Close

શયનખંડના પલંગ પર અગાઉથી રંગીન ફૂલ કોણે પાથર્યાં હતાં ?

કભી કભી | Comments Off on શયનખંડના પલંગ પર અગાઉથી રંગીન ફૂલ કોણે પાથર્યાં હતાં ?
સાંજ પડવા આવી હતી.
ઉદયપુરથી દૂર દૂર એક નિર્જન સડક પર એક મોટરકાર દોડી રહી હતી. શેખર અને પ્રિયા હનીમૂન મનાવવા જયસમંદ તરફ જઈ રહ્યા હતા. મુખ્ય માર્ગને શાયદ તેઓ ભૂલી ગયાં હતાં. ગાડીનું બેલેન્સ જતું રહ્યું છે એમ લાગતાં શેખરે કાર થોભાવી. ઊતરીને જોયું તો ટાયર પંક્ચર થઈ ગયું હતું. ચારે તરફ ઊંચી ઊંચી પહાડીઓ દેખાતી હતી. દૂર દૂર એક સરોવર દેખાતું હતું. નજીકમાં એક જૂનો બંગલો જણાયો. બંગલાની ચારેય બાજુ ઊંચી દીવાલો હતી. મેઈન ગેટ ખુલ્લો હતો. ટાયર બદલવા મદદ માંગવા બંગલાના કંપાઉન્ડમાં ગયો. પરિસરમાં સુંદર બગીચો હતો. એક ચબૂતરો પણ હતો. બંગલાના કંપાઉન્ડના ખૂણામાં એક આઉટહાઉસ હતું. કોઈના આવવાનો અવાજ સાંભળી આઉટહાઉસમાંથી એક વૃદ્ધ સ્ત્રી બહાર આવી. અંધારું થવા આવ્યું હતું એટલે એણે બત્તી સળગાવી.
એણે પૂછયું ઃ ‘કોણ ?’
શેખરે કહ્યું ઃ ‘અમારે જયસમંદ જવું છે. ટાયર પંક્ચર થઈ ગયું છે.’
વૃદ્ધાએ કહ્યું ઃ ‘તમે ગલત રસ્તે આવી ગયા છો. અત્યારે તો કોઈ માણસ નહીં મળે. વળી જયસમંદ જવાનો રસ્તો બંધ છે. આગળ ટ્રક ફસાઈ ગયો છે. તમે ચાહો તો રાત અહીં રોકાઈ શકો છો.’
પ્રિયાને તો આ બંગલો અને તેની હરિયાળી ગમી ગઈ હતી. શેખરે કહ્યું ઃ ‘આ મારી પત્ની છે, પ્રિયા. આપનું નામ ?’
‘કૃષ્ણા.’ કહેતાં વૃદ્ધાએ બંગલાનું બારણું ખોલ્યું. બંગલો નાનો પણ એકદમ સ્વચ્છ હતો. ડ્રોઇંગરૂમ, કિચન, સ્ટોરરૂમ અને શયનખંડ પણ હતો.
શેખરે પૂછયું ઃ ‘કાંઈ ખાવાનું મળશે ?’
કૃષ્ણાએ કહ્યું ઃ ‘હા… હું કાંઈક ઇન્તજામ કરું છું.’
પ્રિયા બેડરૂમમાં ગઈ. બાથરૂમમાં પાણી આવતું હતું. એણે સ્નાન કર્ર્યું. એ પછી શેખરે પણ સ્નાન કર્યું. બહાર મસ્ત મસ્ત ઠંડો પવન આવતો હતો. થોડી વારમાં કૃષ્ણાએ સબ્જી અને રોટી પીરસી દીધાં. શેખર અને પ્રિયાને ગ્રામ્ય ભોજન ખૂબ ભાવ્યું. જમી લીધા બાદ પ્રિયા ટહેલવા બહાર આવી.
આકાશમાં ચંદ્રમા ચમકતો હતો. ચારે તરફ ચાંદની ફેલાઈ ગઈ હતી. થોડાક આંટા માર્યા બાદ પ્રિયા ચબૂતરા પાસે આવીને બેઠી. શેખર પણ તેની પાસે આવીને બેઠો. બેઉ કૉલેજમાં સાથે ભણતાં હતાં. બંનેના પરિવારોની ઇચ્છા વિરુદ્ધ તેમણે લગ્ન કરી લીધાં હતાં. શેખર આઈ.ટી. કંપનીમાં સારા પગારથી જોબ કરતો હતો.
મોડી રાત સુધી વાતો કર્યા બાદ પ્રિયા અને શેખર તેમના બેડરૂમમાં ગયાં. બિસ્તર પર રંગીન ફૂલો વિખરાયેલાં પડયાં હતાં. જાણે કે કોઈએ મધુરજની માટે જ ઓરડો સજાવ્યો હતો.
