Close

રૂપા બોલી ઃ તમે સાવ શરમાળ જ છો સાહેબ, કુંવારા છો ને ?

કભી કભી | Comments Off on રૂપા બોલી ઃ તમે સાવ શરમાળ જ છો સાહેબ, કુંવારા છો ને ?
એક શિક્ષક પોતાના વર્ષો પહેલાંના એક અલૌકિક અનુભવની  વાત શરૂ કરે છે ઃ
‘ટ્રેન ઊપડવાને હજુ અડધા કલાકની વાર હતી. રાણકપુરની ટિકિટ કઢાવી કુલીને સૂચના આપી ઃ ‘જલદીથી અગિયાર નંબરના પ્લેટફૅર્મ પર ઉદેપુર મેલમાં સામાન ચઢાવી દે અને મારી જગા રાખજે. હું સિગારેટ લઈને હમણાં જ આવું છું.’
લાલ ઝભ્ભો અને લાલ ફેંટો એની જવાનીની લાલીને બરાબર મેચ થતાં હતાં. થોડોકસામાન માથે ચડાવી, થોડોક બગલમાં મારી અને થોડોક હાથમાં લબડાવી એક કલાત્મક પિરામિડની જેમ હાલવા માંડયો.
‘અય સાહબ ! આપકી સીટ યહાં રખ્ખી હૈ.’ કુલીએ તરડાઈ ગયેલા અવાજે બૂમ મારી. સિગારેટની છેલ્લી ફૂંક મારી બૂટના તળિયે બુઝાવી કંપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો. ભરચક પેસેન્જરો વચ્ચે બારીથી બીજી સીટમાં કુલીએ ઊભા થઈ અને જગ્યા આપી. એના પૈસા ચૂકવી મેં મારો સામાન ચેક કરવા માંડયો. ‘અરે એ બૉક્સ ક્યાં?’ મારાથી ઉતાવળે અવાજે બોલી જવાયું. બધાનું ધ્યાન મારા તરફ ખેંચાયું. મુસાફરો મોટે ભાગે ગ્રામજનો હતા. ચારે તરફ નજર ફેરવતાં બીજી સામેની બોક્સ તરફ અટકી, ત્યાં પડેલા મારા બૉક્સ પર કોઈ થાકેલું સ્ત્રી યૌવન બારી સાથે માથું અડકાડી તંદ્રાવસ્થામાં ઝોલાં ખાતું હતું. અસ્તવ્યસ્ત સુક્કા વાળ અને ઘાટીલી છતાં વેરાન રણ જેવી મુખાકૃતિ પર લીલી છાંય જેવા લાગતા હતા.  સાદા ગ્રામીણ વસ્ત્રોમાં એનું દેહલાલિત્ય દરિયાનાં  મોજાંની જેમ ઉછાળા મારતું વારે વારે કિનારે આવી અટકી જતું હતું. એને ખલેલ કરવાનું માંડી વાળ્યું અને મનોમન પ્રશ્નોના જવાબ મેળવી બેસી ગયો. ત્યાં જ વ્હીસલ વાગી અને હળવા આંચકા સાથે ટ્રેને પ્લેટફૉર્મ છોડયું,
પણ એથી પેલી ગ્રામ યુવતી સહેજ ચમકી જાગી ગઈ અને ગાડી ઊપડી છે એવું મનોમન અનુભવી, ઉર પરથી સરી ગયેલા પાલવને સરખો કરી, જરાક ઊંચી થઈ હવામાં  ઊડતા અસ્તવ્યસ્ત વાળને હળવેથી હાથ ફેરવી, મોંમાં આવતા રોકી, ઠીક કરી, ફરીથી સ્લીપિંગ પૉઝિશનમાં આવી ગઈ. ટ્રેને સ્પીડ પકડી લીધી હતી. શહેરનાં પરાં પૂરાં થયાં અને હવે હરિયાળી ધરતીનાં નાનાં-મોટાં ખેતરો વચ્ચે થઈ નમતા પહોરે ટ્રેને દોડવું શરૂ કર્યું.
એમ.એ. સુધી તત્ત્વજ્ઞાનના વિષયમાં અભ્યાસ કર્યા બાદ પણ મેં રાણકપુરથી દોઢેક માઇલ દૂર આવેલા નાનકડા રાજપુર ગામની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપવામાં આદર્શ માન્યો. જોકે એ એરિયાથી સાવ અજાણ્યો હોવાથી મારી પ્રથમ નોકરીનો પ્રથમ પ્રવાસ હતો.
