Close

સંગસંગ જીવ્યા અને સંગસંગ વિદાય પણ લીધી

કભી કભી | Comments Off on સંગસંગ જીવ્યા અને સંગસંગ વિદાય પણ લીધી

૧૯૬૨ની એ સાલ હતી.

સાબરકાંઠા અને હવે અરવલ્લી જિલ્લાનું એક નાનકડું ગામ- બાયડ. ગામમાં વીજળી નહોતી. નાટક કંપની આવે તો પેટ્રોમેક્સના અજવાળે કે તેમના નાનકડા જનરેટરથી શો ભજવાય. ગામમાં એક સુંદર હાઈસ્કૂલ જેનું નામ એન.એચ.શાહ (સાઠંબાવાળા) હાઈસ્કૂલ. સ્કૂલની નજીકમાં જ એક નવું નવું છાત્રાલય બનેલું. હું એ સ્કૂલમાં એસ.એસ.સી.ના છેલ્લા વર્ષમાં ભણતો હતો. મારા મિત્રો સાથે છાત્રાલયમાં રહેતો હતો. એ દિવસોમાં ગામમાં મહેશકુમાર એન્ડ પાર્ટી આવી હતી. રાત્રે છાત્રાલય બહાર જવાની મનાઈ હતી. અમારા રૂમની બહાર અંધારું હતું. બહાર કડકડતી ઠંડી હતી. ગૃહપતિ રાત્રે છાત્રાલયની લોબીમાં અંધારામાં જ ફરે. એ બારણાની તિરાડમાંથી અંદર ફાનસ બળતું જુએ તો સમજી જાય કે વિદ્યાર્થીઓ વાંચે છે. અમે મિત્રોએ નક્કી કર્યું કે ગૃહપતિને ખબર ના પડે એ રીતે મહેશકુમાર એન્ડ પાર્ટીની મ્યુઝિક પાર્ટીમાં જવું છે. અમે ફાનસ સળગતું રાખી બહારથી બારણું બંધ કરી દીધું. બહાર અંધારું હતું. રાત્રે અમે મહેશકુમાર એન્ડ પાર્ટી જોવા- સાંભળવા જતા રહ્યા. મોડી રાત્રે પાછા આવ્યા ત્યારે ગૃહપતિએ અમારા રૂમના બારણા પર તાળું મારી દીધું હતું. આખી રાત અમે બહાર ઠંડીમાં ઠૂંઠવાતા બેસી રહ્યા. બીજા દિવસે સ્કૂલમાં ગયા ત્યારે સ્કૂલના આચાર્યે અમને પરવાનગી વગર રાત્રે ભાગીને મહેશકુમાર એન્ડ પાર્ટીને જોવા જવા બદલ જાહેરમાં લાફો મારી દીધો. પણ તેનો કોઈ વસવસો નહોતો. મહેશકુમાર એન્ડ પાર્ટીના ગીત-સંગીતનો નશો જ કાંઈ ઓર હતો.

આજે નથી તો મહેશકુમાર કનોડિયા કે નથી નરેશ કનોડિયા. ગુજરાતના ગીત-સંગીત અને ફિલ્મ જગતમાં સતત ૫૦ વર્ષ સુધી ડંકો વગાડીને બંને સંગસંગ જતા રહ્યા. સવારે દૂરદર્શન પર ‘મહાભારત’ જોઈએ તો ભાઈ-ભાઈ વચ્ચેના ખતરનાક ઝઘડા અને લોહિયાળ યુદ્ધ જોવા મળે અને આજના કળિયુગમાં બે સગા ભાઈઓ સાથે જ જીવ્યા, સાથે જ કારકિર્દી બનાવી અને બે દિવસના અંતરે જ સંગસંગ સ્વર્ગે સિધાવ્યા.

