Close

શું તું એકલી જ સ્વરૂપવાન છે? જગતમાં બીજાં ઘણા પુષ્પો છે

કભી કભી | Comments Off on શું તું એકલી જ સ્વરૂપવાન છે? જગતમાં બીજાં ઘણા પુષ્પો છે
વિભાવરી એક અધ્યાપિકા છે.
એક સુપ્રસિદ્ધ કૉલેજમાં હિન્દી ભણાવે છે. બિનગુજરાતી હોવા છતાં સુંદર ગુજરાતી બોલે છે. એટલું જ સરસ લખે છે. ગદ્ય અને પદ્ય બેઉ પર તેમની પક્કડ છે. કવિતાઓ અને શાયરી પણ લખે છે. તે એમનો નિજી શોખ છે.
એક મુશાયરામાં વિભાવરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં મોટે ભાગે બહુ જાણીતા નહીં એવા એમેચ્યોર કવિઓ હતાં. તેમાં વિભાવરી એકમાત્ર કવયિત્રી હાજર હતાં. તેમણે સ્વરચિત કવિતાઓનું પઠન કર્યું. તેમાં મનના આંતરભાવની સુંદર અને સરળ છતાં હૃદયંગમ રજૂઆત હતી. જીવનમાં એકાંત પણ એક સહારો છે એવી ફિલસૂફ્ી અભિવ્યક્ત કરી હતી.
મુશાયરો ખતમ થયા બાદ એક યુવતી કવિયત્રી વિભાવરીને મળવા આવી. એણે કહ્યું ઃ ‘મેડમ ! મારું નામ કાવ્યા છે. મને તમારી કવિતાઓ બહુ જ ગમી. હું પણ કવિતાઓ લખું છું. હું કદીક તમારા ઘેર આવી શકું ?’
 વિભાવરીએ હા પાડી.
અગાઉથી નક્કી કર્યા બાદ કાવ્યા વિભાવરીના ઘેર પહોંચી.
કાવ્યાએ જોયું તો વિભાવરી તેનાથી સહેજ મોટા હોવા છતાં સુંદર લાગતાં હતાં. આંખોમાં ઊંડાણ હતું. ચહેરા પર દુઃખના દબાયેલા ભાવ છતાં ગૌરવશાળી લાગતાં હતાં. કાવ્યાએ પૂછયું ઃ ‘તમે કવયિત્રી કેમ બન્યાં ? તમારા જીવન વિશે હું જાણી શકું ?’
વિભાવરી કાવ્યા સામે જોઈ રહ્યાં.
કાવ્યા બોલી ઃ ‘મને તમારી નાની બહેન જ સમજો. હું એમ.એ. કરી રહી છું. કવિતા કેમ પ્રગટ થાય છે અને તેને લેખક કે લેખિકાના અંગત જીવન સાથે શું સંબંધ છે તે હું જાણવા માગું છું. મને કહોને પ્લીઝ !’
વિભાવરીને આત્મીયતા લાગતાં કહ્યું ઃ તો સાંભળ કાવ્યા… હું વિભાવરી દેસાઈ બની તે પહેલાં વિભાવરી શર્મા હતી. હું ઉત્તરપ્રદેશની છું. મારા પિતા અહીં નોકરી કરતા હતા. હું અહીં જ ભણતી હતી. હું કૉલેજમાં હતી ત્યારે નિકુંજ સાથે મારો પરિચય થયો. તે સુરતનો હતો. હું બ્રાહ્મણ અને નિકુંજ વણિક, સમયાંતરે અમારી દોસ્તી વધુ પ્રગાઢ બની. અમે બેઉએ માતા – પિતાની સંમતિથી લગ્ન કર્યાં. લગ્ન બાદ નિકુંજ બેંકની નોકરીમાં ગયા અને મને અધ્યાપકની નોકરી મળી ગઈ. અમારી વચ્ચે સુંદર સંસાર ચાલવા લાગ્યો. નિકુંજ વધુ રૂપાળા છે. બોલવામાં ફસ્ટ છે. મિત્રો બનાવવામાં માહેર છે.  લગ્નના બે એક વર્ષ બાદ તેમનામાં બદલાવ આવ્યો. પહેલાં તો રોજ સાંજે ૬.૩૦ વાગ્યે ઘેર આવી જતાં ધીમેધીમે રાત્રે ૯ વાગ્યા પછી ઘેર આવવા લાગ્યા. હું પૂછતી તો ગમે તે કારણ બતાવી દેતા.