સમય ક્યાં વીતી ગયો તેનુંય ભાન ન રહ્યું અને ટ્રેન રાણકપુર આવી અટકી. બારી બહાર ડોકિયું કરી જોયું તો થાકેલો સૂરજ લથડિયાં ખાતો હસતો હસતો વિદાય લઈ રહ્યો હતો. સીટ ઉપરથી ઊભા થઈ સામાન સંભાળ્યો અને પેલા બૉક્સ તરફ નજર નાખી તો ગ્રામ યુવતી પણ ઊભી થઈ રહી હતી. મેં જરા સંકોચથી બોક્સ બારણા પાસે ખસેડયું અને કોઈ મજૂરની અપેક્ષાએ બહાર ડોકિયું કર્યું. નાનકડા નિર્જન સ્ટેશને એવી કોઈ સગવડ ન જણાતાં હું જરા અકળાયો, પણ એટલામાં તો મારી અકળામણ કળી ગઈ હોય તેમ તે બોલી ઃ ‘સાહેબ, તમતમારે થોડોક સામાન લઈ ઊતરી જાવ, હું થોડુંક લઈ લઉં છું, જલદી કરો નહીં તો ગાડી ચાલુ થઈ જશે.’ મોં ઉપર થોડુંક સ્મિત લાવી મનોમન જ ‘થેંક્સ’ કહેતો ઊતરી ગયો. બૉક્સને બે બાવડાઓ વડે ઊંચકીને તે પણ મારી પાછળ જ નીચે ઊતરી ગઈ, જાણે કે બૉક્સ પર બેઠાનું ઋણ અદા કર્યું! થોડીક ક્ષણોમાં જ ટ્રેન ઊપડી ગઈ. પ્લેટફૉર્મ જેવું તો કશું જ નહોતું પણ રડયાં-ખડયાં બે-ચાર મુસાફરો બીડીઓ ફૂંકી રહ્યાં હતાં. કોણ જાણે કેમ પણ આજે મને આવું એકાંત ગમ્યું.
હજુુ તો આછો ઉજાસ હતો. સંધ્યા ફૂલી હતી અને રતુંબડા અજવાળે આજુબાજુના ઘાસ, પાન, ઝાડી અને ટેકરા બધા જ આરામ લેવા માગતાં હતાં.
‘કઈ બાજુ સાહેબ – રાજપુર જવું છે ?’ અણધાર્યો પણ પ્રસંગોચિત પ્રશ્ન એણે મને પૂછી નાખ્યો ઃ ‘હા.’ મેં ઉત્તર વાળ્યો, ‘ પણ આ સામાન કેમ લઈ જવો ? સ્કૂલના હેડમાસ્તર ચુનીકાકાને મેં ગાડું મોકલવા તો જણાવ્યું હતું, કોણ જાણે મારી ટપાલ તેમને મળી કે નહીં?’
તે બોલી ઃ ‘રોજ તો કોઈનું ગાડું આ ખેતરોમાંથી ઘેર જતું મળતું પણ આજ તો બધાય નવરા પડી ગયા લાગે છે.’   એમ કરો સાહેબ, આ બિસ્તરો-પેટી પેલા ફાટકવાળાની કોટડીમાં મૂકી દો, બાકીનો સામાન આપણે બેય થઈ લઈ જઈશું.’ એનો આ વિચાર ગમી ગયો. એક તો એનો સંગાથ મને ગમતો હતો અને અંધારું થવાને સમયે રાજપુરના રસ્તાથી સાવ અજાણ હતો. તરત જ એની વાત સ્વીકારી યોજના અમલમાં મૂકી. થોડો થોડો સામાન વહેંચી લઈ બંનેએ ગાડાવાટે ચાલવા માંડયું. થોડાક ક્ષોભ અને સંકોચ સાથે, અજાણ્યા વિસ્તારમાં અજાણી સ્ત્રી સાથે એ વિસ્તારની એક અજાણી વ્યક્તિ તરીકે મેં અજાણી બીક પણ અનુભવી. છતાંયે અત્યારે તો મારા દિમાગ કરતાં દિલ વધુ જાગ્રત હતું અજાણી લાગણીને ટેકે રાજપુરનો પંથ હું કાપી રહ્યો હતો.
