Close

વિશ્વની બહુ ઓછી જાણીતી ક્રાઇમ સિન્ડિકેટ્સ- ‘યાકુઝા’

કભી કભી | Comments Off on વિશ્વની બહુ ઓછી જાણીતી ક્રાઇમ સિન્ડિકેટ્સ- ‘યાકુઝા’
યાકુઝા.
જાપાનની ટેક્નોલોજી ધરાવતા કોઈ ટીવી કે વોશિંગ મશીનનું આ નામ નથી.
ભારતમાં કુખ્યાત ગેંગસ્ટર તરીકે દાઉદ ઇબ્રાહીમ કે ટાઇગર મેમણ જાણીતા છે, પરંતુ વિશ્વવ્યાપી અંધારી આલમના મોવડી થવા માટેની ગળાકાપ હરીફાઈમાં ઇટાલીના ‘માફિયા’, ચીનના ‘ત્રિઆડસ’, અમેરિકાના ‘મોબ’  અને દક્ષિણ અમેરિકાના ડ્રગ લોર્ડ્સની સામે જાપાનના શક્તિશાળી અને અઢળક સંપત્તિ ધરાવતા ‘યાકુઝા’  તરીકે ઓળખાતા અંધારી આલમના ગેંગસ્ટરો હવે એ બધાને પાછળ પાડી રહ્યા છે. જાપાનની ટેક્નોલૉજી તથા ઉદ્યોગોએ જેમ અન્ય દેશોમાં પગદંડો જમાવ્યો છે તે રીતે બીજા દેશોમાં બહુ જાણીતા નહીં એવા જાપાનના માફિયાઓ પણ એશિયાના બીજા દેશોમાં પોતાના કુખ્યાત ધંધા દ્વારા આક્રમણ કરવાની વેતરણમાં છે.
જાપાનમાં ‘યાકુઝા’ઓ વેશ્યાગૃહો ચલાવવાથી માંડીને સોપારી લઈ ખૂન કરનારાઓ અને ડ્રગ ટ્રાફિકિંગના ધંધામાં બહુ સંડોવાયેલા નથી. તેઓ ક્્રૂર અને અત્યંત ઘાતકી પણ નથી. ગુનેગારો તો છે જ. જાપાનની આ ક્રાઇમ સિન્ડિકેટોએ એશિયા, યુરોપ, નોર્થ અને સાઉથ અમેરિકામાં પગપેસારો કર્યો છે. અત્યંત ચાલાક અને લોકોની નજરમાં ના આવી જવાય તેવા ક્રિમિનલ – બિઝનેસમેન છે. છેલ્લે છેલ્લે તો આ બે નંબરના કાળા ધંધાનો પાંંજો રશિયા સુધી ફેલાવી દીધો છે. જાપાની ગેંગસ્ટરોના બીજા દેશોની ભીતર આક્રમણથી અમેરિકાના માફિયાઓ પણ ચિંતામાં પડી ગયા છે કારણ કે અમેરિકાના ગેંગસ્ટરો કરતાં જાપાનના ક્રિમિનલ પાસે કલ્પના બહારની સંપત્તિ છે.
ડેવિડ કેપ્લાન નામના એક લેખકે તાજેતરમાં જ લખેલા ‘યાકુઝા’ નામના પુસ્તકમાં પહેલી જ વાર જાપાનની આ ખતરનાક ક્રાઇમ સિન્ડિકેટ્સ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. ડેવિડ કેપ્લાન ફુલબ્રાઇટ સ્કોલરશિપ મેળવનાર વિદ્વાન સંશોધક અને લેખક છે. ડેવિડ કેપ્લાનનાં આ પુસ્તક પ્રગટ થયા બાદ જ વિશ્વને યાકુઝાઓ વિશે ભીતરની માહિતી પ્રાપ્ત થઈ છે.
જાપાનમાં અંધારી આલમના હીરો તરીકે ‘ગીરી’  અને’નીન્જો’ એ બે શબ્દો પ્રણાલિકાગત રીતે જાણીતા છે. ગરીબ, નિઃસહાય અને દુખિયારાઓને માનવતાને કારણે મદદ કરવા માટે ‘નીન્જો’ ગેંગસ્ટરો જાણીતા છે. જાપાનના હાલના યાકુઝાઓ નીન્જોેનું વરવું સોફિસ્ટિકેટેડ અને મૉડર્ન સ્વરૂપ છે. વિશ્વના અનેક દેશોમાં તેઓ ઘૂસી ગયા હોવા છતાં દુનિયા ઓછામાં ઓછું યાકુઝાઓ વિશે જાણે છે, જરૂર પડે પ્રતિસ્પર્ધીની હત્યા પણ કરી નાંખે છે, પણ પબ્લિકમાં દેખાડો થઈ ના જાય તેની ખાસ ખબર રાખે છે. કહેવાય છે કે જાપાનના યાકુઝાઓનું જીવન બહુરંગી છે. યાકુઝાઓ તેમના ‘બૉસ’  પ્રત્યેની વફાદારી દર્શાવવા પોતાની એક આંગળી કાપી નાંખી તેમને અર્પણ કરે છે.
