Close

શિક્ષક ‘કપાત પગારે’ રજા મૂકીને યુદ્ધ ભૂમિ પર ગયા

કભી કભી | Comments Off on શિક્ષક ‘કપાત પગારે’ રજા મૂકીને યુદ્ધ ભૂમિ પર ગયા

સંઘર્ષ વિના કાંઇ જ પ્રાપ્ત થતું નથી.

આ એક એવા મુઠ્ઠી ઊંચેરા માણસની કહાણી છે જેને વારસામાં કોઇ અઢળક સંપત્તિ મળી નહોતી. પિતાની જમીન પણ ગીરો મૂકેલી હતી છતાં ખેતી કરતાં કરતાં અભ્યાસ કર્યો. માઇલો સુધી ચાલીને સ્કૂલમાં ભણવા જવું પડયું. શિક્ષક બન્યા. યુદ્ધ વખતે સરહદ પર જઇ ઘાયલ સૈનિકોની સેવા કરી. રાષ્ટ્રપતિશ્રી દ્વારા સન્માન મળ્યું.

એ વ્યક્તિનું નામ છે ડો. માનસિંહભાઈ ચૌધરી.

શીખવા માટે કે કામ કરવા માટે કોઇ ઉંમર હોતી નથી. રવીન્દ્રનાથ ટાગોરે ૭૦ વર્ષની વયે ચિત્રકામ શીખવાની શરૂઆત કરી હતી. મોરારજીભાઈ દેસાઇ ૮૨ વર્ષની વયે વડા પ્રધાન બન્યા હતા અને દેશ સરસ રીતે ચલાવ્યો હતો. વેદ વ્યાસ મહારાજે વૃદ્ધાવસ્થામાં જ ‘મહાભારત’ ગ્રંથસ્થ કર્યું હતું.

ડો. માનસિંહભાઈ ચૌધરીનું જીવન પણ કાંઇક આવું જ છે. ૮૦ વર્ષની વયની નજીક પહોંચેલા ડો. માનસિંહભાઇ ચૌધરી એક કમર્શિલ માનવી છે. તેઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીમાં દર્શાવેલા કર્મના સિદ્ધાંતમાં માને છે. પરિણામની તેમને ચિંતા નથી છતાં ઇશ્વર કૃપાથી સુંદર પરિણામ પાછળ પાછળ દોડતું આવે છે. ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ ટીચર્સ ફેડરેશનના ભીષ્મ પિતામહ તરીકે આખું ગુજરાત તેમને ઓળખે છે. તેમના હૈયે શિક્ષકોનું અને શિક્ષણનું હિત સચવાયેલું છે. શિક્ષકો અને શિક્ષણ જગતની સમસ્યાઓ માટે તેઓ વર્ષોથી ઝઝુમતા આવ્યા છે. તેઓ હંમેશાં કહે છે : ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા.’

વર્ષોથી તેઓ શિક્ષકોના પ્રશ્નો અંગે સરકાર સાથે ધર્મયુદ્ધ ખેલતા આવ્યા છે. તેમનામાં ગજબની ધીરજ છે, ધૈર્ય છે, સહિષ્ણુતા છે. અનેક સન્માનોની વણજાર પ્રાપ્ત કરનાર ડો. માનસિંહભાઈ ચૌધરીના પૂર્વજોએ પણ કેવો સંઘર્ષ કરેલો છે તે જાણવા જેવું છે. તેમના દાદાનું નામ ગુલાબભાઈ વિરમભાઇ. ચિત્રોડા ગામના તેઓ વતની, ગામમાં કાશી વિશ્વનાથ મંદિરના મહંત શ્રી લાલગીરીજી મહારાજના સેવક હતા. એ મંદિર આજે ‘લાલગીરીજી આશ્રમ’ તરીકે ઓળખાય છે. મહંત મહાન વિદ્વાન અને તેજસ્વી સંત હતા. સામાજિક રીતે ગુલાબભાઈના લગ્ન અશક્ય હતા. સાટા પદ્ધતિના રિવાજના કારણે આ મુશ્કેલી હતી, સંતની સેવાના કારણે લાલગીરીજી મહારાજે રાજસ્થાનના એક સોની કે જેઓ ચિત્રોડામાં રહેતા હતા, તેમને ભલામણ કરી. એ ભલામણના આધારે ઉદેપુર વિસ્તારના બિછુબાડા વિસ્તારની એક ચૌધરી કન્યા ચિત્રોડા લાવી સંતે ગુલાબભાઈના લગ્ન કરાવ્યા. તેમનાથી એક પુત્ર થયો જેસીંગભાઇ. તેમના પુત્ર માનસિંહભાઈ.

