Close

શિકાગોના એરપોર્ટ પર મને લેવા જરૂર આવજે

કભી કભી | Comments Off on શિકાગોના એરપોર્ટ પર મને લેવા જરૂર આવજે

નિઓન-સાઇન લાઇટ માટે જગવિખ્યાત એવા લાસવેગાસ (અમેરિકા)થી રેખાનો પત્ર હતો. એણે લખ્યું હતું : ‘તમને પત્ર વાંચીને જરા નવાઇ લાગશે. મારો સંપર્ક તમારી સાથે ઘણા વર્ષોથી નથી. પણ તમારો ખ્યાલ હું ઘણીવાર કરતી અને વિચારતી કે તમે ક્યાં હશો? ગુજરાતી ભાષા બોલવાનો મારો મહાવરો નથી અને અંગ્રેજીની જાણે કે આદત જ પડી ગઇ છે. મારી ડાયરીના પાના આજે ફેરવતી હતી. બસ, તમે યાદ આવી ગયા. થયું કે લાવ તમને પત્ર લખું. હું જ્યારે એસએસસીનું પરિણામ જાણવા ઇંતેજારમાં હતી. એ વખતે મેં મારું રિઝલ્ટ જાણવા તમારા અખબારની કચેરીએ ફોન કર્યો હતો. તમે મને પરિણામ જણાવ્યું હતું. મને ફર્સ્ટ કલાસ ના મળતાં હું જરાક નિરાશ થઇ ગયેલી. તમે મને થોડીક સ્વીટ્સ આપીને પ્રોત્સાહન આપેલું કે હવે કોલેજમાં સખત મહેનત કરજે. યાદ છે તમને ?

તમે મને ઓળખી? હું આનલની નાની બહેન રેખા.

હવે ઓળખાણ પડી?

આનલ જ્યારે અમદાવાદમાં હતી ત્યારે એને તો તમારા માટે કેટલું બધું હતું? તમારી વાર્તાઓ એ વાંચતી. ઘેર પણ આખો દિવસ બસ એ તમારી જ વાતો કર્યા કરતી. તમને પણ કેટલું બધું વહાલ હતું એના માટે ! યાદ આવે છે એ આનલ. તમારી ફ્રેન્ડ-આનલ. મારી બહેન આનલ. વિક્રમની પત્ની આનલ. અને… તમે જાણો છો આપણી આનલ આજે કયાં છે ? કેવી છે? શું કરે છે? તમે તો કદાચ ભૂલી ગયા હશો પણ આનલ તમને નહીં ભૂલી હોય. એ જ્યાં પણ છે ત્યાં રહીને પણ એ તમને યાદ કરતી જ હશે. પણ આનલ પર શું શું વીત્યું એની તમને ખબર છે?

લ્યો આ રહી આનલની વાત.

થોડાંક વર્ષો પહેલાંની વાત છે.

આનલ તો અમદાવાદની જ છોકરી. શહેરની કોલેજમાં ભણેલી એ મુગ્ધા. જેટલી રૂપાળી એટલી જ લાગણીશીલ. એની આંખોમાં કદીક શાંત સાગરની મંદ મંદ લહેરખીઓ લહેરાય. તો કદીક પર્વત પરથી ખીણમાં ધસમસતી નદીની વિશાળ-જળરાશિની પ્રચંડ ગર્જનાઓ પણ દેખાય. એના મનમાં અનેક રંગબેરંગી સપના હતા. રૂડા-રૂપાળા સંસારની તેને એક આગવી કલ્પના હતી. તે માટે એના પોતાના કેટલાક મનોરથ હતા.

આનલ ઉંમરલાયક થતાં એના માટે એના જ જેવા સુંદર વરની શોધ શરૂ કરવામાં આવી. એવામાં એક સોહામણો યુવક અમેરિકાથી માત્ર બે અઠવાડિયા માટે જ અમદાવાદ આવેલો હતો.

એનું નામ વિક્રમ.

વિક્રમ અને આનલના માતા-પિતાએ મુલાકાત ગોઠવી. બંને ઉચ્ચ શિક્ષિત પરિવારો હતા. વિક્રમે આનલને જોઇ અને આનલ તો બિચારી લજ્જાશીલ. એણે માંડ નજર ઊંચી કરી ના કરી. જેટલું જોવાય એટલું જોયું. વિક્રમે પણ જે પૂછવું હતું તે પૂછયું.

બંનેને એકબીજા માટે લાગણી હતી. કુટુંબોની તો સંમતિ હતી જ. અમેરિકાથી સુપરસોનિક ઝડપે આવતા યુવાનો એટલી જ ઝડપે પરણવાનો આગ્રહ રાખતો હોય છે તેમ અહીં પણ બન્યું.

ઘડીયાં લગ્ન લેવાયા.

વિક્રમ અને આનલ પરણી ગયા.