એક જ માના જણ્યા બે સગાભાઈએ સાથે જ મોટા થયા, સાથે જ ઉછર્યા, સાથે જ કારકિર્દી શરૂ કરી, સાથે જ નામના પામ્યા અને કરોડો લોકોને મંત્રમુગ્ધ કરી સાથે જ આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. આ એક હૃદયંગમ ઘટના તરીકે વર્ષો સુધી લોકોને યાદ રહેશે. એક ઇન્ટરવ્યૂમાં નરેશ કનોડિયાએ કહ્યું હતું કે અમે ભલે અલગ અલગ સમયે જન્મ્યા હોઈએ પણ અમે એકબીજાથી એટલા જોડાયેલા છીએ કે મહેશભાઈને શરદી થાય તો મને પણ થાય. એમનું ગળું ખરાબ થાય તો મારું પણ થાય. અમે ક્યારેય અલગ રહી જ ના શકીએ અને આજે વિદાય પણ લગભગ સાથે જ થયા.

મહેશ કનોડિયાએ એક વાર એમની મુલાકાતમાં જણાવેલું કે નરેશભાઈ મારો આત્મા છે. મને જો તાવ આવે તો નરેશભાઈને તાવ આવે છે. મને કંઈ થાય તો એની પીડા નરેશભાઈને થાય છે. એ વાતમાં કેટલું તથ્ય હતું એ નરેશભાઈએ પુરવાર કરી બતાવ્યું. બસ બે દિવસના અંતરાલ બાદ નરેશભાઈ મહેશભાઈની સંગાથે ચાલી નીકળ્યા.

મહેશભાઈએ એમના સંસ્મરણને વાગોળતા કહેલું કે મને સંગીતમાં ખૂબ રસ હતો એટલે ગામમાં એક શિક્ષકના ઘેર રેડિયો હતો એ છાનોમાનો સાંભળવા જતો. કોઈ જોઈ જાય તો રેડિયો પણ મને સાંભળવા ન દે…

નરેશભાઈએ કહેલું કે હું બૂટ પોલિસ કરતો. સવારે લોકોએ ઊલ ઉતારીને ફેંકી દીધેલા દાતણ ભેગા કરી એને સાફ કરી ચૂલામાં બળતણ તરીકે વાપરીએ ત્યારે અમારી ચા બનતી.

ખૂબ જ ગરીબીમાંથી આ બે ભાઈઓ સમૃદ્ધિના શિખર પર પહોંચેલા. એમણે પ્રસિદ્ધિ અને સમૃદ્ધિ પચાવી હતી.

લાખો પ્રશંસકોના દિલ પર રાજ કરનાર ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું કોરોનાથી નિધન થયું. યુ.એન. મહેતા હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા છે.

નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં ૧૨૫થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને એમ કેળ, જોડે રહેજો રાદ,પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવિયો, વટ-વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી છે.

મહેશ કનોડિયા એક અદ્ભુત કૌશલ્યના માલિક હતા. તેમનો સ્વર સ્વયં એક બાયોલોજિકલ વંડર હતો. એક જ ગળામાંથી તેઓ ૪૦ પ્રકારના અવાજ કાઢી શકતા હતા. લતા મંગેશકરના અવાજમાં લતાજીના જ ગીતો ગાઈ તેમણે શ્રોતાઓને જ નહીં પરંતુ ખુદ લતા મંગેશકરને પણ ચકિત કરી દીધાં હતા. મહેશ કનોડિયાનો જન્મ તા.૨૭ જાન્યુઆરીના રોજ મહેસાણા નજીકના કનોડા ગામે થયો હતો. તેમણે ગીત-સંગીત ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી તે પછી કદીયે પાછું વળીને જોયું નહોતું. છેક છેલ્લી ઘડી સુધી લોકોના હૃદય પર રાજ કરતા રહ્યા. પુરુષ અને સ્ત્રી એ બંનેના અવાજમાં ગાઈ શકતા. છેલ્લા પાંચ-દાયકા દરમિયાન હજારો શો કર્યા. સેંકડો ફિલ્મોમાં યોગદાન આપ્યું. તેમના ફિલ્મ સંગીતની યાદી લાંબી છે. જેમાં વેલીને આવ્યા ફૂલ, જિગર અને અમી, તાનારીરી, તમે રે ચંપો અમે કેળ, વણઝારી વાવ, ભાથીજી મહારાજ, ઢોલા મારુ, જોડે રહેજો રાજ, સાજણ તારાં સંભારણા વગેરેનો સમાવેશ થાય છે. તેમણે લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મોહંમદ રફી, મન્નાડે, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, કવિતા કૃષ્ણમૂર્તિ અને શબ્બીરકુમાર જેવા મોટા કદના કલાકારો સાથે કામ કર્યું.