પણ કેવું અદ્ભુત એનું વર્તન. મૂંગા પ્રાણીની જેમ અમે ચાલ્યા જ કર્યુંં. અંધારું વધતું ગયું અને ચંદ્રિકાનો આજે આઠમો દિવસ હશે તેમ એના સ્વરૂપ પરથી મેં અનુમાન કરી લીધું. એ કંઈક વાત કરશે એમ મેં ધારેલું પણ એક હરફ સુધ્ધાંય ના કાઢયો. એક બાજુ મને આ પ્રકારની મદદ કરવાની વૃત્તિ અને મારા જેવા અજાણ પુરુષ સાથે રાત્રે એકલા ચાલવાનું અને બીજી બાજુ રાત્રિને પણ વિચાર કરી મૂકી દે તેવી અદ્ભુત ગંભીરતા. મને કશું જ સમજાતું ન હતું. હૃદયના બંધ હળવા કરવા અંતે મેં પૂછી જ નાખ્યું ઃ ‘તમે રાજપુરનાં છો?’
‘ના, રાજપુર તો મારું પિયર થાય. આ ઓતરાદી પા મોહનપુર મારી સાસરી થાય. આજ તો મારા બાપને ત્યાં જઉં છું.’ એણે ટૂંકમાં ઘણીબધી માહિતી આપી દીધી. વળી પાછી એ ચૂપ થઈ ગઈ અને એના તરફથી કંઈ પુછાય તેવી રાહ જોતાં રાજપુરનો રાહ ઉતાવળે કાપવા માંડયો.
થાક લાગ્યો હતો. થોડીક વાર સામાન નીચે મૂકી થાક ખાવાનું મન થયું પણ આ તો જબરી નીકળી. એની એકધારી ચાલમાં જરાયે ફેરફાર નહોતો થયો, જ્યારે મને તો હવે અંધારી રાતે અંધારાં આવતાં હતાં, પણ ત્યાં તો નાનાં-નાનાં ટમટમિયા ઝબૂકતાં જણાયાં. ઝાડીનું એક ઝુંડ પસાર થઈ જતાં રાજપુર સ્પષ્ટ વર્તાવા લાગ્યું.
‘જુઓ, આ નાનું કોતર પૂરું થયા પછી ગામના પાદરમાં જ સરકારી ચોરો આવે છે ત્યાં સુધી તમને હું મૂકી જઉં છું. પછી મારે તો ગામને ઉગમણે ઝાંપે જવાનું છે અને આમેય રાતના સમયે તમારા હંગાથે કોઈ મને જુએ તો ખરાબ દેખાય.’ એણે વાસ્તવિક હકીકતનું દર્શન કરાવતાં મને સૂચના કરી.
‘સારું.’ મેં ઉત્તર વાળ્યો. કોણ જાણે કેમ પણ ને આગળ વાત કરવાની હિંમત ચાલતી ન હતી. જ્યારે બીજી બાજુ આ રસ્તો જલદી જલદી ખૂટી ગયો તે ગમતું ન હતું. એક વાત ચોક્કસ કે એના સાદા છતાં અજનબી વ્યક્તિત્વથી હું જરૂર અંજાયો હતો.
અમે ગામના પાદરમાં પ્રવેશ્યાં. બે-ત્રણ કૂતરાંઓએ અમને જોઈ થોડીક કાગારોળ કરી, વળી પાછાં કોઈ ખૂણામાં લપાઈ ગયાં, પંચાયતની બત્તીઓના અજવાળામાં સફેદ રંગનો ભાસ કરાવતું મકાન દેખાયું. એ ચોરો હશે એમ મેં માની લીધું. જીર્ણ મકાનમાં તૂટેલાં પગથિયાં પાસે સામાન મૂક્યો. મેં કંઈક બોલવા વિચાર્યું એ પહેલાં જ એણે બોલી નાખ્યું ઃ ‘તમે તો સાવ શરમાળ છો સાહેબ, કુંવારા છો ને? જુઓ, શરૂમાં કંઈ જરૂર હોય તો તમતમારે ગભરાયા વગર મને કે’વડાવજો. હું આ ગામના પશા પટેલની  દીકરી  રૂપા છું. નાના છોકરાને મોકલશો તોય ઓળખશે હોં. હું જઉં છું ત્યારે !!
