Close

લીના કહે છે ‘પરિણીત પુરુષ સાથે લગ્ન બાદ હું ‘કટી પતંગ’ જેવી છું’

કભી કભી | Comments Off on લીના કહે છે ‘પરિણીત પુરુષ સાથે લગ્ન બાદ હું ‘કટી પતંગ’ જેવી છું’
સાંજનો સમય છે.
અખબારની કચેરીમાંથી બહાર નીકળતી વખતે જ દરવાજામાં એક યુવતી ભેટી જાય છે. તે કહે છે ઃ ‘સર ! મારું નામ લીના છે.’
પંજાબી સલવાર-કમીઝમાં નીચાં પોપચાં સાથે તે પોતાનો પરિચય આપી એક હસ્તલિખિત પત્ર સુપરત કરે છે. એના ચહેરા પર કશુંક ખોવાઈ ગયાનો અહેસાસ છે.
એ કહે છે ઃ ‘હું અમદાવાદમાં જ રહું છું. મારા પિતા એક નિવૃત્ત બેન્ક અધિકારી છે. અમારા ઘરમાં હું સહુથી નાની છું. કૉલેજમાં ભણતી હતી ત્યારે હું છોકરાઓ સાથે ભાગ્યે જ વાત કરતી. મારી સોસાયટીમાં અમારા બંગલાની બાજુના બંગલામાં એક નવું જ ફેમિલી રહેવા આવ્યું. એ લોકો પૈસેટકે સુખી હોય એમ લાગતું હતું. એમનો સહુથી નાનો દીકરો શ્વેતલ મારા જેવડો જ હતો. હું કોઈ વાર એની સાથે વાતચીત કરતી.
મને પાછળથી ખબર પડી કે, શ્વેતલ પરણેલો છે તેથી તેની સાથે વાતચીત કરવામાં મને કોઈ વાંધો ના જણાયો. હાલ તેની પત્ની તેની સાથે નહોતી. એક વાર મેં શ્વેતલને પૂછયું હતું ઃ ‘શ્વેતલ, તું પરણેલો છે ?’
‘હા.’ શ્વેતલ બોલ્યો હતો ઃ ‘પણ એનું ભણવાનું ચાલુ હોઈ તે હજી એક વર્ષ સુધી અમદાવાદ નહીં આવે.’
એક વાર શ્વેતલ બોલી ગયો ઃ ‘મારી મરજી વિરુદ્ધ મારા લગ્ન એની સાથે થયેલાં છે.’
મેં શ્વેતલ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. પછી તો રોજ શ્વેતલ મારા ઘેર આવતો. અમે બેઉ ખૂબ વાતો કરતાં. એક વાર તે બોલી ગયો હતો ઃ ‘મારાં લગ્ન ના થયાં હોત તો લીના હું તારી સાથે જ પરણત.’
એક ક્ષણ માટે હું રોમાંચિત થઈ ગઈ.
અમારી વચ્ચે ખૂબ વાતો થતી. મેં કહ્યું હતું ઃ ‘શ્વેતલ, મને તારી સાથે વાતો કરવાનું બહુ જ ગમે છે.’
એ દરમિયાન મારાં લગ્નની વાત આવી. મારા માટે છોકરાંઓ જોવાની તૈયારીઓ થવા લાગી હતી. આ વાત જાણ્યા બાદ શ્વેતલ એકદમ ચીડાઈ ગયો. હું પણ કોઈ ને કોઈ બહાનું કાઢી છોકરા જોવાનું ટાળતી હતી. પરાણે જોવો પડે તો છોકરો પસંદ નથી એમ કહી ટાળી દેતી. કોણ જાણે કેમ, પણ હું હવે શ્વેતલને જ પસંદ કરવા લાગી હતી. આમ ને આમ એક વર્ષ પસાર થઈ ગયું. જે દિવસ હું શ્વેતલને ના જોઉં તે દિવસે કે રાત્રે મને ચેન પડતું નહીં.