પહેલાં તો દર શનિ કે રવિવારે સાંજે અમે બહાર જમવા જતાં. ધીમે ધીમે તેમણે એ પણ બંધ કરી દીધું.
 મેં પૂછયું ઃ ‘આમ કેમ?’
 તો તેઓ કોઈ જવાબ આપતા નહીં.
એક વાર રાત્રે મોડેથી પાછા આવ્યા તે એમનાં વસ્ત્રોમાંથી પરફ્યૂમની સુગંધ આવતી હતી. તેઓ ઘરમાં પરફ્યૂમ રાખતા જ નહોતા. મેં પૂછયું ઃ ‘આ પરફ્યૂમની સુગંધ કોની છે ? ‘
‘તું ખોટા સવાલો ના પૂછ. એક મિત્રે લગાવી આપ્યું.’ એટલું જ બોલ્યા હતા.
તેઓ કદી દારૂ પીતાં નહોતા. એક રાત્રે ખૂબ મોડા આવ્યા. તેમના મોંમાંથી શરાબની વાસ આવતી હતી. મેં પૂછયું ઃ ‘તમે ડ્રિંક્સ લીધું છે?’
‘એક મિત્રની બર્થડે પાર્ટી હતી. તું સૂઈ જા પ્લીઝ !’  કહીને પડખું ફ્ેરવીને તેઓ સૂઈ ગયા.
મને લાગ્યું કે, કાંઈક ગરબડ છે. મેં ઘણી વાર તેમને પૂછયું ઃ ‘મારામાંથી રસ તમને કેમ ઊડી ગયો ? હું શું યુવાન નથી? રૂપાળી નથી? બુદ્ધિશાળી નથી? ‘
 તો એમણે જવાબ આપ્યો હતો ઃ ‘તું શું એકલી જ સ્વરૂપવાન છે ? આ જગતમાં ઘણાં ઉપવન છે, ઘણાં પુષ્પો છે.’
‘તો શું તમને બીજા કોઈ ઉપવનનાં પુષ્પમાં રસ છે ?’
નિકુંજે જવાબ આપ્યો હતો ઃ ‘બીજું ફૂલ ગમે એનો અર્થ એ નથી કે તું મને ગમતી નથી.’
મને ધ્રાસકો પડયો.
મને ખ્યાલ આવી ગયો કે, ‘મારા નિકુંજ પહેલાંનાં નિકુંજ નથી. મારા નિકુંજ મારી એકલીના નિકુંજ નથી.’
 અને પછી તો એ બદલાતા જ ગયા. મારી સાથેની વાતચીત પણ એમણે ઓછી કરી નાખી. માત્ર એક યંત્રવત્ જીવન જીવતા હતા. એક છત નીચે રહેતા હોવા છતાં અમે જોેજનો દૂર હતાં. મારી કેટલીક સખીઓએ મને ફેન કરીને કહ્યુંઃ ‘નિકુંજને અમે કોઈ છોકરી સાથે રેસ્ટો૨ામાં જોયા હતા.
એક દિવસ મેં પૂછી જ નાખ્યું ઃ ‘તમે કોઈની સાથે રેસ્ટોરાંમાં ગયા હતા ?’
‘હું રેસ્ટોરાંમાં જાઉં કે હૉટેલમાં- તારે મને કાંઈ પૂછવાનું નહીં. ‘ નિકુંજે જવાબ આપ્યો.
 હું રડી પડી.