 કેપ્લાન નોંધે છે કે યાકુઝાઓ એશિયા અને પેસિફિકની આરપાર અને બ્રાઝિલ તથા યુરોપમાં પણ જોવા મળ્યા છે. છતાં ખૂબીની વાત એ છે કે તે દેશોના લોકોને પણ યાકુઝાઓ વિશે કોઈ જ માહિતી નથી.
૩૦૦ વર્ષ પહેલાં ભૂગર્ભમાં રહીને ધંધો શરૂ ક૨ના૨ યાકુઝાઓએ જાપાનના પોલિટિશિયનો, વેપારીઓ, ન્યાયાધીશો અને પોલીસ સાથે નિકટનો ઘરોબો કેળવી લીધેલો છે. બીજા વિશ્વયુદ્ધ બાદ તેઓ એકદમ સક્રિય થઈ ગયા હતા. જાપાનમાં મજબૂત બન્યા પછી ૧૯૭૦થી તેઓએ બહારની દુનિયામાં પગપેસારો કર્યો હતો, છતાં વિશ્વ આજ સુધી અંધારામાં રહ્યું. તેમનું પહેલું ટાર્ગેટ કોરિયા અને ફિલિપાઇન્સ હતા. ત્યાર બાદ તેઓ હવાઈ અને કેલિફોર્નિયા પહોંચ્યા, અને તે પછી યુરોપ કબજે કર્યું.
૧૯૮૦નાં વર્ષો દરમિયાન યાકુઝાઓએ જાપાનની સમૃદ્ધ બેન્કો પાસેથી પુષ્કળ પ્રમાણમાં સસ્તી લોનો લીધી અને એ નાણાંથી બીજા દેશોમાં ધંધો વિસ્તારી દીધો હતો. જાપાનના નેતાઓના સહકારથી તેમણે સસ્તા દરે લોન લીધી હતી અને બીજા દેશોમાં એ નાણાંથી કાયદેસ૨ના ધંધા શરૂ કરી દીધા હતા. યાકુઝાઓ આમ તો શ્રાીમંત ગુંડાઓ છે પરંતુ તેઓએ એકઠી કરેલી ધનસંપત્તિ દ્વારા કન્સ્ટ્રક્શનથી માંડીને રીઅલ એસ્ટેટ અને નાણાકીય સંસ્થાઓ જેવા કાયદેસરના ધંધાઓમાં ઝંપલાવ્યું છે. અમેરિકામાં માફિયાઓએ પણ આ જ પ્રકારના ધંધાથી પેદા કરાયેલા ધનમાંથી વિખ્યાત ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સની ચેઇન ઊભી કરેલી છે. માફિયાઓ બીજા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ કરતાં સસ્તામાં માલ વેચી શકે છે, કારણ કે તેઓ દાદાગીરી કરીને ટેક્સ ભર્યા વગર માલ ખરીદે છે તેથી તેમની ખરીદ કિંમત ઓછી હોય છે.
પોલીસનો એવો અંદાજ છે કે જાપાનમાં ૯૦ હજાર યાકુઝાઓ પ્રવૃત્ત છે અને તેઓ એક ટ્રિલિયન યેન એટલે કે ૧૦.૧૯ બિલિયન ડૉલર્સ પ્રતિવર્ષ કમાઈ લે છે. જાપાનની ટોક્યો ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના પ્રો. ટાકાત્યાગુ નાટોના કહેવા પ્રમાણે યાકુઝાઓની વાર્ષિક આવક એથીયે વધુ છે અને તે આંકડો વર્ષે દહાડે સાત ટ્રિલિયન યેન અર્થાત્ ૭૧,૩૫ બિલિયન ડૉલર્સ જેટલી થવા પામી છે. જાપાનની સૌથી મોટામાં મોટી ડાઈ-ઈચી કાન્ગ્યો બંેેન્ક કે વિશ્વની મોટામાં મોટી બેન્ક ગણાય છે તેનો નફો પણ જાપાનના યાકુઝાઓના નફા કરતાં ઓછો છે. આ બેન્કે ૧૯૯૩ ના વર્ષે ૬૭.૬૬ બિલિયન યેનનો નફો કર્યો હતો, જ્યારે યાકુઝાઓએ સાત ટ્રિલિયન યેન નફો કર્યો હતો.
છેલ્લાં ૨૦૦ વર્ષથી યાકુઝાઓ આર્થિક ગુનાઓ કરતા હતા, પણ હવે જાપાનની સરકાર સખ્ત બનતાં યાકુઝાઓ ડ્રગ્સ અને શસ્ત્રોની દાણચોરી તરફ વળ્યા છે. હવે તેઓ હિંસાનો પણ વધુ ને વધુ સહારો લેતા થઈ ગયા છે.
તેમના વિરોધી ધંધાદારીઓને તથા એક્ઝિક્યુટિવ્સને તેઓ ખતમ કરી નાંખે છે.