ના છૂટકે મેં અનુમતી આપી. વળી પાછું હોઠે આવેલું ‘થેંક્સ’ ભવિષ્ય માટે હૈયામાં સંઘરી રાખ્યું અને બત્તીના અજવાળે દેખાય ત્યાં સુધી એની ઘાટીલી પીઠ જોઈ રહ્યો ! તેની દેહાકૃતિ રાજપુરના અંધારાને ગળી ગઈ કે અંધારું એને ગળી ગયું તે હું સમજી ના શક્યો. પણ ત્યાં તો ગામના ચોકિયાતે ડાંગ પછાડી મારું ધ્યાન ખેંચ્યું. ચમકીને એ તરફ જોયું ત્યારે જ હું બીજી દુનિયામાં આવ્યો. ચોકિયાતે પૂછયું ઃ ‘કોણ ?’ એના પ્રશ્નમાં જિજ્ઞાસા અને સહાનુભૂતિનું સંમિશ્રાણ જોતાં મેં આનંદ અનુભવ્યો અને હું બોલ્યો ઃ ‘ભાઈ, હાઈસ્કૂલના હેડમાસ્તર ચુનીકાકા ક્યાં રહે છે? માટે એમના ત્યાં જવું છે.’
….પણ… સાહેબ… આટલો બધો સામાન રાતે તમે એકલા લાવ્યા શી રીતે ? આજ તો કોઈનુંય ગાડું રાણકપુર સ્ટેશને નહોતું ગ્યું ?’ ચોકિયાતે સરળ પણ વેધક પ્રશ્ન કર્યો. હું સહેજ ગૂંચવાયો પણ હિંમતભેર સત્યને વળગી રહ્યો ઃ ‘અરે યાર ! આ ગામના પશા પટેલના દીકરી રૂપાનો છેક રાણકપુર સ્ટેશનથી સંગાથ હતો. એમણે થોડોક સામાન લઈ લીધો. નહીં તો મારે આ સામાન સાથે રાણકપુર સ્ટેશને જ પડી રહેવું પડત.’
‘શું… શું… વાત કરો છો સાહેબ… રૂપા તમારી સાથે હતી…?’ એની ફાટી આંખોથી પુછાયેલા આ વિચિત્ર પ્રશ્નથી મને કંઈ જ સમજણ ન પડી. ‘હા, હા’ મેં કહ્યું ઃ ‘હમણાં જ આ સામાન મૂકી એમના બાપને ઘેર ગયાં ને તમે આવ્યા.’મારી વાત સાંભળી ચોકિયાત ધ્રૂજી ઊઠયો ! અને શંકાભરી નજરે મારી સામે ટીકી ટીકીને કશુંય શોધવા માગતો હોય તેમ જોવા લાગ્યો. ધીમેથી મારી નજીક આવ્યો અને ધ્રૂજતા સ્વરે બોલ્યો ઃ ‘સાહેબ… રૂપા-રૂપા પશાજીની દીકરી એ વાત સાચી પણ ગઈ સાલ આ જ ગાળામાં મોહનપરથી અહીં આવતાં રેલગાડી વચ્ચે આવી ગઈ હતી. એને મર્યે તો આખું વરહ વીતી ગયું, પણ ઘણાંને એ દેખા દે છે અને આ મેલમાં હરતીફરતી ઘણાંને દેખાય છે. સાહેબ, જીવતે જીવ તો એના જેવી ભલી બાઈ આ આખાયે મલકમાં મેં ભાળી નથી. અત્યારે પણ સીમમાં ગામની વહુ-દીકરીઓને ઘાસના ભારા વાઢી આપે છે ને ચઢાવે પણ છે. ચાલો, તમને મોટા સાહેબના ઘેર મૂકી આવું.’ એમ કહી એણે સામાન ઉપાડવા માંડયો અને સાંભળતાં જ મને કંપારી છૂટી. ટાઢમાં પણ પરેસવો છૂટયો. મારી અકથ્ય અકળામણ વધી ગઈ. આ લોક અને પરલોક વચ્ચે મારું માનસ ગૂંચવાઈ ગયું. અને અંતે પેલા બૉક્સ તરફ ભાવભીની નજર નાખી હું મૂંગો મૂંગો  ચોકિયાતની પાછળ પાછળ ચાલવા લાગ્યો..’
અને  એક નિવૃત્ત શિક્ષક ૬૦  વર્ષ પહેલાં તેણે અનુભવેલી  વાત પૂરી કરે છે.

Be Sociable, Share!