શ્વેતલ કદીક મને દૂર કરી દેવા કહેતો ઃ ‘લીના, મને લાગે છે કે મારે હવે મારી પત્ની મીનાક્ષીને તેડી લાવવી જોઈએ. હું પરિણીત છું. તારા માટે યોગ્ય ના ગણાઉં.’
– આ સાંભળી હું ચીડાઈ ગઈ. મેં મારા હાથનાં કાંડા પર બ્લેડો મારી દીધી. લોહીના ફુવારા છૂટયા. મારી મમ્મી જોઈ ગઈ. તરત જ ડૉક્ટરને બોલાવ્યા. હું બચી ગઈ. મારી મમ્મીએ મને પૂછયું ઃ ‘આમ કેમ કર્યું બેટા ?’
પરંતુ મેં મમ્મીને કાંઈ જ ના કહ્યું.
મારા કાંડાના ઘા રૂઝાયા બાદ મેં સ્વસ્થ થયા બાદ શ્વેતલને કહ્યું ઃ ‘જો શ્વેતલ, હું બીજે પરણીશ તો પણ હું તને ચાહતી રહીશ. તું તારી પત્નીને હવે તેડાવી શકે છે.’
અને શ્વેતલ ઉદાસ થઈ ગયો. એણે મારી પાસેથી આવા જવાબની તૈયારી રાખી નહોતી. થોડીક વાર પછી એ બોલ્યો હતો ઃ ‘લીના, જે દિવસે તારાં લગ્ન થશે તે દિવસ મારા માટે સહુથી કપરો હશે.’
હવે હું અને શ્વેતલ એકબીજા માટે જ સર્જાયાં છીએ એમ લાગતું હતું. શ્વેતલની પત્ની એક નાનકડા ટાઉનની કૉલેજમાં ભણતી હતી. એક દિવસ ખબર પડી કે, એની પત્ની મીનાક્ષીને એના જ ટાઉનના એક છોકરા સાથે સંબંધ છે એટલે શ્વેતલે તે બહાને તેને તેડી લાવવા ઇનકાર કરી દીધો. એક સમયે શ્વેતલ અને મીનાક્ષીના છૂટાછેડા પણ થઈ ગયા. એક સામાજિક અડચણ દૂર થઈ જતાં મેં શ્વેતલને કહ્યું ઃ ‘શ્વેતલ, હવે તો આપણે લગ્ન કરી શકીએ ને ?’
પરંતુ કોણ જાણે કેમ શ્વેતલ એના ઘરમાં વાત કરી શકતો નહોતો. મારા દુરાગ્રહ બાદ એ બોલ્યો ઃ ‘હું મારાં મમ્મી-પપ્પાને જાણું છું. તેઓ જ્ઞાતિમાં બહુ જ માને છે. તેઓ સંમત થશે નહીં.’
‘તો આપણે ખાનગીમાં મેરેજ કરી લઈએ.’
શ્વેતલ સંમત થયો.
એક દિવસ અમે ખાનગીમાં મેરેજ કરી લીધાં. લગ્ન કર્યા બાદ અમે સહુ સહુના ઘેર ચૂપચાપ પાછા જતાં રહ્યાં. બધું જ ખાનગી રાખ્યું, પરંતુ બહારના મિત્રો મારફતે શ્વેતલનાં માતા-પિતાને આ વાતની ખબર પડી એટલે તેઓ બહુ જ ગુસ્સે થયાં. એમણે મારા મમ્મી-પપ્પાને વાત કરી. મારા મમ્મીએ મને બહુ જ મારી, મારાં મમ્મીએ શ્વેતલની મમ્મીને વાત કરી એટલે એ લોકોએ સ્પષ્ટ કહી દીધું ઃ ‘અમે તમારી છોકરીને વહુુ તરીકે સ્વીકારવા તૈયાર નથી.’
કાયદાથી હું અને શ્વેતલ પતિ-પત્ની હોવા છતાં બેઉ અલગ અલગ રહેતાં હતા. બંનેનાં સગા-સંબંધીઓને હવે અમારા લગ્નની વાત ખબર પડી ગઈ હતી. અમારાં લગ્ન સ્વીકારવા કોઈ તૈયાર નહોતું. શ્વેતલના ઘરમાં એની મમ્મી બૉસ હતી.