એ સમયે અમદાવાદમાં મિલો શરૂ થઇ હતી. માનસિંહભાઇના પિતાએ ધોરણ ૫ સુધી અભ્યાસ કર્યો હતો. ચિત્રોડાથી ૧૦૦ કિલો મીટર પગે ચાલીને તેઓ નોકરી શોધવા અમદાવાદ આવ્યા હતા.

ત્રણ દિવસ અમદાવાદ રોકાયા. નોકરી ના મળી. વરસાદ થતાં ફરી ચાલીને ચિત્રોડા પાછા આવ્યા. ૨૦ વીઘા જમીન ગીરો મૂકી હતી. તેમાંથી માત્ર બે વીઘા જમીન છોડાવી. ખેતી શરૂ કરી પુત્રને ભણાવ્યો. પુત્ર માનસિંહ પણ ભણતાં ભણતાં પિતાનું ખેતીકામમાં મદદ કરવા લાગ્યો. દસ કિલોમીટર ચાલીને મહેસાણા ભણવા જવાનું શરૂ કર્યું. તે પછી કેટલાંક કારણોસર સ્કૂલ બદલી ચિત્રોડાથી ૧૬ કિલોમીટર ચાલીને વિસનગરની આદર્શ વિદ્યાલયમાં ભણવાનું શરૂ કર્યું. બાળ માનસિંહ એક દિવસ પણ સ્કૂલે પહોંચવામાં મોડો પડે નહીં.

દરમિયાન માતાને વાઘબારસના દિવસે ખેતરમાં કાળોતરો સાપ કરડયો. માનું મૃત્યુ નીપજ્યું. માની વિદાય સહન થઇ નહીં, બાર દિવસ ગાયો ને ભેંસોને ખેતરમાં રહીને જ સાચવ્યાં. બારમાં દિવસે ધાર્મિક વિધિ વખતે ખબર પડી કે તેમના પત્ની તેમના ઘેર છે. માના શોકમાં એક વર્ષ સુધી મીઠાઇ, ઘી, દૂધ ખાધાં નહીં. ભગવાનનો દીવો કર્યો નહીં, માનસિંહના ભગવાનને એક જ પ્રશ્ન હતો : ‘મારી માને કેમ લઇ લીધી ?’

ભણવાનું બંધ કરી દીધું. નાની બહેનને ભણાવવાનું અને પિતાને ખેતીકામમાં મદદ કરવાનું શરૂ કર્યું. પિતા કોસ હાંકતા હતા. પુત્ર ક્યારામાં પાણી વાળતો હતો. એ વખતે એક શિક્ષકે આવી નાનકડા કિશોરને ફરી ભણવાનું ચાલુ કરવા સલાહ આપી. એસએસસીનું ફોર્મ ભરવા પૈસા નહોતા. શિક્ષકે ફીના પૈસા આપ્યા. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ તેમના રૂમમાં રહેવા માનસિંહને ના પાડી, તેમણે કહ્યું : ‘તું પાસ થઈ શકીશ નહીં, અમારા રૂમનું પરિણામ બગડે.’

વિદ્યાર્થીએ એ પડકાર સ્વીકારી લીધો, એ જ રૂમમાં રહ્યો. બગીચામાં જઈ વાંચવાનું શરૂ કર્યું. દિવસ રાત મહેનત કરી. ભણતર અકદરું છોડી દીધું હોવા છતાં ભારે પરિશ્રમના કારણે એસ.એસ.સી.ની પરીક્ષામાં ૬૦ ટકા માર્કસ આવ્યા. બીજી અનેક તકલીફો સાથે આગળ ભણવાનું ચાલુ રાખ્યું. અમદાવાદ સી.એન. વ્યા.વિ.ભવનમાં સી.પી.એડ્.માં પ્રવેશ મળ્યો. સી.એન.ના આચાર્ય ઝીણાભાઈ દેસાઇ (સ્નેહરશ્મિ)ના પરિચયથી કાવ્યો લખવાની પ્રેરણા મળી.

૧૯૬૨માં વડગામની એક સ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકેની નોકરી મળી અને બસ અહીંથી જ શરૂ થઇ ઉજ્જવળ કારકિર્દીની શરૂઆત. એ દિવસોમાં ચીને ભારત પર આક્રમણ કરી દીધું. દેશ આખો ભયભીત હતો. એ વખતે યુદ્ધમાં જે યુવાનોએ એનસીસી કર્યું હોય તેવા યુવાનોની સરહદ પર જરૂર છે તેવી જાહેરાત વાંચી. માનસિંહભાઇએ બોર્ડર પર જવા આચાર્યની પરવાનગી માંગી. આચાર્યે રજા ના આપી. માત્ર ૨૩ વર્ષની વયે વ્યાયામ શિક્ષક માનસિંહભાઈ ચૌધરી ‘લીવ વિધાઉટ પે’ પર રજા મૂકી. ઘાયલ સૈનિકોની સેવા માટે અરુણાચલ જવા રવાના થઇ ગયા. ઘાયલ સૈનિકોની સારવાર કરી. આદિવાસી વિસ્તારોમાં જઇ ઘાયલ સૈનિકો માટે લોહી એકત્ર કર્યું. યુદ્ધ વિરામ થતાં તેઓ સ્કૂલમાં પાછા ફર્યા.