થોડોક સમય બંને અમદાવાદમાં જ સાથે રહ્યા. થોડોક સમય તેઓ અહીં તહીં ફરી આવ્યા. આનલને પણ જેવો જોઇતો હતો તેવો વર મળી ગયાનો સૌને સંતોષ હતો. આનલની આંખોમાં પણ સંતૃપ્તિનું એ કિરણ જોઇ શકાતું.

અને પછી સમય પૂરો થતા વિક્રમને અમેરિકા પાછા જવાનો દિવસ આવી ગયો. વિક્રમે જતાં જતાં કહ્યું હતું : ‘આનલ! હું પહોંચીને તરત જ તને પત્ર લખીશ. તારા વિઝા માટેના પેપર્સ પણ હું તૈયાર કરાવી લઇશ. તું જલદી જલદી અમેરિકા આવી જવાની તૈયારી રાખજે. તું પણ મને પત્ર લખજે.’

અને આનલ છેક એરપોર્ટ સુધી વિક્રમને વળાવવા ગઇ હતી. વિક્રમ એરપોર્ટ પરની માનવભીડમાં અદૃશ્ય થયો ત્યાં સુધી એ જોઇ રહી. પ્લેન અવકાશમાં ગરકાવ થયું ત્યાં સુધી તે એના વિક્રમને લઇ જતા હવાઇ જહાજને એ નિરખી રહી.

આનલ ઘેર પાછી આવી અને કેટલીયે વાર સુધી એકલી જ એના પલંગમાં આશિકામાં મોં છુપાવીને પડી રહી. કેટલાયે દિવસો સુધી તે સૂનમૂન રહી. એની નજર આગળથી વિક્રમ ખસતો નહોતો.

પછી તો એણે દિવસો ગણવા માંડયા : ‘વિક્રમ અમેરિકા જઇ બીજા જ દિવસે મને પત્ર લખે તો એ પત્ર આવતો આઠથી દસ દિવસ લાગે.’

આનલ આઠ દિવસ બાદ વિક્રમના પત્રની રાહ જોવા લાગી. આઠમો દિવસ, નવમો દિવસ, દસમો દિવસ. ટપાલી આવે. પપ્પાના બીજા પત્રો આવે પણ આનલ માટે કોઇ પત્ર નહીં.

‘હશે… એ તો બિચારો થાકી ગયો હતો. જઇને તરત જ એ કેવી રીતે પત્ર લખે? બે ચાર દિવસ પછી પત્ર લખે તો મારે હજી બીજા બે ચાર દિવસ વધુ રાહ જોવી રહીઃ’ એમ વિચારી આનલ મન મનાવે.

પણ વિક્રમનો પત્ર ના આવ્યો તે ના જ આવ્યો. મહિનો વીત્યો. તો યે પત્ર ના આવ્યો. મહિનાઓ વીત્યા તો યે પત્ર ના આવ્યો.

આનલ તો શું પણ ઘરનાં યે સૌ વિચારમાં પડી ગયા કે એકાએક આમ કેમ બન્યું ? છેવટે નિર્ણય એવો લેવાયો કે ખુદ આનલે જ વિક્રમને પત્ર લખવો.

આનલે પત્ર લખ્યો. એરમેઇલ બીડીને ટપાલ પેટીમાં જાતે જ નાંખી આવી.

આનલને હતું કે છેવટે મારા પત્રનો જવાબ જરૂર આવશે.

પણ એના પત્રનો પણ જવાબ આવ્યો નહીં.

આનલ તો ઠીક પણ એના પરિવારના સભ્યો પણ વિચારમાં પડી ગયાં આમ કેમ? એમણે અમેરિકામાં વસતા અન્ય પરિચિતો મારફતે પણ વિક્રમની ભાળ કાઢવા કોશિશ કરી પણ વિક્રમના કોઇ જ ખબર નહોતા.

વિક્રમ શિકાગોમાં ક્યાંક રહેતો હતો. પણ પરણીને તે ગયો તે ગયો. આનલ અત્યંત ખાનદાન પરિવારની પુત્રી હતી. તેમણે વધુ ને વધુ રાહ જોવાનું મુનાસીબ માન્યું.

વિક્રમને ગયે એક વર્ષ થયું. બે થયાં, ત્રણ, ચાર, પાંચ, છ અને છેવટે સાત વર્ષ થયા. પણ તે ગયો તે ગયો. ન એનો કાગળ. ના એનો તાર. ના એનો ફોન.

દરમિયાન આનલ ઘણી કઠોર થઇ ચૂકી હતી. એની લાગણીઓના વહેણ સુકાઇ ચૂક્યા હતા. હવે શું કરવું? એક ભવમાં બે ભવ કરવા તે તૈયાર નહોતી. એણે મનોમન નિર્ણય કર્યો કે, હવે હું જ મારા પતિની ખોજ કરીશ.

