Close

સત્ય અને સૌંદર્ય માટે જીવું છું અને એના માટે મરું પણ ખરો

કભી કભી | Comments Off on સત્ય અને સૌંદર્ય માટે જીવું છું અને એના માટે મરું પણ ખરો

તા.૩૦મી જાન્યુઆરીએ ગાંધીજીની પુણ્યતિથિ છે.

વિશ્વ વિખ્યાત વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈને ગાંધીજી વિશે કહ્યું હતું : ‘સંભવ છે કે આવનારી પેઢીના કદાચ માન્યામાં નહીં આવે કે આવો કોઈ માનવી સદેહે આ પૃથ્વી પર અવતર્યો હતો !

ગાંધીજીને નોબેલ પ્રાઈઝ ના મળ્યું પરંતુ આલ્બર્ટ આઈનસ્ટાઈનના આ શબ્દો બાપુને નોબેલ પ્રાઈઝના હક્કદાર ના ગણનારા સંર્કીણ લોકોનો ચહેરા પર તમાચો હતો. બાપુ નોબેલ પ્રાઈઝ, કરતાં વધુ મહાન હતા.

ગાંધીજી માટે પંડિત જવાહરલાલ નહેરુએ લખ્યું હતું : ‘સુકલકડી દેહના આ નાના શા માનવીમાં કશુંક એવું પોલાદી કશુંક એવું અડીખમ રહેલું છે, જે ચાહે તેવા ભૌતિક સામર્થ્યને પણ વશ થતું નથી. અને એવી કશી યે છાપ ના પાડે એવો દેખાવ, ખુલ્લું શરીર અને લંગોટી છતાં એનામાં એવી ઉદાત્તતા અને સર્વશાસક્તા રહેલી છે જે બીજાઓ માટે વંદનીય બની જાય છે. બાપુ ભારતનો પ્રાણ છે.’

સુપ્રસિદ્ધ વિદ્વાન એફ.આર. મોરેસે લખ્યું છે કે ‘ગાંધીજીના જીવન કાર્યને આવતી પેઢીઓ જ્યારે મૂલવવા બેસશે ત્યારે રાજકીય નેતા કરતાં માનવપ્રેમી તરીકેનું એમનું મૂલ્ય કદાચ ઊંચું આંકે એવું બને. લોકો માટે ગાંધીજીએ સમાજ કલ્યાણના બે ધોરણો પિૃમ પાસેથી અપનાવ્યાં છે. એક તો ન્યાય ભાવના અને બીજી સ્વાતંત્ર્ય ભાવના. ન્યાય ભાવના એટલે એમને મન દલિતો અને પીડિતોના ઉદ્ધાર માટે જીવન સમર્પણ. હિંદુ ધર્મનું કલંક ધોવા માટે જ એમણે અસ્પૃશ્યતા નિવારણની પ્રવૃત્તિ ઉપાડી. સ્વાતંત્ર્યનો પણ તેમણે એવો જ મૌલિક અર્થ કર્યો : માત્ર અધિકારો ભોગવવા તે જ નહીં પરંતુ ફરજ, કર્તવ્ય આચરવું એને ગાંધીજીએ સ્વાતંત્ર્યતા કહી છે. ગાંધીજીના શબ્દકોશમાં સ્વદેશાભિમાન તે લોકસેવાનો પર્યાંય છે.

વર્ષો પહેલાં ગાંધીજીએ લખ્યું હતું : ‘ધર્મ વિનાનું રાજકારણ હું કલ્પી શકતો નથી.’

એફ. આર. મોરેસ આ સંદર્ભમાં લખે છે કે પિૃમના ધોરણોમાં ઉછરેલા લોકોને ગાંધીજીનું આ વિધાન ચોંકાવનારું લાગે, પણ ગાંધીજી રાજકારણને જુદું ના સમજે કારણ કે એમના માટે ધર્મ અને રાજકારણનો ઉદ્ભવ માનવસેવાના આદર્શમાંથી થયેલો છે. એમના મતે રાજકારણી નેતા અને ધર્મ આચરનાર ભક્ત માનવ કલ્યાણ માટે મથનારા એક જ પ્રકારના માણસો છે.

ગાંધીજીના મત પ્રમાણે તેઓ સાંપ્રદાયિક રાજનીતિ નહીં પરંતુ માનવકલ્યાણના ધર્મ આધારિત રાજનીતિમાં માનતા હતા.

ગાંધીજી સ્વયં જીસસ ક્રાઈસ્ટના જીવન અને અહિંસાના સિદ્ધાંતનું સમર્થન કરતા હતા. બાપુના ધર્મપત્ની કસ્તુરબા ગુજરી ગયા તે પછી તેમને અંત્યેષ્ઠિ વખતે મીરાંબહેને ગાંધીજીને પ્રિય Lead kindly light’-એ ખ્રિસ્તી ભજન ગાયું હતું ! ગાંધીજીએ કુઆર્નનો પણ અભ્યાસ કર્યો હતો. ઈસ્લામના ભાતૃભાવ અને તેમજ કડક સાદગીના આદર્શનું વારંવાર તેમણે સન્માન જાહેર કર્યું હતું. પોતાને ચુસ્ત સનાતની હિંદુ તરીકે ઓળખાવનાર ગાંધીજી ધર્મને નૈતિક બળ સમજતા હતા. તેમાં સાંપ્રદાયિક શ્રદ્ધા કરતાં ઘણો ઊંડો મર્મ સમાયેલો છે. બીજા બધા જ ધર્મોનો તેઓ આદર કરતા હતા.

