Close

વિલાપ કરતાં મહિલા PM જેસિંડા અર્ડર્ન છવાઇ ગયા

કભી કભી | Comments Off on વિલાપ કરતાં મહિલા PM જેસિંડા અર્ડર્ન છવાઇ ગયા

જેસિંડા અર્ડર્ન.

પાછલા  દિવસોમાં વિશ્વભરના લોકોએ માથા પર દુપટ્ટા સાથે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપતાં રડી પડેલાં  આ મહિલાનો ચહેરો ટીવી પર નિહાળ્યો હશે. આ સન્નારી ન્યૂઝીલેન્ડના વડાં પ્રધાન છે.

માથા પર ઓઢેલા દુપટ્ટાવાળા જેસિંડા અર્ડર્નની આ છબી વિખ્યાત ચિત્રકાર પિકાસોની ‘વિલાપ કરતી સ્ત્રી’ના ચિત્રની યાદ અપાવે છે. ફરક એટલો  જ છે કે પિકાસોનું ચિત્ર કાલ્પનિક છે જ્યારે આ છબી એક વાસ્તવિક્તા છે. પિકાસોની છબીવાળી એકલી રતમાં એ તમામ સ્ત્રીઓનો વિલાપ છે જેમણે  વિશ્વયુદ્ધોમાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે પરંતુ અહીં રડી રહેલા જેસિંડાના ચહેરા પર એ તમામ સ્ત્રીઓની વ્યથા છે જેમણે આતંકવાદની આગમાં પોતાના સ્વજનો ગુમાવ્યાં છે. જેસિંડા સ્વયં શ્વેત મહિલા છે પરંતુ એક શ્વેત આતંકવાદીએ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરની એક વસ્તીમાં ઘૂસી લોહીની નદીઓ વહેરાવી દીધી ત્યારે આ શ્વેત મહિલાએ સંક્ટની આ  ઘડીમાં લાગણીભર્યું આચરણ કર્યું. આ છબીએ  જેસિંડા અર્ડર્નને વિશ્વના મહાન નેતાઓની શ્રેણીમાં મૂકી દીધાં.

ન્યૂઝીલેન્ડ એ યુરોપ અને અમેરિકાની ગોરી ખ્રિસ્તી પ્રજાજનોનો દેશ છે. હત્યારો બેંટન ટેરંટ ગોરો  હતો. છતાં ન્યૂઝીલેન્ડની ગોરી પ્રજા અને ભારતીય જનસમૂહે હાથમાં મીણબત્તીઓ લઇ મૃતકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. અને હત્યારા પ્રત્યે કોઇ સન્માન દાખવ્યું નહીં. પરદાનો વિરોધ  કરતી પશ્ચિમના દેશોની શ્વેત મહિલાઓએ કેટલાંક સ્થળો પર પોતાના માથા પર ચાદર ઓઢી એકતાનું પ્રદર્શન કર્યું. ભારતના ૪૦થી વધુ જવાનોને શહીદ કરનાર પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના આકાઓ અને આતંકવાદના સમર્થકો જેસિંડા અર્ડર્ન અને શ્વેત મહિલાઓ પાસેથી કાંઇક શીખે.

જેસિંડા અર્ડર્નનું આખું નામ જેસિંડા કેટ લોરેસ અર્ડર્ન છે. તેમનો જન્મ તા. તા. ૨૬ જુલાઇ  ૧૯૮૦ના રોજ ન્યૂઝીલેન્ડમાં થયો હતો.  તેઓ તે દેશનાં ૪૦મા વડાં પ્રધાન છે. જેસિંડાએ ૨૬ ઓક્ટોબર, ૨૦૧૭થી તેમના દેશની લેબર પાર્ટીના વડા તરીકે પણ સેવાઓ આપી છે.

ન્યૂઝીલેન્ડના હેમિલ્ટન ખાતે જન્મેલાં જેસિંડાનો ઉછેર મોરેન્સિવિલે અને મુરુપારા ખાતે થયો  જ્યાં તેમના પિતા રોસ અર્ડર્ન એક પોલીસઅધિકારી હતા. તેમના માતા લોરેલ અર્ડર્ન એક શાળામાં કેટરિંગ સહાયકનું કામ કરતાં હતા. જેસિંડા મોરેન્સિવિલે કોલેજમાં ભણ્યાં. તે પછી વધુ શિક્ષણ માટે તેઓ યુનિવર્સિટી ઓફ વાઇકાટો ખાતે ગયા અને રાજનીતિ અને પબ્લિક રિલેશન્સના વિષયમાં બેસીએસની ડિગ્રી હાંસલ કરી. જેસિંડા અર્ડર્નને તેમનાં કાકી મરી અર્ડર્ન રાજનીતિમાં લાવ્યા. જે સ્વયં લેબર પાર્ટીના સભ્ય હતા. એમણે જેસિંડાને નાની વયમાં જ પક્ષમાં  ભરતી કરાવ્યા અને જેસિંડાએ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું. જેસિંડા માત્ર ૧૭ વર્ષની વયે જ રાજનીતિમાં આવી ગયા. પક્ષમાં જોડાયા બાદ તેમણે રિસર્ચ વર્ક પણ કર્યું. તેઓ ન્યૂયોર્ક ગયા અને સ્કૂલ કિચનમાં સ્વયંસેવિકા તરીકે કામ કર્યું. તે પછી તેઓ લંડન ગયાં. અહીં તેમણે એ વખતના બ્રિટનના વડા પ્રધાન ટોની બ્લેરની નીતિઓ ઘડતી ૮૦ માણસોની એડવાઇઝરી ટીમમાં કામ કર્યું. આ દરમિયાન તેઓ કદીયે ટોની બ્લેરને મળી ના શકયા પરંતુ ૨૦૧૧માં ટોની બ્લેર ન્યૂઝીલેન્ડ આવ્યા ત્યારે તેમણે ઇરાક પરના આક્રમણ અંગે  પ્રશ્નો જરૂર પૂછયા

