Close

લેડી ગાગાએ ૧૨૮ મિલિયન ડોલરનું દાન એકત્ર કરી આપ્યું

કભી કભી | Comments Off on લેડી ગાગાએ ૧૨૮ મિલિયન ડોલરનું દાન એકત્ર કરી આપ્યું

લેડી ગાગા એક વિશ્વ પ્રસિદ્ધ પોપ સિંગર છે.

કોરોના વાઇરસની ખતરનાક  બીમારીથી દુનિયા આખી ત્રસ્ત છે  ત્યારે લેડી ગાગાએ  તેમના ઘરમાં જ રહીને એક સુંદર ગીત  દ્વારા વિશ્વને શાતા બક્ષે તેવું ગીત ગાયું છે. તેમની સાથે બીજા સુપ્રસિદ્ધ ગાયકો પણ તેમના ઘેરથી આ કોર્ન્સ્ટમાં જોડાયા. લેડી ગાગાએ કોરોના વાઇરસથી પીડાતાં દર્દીઓ માટે  વેક્સિનના સંશોધન માટે બીજા કલાકારોની સાથે એક હોમ કોન્સર્ટનું આયોજન કરી વિશ્વ આરોગ્ય સંસ્થા માટે ૧૨૮ મિલિયન ડોલરનું દાન એકત્ર કરી આપ્યું છે.

લેડી ગાગાએ કહ્યું હતું : ‘કોરોનાથી  પીડાતા  દર્દીઓ માટે રાતદિવસ કામ કરી રહેલા ડોક્ટરો અને નર્સો કે જે પોતાની કારમાં જ સુઈ રહીને પોતાના પરિવારને કે દર્દીઓને ચેપ ના લાગે તે માટે જીવન સમર્પિત કરી રહ્યા છે તે બધા માટે મારું હૃદય દ્રવીભૂત થઈ ગયું છે. હું એ તબીબી આલમનો હૃદયપૂર્વક આભાર માનું છું. એ બધા પોતાની જાતને જોખમમાં મૂકીને પણ જે કામ કરી રહ્યા છે તે તબીબો અને નર્સોને મારી સલામ છે.’

બીટલ્સ અને રોક એન્ડ રોલ પછી પોપ સ્ટાર મેડોના, બ્રિટની સ્પિયર, બેયોન્સ, શકિરા કે માઇકલ જેક્સન લોકપ્રિય થયાં. તે પછી  પોપ ગાયિકાઓમાં એક નવું જ નામ ઊભરી રહ્યું અને તેનું નામ લેડી ગાગા. લેડી ગાગા ગીત-સંગીત કરતાં એની વેશભૂષાથી વધુ જાણીતા છે. એ માથા ઉપર બ્લૂ રંગના વાળની ઊંચી હેટ પહેરે છે. ગોળ ચશ્માની ભીતર બીજા સ્કોચ ગોગલ્સ પહેરે છે. પગમાં દસ  ઇંચની એડીવાળાં જૂતાં પહેરે છે. તેના ઊંચા બ્લૂ વાળ તેનો ટ્રેડમાર્ક છે. તેનાં આઉટફિટ્સ ફ્યૂચરિસ્ટિક ગણાય છે. પરફોર્મન્સ આપતી વખતે ડાર્ક ડિસ્કો સ્ટિક રાખે છે. તેના ફેન્સને તે મોન્સ્ટર્સ કહે છે, તે તેના વીડિયો આલબમમાં એક બળવાખોર ઇમેજ પ્રસ્તુત કરે છે.  ઘણી વાર તેના વીડિયોમાં છેવટે તે કોઈને મારી નાખતી હોય, ખાસ કરીને તેના બોય ફ્રેન્ડને, તેવું દર્શાવે છે.

લેડી ગાગાનું ખરું નામ સ્ટેફાની જોઆન એન્જેલિના જર્માનોત્તા છે. તા. ૨૮ માર્ચ, ૧૯૮૬ના રોજ અમેરિકાના ન્યૂયોર્કના મેનહટન વિસ્તારમાં તેનો જન્મ થયો હતો. તેની ઊંચાઈ પાંચ ફીટ એક ઇંચ છે, તેનું નીક નેમ ‘ગાગા’ છે. લોકો  તેને લેડી ગાગા તરીકે ઓળખે છે.