ઘરના સૌ સભ્યો આનલના નિર્ણય સાથે સંમત થયા. આનલને એકલીને અમેરિકા મોકલવા નિર્ણય લેવાયો.

આનલ અમેરિકા પહોંચે તે અગાઉ વિક્રમના જૂના શિકાગોના સરનામે પત્ર લખવામાં આવ્યો. ‘વિક્રમ ! હું એકલી અમેરિકા આવું છું. મંર અમેરિકા જોયું નથી. શિકાગોના એરપોર્ટ પર મને લેવા આવજે. જો જે હો ભૂલ ના કરતો. હું એકલી ને અજાણ છું. ક્યાંક અટવાઇ ના જાઉં. તારા ખબર નથી. તું કદાચ મને નહીં ઓળખે પણ હું તો તને ઓળખી જ કાઢીશ. મેં તો રોજ તારી તસવીર નિહાળ્યા કરી છે. બસ. હું ચોક્કસ તારી પાસે જ આવું છું. મેં તો કોઇ ભૂલ કરી નથી અને જાણે અજાણે પણ થઇ ગઇ હોય તો તારા ચરણોમાં બેસીને માફી માગીશ. પણ તું એરપોર્ટ પર આવવાનું ચૂકીશ નહીં… તારી આનલ.’

-અને આનલ મુંબઇ જઇ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડી શિકાગો જતા પ્લેનમાં બેઠી. પ્લેન ઊપડયું ત્યારે એને કેટકેટલોયે ફ્ફડાટ હતોઃ ‘ એ એરપોર્ટ પર આવશે કે નહીં ? ના, ના આવશે જ. એમને મારા માટે જરા યે દયા નહીં હોય. આખરે તો એ મારા પતિ છે ને! તેઓ આવશે જ… પણ કદાચ ના આવે તો ?’

પ્લેન આકાશના વાદળોમાં લુપ્ત થઇ રહ્યું હતું. આનલ હજી યે એના વિચારોમાં ગરકાવ હતી. મનોમન એ ફફડી રહી હતી.

 

PART-2

પરંતુ વિક્રમ એરપોર્ટ પર ના આવ્યો તે ના જ આવ્યો

આનલ અમદાવાદની યુવતી અને વિક્રમ અમેરિકાનો યુવાન. વિક્રમ થોડાં દિવસો માટે જ અમદાવાદ આવ્યો હતો. આનલ અને વિક્રમની મુલાકાત બંનેના પરિવારો દ્વારા જ યોજાઇ. બંનેના લગ્ન પણ ગોઠવાઇ ગયા. આનલને પરણીને થોડાક જ સમયમાં એને જલદી અમેરિકા બોલાવી લેવાનો કોલ આપી વિક્રમ અમેરિકા જવાં રવાના થઇ ગયો.

પરંતુ અમેરિકા પહોંચ્યા પછી વિક્રમે આનલને ન તો પત્ર લખ્યો કે ન તો ટેલિફોન કર્યો. આનલ સાત સાત વર્ષ અમદાવાદમાં પતિના પત્રની અને ફોનની રાહ જોતી રહી. પણ વિક્રમનો ના તો ફોન આવ્યો કે ના તો પત્ર આવ્યો. છેવટે પતિની ખોજમાં આનલ ખુદ અમેરિકા જવા પ્લેનમાં બેઠી. જતાં પહેલાં આનલે વિક્રમને પત્ર લખી વિનવણી કરી હતી કે, ‘વિક્રમ, મને શિકાગોના એરપોર્ટ પર લેવા જરૂર આવજો.’

આનલનું પ્લેન થોડોક સમય લંડન રોકાયા બાદ શિકાગો જવા ઊપડયું.

આકાશમાં રૂના ઢગલા જેવા વાદળોની ઉપર તરતું પ્લેન હવે ઝડપથી અમેરિકા ભણી ઊડી રહ્યું હતું. આનલનું હૈયું પણ જોશજોશથી ધડકી રહ્યું હતું.

પ્લેન આખરે શિકાગોના એરપોર્ટ ઉપર ઊતર્યું.

એક નવી દુનિયા. નવી ચમક. નવી હવા. બધું જ નવું. આંખોને આંજી નાંખે તેવું ઘણું બધું. ઠંડી પણ હતી. પણ આનલને એ કશુંયે જોવું નહોતું. એને તો એના પતિનો ચહેરો જોવો હતો. ઔઇમિગ્રેશન અને કસ્ટમ કાઉન્ટર્સ વટાવી એ રિસિવિંગ લોન્જમાં આવી. સેંકડો લોકો તેમના પ્રિય પાત્રો અને સ્વજનોને લેવા આવ્યા હતા. આનલની આંખો વિક્રમને ઢુંઢતી હતી.

પણ વિક્રમ ક્યાંયે દેખાયો નહીં.