મહેશ-નરેશની જોડી આજના યુગની રામ-લક્ષ્મણની જોડી હતી. એ બંને ભાઈઓનો એકબીજા માટેનો પ્રેમ રામાયણના બે આદર્શ પાત્રોની યાદ અપાવે છે. બંને ભાઈઓએ પરિશ્રમ કરવામાં કશું જ બાકી રાખ્યું નહોતું. તેમને વારસામાં બોલિવૂડના કપૂર ફેમિલી કે કરણ જોહર જેવાંઓનો કોઈ લાભ મળ્યો નહોતો. જીવનની શરૂઆત ગલીઓમાં અને મહોલ્લાઓમાં ગીતો ગાઈને કરી. તે પછી સ્ટેજ શો શરૂ કર્યાં. એ જમાનામાં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી જેવા અનેક દિગ્ગજોનો ડંકો હતો. કોઈ હાથ પકડનાર નહોતું. છતાં કારકિર્દીની કાતિલ સ્પર્ધામાં ટકી રહ્યા. સંઘર્ષ કર્યો અને સફળતા પણ મેળવી. અને મહેનત પણ કેવી ? એક મહિનામાં ૩૦ જેટલા સ્ટેજ શો કરવાના. દિવસે ફિલ્મનું શૂટિંગ કરવાનું, સંગીત આપવાનું ડબિંગ કરવાનું અને માઈલો દૂર જઈ સ્ટેજ શો કરવાના. રાત્રે કારમાં જ જમી લેવાનું અને સવારે સ્ટુડિયોમાં શૂટિંગ માટે હાજર થઈ જવાનું. જીવન પર્યંત એક ક્ષણ માટે પણ તેમણે આરામ કર્યો નથી.

બંને ભાઈઓનું બચપણ ગરીબીમાં અને અભાવો વચ્ચે ગુર્જ્યું. ના તો અન્ય કલાકારોની જેમ તેમને કોઈએ તલવાર બાજી શીખવી કે ના તો કોઈએ ઘોડેસવારી શીખવી. ના કોઈ મોટી સંગીતસંસ્થામાં તાલીમ મળી છતાં સુંદર પરિણામો હાંસલ કર્યાં. કઠોર પરિશ્રમ, સંઘર્ષ અને ધીરજ જ કામ આવી ગઈ. પ્રચંડ સફળતા પછી સફળતાનો કોઈ નશો તેમના દિમાગ પર ચડયો નહીં. એની જ એ જ નમ્રતા અને એની એજ શાલીનતા. બંને ભાઈઓએ ગરીબી સાથે જોઈ સંઘર્ષ પણ સાથે કર્યો, સફળતા પણ સાથે જ જોઈ અને વિદાય પણ સાથે જ લીધી. ગુજરાતના ફિલ્મ અને ગીત-સંગીતની દુનિયાની આ એક અલૌકિક અને અદ્વિતીય ઘટના તરીકે સુવર્ણઅક્ષરે લખાશે. આ જ બે ભાઈઓ મહારાષ્ટ્ર, પિૃમ બંગાળ કે ઇન્દોરમાં જન્મ્યા હોત તો ત્યાંની પ્રજાએ અને સમાજે તેમને અભૂતપૂર્વ સન્માન આપ્યું હોત.

આ સંગીતકાર બેલડીએ ગુજરાતના ગીત-સંગીત અને ફિલ્મ જગતનો એક શ્રેષ્ઠ અધ્યાય બની રહેશે. બંને ભાઈઓ હવે આપણી વચ્ચે નથી પરંતુ તેઓ આપણા સૌના હૃદયમાં હંમેશાં ચિરંજીવ રહેશે.

Be Sociable, Share!