સૌથી મોટું  આશ્ચર્ય એ છે કે ટ્વિટર પર તેના ફોલોઅર્સની સંખ્યા ૧૧,૫૪૨,૦૦૮ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ફેસબુક પર તેને એક કરોડ ફેન્સ છે. યૂ ટયૂબ પર લેડી ગાગાના વીડિયો જોનારાઓની સંખ્યા  એક અબજની છે. ફોર્બ્સ મેગેઝિને તેને ૨૦૧૧ના વર્ષથી સૌથી વધુ પાવરફૂલ સેલિબ્રિટી તરીકે વર્ણવી હતી. લેડી ગાગા તેના વીડિયો આલ્બમ દ્વારા ૨૦૧૦-૨૦૧૧ના વર્ષ સુધીમાં ૯૦ મિલિયન ડોલર કમાઈ ચૂકી હતી.

વિશ્વની નંબર વન પોપ સ્ટાર ગણાતી લેડી ગાગા  કહે છે કે ‘ભારત આવવા હું બહુ જ આતુર છું. ભારત એ સુંદર દેશ છે. ભારતની કથા અને ફિલોસોફીની હું ચાહક છું. ભારતના હિન્દુ ધર્મની પુનર્જન્મની થિયરી મને ગમે છે.’

લેડી ગાગા કહે છે : ‘મેં કેટલીક બોલિવૂડની મૂવિઝ જોઈ છે. મને તે ગમી છે. તક મળશે તો લેડી ગાગા તેના ‘ગાગા’ નામ અંગેનું રહસ્ય ખોલતાં કહે છે : ‘ફ્રેડી મરક્યુરી કે જેઓ એક ભારતીય પારસી હતા  અને તેમણે ‘ક્વીન  સોંગ રેડિયો ગા ગા’ ગાયું હતું, જે મને ખૂબ જ ગમી ગયું હતું. તેમાંથી પ્રેરણા લઈને મારું સ્ટેજનું નામ ‘ગાગા’ રાખ્યું છે. મારા જીવન પર ભારતીય  અમેરિકન એવા અધ્યાત્મ ગુરુ દીપક ચોપરાની ફિલોસોફીની બહુ મોટી અસર છે. મારા યોગગુરુ પણ વિક્રમ ચૌધરી નામના ભારતીય જ છે.’

ભારતીય એક્ટર અને ચેટ શો હોસ્ટ સીમી ગરેવાલ પણ સિંગાપોરની ટૂર દરમિયાન લેડી ગાગાને મળી હતી. તેની માથા પરના બ્લૂ હેર ટોપ જોઈ તે પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી. લેડી ગાગાના લેધરના બનેલા આઉટફિટ પણ અસામાન્ય હતા. ૧૦ ઇંચની હાઈ હીલ ધરાવતા શૂઝ પહેરી લેડી ગાગા કેવી રીતે ચાલતી તે પણ તેના માટે એક આશ્ચર્ય હતું. સીમી ગરેવાલ કહે છે : ‘તેની ત્વચા પર અદ્ભુત ચમક છે. વીડિયોમાં દેખાય છે તે કરતાં વીડિયોની બહાર તે વધુ સુંદર લાગે છે. લેડી ગાગાને ફેન્સ નહીં પરંતુ ફોલોઅર્સ છે.’

બહારથી ચિત્રવિચિત્ર ડ્રેસ પહેરતી  લેડી ગાગા વ્યક્તિગત રીતે સરળ યુવતી છે. તે તેના ‘ડેડની દીકરી ‘ છે અર્થાત્ તેને તેના પિતા માટે અત્યંત પ્રેમ છે.

અમેરિકન પ્રજા માટે પ્રેસિડેન્ટ જેટલું જ મહત્ત્વ લેડી ગાગાનું છે. લેડી ગાગા મંત્રીઓ અને સુરક્ષા  કર્મચારીઓ પણ એક વીવીઆઈપીની કક્ષાના છે.