એ બહાવરી બની ગઇ કેટલીયે વાર સુધી આમ તેમ ફાંફાં મારતી રહી પણ વિક્રમ ક્યાંયે દેખાયો નહીં. પ્લેનમાંથી ઊતરેલા તમામ ઉતારુઓ તેમનો સામાન લઇ ચાલ્યા ગયા. લોન્જ ખાલી થઇ ગઇ.

સાડી પહેરેલી એક માત્ર હીઝરાયેલી જણાતી ગુજરાતી યુવતી લોન્જમાં હજીયે ઊભી હતી. એને હતું કે, ‘વિક્રમ આવવામાં મોડો પડયો હશે. મારી સાથે છેક આવું તો ના જ કરે. આ પરદેશની દુનિયામાં શું એને મારી કોઇ જ દયા નહીં હોય ?’

પણ વિક્રમ ના આવ્યો તે ના જ આવ્યો.

આનલ ભાંગી પડી.

સામાન એનાથી ઊંચકાતો નહોતો. મનનો બોજ એનાથી સહન થતો નહોતો. હૃદય પણ એને હવે ભારેખમ લાગતું હતું. કલાકો સુધી એ એકલી અટૂલી એના સામાન પર જ બેસી રહી.

પણ હવે એણે આશા છોડી દીધી.

શિકાગોના મહાકાય ને અટપટા એરપોર્ટથી એ સાવ અજાણ એવી આનલે અગાઉની યોજના પ્રમાણે ન્યૂયોર્ક જવા વિચાર્યું. ન્યૂયોર્કમાં એની નાની બહેન રેખા રહેતી હતી. વિક્રમ શિકાગોના એરપોર્ટ પર લેવા ના આવે તો આનલે ન્યૂયોર્ક જતા રહેવું એવું અમદાવાદથી નીકળતા પહેલાં જ નક્કી થયું હતું.

ભારે મનોમંથનને બાદ એણે ન્યૂયોર્ક જતા પ્લેનની ટિકિટ કઢાવી. જતાં પહેલાં શિકાગોના એરપોર્ટ પરથી રેખાને ફોન કર્યો : ‘બહેન ! આખો દિવસથી રાહ જોઉં છું. પણ એ નથી આવ્યા. હું ન્યૂયોર્ક આવું છું. મને લેવા એરપોર્ટ પર આવજે.’

આનલ શિકાગોથી ઉપડી ન્યૂયોર્ક પહોંચી. પણ હવે તે હિંમત હારી ચૂકી હતી. એના પગ જ ઉપડતા નહોતા.

ન્યૂયોર્કના એરપોર્ટ પર એને લેવા રેખા આવી હતી. બંને બહેનો એકબીજાને બાઝી પડી. ખૂબ રોઇ. અન્ય ઉતારુઓ પણ આ બંને બહેનોના લાગણીના ઝંઝાવાતને જોઇ વિચારમાં પડી ગયા.

રેખા અને આનલ એમના ઘરે પહોંચ્યા. કેટલીયે વાર સુધી આનલે રડયા જ કર્યું. એને હવે ભારે મોટો આઘાત લાગ્યો હતો. એને થયું કે વિક્રમને મારા માટે લગીરે દયા ના આવી ?

કેટલાયે દિવસો સુધી એ સાવ સૂનમૂન રહી.

માનસિક મૂર્છામાંથી બહાર આવતાં એને થોડાક દિવસો લાગ્યા. આનલ લાગણીશીલ હતી પરંતુ મનથી એ મક્કમ પણ હતી. એણે મનોમન નિર્ણય કરી લીધો હતો કે, વિક્રમ ગમે ત્યાં હશે એને હું શોધીને જ રહીશ.

બરાબર છ માસ સુધી એ રેખાને ત્યાં રહી અને એમ કરતાં કરતાં તે અમેરિકન રીતભાત શીખી ગઇ. પાૃત વ્યવહાર અને વાણી પણ એણે શીખી લીધા. અંગ્રેજી તો એને આવડતું હતું. પણ હવે તે ‘પોલીશ્ડ’ પણ બની ગઇ.

ધીમે ધીમે એણે પતિની શોધ શરૂ કરી. એ અરસામાં મોબાઇલ ફોન નહોતા પરંતુ માત્ર લેન્ડલાઇન ફોન જ હતા. એ સમયગાળામાં અમેરિકામાં કોઇ પણ વ્યક્તિને શોધવી હોય તો ટેલિફોન ડિરેક્ટરી ઉથલાવો એટલે વ્યક્તિ મળી જ જાય. કારણ કે દરેક વ્યક્તિ ટેલિફોન ધરાવે છે. આનલે શિકાગોની ડિરેક્ટરી ફેંદી નાંખી પણ વિક્રમના નામે ક્યાંયે ફોન નંબર નહોતો. શિકાગો અમેરિકાના ઇલીનોય નામના રાજ્યમાં આવેલું છે. એણે એ ત્યાં આવેલાં શિકાગોની આસપાસના નાનાં નાના શહેરોની પણ ડિરેક્ટરી ફેંદવા માંડી. ભારે પરિશ્રમને અંતે આખરે એને વિક્રમનું નામ જડયું. એનો ફોન નંબર પણ મળ્યો. ડિરેકટરીમાંથી સરનામું પણ મળ્યું. વિક્રમ શિકાગોથી દૂરના એક ટાઉનમાં રહેતો હતો.