વડગામ પરત આવ્યા બાદ સરહદ પર સૈનિકોની સારવારની શ્રેષ્ઠ કામગીરી બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અભિનંદન પત્ર મળ્યો. ગુજરાત રાજ્યના પહેલા રાજ્યપાલ શ્રી મહેંદી નવાઝ જંગ દ્વારા તેમને સન્માનનું પ્રશસ્તિપત્ર મળ્યું.

એ પછી સવારે નિઃશુલ્ક વ્યાયામ શાળા શરૂ કરી. તે પછી પણ ભણવાનું ચાલુ રાખ્યું. સી.પી.એડ્. કર્યું, બી.એ. કર્યું. વ્યાયામમાં ડી.પી.એડ્, કર્યું. એમ.એ. કર્યું. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ગાંધીદર્શન પર કામ કર્યું. સ્કાઉટને જીવનનો હેતુ બનાવી દીધો. વિશ્વના ૧૭ જેટલા દેશોમાં ભારતના સ્કાઉટ લીડર તરીકે જવાની તક મળી. ૧૧ દેશોમાંથી તેમને સર્વોચ્ચ એવોર્ડ મળ્યો.

૧૯૮૯માં રાજ્ય અને ૧૯૯૧માં રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ મળ્યો. તે પછી સ્કાઉટના ત્રણ અને બીજા ત્રણ એમ કુલ સાત રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિશ્રી દ્વારા મળ્યા.

નોકરી, ગામની સેવા, સ્કાઉટ ગાઇડ, રમતગમતની પ્રવૃત્તિની સાથે ખેતીકામ ચાલુ રાખ્યું. સ્કાઉટગાઇડ તરીકે તેમની આગવી અને વિશિષ્ટ ઓળખ છે. સ્કાઉટિંગ ક્ષેત્રે છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી તેઓ જિલ્લાથી માંડીને વિશ્વ સ્તરે નિઃશુલ્ક સેવાઓ આપી રહ્યા છે. સ્કાઉટિંગ ક્ષેત્રે તેમણે દેશનું નેતૃત્વ કરી ભારતને ગૌરવ અપાવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે સ્કાઉટિંગ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ઠ ફાળાની નોંધ લઇને ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીના હસ્તે ‘લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ’ પણ અપાયો.

ઉંમર વધવાની સાથે ઘણા લોકો નિરાશા અને હતાશામાં ડૂબી જતા હોય છે. ઘણાંને સંસાર અસાર લાગે છે. કેટલાક વૈરાગ્યના નામે કામ ના કરવાની વૃત્તિ ધરાવતા થઇ જતા હોય છે. ‘બસ ભાઇ, હવે બહુ કર્યું. હવે ભગવાનનું નામ લેવા દો’- કહીને બનાવટી નિવૃત્તિ ધારણ કરતા હોય છે પરંતુ માનસિંહભાઈ ચૌધરીએ ૭૭ વર્ષની વયે પીએચ.ડી. કર્યું. પીએચ.ડી. કર્યા બાદ માનસિંહભાઈ ચૌધરી હવે ડો. માનસિંહભાઈ ચૌધરી થયા.

ડો. માનસિંહભાઈ ચૌધરી આજીવન વિદ્યા ઉપાસક છે. તેઓ યુદ્ધના સાક્ષી છે. શિક્ષણના બદલાતા પ્રવાહોના સાક્ષી છે. તેઓ પરિશ્રમી છે, શરીરથી ખડતલ અને મનથી મક્કમ મહામાનવ છે. શિક્ષકોના પ્રશ્નો માટે જિંદગીભર સંઘર્ષ કરતા રહ્યા છે. ૮૦ વર્ષની વયે પણ યુવાનને શરમાવે તેવા કમર્શિલ છે. દરેક ઉંમરનો એક રોલ હોય છે અને ડો. માનસિંહભાઈ ચૌધરી સ્કાઉટિંગ અને શિક્ષણ ક્ષેત્રની પ્રવૃત્તિમાં કાર્યરત રહીને એક શ્રેષ્ઠ રોલ આજે પણ ભજવતા હોય છે. તેમનું જીવન અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે. તેમણે આખું જીવન સમાજ માટે શિક્ષકો માટે સ્કાઉટિંગ માટે અને રાષ્ટ્ર માટે સર્મિપત કરી દીધું છે. તેઓ અનેકના રાહબર છે.

  • દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!