એક દિવસ તેઓ બાથરૂમમાં હતા. તેમના મોબાઇલની ઘંટડી વાગતી હતી. પાંચ મિનિટમાં પાંચ વખત મિસકોલ આવ્યા. મને લાગ્યું કે કોઈનો અરજન્ટ ફેન હશે. છઠ્ઠી વખતે રિંગ વાગી ત્યારે મેં ફોન જોયો તો મોબાઈલના સ્ક્રીન પર ‘અનુરાધા’નું નામ આવતું હતું. મેં ફોન ત્યાં જ રહેવા દીધો. તેને રિસીવ ના કર્યો.
નિકુંજ બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે મેં કહ્યું ઃ ‘કોઈ અનુરાધાના છ વાર મિસકોલ આવ્યા છે.’
‘તેં ફેન જોયો જ કેમ?’
કહેતા તેમણે ફેન છુટ્ટો મારા તરફ્ ફેંક્યો.
હું ચૂપચાપ મારા બેડરૂમમાં ચાલી ગઈ. એ દિવસ કૉલેજ પર પણ ન ગઈ. આખો દિવસ રડતી રહી. હું ઉત્તરપ્રદેશની છું. મારાં માતા – પિતા પણ હવે રહ્યાં નહોતાં. અહીં મારું કોઈ જ નહોતું. મારે એકલીએ જ દુઃખ સહન કરવાનું હતું. હું કૉલેજમાં બરાબર ભણાવી શકતી નહોતી. મેં ડાયરી લખવાની શરૂઆત કરી. કદીક કવિતાની બે – ચાર પંક્તિઓ લખી. મેં હૃદયની વેદનાને ઉલેચવા કોશિશ કરી.
એક રાત્રે મેં એને પૂછી જ નાખ્યું ઃ ‘તમને અનુરાધા ગમે છે ?’
‘અંધારામાં તેઓ અવળા ફ્રીને સૂઈ ગયા હતા. તેઓ બોલ્યા ઃ’હા…’
‘અનુરાધાને તમે ગમો છો ?’
‘હા.’
‘ તમારો સંબંધ માત્ર લાગણીનો જ છે કે પછી તેથી આગળ ? ‘ મેં પૂછયું હતું.
એમણે કહ્યું ઃ ‘અમારી વચ્ચે હવે કોઈ જ મર્યાદા રહી નથી.’
‘તો મારી સાથે લગ્ન શા માટે કર્યું?
એમણે જવાબ આપ્યો ઃ ‘એ વખતે આપણી ઉંમર કાચી હતી.’
‘તો હવે શું કરવા માગે છે ?’ મેં પૂછયું હતું.
‘હું અનુરાધાને આપણા ઘરમાં લાવવા માગું છું.’ નિકુંજ બોલ્યા હતા.
‘અનુરાધા કોણ છે ? ‘
‘મારી સાથે બેંકમાં નોકરી કરે છે.’
‘તે આપણા ઘરમાં આવવા તૈયાર છે? ‘
‘હા.’
મેં સ્પષ્ટ કહી દીધું ઃ ‘એ શક્ય નથી. તમને હું ન ગમતી હોઉં અને તમને એક ભ્રમરની જેમ ઊડવું હોય તો તમે ઊડી શકો છો. હું આ ઘર છોડી દઈશ. હું તમારી સામે કોઈ ફ્રિયાદ નહીં કરું. કોઈ જ દાવો નહીં કરું. હું એટલું તો કમાઉં છું કે હું એકલી રહી શકીશ. મારા પપ્પાનો ફ્લેટ તેમણે મારા નામે જ કરેલો છે. તમે તમારા આશિયાનામાં રહો. અનુરાધા સાથે સુખેથી રહ્યો. મને વાંધો નથી. મારે બાળકો પણ જોઈતાં નથી. કૉલેજનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ મારાં સંતાનો છે. ‘
‘ઘર છોડતાં પહેલાં વિચાર કરી લે, વિભાવરી.’  નિકુંજ બોલ્યા ઃ ‘તું મારી અને અનુરાધા સાથે રહી શકે છે.’