હું અને શ્વેતલ બેઉ દુઃખી હતાં. પતિ-પત્ની હોવા છતાં સાથે રહી શકતાં નહોતાં. શ્વેતલની મમ્મીએ એનો ફેંસલો આપી દીધો ઃ ‘શ્વેતલ લીનાને આ ઘરમાં પ્રવેશ નહીં મળે.’
શ્વેતલ અને હું બંને દુઃખી દુઃખી થઈ ગયા. એક દિવસ તે સાઈનાઈડ લઈ આવ્યો, પરંતુ તે સોડિયમ સાઈનાઈડ હતું, પોટેશિયમ સાઈનાઈડ નહીં. સોડિયમ સાઈનાઈડ પીવાથી રાત્રે ઊંઘ આવી જાય અને સવાર સુધીમાં રક્તકણો તૂટી જાય. જ્યારે પોટેશિયમ સાઈનાઈડ હોય તો તત્કાળ મૃત્યુ થાય. અમે સોડિયમ સાઈનાઈડ લેવાનું નક્કી કર્યું, પરંતુ મારી એક ફ્રેન્ડને આ વાતની ખબર પડી. એણે થોડા દિવસ ધીરજ રાખવાની સલાહ આપી.
મોતનો દિવસ ટળી ગયો.
પરંતુ તે દિવસ પછી શ્વેતલ ઉદાસીન રહેવા લાગ્યો. એ મને હવે ઓછું મળતો હતો. ગમે તે કારણસર તે બદલાઈ ગયો હોય તેમ લાગ્યું. હું તેને કારણ પૂછતી તો તે ગુસ્સે થઈ જતો. એક લગ્નપ્રસંગે કોઈએ એને મારા વિશે પૂછયું તો તે એના મિત્રને મારવા દોડયો. તેનું વર્તન અસામાન્ય હતું.
કોઈની સલાહથી હું તાંત્રિક પાસે ગઈ. તાંત્રિકે મને કહ્યું ઃ ‘કોઈએ તારા પતિ પર મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે.’
તાંત્રિકે એક કુંડામાં પાણી રેડી અંદર કંકુ નાખ્યું. તે થરથર ધ્રૂજવા લાગ્યો. એ બોલ્યો ઃ ‘લો જુઓ… આ છે ઘુવડનું કાળજું. તારી સાસુએ તારા માટે કોઈ પ્રયોગ કર્યો છે. તારો ધણી તને કદી નહીં સ્વીકારે.’
‘તો હું શું કરું ?’
‘તારી સાસુના પ્રયોગનું વાળણ કરવા મારે હરદ્વાર જવું પડશે. દસ હજારનું ખર્ચ થશે.’ તાંત્રિક બોલ્યો.
‘પણ મારી પાસે એટલા પૈસા નથી.’ મેં કહ્યું.
‘તો હું કાંઈ ના કરી શકું.’ તાંત્રિકે જવાબ આપ્યો.
મેં કહ્યું ઃ ‘મારી પાસે સોનાની વીંટી છે.
‘ચાલશે.’ તાંત્રિક બોલ્યો.
મેં સોનાની વીંટી આપી દીધી. તાંત્રિકે કહ્યું ઃ ‘જા બેટા… તેરા પ્રોબ્લેમ સોલ હો જાયેગા.’
હું ઘેર આવી. તાંત્રિકની વિધિ અને અવધિ પૂરી થાય એની રાહ જોવા લાગી. શ્વેતલ હવે ઝાઝું ઘેર રહેતો નહોતો. શ્વેતલ જ્યારે મને દેખાતો નહીં ત્યારે હું વિહ્વળ થઈ જતી. કેટલાયે દિવસો સુધી શ્વેતલ ન દેખાયો એટલે હું સમજી ગઈ કે, મારી સાસુએ જ કોઈ બીજી ચાલ ચાલી છે. એક દિવસે મેં મારી સાસુને પૂછયું ઃ ‘શ્વેતલ ક્યાં છે ?’
