Close

શશી કપૂરના સાંનિધ્યમાં દરેક સ્ત્રીઓ સલામતી અનુભવતી

કભી કભી | Comments Off on શશી કપૂરના સાંનિધ્યમાં દરેક સ્ત્રીઓ સલામતી અનુભવતી

એક્ટર શશી કપૂર રહ્યા નથી.

એ દિવસે મુંબઈમાં કમોસમી વર્ષા થઈ રહી હતી. જાણે કે આકાશ પણ રડી રહ્યું હતું. અત્યંત રૂપાળો ચહેરો ધરાવતા શશી કપૂરે ૭૯ વર્ષની વયે આ જગતમાંથી વિદાય લીધી ત્યારે બધી જ ન્યૂઝ ચેનલ્સ શશી કપૂરના જીવન અને કાર્ય પરથી પરદો ઉઠાવી રહી હતી. આમ તો ઘણાં વર્ષોથી તેઓ સિલ્વર સ્ક્રીનથી ઓઝલ હતા છતાં મુંબઈનું સિને વર્લ્ડ આઘાતમાં હતું. છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ બીમાર હતા. વ્હિલચેરમાં જ હતા .પૃથ્વી થિયેટર્સ સાથે તેઓ સંકળાયેલા હતા. છેલ્લે તેમને ‘પદ્મભૂષણ’નો એવોર્ડ અપાયો ત્યારે તેઓ બધાને બરાબર ઓળખી શકતા નહોતા.

બોલિવૂડના ફિલ્મ જગતની અભિનેત્રીઓને એ વાતનો અહેસાસ હતો કે તેમના સાંનિધ્યમાં તમામ સ્ત્રીઓ સલામતી અનુભવતી. તેમનું વ્યક્તિત્વ શાલીન હતું. સેટ પર તેઓ મજાક કરતા. તેઓ ઘણી વાર પોતાની જાત પર પણ મજાક કરતા. શશી કપૂરના સંદર્ભમાં એક વાત જાણીતી હતી. તેઓ અત્યંત સુંદર અંગ્રેજી બોલી શકતા હતા. મરચન્ટ આઈવરી પ્રોડક્શન સાથે તેમને ગાઢ સંબંધ હતો. તેઓ જેનિફર કેન્ડલ નામનાં બ્રિટિશ અભિનેત્રી સાથે પરણ્યા હતા. તેમણે ‘શેક્સપિયર વાલા’, ‘બોમ્બે ટોકિઝ’ અને ‘હીટ એન્ડ ડસ્ટ’ જેવી હિંદી-અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અમિતાભ બચ્ચન સાથે ‘ત્રિશૂલ’, ‘દીવાર’ તથા ‘કભી કભી’ જેવી ફિલ્મોમાં સહ અભિનેતા તરીકે કામ કર્યું. અમિતાભ બચ્ચન કરતાં ચાર વર્ષ મોટા હોવા છતાં તેમણે અમિતાભના નાના ભાઈ તરીકે રોલ અદા કર્યો. એમને કોઈ અહંકાર કે કોઈ ઘમંડ નહોતું.

તેમનાં પત્ની જેનિફર કેન્ડલનું ૧૯૮૪માં ઓછી ઉંમરે અવસાન થયું તે પછી તેઓ એકાકી બની ગયા હતા. એ ઘટના પછી તેઓ કાયમ શ્વેત કુર્તા-પાયજામામાં જ દેખાતા. તેમના ભાઈ શમ્મી કપૂર જિંદગીને પૂરી રીતે જીવ્યા. તેમણે તેમની નજર સમક્ષ જ નાના ભાઈ શશી કપૂરને જિંદગીમાંથી પોતાની જાતને પાછી ખેંચી લેતા નિહાળ્યા હતા. તેઓ ક્યાંય જતા નહોતા. એક વાર ભાઈ શમ્મી કપૂરના કહેવાથી તેમનાં ભાભી એટલે કે રાજ કપૂરનાં પત્ની ક્રિશ્ના કપૂરના ઘરે એક પારિવારિક પ્રસંગમાં આવવા આમંત્રણ આપ્યું ત્યારે એમના દબાણને વશ થઈ તેઓ આવ્યા હતા, પરંતુ એક પણ શબ્દ બોલ્યા નહોતા. પત્નીના મૃત્યુ બાદ માનસિક રીતે તેઓ પોતાની જ દુનિયામાં ચાલ્યા ગયા હતા.