૨૦૦૮માં જેસિંડા ઇન્ટરનેશનલ યુનિયન ઓફ સોશિયાલિસ્ટ યૂથ કલબના પ્રમુખ ચૂંટાયા. આ દરમિયાન તેમણે જોર્ડન, ઇઝરાયેલ, અલ્જિરિયા અને ચીનની વિસ્તૃત મુલાકાત લીધી.

૨૦૦૮માં  તેઓ ન્યૂઝીલેન્ડના એમપી લિસ્ટમાં ૨૦મા નંબરે મુકાયા. આ પદ પર તેઓ ૧૦ વર્ષ રહ્યાં. તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૭માં તેઓ લેબર પાર્ટીનાં ડેપ્યુટી લીડર તરીકે સર્વાનુમતે ચૂંટાયા. તા.૧ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ  તેઓ લેબર પાર્ટીના પ્રમુખ બન્યા. તેમના આગમનની સાથે જ ન્યૂઝીલેન્ડમાં તેમની લેબર પાર્ટીની લોકપ્રિયતામાં વધારો નોંધાયો. તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ન્યૂઝીલેન્ડમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઇ. લેબર પાર્ટી ૪૬  બેઠકો જીતી. નેશનલ  પાર્ટીને ૫૬ બેઠકો મળી.  બંને પક્ષોએ ભેગા મળી ગઠબંધનની સરકાર રચવાનો નિર્ણય કર્યો. અને જેસિંડા અર્ડર્નને વડા પ્રધાન બનાવવામાં આવ્યા.

વિચારધારાની દ્રષ્ટિએ જેસિંડા પોતાને સોશિયલ ડેમોક્રેટ અને પ્રોગેસિવ કહે છે. માત્ર ૩૭ વર્ષની જ વયે મહિલા વડાં પ્રધાન બનવાનું વિશ્વસન્માન પણ તેમણે મેળવ્યું. બીજી નોંધપાત્ર વાત એ છે કે વડાં પ્રધાન પદ પર રહીને પણ તેમણે તા. ૨૧ જૂન ૨૦૧૮ના રોજ એક બાળકીને જન્મ આપનાર વિશ્વનાં બીજા મહિલા બન્યા.

તેઓ વડાં પ્રધાન પદ પર હતા તે વખતે જ એટલે કે તા. ૧૯મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ તેમણે જાહેર કર્યું કે તેઓ  પ્રેગ્નન્ટ છે. બાળકીને જન્મ આપ્યા પછીના છ સપ્તાહ સુધી  વિન્સ્ટન પીટરે કાર્યકારી વડા પ્રધાન પદ સંભાળ્યું. તા. ૨૧ જૂનથી તા. ૨ ઓગસ્ટ સુધી  તેમણે મેટરનિટી લીવ પ્રસૂતિ માટેની રજા રાખી.

તા.૧૫ માર્ચ ૨૦૧૯ના રોજ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરની  બે મસ્જિદમાં ત્રાટકેલા આતંકવાદીઓએ ૫૦ લોકોની હત્યા કરી નાખી. આ ઘટનાથી વિચલિત થયેલા  જેસિંડા અર્ડર્નએ ટેલિવિઝન પર રાષ્ટ્રવ્યાપી સંબોધન કરતાં કહ્યું: ‘મૃત્યુ પામેલા સૌ પ્રત્યે હું મારો શોક વ્યક્ત કરું છું.  અંતિમવાદી વિચારો ધરાવતા જે લોકોએ આ હત્યાકાંડ કર્યો છે તેમના માટે ન્યૂઝીલેન્ડમાં કોઇ સ્થાન નથી. આ એક સુઆયોજિત આતંકવાદી હુમલો હતો અને તેને હું વખોડી કાઢું છું.’ એ પછી જેસિંડા અર્ડર્નેએ ન્યૂઝીલેન્ડના ગન-લો એટલે કે હથિયારો ધારણ કરવાના કાનૂનને વધુ મજબૂત કરવાનો નિર્ણય કર્યો. વડાં પ્રધાન જેસિંડા અર્ડર્ર્નેએ વેલિંગ્ટન ખાતેની કોન્ડોલન્સ બુકમાં શોક વ્યક્ત કરતી બુકમાં સૌથી પહેલાં સહી કરી. તે પછી ક્રાઇસ્ટચર્ચ જઇ મૃતકોના પરિવારને પણ રૂબરૂ  મળ્યા.  આતંકવાદી હુમલાનો ભોગ બનનાર મુસ્લિમ પરિવારોને ભેટીને સાંત્વના આપી. તેમની આ તસવીર ‘શાંતિ’-‘પીસ’ શબ્દ સાથે વિશ્વના સૌથી ઊંચા ‘બુર્ઝ ખલીફા’ બિલ્ડિંગ પર પ્રોજેક્ટ કરવામાં આવી.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન જેસિંડા અર્ડર્ન પાસેથી કાંઇક શીખે.

  • દેવેન્દ્ર પટેલ

http://www.devendrapatel.in

 

Be Sociable, Share!