બસ આનલને તો આટલું જ જોઇતું હતું. એ પહેલું પ્લેન પકડી શિકાગો ઊપડી. અમેરિકાની સિસ્ટમને એ બરાબર જાણી સમજી ચૂકી હતી. શિકાગો પહોંચી ત્યાંથી કેબ પકડી એ સીધા જ એ ટાઉનમાં પહોંચી અને સીધી જ પતિના ઘેર.

આનલનું હૃદય ફરી ધડકી રહ્યું હતું. એને વિક્રમને જોવો હતો. આટલાં વર્ષો બાદ વિક્રમ કેવો લાગતો હશે ? એ પોતાને ઓળખશે કે કેમ એની એને ચિંતા હતી. અને ઓળખશે તો પોતાને સ્વીકારશે કે કેમ ? લાખ લાખ મથામણો અનુભવી આનલે ડોરબેલનું બટન દબાવ્યું.

બારણું ખૂલ્યું.

અંદરથી એક ગોરી અમેરિકન છોકરી બહાર આવી. એ સાશ્વર્યથી આનલને જોઇ રહી અને આનલ પણ એ ગોરી યુવતીને જોઇ રહી.

આનલે પૂછયું : ‘ઇઝ ઇટ વિક્રમ્સ હાઉસ ?’ (શું આ વિક્રમનું ઘર છે?)

‘યસ’ કહીને ગોરી છોકરીએ પૂછયું: ‘યસ… યુ વોન્ટ ટુ સી હીમ ?’ (તમારે એને મળવું છે?)

‘હા’.

પછી તો ગોરી યુવતીએ એને અંદર આવવા કહ્યું.

આનલ અંદર પ્રવેશી.

બેઉ જણ બેઠાં. વિક્રમ ઘરમાં નહોતો.

ગોરી યુવતીએ કહ્યું : ‘હું વિક્રમની પત્ની બાર્બરા છું. તમે કોણ છો ?’

આનલ બોલીઃ ‘હું પણ વિક્રમની પત્ની આનલ છું. હું તેમની ભારતીય પત્ની છું. ઇન્ડિયામાં એમણે મારી સાથે લગ્ન કરેલાં છે.’

બાર્બરા ચોંકી ગઇ. એ આનલની વાત માનવા તૈયાર નહોતી.

આનલે તરત જ એના પર્સમાંથી મેરેજ સર્ટિફિકેટ કાઢીને બાર્બરાને બતાવ્યું.

બાર્બરા સ્તબ્ધ થઇ ગઇ. કારણ કે સાત વર્ષથી તે વિક્રમની પત્ની તરીકે વિક્રમની સાથે જ રહેતી હતી અને વિક્રમ ભારતમાં કોઇને પરણેલો છે એ વાતની એને ખબર નહોતી. બલકે વિક્રમે એ વાત પોતાનાથી છુપાવી હતી.

બાર્બરા તો કેટલીયે વાર સુધી શૂન્યમનસ્ક બનીને બેસી રહી. આનલ એના ચહેરાની ભીતર ચાલી રહેલી ગડમથલને વાંચવા કોશિશ કરી રહી હતી.

વિક્રમ હજી ઘેર આવ્યો નહોતો.

0000000

PART-3

  • વિક્રમ, હું બાર્બરા જેવી જ થઇ તને સાચવીશ 

આનલ અને વિક્રમની વાત આગળ ચાલે છે.

અમદાવાદની આનલને પરણીને વિક્રમ અમેરિકા પાછો જતો રહ્યો છે અને સાત વર્ષ સુધી વિક્રમનો કોઇ પત્તો જ નથી. પત્રની રાહ જોઇ જોઇને થાકેલી આનલ છેવટે એકલી, અટૂલી અમેરિકા પહોંચે છે. આનલે અગાઉ પત્ર લખ્યો હોવા છતા શિકાગોના એરપોર્ટ પર એને લેવા કોઇ આવતું નથી. હતપ્રભ બની ગયેલી આનલ ભાંગી પડે છે અને ન્યૂયોર્કમાં રહેતી એની બહેન પાસે આશ્રય લે છે. પરંતુ સ્વસ્થતા કેળવી આનલ પતિની ખોજ જારી રાખવા મક્કમ નિર્ધાર કરે છે અને એક દિવસ ટેલિફોનની ડિરેક્ટરી ફેંદતા ફેંદતા તે પતિનું ઠામ ઠેકાણું શોધી કાઢે છે. આનલ શિકાગો પાસે રહેતા પતિના ઘેર પહોંચે છે તો બાર્બરા નામની એક ગોરી યુવતી એનું સ્વાગત કરે છે. વિક્રમ અમેરિકામાં બાર્બરાને પરણ્યો છે ને ભારતમાં આનલને.