‘તું શોધી કાઢને !’
‘તમે કોઈ તાંત્રિક પાસે વિધિ કરાવી એને ગાંડો કરી દીધો છે.’ મેં કહ્યું.
‘તો તું પણ મંતરાવી લે ને !’ મારી સાસુએ કહ્યું.
હું ચૂપ થઈ ગઈ.
થોડા દિવસો પસાર થયા. મારા તાંત્રિકે આપેલી સમય મર્યાદા પણ હવે પૂરી થવા આવી હતી. શ્વેતલ ન આવ્યો તે ના જ આવ્યો. મેં અનેક દોસ્તો મારફતે પૂછાવરાવ્યું, પણ શ્વેતલ ક્યાં છે તેની કોઈ જ ભાળ મળી નહીં. હું તાંત્રિક પાસે ગઈ. મેં કહ્યું ઃ ‘તમે તો કહેતા હતા કે બધું બરાબર થઈ જશે, પરંતુ મારો તો વર જ ગુમ છે.’
તાંત્રિક બોલ્યો ઃ ‘તારો વર સુધરી ગયો છે. મેં બધી વિધિ કરી તે કારણે જ પણ તે ગુમ થઈ ગયો હોય તો હું શું કરું ? મારે એને શોધવા નવી વિધિ કરવી પડશે. બીજા દસ હજાર રૂપિયા જોઈશે.’
મેં કહ્યું ઃ ‘હું પૈસા ક્યાંથી લાવું ? મારી પાસે એક વીંટી હતી તે પણ આપી દીધી. હું કમાતી નથી. ઘરમાંથી ચોરી તો કરી શકું નહીં. મારા પિતા નિવૃત્ત છે. બચતમાંથી જ ઘર ચાલે છે.’
તાંત્રિકે કહ્યું ઃ ‘વિધિ કરવા પૈસા તો જોઈશે જ. પૈસા લઈને આવજે, નહીંતર ધણી વગર રહેજે.’
અને હું રડતી રડતી મારા ઘેર આવી.
આ વાતને મહિનાઓ થયા, હજુ મારો શ્વેતલ ક્યાં છે તેની મને ખબર નથી. મને લાગે છે કે, મને મારી સાસુએ છેતરી છે. તાંત્રિકે પણ મને છેતરી છે. મારાં માતા-પિતા મને મદદ કરી શકે તેવી સ્થિતિમાં નથી. મેં લગ્ન કરી લીધાં છે તે વાત સહુ કોઈ જાણે છે તેથી મને બીજો કોઈ કુંવારો છોકરો સ્વીકારશે નહીં. મારી સાસુએ ગમે તે કાવતરું કરીને મારા હસબન્ડને ક્યાંક મોકલી દીધો છે. મારો શ્વેતલ આવો બદલાઈ જશે તેની મને ખબર નહોતી. રાતોનીરાતો હું ઊંઘી શકતી નથી.’
લીના એની વાત પૂરી કરે છે.
‘શ્વેતલે પણ તને છેતરી છે તેમ નથી લાગતું લીના ?’
‘ના… ના.’ લીના બોલી ઊઠે છે ઃ ‘મારા શ્વેતલમાં મને વિશ્વાસ છે. શ્વેતલ એવો નથી.’
– કહેતાં લીના એના લગ્નના રજિસ્ટ્રેશનના પુરાવા હાથમાં મૂકી કોઈ મદદની આશાથી જોઈ રહે છે.
શ્વેતલ હજીયે ગુમ છે.
લીના એ વાત સમજવા તૈયાર નથી કે, પરિણીત પુરુષને ચાહવું તે સાઈનાઈડ કરતાંયે વધુ કાતિલ છે. માતા-પિતાની સંમતિ વિના ‘તેરે ઘર કે સામને’ જોઈને કરાતાં ગુપ્ત પ્રેમલગ્નોનો આવો જ અંજામ આવતો હોય છે.
લીનાની હાલત ‘કટી પતંગ’ જેવી છે.
(નામો પરિવર્તિત છે)
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!