પ્રિયાએ પૂછયું ઃ ‘આ કોણે કર્યું ?’
‘શાયદ પેલી વૃદ્ધાએ’ ઃ કહેતાં શેખરે બેડરૂમનું બારણું બંધ કરી દીધું. અંદરની બત્તી પણ બુઝાવી દીધી. બારીમાંથી પવનનું એક શીતળ ઝોલું બેઉને મદમસ્ત બનાવી ગયું.
રાત વહી રહી.
સવારે શેખર વહેલો ઊઠી ગયો. પ્રિયા હજી ઊંઘતી હતી. એ ઘડીભર પ્રિયાને જોઈ રહ્યો. શેખરને લાગ્યું કે, પ્રિયા નીંદરમાં વધુ ખૂબસૂરત લાગે છે. પ્રિયાને ખલેલ પહોંચાડવાના બદલે શેખરે સવારનો નજારો જોવા બહાર જઈ ટહેલવાનું પસંદ કર્યું. બંગલાના પરિસરમાં ફરતાં ફરતાં તે પેલા ચબૂતરા પાસે પહોંચ્યો. ચબૂતરા પાસે પહોંચતાં જ તે ચોંકી ઊઠયો. એણે જોયું તો, પ્રિયા ચબૂતરાના ઓટલા પર જ મીઠી નીંદર માણી રહી હતી. શેખર હજી તો હમણાં જ પ્રિયાને બેડરૂમમાં ઊંઘતી મૂકીને આવ્યો હતો તો અચાનક તે અહીં ક્યાંથી ? એણે ચબૂતરા પર સૂતેલી પ્રિયાને જગાડી. પ્રિયા આંખો ચોળતા બેઠી થઈ. ‘ઓહ ! સવાર પડી ગઈ. આખી રાત મને ઉઠાડી નહીં ?’
‘શું વાત કરે છે, પ્રિયા ? રાત્રે તો તું મારી સાથે બેડરૂમમાં હતી.’ શેખર બોલી રહ્યો.
પ્રિયા હસીને કહેવા લાગી ઃ ‘મશ્કરી ના કર. તેં કોઈ સપનું તો જોયું નથી ને ? જમ્યા પછી આપણે ટહેલવા બહાર આવ્યાં. મોડી રાત સુધી આપણે અહીં બેસીને વાતો કરતાં રહ્યાં. તને ઊંઘ આવતી હતી એટલે પહેલાં તું અંદર ગયો. મેં તને કહ્યું હતું કે, મને ચાંદની રાત અને શીતળ પવન થોડી વાર માણી લેવા દે. તું જા પછી થોડી વારમાં હું આવું છું. તું ગયો અને મને નીંદર આવી ગઈ. હું તો હમણાં જ ઊઠી.’
શેખર આખી વાત સાંભળીને સ્તબ્ધ બની ગયો.
એણે પૂછયું ઃ ‘તો અંદર આખી રાત જે પ્રિયા હતી તે કોણ ?’
પ્રિયાને લાગ્યું કે, શેખરને સવાર સવારમાં મજાક સૂઝે છે. એણે ગંભીર ઠપકો આપતાં કહ્યું ઃ ‘શેખર, કાલ તો આપણી સુહાગરાત હતી અને તેં મને ઉઠાડી પણ નહીં. કેવો છે તું ?’
એટલામાં વૃદ્ધા આવતી જણાઈ. એ કૃષ્ણા હતી. કૃષ્ણાએ સહેજ કડકાઈથી પૂછયું ઃ ‘કોણ છો તમે ? તમે મારા બંગલામાં પ્રવેશ્યાં કેવી રીતે ?’
શેખરે કહ્યું ઃ ‘તમે તો રાત્રે બંગલો ખોલી આપ્યો હતો. તમે કોણ છો ?’
‘હું કૃષ્ણા છું. આ બંગલો મારો છે. હું હમણાં જ ઉદયપુરથી આવી રહી છું.’
‘તો રાતવાળી વૃદ્ધા કોણ હતી ?’ શેખરે પૂછયું.
‘તો તમે ગઈ રાતે અહીં રોકાયાં હતાં ?’ કૃષ્ણાએ આૃર્યથી પૂછયું.
‘હા… તમે તો બધી વ્યવસ્થા કરી આપી હતી.’ શેખર બોલ્યો.
કૃષ્ણાના ચહેરા પર ભયનો ઓથાર છવાઈ ગયો. કૃષ્ણાએ કહ્યું ઃ ‘અંદર આવો. શાંતિથી વાત કરો.’
બધાં અંદર ગયાં.
શેખરે બેડરૂમમાં જઈ જોયું તો તે જે પ્રિયાને ઊંઘતી છોડીને આવ્યો હતો તેવું અંદર કોઈ નહોતું. કૃષ્ણાએ પ્રિયા અને શેખરને ડ્રોઇંગરૂમમાં બેસાડી વાત કરી.