શશી કપૂરને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા, પરંતુ એ સન્માન ઘણું મોડું મળ્યું. તેમના પિતા પૃથ્વી રાજ કપૂરને પણ એ જ એવોર્ડ એમના મૃત્યુ બાદ મળ્યો હતો. રાજ કપૂરને પણ જ્યારે એ એવોર્ડથી સન્માનિત કરાયા ત્યારે તેઓ સન્માન સમારંભના હોલમાં જ ઢળી પડયા હતા અને ફરી કદી બેઠા ના થયા. શશી કપરને પણ ભારત સરકાર તરફથી એ જ એવોર્ડ અપાયો ત્યારે તેમની પૂર્વ સહઅભિનેત્રીઓ વહીદા રહેમાન, આશા પારેખ, રેખા, નીતુ, ઝિન્નત અમાન અને શબાના આઝમી તેમની આસપાસ ઊભી હતી, પરંતુ શશી કપૂરને કાંઈ જ ખબર નહોતી કે તેમની આસપાસ શું ચાલી રહ્યું છે.

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે, શશી કપૂર બીમલ રોય અને અભિનેત્રી નંદાના પ્રશંસક હતા. તેઓ કહેતા : ”બીમલ દાએ જ મને કેમેરા સામે ઊભા રહેતાં શીખવ્યું હતું. બીમલ દાએ મારો કેમેરાનો ડર હટાવી દીધો હતો. ક્યારેક એક પણ શબ્દ બોલ્યા વિના માત્ર આંખોની ભાષામાં જ અભિવ્યક્તિની કળા શીખવી હતી.” નંદા તેમની ફેવરીટ હીરોઈન રહ્યાં. લોકો આજે પણ ‘જબ જબ ફૂલ ખીલે’ ફિલ્મને યાદ કરે છે. શશી કપૂર કહેતા : ”નંદા ફિલ્મ જગતમાં એક પરી જેવા હતાં.”

શશી કપૂર એક એવી વ્યક્તિ હતા જે તેમના સમકાલીન કલાકાર વિશે કદી ખરાબ બોલતા નહીં. શશી કપૂરે અભિનય કર્યો, નિર્દેશન કર્યું અને ફિલ્મો પણ બનાવી. ૩૦૦થી ૪૦૦ ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેઓ સદાયે ડાઉન ટુ અર્થ રહ્યા. શશી કપૂરના જવાથી જાણે કે લાજવાબ અભિનયનો એક યુગ સમાપ્ત થઈ ગયો. તેમની વિદાય થિયેટર માટે પણ એક આઘાતજનક સમાચાર છે. શશી કપૂર હિંદી સિનેમાના સર્વાધિક સંવેદનશીલ અને ધૈર્યવાન વ્યક્તિત્વ રહ્યા. તેમના જીવન પર એક નજર નાખીએ તો પૃથ્વીરાજ કપૂરના પરિવારમાં સૌથી વધુ સંઘર્ષ તેમની જિંદગીમાં આવ્યો. એ વાતમાં કોઈ શંકા નથી કે લાંબા સમય સુધી તેમને સફળતા માટે ઈંતજાર કરવો પડયો, પરંતુ એક વાર તેમને સફળતા મળી તે પછી તેમણે પાછું વળીને કદી જોયું નહીં.

શશી કપૂર એ વાતનો સ્વીકાર કરતા હતા કે કોઈ પણ ફિલ્મ કોઈ પણ કલાકારને માનસિક રીતે સંતુષ્ટ કરી શકતી નથી. ફિલ્મો દ્વારા પૈસા જરૂર કમાઈ શકાય છે, પરંતુ એ ભીડમાં ખોવાઈ ગયા બાદ તેઓ એ બધાથી અલગ પહેચાન બનીને રહ્યા. તેમણે કદીયે કોઈની સાથેના અહમ્નો ટકરાવ કર્યો નહીં. તેઓ તેમના સમકાલીન અભિનેતાઓ સાથે સ્પર્ધામાં પણ ઊતર્યા નહીં. અલબત્ત, મલ્ટિ સ્ટારર ફિલ્મોમાં તેમની હાજરી અનિવાર્ય બની ગઈ. ૧૯૫૪ સુધીમાં તેમણે ૧૯ ફિલ્મો કરી, પરંતુ શરૂઆતમાં સફળતા મળી નહીં.