હવે આગળ.

બાર્બરાના ચહેરા પર ભારે વિમાસણ હતી. તે અમેરિકન હતી. પાશ્વાત સંસ્કૃતિમાં જન્મેલી ને ઊછરેલી હતી પરંતુ નીતિ અને મૂલ્યોમાં તે માનતી હતી. વિક્રમના પ્રેમમાં પડીને તે પરણી હતી. પણ વિક્રમને આવો જુઠ્ઠો એને કદી ધાર્યો નહોતો. વિક્રમ પોતાનાથી આવું સાત સાત વર્ષ છુપાવશે એવું એણે કદીયે ધાર્યું નહોતું. એણે મનોમન ખૂબ વિચારી લીધું અને મનમાં કશીક પાકી ગાંઠ વાળી લીધી. આનલને એણે સાંત્વન આપ્યું અને એના માટે ચા-નાસ્તો પણ પીરસ્યાં. બાર્બરા અને આનલે પેટભરીને ખૂબ વાતો કરી. બાર્બરાને હવે ખાતરી થઇ ચૂકી હતી કે વિક્રમ ભારતમાં આનલને પરણેલો જ છે.

બાર્બરાએ કહ્યું : ‘આનલ ! હું કાંઇક કરવા માગુ છું. તું મને સહકાર આપીશ ?’

‘હા… પણ શું ?’

‘એ બધું ના પૂછ, પણ જે કાંઇ હશે તે તારા હિતમાં જ હશે.’

‘ભલે. મને વાંધો નથી.’

‘તો ચાલ. તૈયાર થઇ જા. આપણે બહાર જઇએ. મારે તને બાર્બરા બનાવી દેવી છે.’

આનલ કશું સમજી નહીં. પણ તે અને બાર્બરા ટાઉનમાં જવા નીકળી પડયા. સડસડાટ દોડતી બાર્બરાની ટોયેટો કાર એક બ્યૂટી પાર્લર પાસે જઇને પાર્કિંગ પ્લોટમાં ઊભી રહી. બાર્બરા આનલને પાર્લરમાં લઇ ગઇ અને આનલની હેરસ્ટાઇલ પાશ્વાત ઢબની કરી નાખવા એણે લેડી હેરકટરને સૂચના આપી. આનલની આઇબ્રોને પણ વિશિષ્ટ વળાંક આપી તેના ચહેરાને બ્લીચ કરી ફેસિયલ દ્વારા ચમકાવી દેવાયો. ઘેર પાછા આવી બાર્બરાએ પોતાના વોર્ડરોબમાંથી એક સુંદર મજાનો બ્લૂ રંગનો સિલ્કી ડ્રેસ બહાર કાઢયો. બાર્બરાએ આનલને કહ્યું, ‘આનલ ! તારી સાડી ઉતારી નાખ અને મારો ડ્રેસ પહેરી લે. તને બરાબર થઇ રહેશે.’

આનલે બાર્બરાનું મીડી-ફ્રોક પહેરી લીધું.

‘મેગ્નિ ફિસન્ટ’: બાર્બરાથી બોલાઇ જવાયું : અદ્ભુત ! આનલ. તું ખરેખર સુંદર લાગે છે.

આનલ તો સાવ બદલાઇ જ ગઇ. એ રૂપાળી તો હતી જ. પરંતુ હતું તે વેસ્ટર્ન લેડીના સ્વાંગમાં ખરેખર સ્વરૂપવાન લાગતી હતી. આનલ થોડી શરમાતી હતી. થોડોક સંકોચ અનુભવતી હતી. પરંતુ બાર્બરાની આ બધી ગડમથલને તે થોડીક પામી શકી હતી. થોડુંક ના પણ સમજી શકી. એક અમેરિકન યુવતી એક ભારતીય સ્ત્રી માટે આટલું બધું શા માટે કરે ? વળી સ્ત્રી સહજ ઇર્ષા બાજુએ મૂકીને બાર્બરા પોતાને આ ઘરમાંથી દૂર કરવાને બદલે સાંજે વિક્રમ ઘેર આવે ત્યારે પોતાને આ નવા જ સ્વાંગમાં તે પેશ કરવા માગતી હતી. એટલું તો તે સમજી ગઇ હતી. ભારતમાં જ લોકોના ચારિત્ર્ય ઊંચા છે ને અમેરિકાના લોકો બધા ચારિત્ર્યહીન છે એવો દંભી ભારતીય ખ્યાલ અહીં ખોટો પડી રહ્યો હતો. સાંજ પડતાં પહેલા બાર્બરા નજીકના ફલોરિસ્ટની શોપમાં જઇ ફૂલનો ગુચ્છો લઇ આવી અને બેઉ વિક્રમના આવવાનો ઇંતેજાર કરવા લાગ્યાં.