વિશ્વભરમાં ભૂગર્ભ આલમના ગેંગલીડરો બેસુમાર અને પેરેલલ સત્તા ભોગવતા આવ્યા છે. રાજકારણીઓને તેમણે હંમેશાં હાથ પર રાખ્યા છે. અમેરિકા જેવા દેશમાં પણ જે નેતાઓએ માફિયા સાથે સંબંધ રાખ્યો નથી તેમણે ગુમાવ્યું છે. પ્રેસિડેન્ટ કેનેડીની હત્યામાં માફિયાઓ જ હતા એ વાત સૌ સ્વીકારે છે. કેનેડીના વિરોધીઓએ આ કામ માફિયાઓ દ્વારા પાર પાડયું હતું.
અમેરિકામાં ન્યૂયોર્કના કેટલાયે મેયરો માફિયાઓ પાસેથી નાણાં મેળવતા હતા અને તેના બદલમાં તેઓ તેમને રક્ષણ આપતા હતા. છેક ૧૯૪૫ની સાલમાં ન્યૂયોર્કના ભૂતપૂર્વ મેયર વિલિયમ (બીલ) ના માથે આવો સીધો આક્ષેપ હતો. જાપાનમાં મહિલા યાકુઝાઓ છે  જે સૌથી વધુ ખતરનાક છે.
અમેરિકાના પરંપરાગત માફિયાઓ ચાકુ, રિવોલ્વર અને પોતાના શરીરમાંથી લોહી કાઢીને ‘બૉસ’  પ્રત્યેની વફાદારીના સોગંદ લે છે. એ ત્રણ ચીજોે જ એમનો ધર્મ છે. એ જાણીને બીજું આૃર્ય થશે કે અમેરિકાની માફિયા ગેંગની સિન્ડિકેટને ઓનરેબલ સોસાયટી ગણવામાં આવે છે. તેમની ભરતી થયા બાદ મૃત્યુ પામે ત્યાં સુધી એમના ‘બૉસ’ ને તેઓ કદી મળી. શકતા નથી. એમનામાં એક પ્રકારનો ચઢતો ક્રમ છે. સૌથી નીચેનો આદમી ‘મેઈડમૅન’ અથવા ‘બટનમૅન’ તરીકે ઓળખાય છે. માફિયાઓનું વર્તુળ ‘ઓમેત્રા’  તરીકે ઓળખાય છે. ‘બટનમૅન’ની ઉ૫૨નો માણસ ‘કેપો’ તરીકે ઓળખાય છે. આવા ‘કેપો’ અનેક હોય છે. ‘કેપો’ની ઉપર ‘અન્ડર બૉસ’ છે. તેની ઉપર ‘બૉસ’  છે. પરંતુ ‘બૉસ’ને ‘ડૉન’ પણ કહે છે. ‘ડૉન’ શબ્દ અમેરિકન માફિયાઓની ભેટ છે. માફિયાઓની પરિભાષામાં જૂનો, વૃદ્ધ અને અનુભવી ઇટાલીનો સિસિલિયન માણસ ‘ડૉન’ છે. અલબત્ત, ‘ડૉન’ એ આખરી વડો નથી. માફિયાઓના આવા અનેક પરિવારો છે. દરેક પરિવારને એક ‘બૉસ’ છે અને તેઓ માંહે માંહે હિંસક અથડામણો પણ કરે છે. આવા અનેક માફિયા પરિવારોના ‘બૉસીઝ’ના બૉસ તે’ગૉડફાધર’ કહેવાય છે. ‘ગૉડફાધર’ સુપ્રીમ છે. અમેરિકાના ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશનના અનુભવ મુજબ માફિયાઓમાં પણ સારા અને નરસા એમ બેઉ પ્રકારના માણસો છે. સારા માફિયાઓ ભૂલ કરે છે, જ્યારે ખરાબ માફિયાઓ સારો બિઝનેસ કરી જાય છે. ટૂંકમાં કોઈ એક ગેંગનો વડો તે’ડૉન’  અને અનેક ‘ડૉન’નો વડો તે ‘ગૉડફાધર’ છે. અમેરિકાના અંડરગ્રાઉન્ડ વર્લ્ડના ઇતિહિાસમાં જેમને કુખ્યાત માફિયા બૉસ તરીકે ઓળખવામાં આવે છે તેમાં (૧) લકી લુસીઓનો (૧૮૯૭), (૨) જ્હોની ટોરિયો (૧૮૮૨), (૩) મેયર લેન્સ્કી (૧૯૦૨), (૪) જ્હોની ટોરિયો (૧૯૩૬), (૫) ડેની ઓ બેનીઅન (૧૯૨૪),  (૬) અલ કેપોન (૧૯૩૫), (૭) બગ્સી સીગલ (૧૯૩૦), (૮) લકી લુસીઆનો,  (૯) આર્થર (૧૯૩૫) વગેરે માફિયા રાજના મૂળ સ્થાપકો છે. તેમના પછીના બૉસીઝની યાદી લાંબી છે. તેમનો લોહિયાળ ઇતિહાસ પણ લાંબો છે અને તેમનાં કરતૂતોની કથાઓ પણ લાંબી, રક્તરંજિત અને ધ્રુજારીપૂર્ણ છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!