ખુદ પૃથ્વી રાજ કપૂર તેમના આ નાના પુત્રની કારકિર્દી અંગે ચિંતિત રહેતા હતા. તેમની ફિલ્મ ‘ધર્મપુત્ર’ની પ્રશંસા બહુ થઈ, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નહીં. એવું કહેવાય છે કે, એક વાર તેમના પિતા પૃથ્વી રાજ કપૂર પોતાના પુત્રનું ભવિષ્ય જાણવા માટે પંડિત જાનકી વલ્લભ શાસ્ત્રી પાસે ગયા. પંડિતજીએ તેમને એક ગાય પાળવા સલાહ આપી. જો તેઓ ગાય પાળશે તો શશી કપૂરનું કિસ્મત ખૂલી જશે એમ તેમણે કહ્યું, પરંતુ સવાલ એ હતો કે, મુંબઈમાં ગાય રાખવી ક્યાં? એ પછી પૃથ્વીરાજ કપૂરે એક ગાય ખરીદી પંડિત જાનકી વલ્લભ શાસ્ત્રીને જ આપી દીધી અને તે પછી શશી કપૂરની ‘જબ જબ ફૂલ ખીલે’ નામની ફિલ્મ રિલીઝ થઈ. ફિલ્મ હીટ રહી. આ ઘટના પછી પૃથ્વીરાજ કપૂર જિંદગીભર ગાયનો નિભાવ ખર્ચ પંડિતજીને મોકલતા રહ્યા.

કપૂર પરિવારના રૂપાળા એવા શશી કપૂરને ભલે સુપર સ્ટારનો ખિતાબ ના મળ્યો, પરંતુ તેમણે અભિનયની વિસ્તૃત-વિશાળ રેન્જ પ્રર્દિશત કરી. શશી કપૂરની ફિલ્મ ‘કલયુગ’ને આજે પણ લોકો ભૂલી શકતા નથી. નિર્દેશક શ્યામ બેનેગલ સાથે આ તેમની બીજી ફિલ્મ હતી. આ ફિલ્મમાં રાજનૈતિક પરિવારોના બદલે ઉદ્યોગપતિઓનાં પરિવારો હતાં. આ ફિલ્મમાં શશી કપૂરે કર્ણની ભૂમિકા નિભાવી. આ ફિલ્મનું એક દૃશ્ય આજે પણ લોકોને યાદ છે. જ્યારે કર્ણને પોતાના જન્મની સાથે સંકળાયેલી સચ્ચાઈની ખબર પડે છે ત્યારે તેઓ પોતાના જૂતાં સમેત પલંગ પર ઢસડાઈ પડે છે. એક પણ શબ્દ બોલ્યા વિના તેમણે સિનેમા ગૃહમાં બેઠેલા પ્રેક્ષકોના દિલને હચમચાવી દીધાં હતાં. શશી કપૂરની ‘ન્યૂ દિલ્હી’ ફિલ્મ એક યાદગાર કૃતિ હતી. તેમાં સિસ્ટમ સામે એક ઈમાનદાર પત્રકારની લડાઈની કથા હતી.

શશી કપૂર અને તેમનાં પત્ની જેનિફર કેન્ડલે શરૂ કરેલા પૃથ્વી થિયેટરે બોલિવડને અનેક પ્રતિભાશાળી કલાકારોની ભેટ આપી. હવે તેમની પુત્રી સંજના કપૂર પૃથ્વી ટ્રસ્ટ દ્વારા ગરીબ અને નિસહાય રોગીઓની સેવા કરે છે. હિંદી ફિલ્મ જગતના તેઓ એવા કલાકાર બની રહ્યા કે જેમણે પડકારરૂપ તમામ ભૂમિકાઓ નિભાવી અને તે પણ તેમના સ્વાભાવિક અભિનયથી. કદીક તેઓ પાઈ પાઈ માટે તરસ્યા તો કદીક દોલતનો ઢગલો ઔપણ નિહાળ્યો.

   – દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

Be Sociable, Share!