કૃષ્ણા બોલી ઃ ‘જુઓ ! આ બંગલો નંદિની મહેતાનો હતો. તે તેનાં માતા-પિતાની એકમાત્ર પુત્રી હતી. નંદિની ઉદયપુરની એક કૉલેજમાં હિન્દીની લેક્ચરર હતી. તે તેના લેક્ચરર સાથી પ્રમોદ સાથે પ્રેમમાં હતી. પ્રમોદ અને નંદિની અલગ અલગ જ્ઞાતિના હતા. પ્રમોદના પરિવાર તરફથી લગ્નની મંજૂરી ના મળતાં પ્રમોદે નંદિની સાથે લગ્ન કરવા ઇનકાર કરી દીધો. નંદિની પ્રમોદને કરગરી હતી. એ સુખી ઘરની દીકરી હતી. એણે પ્રમોદને કહ્યું હતું ઃ ‘લગ્ન બાદ આપણે સુહાગરાત જયસમંદવાળા બંગલામાં મનાવીશું.’ પરંતુ પ્રમોદ માન્યો નહીં. લગ્ન માટે ઇનકારથી નંદિનીના એ ઓરતાં કદીયે પૂરાં થયાં નહીં. છેવટે નંદિનીએ આ જ બંગલામાં ઘેનની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી લીધી. એ વખતે આ બંગલાની દેખભાળ હું કરતી હતી. હું આ બંગલાની નોકરાણીથી માંડીને મેનેજર બધું જ હતી. નંદિની મારી દીકરી જેવી હતી. મરતા પહેલાં નંદિની એના નામથી ચાલતો આ બંગલો મારા નામે કરી દીધો હતો. હવે હું કૃષ્ણા, આ બંગલાની માલિક છું.’
‘કેટલા વખત પહેલાંની આ વાત છે ?’ શેખરે પૂછયું.
‘સર, નંદિની મેડમને મૃત્યુ પામે પાંચ વર્ષ થઈ ગયાં. પણ હું આ બંગલામાં રહેતી નથી. હું બહારના આઉટહાઉસમાં જ રહું છું. મારો દીકરો ઉદયપુરમાં નોકરી કરે છે. તે ક્યારેક ક્યારેક અહીં આવીને બંગલામાં રહે છે. કાલે તો હું જ ઉદયપુર મારા દીકરાને મળવા ગઈ હતી. કોઈ કોઈ વાર ભૂલ્યા ભટક્યા સહેલાણી અહીં આવે છે, પરંતુ હું તો આજે સવારે જ આવી.’
‘તો પછી રાત્રે જે કૃષ્ણા મળી હતી તે કોણ ?’
કૃષ્ણાના ચહેરા પર ફરી ઉદાસી છવાઈ. એની આંખોમાં ભયની લકીરો હતી. કેટલીયે વારની ખામોશી બાદ તે બોલી ઃ ‘તમારી વાત સાચી છે. આ નંદિનીનું અપમૃત્યુ થયું તે પછી મને પણ કોઈ ને કોઈ અહીં ચબૂતરા પર બેઠેલું જણાય છે. કદીક બંગલાની ભીતર કોઈ ટહેલતું જણાય છે. અત્યાર સુધી મને એમ હતું કે, એ કોઈ મારી ભ્રમણા હશે, પરંતુ તમે જે કૃષ્ણાને જોઈ તે હું તો નહોતી જ.’
શેખર ફરી સ્તબ્ધ થઈ ગયો, પ્રિયાની આંખો સફેદ પૂણી જેવી થઈ ગઈ. એમને ખ્યાલ આવી ગયો કે, રાત્રે એમણે જે કૃષ્ણાને જોઈ હતી તે કૃષ્ણા નહોતી. જે પ્રિયા રાત્રે શયનખંડમાં હતી તે પણ અસલી પ્રિયા નહોતી. એ શાયદ નંદિનીનો ભટકતો આત્મા જ હતો. શેખરે જોયું તો કૃષ્ણા ખુદ એક લાશ જેવી બનીને તેમની સામે બેઠી હતી.
હવે તેઓ વધુ ચર્ચા કરવા તૈયાર નહોતાં.
શેખર અને પ્રિયાના ચહેરા પરથી ઊડી ગયેલા હોશ જોઈ કૃષ્ણા બોલી ઃ ‘તમે ગભરાવ નહીં. નંદિની મેડમ બહુ જ સરસ ઔરત હતી. એણે કોઈને પરેશાન કર્યાં નથી. એ અધૂરી ઇચ્છા શાયદ એણે પૂરી કરી લીધી છે.’
શેખર કૃષ્ણા સામે જોઈ રહ્યો અને પ્રિયા શેખર સામે.
આ ઘટના બાદ પ્રિયાને ઠીક થતાં કેટલાયે દિવસ લાગ્યા.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!