સાંજ ઢળી ગઇ.

પરંતુ અમેરિકામાં સંધ્યા જેવી કોઈ ચીજ નથી. બલ્કે કોઇએ ભાગ્યે જ બાલ્કનીમાં બેઠા બેઠા નમી રહેલા સૂરજને નિહાળ્યો છે. ગગનચુંબી મકાનો પર ચમકતી રોશની રાત પડવા જ દેતી નથી. રાજમાર્ગો પર દોડતી હજારો મોટરકારોના તેજ લિસોટાઓ આંખોને આંજી નાખે છે. એવા જ રાજમાર્ગ પરથી ફંટાયેલી એક કાર રેસિડન્શિયલ એરિયામાં પ્રવેશી. કાર પાર્ક કરીને વિક્રમ રોજની જેમ ઝડપથી પગથિયાં ઔચડી પોતાના ઘરના ડોરબેલનું બટન દબાવી રહ્યો.

થોડીક જ વારમાં બારણું ખૂલ્યું. એક અજાણ્યો પણ સ્વરૂપવાન ચહેરો સ્મિત વેરી રહ્યો હતો. હાથમાં ફૂલોનો ગુચ્છો હતો. વિક્રમ સહેજ વિચારમાં પડી ગયો. સ્તબ્ધ બની બાર્બરા કરતાં પણ વધુ રૂપાળી લાગતી આ સ્વરૂપવાન યુવતીને તાકી રહ્યો. એણે વિનયપૂર્વક પૂછયું: ‘આપ કોણ છો ?’

‘મને ના ઓળખી, વિક્રમ ! હું તમારી ભારતીય પત્ની આનલ :’ કહેતા આનલે ફૂલોનો ગુચ્છ ધર્યો.

અને વિક્રમ ચમકી ગયો.

ઘડીભર તો એને લાગ્યું કે એ મૂર્છિત થઇ જશે. પોતાની આગળ પોતાના જ ઘરમાં આનલ આ રીતે આવીને ઊભી રહેશે એ વાત માનવા તૈયાર નહોતો. અને આનલ આટલી રૂપાળી! વિક્રમના ચહેરા પરનું તેજ ઘડીકવારમાં ઝંખવાઇ ગયું. બાર્બરા તો ઘરમાં જ હતી. તે ઝંખવાણો પડી ગયો. વાતચીત કરવા માટે તે શબ્દો શોધતો હતો.

બાર્બરાએ એને મદદ કરી : ‘વિક્રમ !આ આનલ તારી પત્ની છે. જો આ રહ્યું તમારા લગ્નનું સર્ટિફિકેટ.’

‘પણ બાર્બરા…?’ વિક્રમ કાંઇક બોલવા જતો હતો પણ એ બોલી શક્યો નહીં. કાપો તો લોહી પણ ના નીકળે એવી એની દશા હતી.

વિક્રમ વધુ મૂંઝવણમાં ના મુકાય એટલે તે ઊભી થઇ. એણે શૂટકેસ તૈયાર જ રાખી હતી. શૂટકેસ હાથમાં પકડીને એણે ચાલવા માંડયું.

વિક્રમે પૂછયું: ‘કયાં જાય છે, બાર્બરા ?’

‘કયાંક… પણ હવે એ પ્રશ્ન તારો નથી. મારો છે. હું કયાં જાઉં છું એ તારે જોવાનું નથી. હું તો જાઉં છું બસ તારી પરનો સાચો અધિકાર આનલનો છે. એને દુઃખી ના કરતો. ને મારી શોધ પણ ના કરીશ.’

બસ એટલું બોલીને બાર્બરા ઘરની બહાર નીકળી ગઇ. થોડીક જ વારમાં ટોયેટો કારનો ઘુરકાટ પણ બંધ થયો. વિક્રમ બારણામાંથી પાછો ફર્યો.

એ ભાંગી પડયો હતો. પણ આનલે એને સંભાળી લીધો. વિક્રમના ગળામાં હાથ પરોવીને બોલીઃ ‘વિક્રમ ! જે કાંઇ થવાનું હતું તે થઇ ગયું. મને જે કાંઇ વીત્યું તે હું ભૂલી જવા તૈયાર છું. મને તો મોડે મોડેય મારો પતિ મળ્યો ને… બસ. મને હવે સંતોષ છે. મારો પુરુષાર્થ સફળ થયો એનો મને આનંદ છે. હું બાર્બરા જેવી જ બનીને તારી સાથે રહીશ. બાર્બરાની જેમ જ તને સાચવીશ. વિક્રમ ! ઔતું મને તારી સાથે રાખીશ ને !’