૨૦૦૮ની  સાલમાં ‘જસ્ટ ડાન્સ’, ‘પોકર ફેસ’ અને ‘બેડ રોમાન્સ’ એ વીડિયો આલ્બમ બહાર આવ્યા બાદ જ લેડી ગાગા આખા વિશ્વમાં જાણીતી બની  ગઈ છે. આ વીડિયો આલ્બમની દોઢ કરોડ કોપીઓ વિશ્વભરમાં વેચાઈ ગઈ હતી. આ આલ્બમને છ જેટલા ગેમી  એવોર્ડ્સ માટે નોમિનેશન્સ મળ્યા હતા. જેમાંથી બે એવોર્ડ્સ પ્રાપ્ત થયા હતા. લેડી ગાગાએ પોપ ગીત-સંગીતમાં બીજા અનેક વિક્રમ સર્જ્યા છે. તેના ઓનલાઇન વીડિયો જોનારાઓની સંખ્યા ૧.૩ અબજ  દર્શકોની છે. તેનું  એક વીડિયો આલ્બમ ‘બોર્ન ધીસ વે’ છે. લેડી ગાગાનો બીજો રેકોર્ડ  એ છે કે તેનું વીડિયો આલ્બમ બજારમાં વેચવા મુકાય પછી સૌથી  વધુ ઝડપથી વેચાણમાં પણ તે વિશ્વમાં નંબર વન છે.  તેનું આલ્બમ બજારમાં મુકાયું તે પછીના પાંચ જ દિવસમાં  વિશ્વભરમાં ૧૦ લાખ નકલો વેચાઈ  ગઈ હતી. તેનાં સિંગલ  આલ્બમ પણ એટલાં જ હિટ રહ્યા છે. ‘બોર્ન ધીસ વે’ વીડિયો આલ્બમ તેનું સાતમું સિંગલ હિટ આલ્બમ છે. તેનું લેટેસ્ટ  આલ્બમ ‘ધ એજ ઓફ ગ્લોરી’ છે. તે રિલીઝ થયું તે દિવસે જ વેચાણમાં નંબર વન બની ગયું.

લેડી ગાગા તેની ફેશન અને ગીત રજૂ કરવાની સ્ટાઈલથી અલગ  રીતે જ જાણીતી બની છે. મારિયા કેરે શાંતિથી ગીત ગાય છે. શકિરા તેની બેલી અને ગાયકીના આરોહ- અવરોહથી જાણીતી છે. પણ લેડી ગાગા એ બધાં કરતાં સાવ અલગ છે.  અત્યાર સુધીમાં તે કુલ પાંચ ગ્રેમી એવોર્ડસ અને ૧૨ નોમિનેશન્સ મેળવી ચૂકી છે. તેના મ્યૂઝિક આલમબના વેચાણમાં ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના બે એવોર્ડ મેળવી ચૂકી છે, કારણ કે તેનાં બધાં મળીને દોઢ કરોડ આલબમ વિશ્વભરમાં વેચાઈ ચૂક્યાં છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. એ ઉપરાંત ૫.૧  કરોડ સિંગલ્સ વેચાઈ ચૂક્યાં છે. બિલ બોર્ડે તો તેને ‘૨૦૧૦ની સાલની આર્ટિસ્ટ ઓફ ધી યર’ તરીકે જાહેર કરી હતી. ‘ટાઇમ’ મેગેઝિને  પણ  તેને ‘ધી ૨૦૧૦ ટાઇમ ૧૦૦’ની  યાદીમાં વિશ્વની પ્રભાવશાળી પ્રતિભા તરીકે સ્થાન આપ્યું હતું.  ‘ફોર્બ્સ’ મેગેઝિને લેડી ગાગાને ‘ધી વર્લ્ડસ મોસ્ટ પાવરફૂલ સેલિબ્રિટિઝ’માં  સ્થાન આપ્યું છે અને વિશ્વની ૧૦૦ શક્તિશાળી મહિલાઓમાં લેડી ગાગાને ૭મું  સ્થાન આપ્યું છે.

લેડી ગાગાએ નવી પેઢીની પસંદ છે. નવી પેઢીની પસંદ ઝડપથી બદલાતી જાય છે. આમ જોવા જઈએ તો લેડી ગાગાને સૌરાષ્ટ્રના કોઈ ગામડાંમાં લઈ જઈએ તો તેનાં ગીત સાંભળવાને બદલે તેનું ડ્રેસિંગ જોઈને જ લોકો રાજી થઈ જાય.

અમેરિકન પોપ સિંગર લેડી ગાગાએ કોરોના વિરોધી વેક્સિનની ખોજ માટે WHOને ૧૨૮ મિલિયન ડોલરનું દાન એકત્ર કરી આપ્યું.  ભારતમાં પણ એક ફિલ્મમાં કામ કરવાના રૂ. ૧૦૦ કરોડની રકમ લેતાં બોલિવુડના કલાકારો પણ લેડી ગાગામાંથી કંઈક પ્રેરણા લે. સમાજે તમને ઘણું આપ્યું છે હવે સમાજને કાંઈક આપવાની જવાબદારી તમારી પણ છે.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!