‘દેેખો નિકુંજ ! હું કાન્યકુબ્જ બ્રાહ્મણ પુત્રી છું. એક જમાનામાં આ દેશના રાજાઓ કાન્યકુબ્જ બ્રાહ્મણોને જ દીવાન બનાવતા હતા. હું એક ગૌરવવંતા કુળની દીકરી છું. મને મારું આત્મસન્માન પ્યારું છે. હું મારા પગ પર જીવી શકીશ. આત્મહત્યા કરું એવી કાયર નથી. તમારે જયારે પણ અનુરાધાને ઘરમાં લાવવી હોય ત્યારે લાવી શકો છો.’ મેં સ્પષ્ટપણે કહી દીધું.
‘તને આટલો બધો અહંકાર હોય તો કાલે સાંજે અનુરાધાને લઈને જ આવીશ. તું એના સ્વાગતની તૈયારી રાખજે.’  નિકુંજે પણ પોતાનો મક્કમ નિર્ણય સંભળાવી દીધો.
પરંતુ બીજા દિવસે સવારે નિકુંજ બેંક પર ગયા તેની થોડી વાર બાદ જ મેં મારાં વસ્ત્રોની બેગ પેક કરી. હું મારાં પુસ્તકો અને ડાયરી લઈ મારા પપ્પાના ફલેટ પર પહોંચી ગઈ. મારા મમ્મી-પપ્પા તો હવે હતાં નહીં, પરંતુ તેમનું વેલફર્નિશ્ડ ઘર હતું. અહીં આવ્યા બાદ રાતોની રાતો હું રડતી રહી. કોલેજમાં પણ જતી. મારી સુઝી ગયેલી આંખોથી ધાને ખબર પડી જતી કે હું ખૂબ રડીને આવી છું, પરંતુ મારા પ્રિન્સિપાલે મને સાંત્વના આપી. એમણે મને કહ્યું ઃ ‘વિભાવરી ! તું કાંઈક લખ. તારા દુઃખોને તું શબ્દોમાં ઢાળી દે. તું સુંદર રચનાઓ કર. તે એક પ્રકારનું ઊર્ધ્વીકરણ છે.’
અને બીજા જ દિવસેથી મેં મારી વેદનાને શબ્દોમાં ઢાળવા માંડી. રોજ એક કવિતા લખતી. છપાવવા માટે નહીં, મારા અંતરની રૂઝ માટે, બસ, કાવ્યા ! આ છે મારી જિંદગીની વાત. આ વાતને દસ વર્ષ થઈ ગયા. હવે તો હું બધું જ ભૂલી ગઈ છું.’
વિભાવ૨ીની વાત પૂરી થતાં કાવ્યાની આંખમાં આંસુ હતાં.
‘તું કેમ ઇમોશનલ થઈ ગઈ ?’ વિભાવરીએ પૂછયું.
કાવ્યા બોલી ઃ ‘ દીદી, તમે કદી અનુરાધાને જોઈ છે ? ‘
‘ના’
‘તો હવે જોઈ લો. હું કાવ્યા નથી. હું જ અનુરાધા છું, અભાગણી – અનુરાધા.’ અને અનુરાધા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
વિભાવરી મૌન થઈ ગઈ અને થોડી વાર પછી બોલી ઃ ‘પણ તું અહીં મારી પાસે… કેમ ?’
અનુરાધા બોલી ઃ ‘તમને છોડીને નિકુંજે મને રાખી. હવે તેઓ કાશ્મીરા નામની છોકરીના પ્રેમમાં છે. હવે તેઓ મને કાઢી મૂકી કાશ્મીરાને લાવવા માંગે છે. મેં તમને ઘણો અન્યાય કર્યો છે તે આજે મારું દુઃખ જોતાં સમજાય છે. હું તો તમારી માફ્ી માગવા જ આવી છું.’
 વિભાવરીએ એક મોટી બહેન જેવા ભાવથી તેના માથા પર હાથ મૂક્યો. પાણી પીવરાવ્યું અને ધીરજથી સામનો કરવા સલાહ આપી.
પ્રશ્ન હજી વણઉકલ્યો છે.
અનુરાધાએ એક પત્ર દ્વારા તેનો પસ્તાવો મોકલી આપ્યો છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!