનસૂયાબહેને મજૂરોના પ્રશ્નોે ઉપાડયા, મજૂરોની હડતાળ પડી. અનસૂયાબહેન સાબરમતી નદીના પટમાં રેતી પર તંબૂમાં રહેવા ચાલ્યાં ગયાં, એક પક્ષે નાનો ભાઈ અને સામે પક્ષે મોટી સગી બહેન. ગાંધીજી બંનેને સાથે બેસાડીને જમાડતા. બહેન જાતે ભાઈને જમાડે. ભાઈબહેન આમનેસામને હોવા છતાં સાથે ભોજન લેતાં. ભાઈ બહેનની આવી આદર્શ જોડીની ભાગ્યે જ કલ્પના કરી શકાય. એક દિવસ મિલમાલિકે અંબાલાલ સારાભાઈને સલાહ આપી ઃ  ‘તમારાં બહેન મજૂરોના પક્ષે છે, તમે એને આર્થિક મદદ આપવી બંધ કરી દો… જખ મારતાં નમતાં આવશે.’
અંબાલાલ સારાભાઈએ કહ્યુંઃ ‘એ મારાથી મોટાં છે. તેઓ પુરુષ જન્મ્યાં હોત તો મારી સંપત્તિનો અડધો હિસ્સો તેમને જ આપવો પડત ને!’
અંબાલાલ સારાભાઈએ કોઈનીયે સલાહ માનવાને બદલે મજૂરોનો પક્ષ લઈ રહેલાં બહેન અનસૂયાબહેનને ઊલટાની આર્થિક મદદ કરી. પછી હડતાળ આવી. ગાંધીજીએ ઉપવાસ કર્યા, છેવટે મિલમાલિકો અને મજૂરો વચ્ચે લવાદ દ્વારા પ્રશ્નોે હલ કરવાની સમજૂતી થઈ, અમદાવાદ શહેરનો ઔદ્યોગિક વિકાસ, આબાદી અને શાંતિ આ કારણે સ્થપાયાં. તેમાંથી મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ અને તેના પ્રમુખ તરીકે એક મિલમાલિક એવાં અંબાલાલનાં સગાં બહેન અનસૂયાબહેનની વરણી થઈ. તેઓ આજીવન પ્રમુખ રહ્યાં. ત્યારપછી અંબાલાલ સારાભાઈએ અનસુયાબહેનને મજૂરોના કામ માટે ઑફ્સિ ચલાવવા મકાનો આપ્યાં. મિરજાપુરનો બંગલો અને આઉટહાઉસ મજૂરોના કામ માટે અનસૂયાબહેનને અપાઈ ગયાં. તેની બાજુ માં અનસૂયાબહેનને રહેવા માટે એક સ્વતંત્ર બંગલો પણ આપવામાં આવ્યો. ભાઈએ બહેનને મજૂરોનું કામ કરવા માટે ફરવા માટે એક મોટર પણ આપી. બેંકમાં એક ખાતું પણ ખોલી આપ્યું. ચેકબુક આપી દીધી. અનસૂયાબહેનના ખાતામાં પૈસા ખૂટે એટલે ભરી દેવાના પણ બહેન પાસે પૈસાનો હિસાબ માંગવો નહીં એ અંબાલાલ સારાભાઈનો સિદ્ધાંત હતો.
અંબાલાલ સારાભાઈ માત્ર પૈસાથી જ એરિસ્ટોક્રેટ નહોતા, હૃદયથી પણ કોઈ ક૯પી ના શકે તેવો વિશાળ દિલના હતા.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!