વિક્રમ ભાવવિભોર બની ગયો હતો. એની આંખોમાં પૃાતાપના આંસુ ઊભરાતા હતા. આનલ એના ગળે વળગી આંસુ લૂછી આપતી હતી. અને વિક્રમે આનલના માથે એના સુંદર કાળા વાળમાં હાથનાં આંગળા પરોવી દીધાં. આનલ એને બાઝી રહી. પછી તો આનલ અને વિક્રમે પોતાનો રૂડો સંસાર નવેસરથી શરૂ કર્યો. ઇતિહાસને ભૂલી જઇને એક નવા ઇતિહાસનું સર્જન કરવા એકમેકના થઇને રહ્યા.

મોડે મોડે પણ શરૂ થયેલા એમના સુખી દામ્પત્યના પરિપાક રૂપે આનલની કૂખે એક દીકરી અવતરી. આનલને સુંદર કેશ હતા. નાનકડી દીકરી પણ નાનકડી આનલ જેવી જ લાગતી હતી. એટલે બેઉએ મળીને એનું નામ પણ સુકેશી એવું રાખ્યું. પણ કુદરતની ક્રૂરતા તો જુઓ સુકેશી ૧૪ વર્ષની થઇ ને એક દિવસ સ્કૂલેથી ઘેર જ ના આવી. આનલ અને વિક્રમ બહાવરા બની ગયા. તેમણે ઠેર ઠેર તપાસ કરી પણ સુકેશી કયાંય ના જડી. ભારે તપાસને અંતે એટલી ખબર પડી કે તે કોઇ અમેરિકન છોકરા સાથે ભાગી ગઇ છે.

આનલ અને વિક્રમ ફરી ભાંગી પડયા. વિક્રમને તો સુકેશી ખૂબ જ વહાલી હતી. વિક્રમ ગમે તેટલો મોડો આવે તે સુકેશી સાથે વાતો ના કરે ત્યાં સુધી સુકેશી ઊંઘતી નહીં. સુકેશી માટે ઢગલા બંધ તે ડ્રેસીસ ખરીદી લાવતો. તે આટલી મોટી થઇ તોયે જાતજાતની ચોકલેટો ખરીદી લાવતો.

આનલના વિક્રમ સાથે લગ્ન ૧૯૯૦માં થયા હતા. ૧૯૯૭માં આનલે અમેરિકા જઇ વિક્રમને શોધી કાઢયો હતો. વિક્રમ આનલના જીવનમાંથી બાર્બરા કાયમ માટે કયાંક ચાલી ગઇ. ૧૯૯૮માં આનલે પુત્રી સુકેશીનો જન્મ આપ્યો. તે ૧૪ વર્ષની થઇ ત્યારે જ ઘર છોડી ભાગી ગઇ હતી. એ વાતને વર્ષો થયાં. પરંતુ ઘણાં વર્ષો બાદ શિકાગોથી બહેન રેખાનો ફરી પત્ર આવ્યો. તેણે લખ્યું હતું: ‘જેમનું જીવન માંડ થાળે પડયું હતું તેવા વિક્રમ-આનલને જે ખૂબ જ પ્રિય હતી એવી પુત્રી અચાનક ચાલી ગઇ. વિક્રમ માટે અસહ્ય હતું. ત્યારે શોધખોળ બાદ આજ સુધી સુકેશીનો પત્તો લાગ્યો નથી. આ વાતને પણ વર્ષો વીત્યા. પરંતુ વિક્રમ હજી યે કોક દિવસ સુકેશીનો ફોન કે પત્ર આવશે એની રાહ જોઇને બેઠો છે. કદાચ આ જ વાત એ વર્ષો પહેલાં સમજ્યો હોત કે કોઇ વખત તેની પત્ની આનલ પણ અમદાવાદમાં બેઠી બેઠી કોઇના પત્રની રાહ જોતી બેઠી હતી. એક વખત આનલ કોઈની રાહ જોતી હતી આજે વિક્રમ પુત્રીની રાહ જુએ છે. બાર્બરા કયાં છે તેની કોઇને ખબર નથી. સુકેશી કયાં છે તેની કોઇને ખબર નથી. સુકેશીની યાદમાં તે એકલો બાથરૂમમાં જઇ ચૂપચાપ રડી લે છે. સુકેશી જ્યાં પણ હશે ત્યાં તે હવે ૨૦ વર્ષની થઇ જ ગઇ હશે ને ?

પત્ર અહીં પૂરો થાય છે.

જીવનમાં ઉતાર-ચઢાવ અને સુખ-દુખ આવતા જ હોય છે. એનું નામ જ જીવન છે.

[સંપૂર્ણ ]

 

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

Be Sociable, Share!