આઝાદીના સંગ્રામ વખતે ૧૯૨૨માં તેમની પર પહેલી વાર કેસ ચાલ્યો ત્યારે એમણે દિલ હચમચાવી દે તેવું ભાષણ કર્યું હતું. તેઓ બોલ્યા હતા : ‘અડધી ભૂખી રહેતી ગામડાંની ગરીબ પ્રજા ધીમે ધીમે કેવી રીતે મરી રહી છે તેની શહેરમાં રહેનારાઓને કશી ખબર જ નથી. જાતને અને બીજાઓને છેતરવા ગમે તેટલા દલીલો કરીએ કે આંકડાઓના દાવપેચ રમીએ, નરી આંખે દેખાતાં ગામડાંના હાડપિંજરોનો પુરાવો ઉડાવી શકાય તેમ નથી. જો માથે ઇશ્વર બેઠો હશે તો ઇતિહાસમાં જેનો જોટો જડવો મુશ્કેલ છે એવી માનવજાત સામેના અપરાધનો ઇંગ્લેન્ડે તથા ભારતના શહેરીજનોએ જવાબ આપવો પડશે.’

બાપુના આ વિધાનના બે દાયકા બાદ બંગાળમાં જે ભયંકર ભૂખમરો પ્રવર્ત્યો તેણે બાપુના આ આક્ષેપની ભાષણ સત્યતા પુરવાર કરી હતી.

આવા ગાંધીજી અને કવિવર રવિન્દ્રનાથ ટાગોર પણ સમકાલીન હતા. તેઓ અવારનવાર એકબીજાને મળતા. એક વખત ગાંધીજીને અંગ્રેજોએ યરવડા જેલમાં પૂરી દીધા. આ અન્યાયીના ચુકાદાનો વિરોધ કરવા આમરણાંત ઉપવાસ કરવાનો નિર્ણય લીધો. તા. ૯મી સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ ગાંધીજીએ રવીન્દ્રનાથ ટાગોરને એક પત્ર લખ્યો :

પ્રિય ગુરુદેવ,

અત્યારે મંગળવારના ત્રણ વાગ્યાને પરોઢ છે. હું બપોરે આપના દ્વારમાં પ્રવેશું છું. જો આપ મને આશીર્વાદ આપી શકતા હોવ તો મારે એની જરૂર છે. તમે મારા સાચા મિત્ર રહ્યા છો. જો તમારું અંતર મારા આ પગલાંને પસંદ કરતું હોય હું તમારા આશીર્વાદ માગું છું. એ મને ટકાવી રાખશે.

લી. મો.ક. ગાંધી.

મજાની વાત એ છે કે આ પત્ર મોકલાય તે પહેલાં કવિવર ટાગોરનો તાર ગાંધીજીના હાથમાં મૂકવામાં આવ્યો જેમાં લખ્યું હતું : ‘ભારતની એકતા અને એની સામાજિક અખંડિતતા ખાતર કીમતી જીવનનું બલિદાન બહેતર છે, અમારાં શોકાતુર હૈયાં તમારી ભવ્ય તપૃર્યાને ભક્તિ અને પ્રેમપૂર્વક અનુસરશે.’

તા. ૨૪મીએ કવિવર પૂના જવાના રવાના થયા. એ વખતે બ્રિટિશ સરકારે નમતું આપ્યું છે અને ગાંધી જીત્યા છે એવા સુખદ સમાચાર મળતાં કવિવર રવીન્દ્રનાથ ટાગોર યરવડા જેલમાં ગાંધીજીની પથારી પાસે ગયા અને પારણા થયાં. એ વખતે કવિવરે ગાંધીજીને પ્રિય એવું ગીત ગાયું :

‘જ્યારે હૃદય સુકાય ને શોષાય ત્યારે હે પ્રભુ ! તું આવજે તુજ વૃષ્ટિ કરુણાથી ભરી દેતો મને !’

૧૯૩૬ના માર્ચમાં દિલ્હીમાં અને ૧૯૩૮ના માર્ચમાં કોલકતામાં આ બંને મહાનુભાવો ફરી મળ્યા, આ બંને પ્રસંગોએ ગાંધી કવિવરની વહારે ધાયા અને વિશ્વભારતની મુશ્કેલીઓ હલ કરવા ગાંધીજીએ કવિવરને ફંડ એકઠું કરી આપ્યું. તેમની આખરી મુલાકાત હતી જે વધુ દર્દભરી અને સુંદરતમ કે ૧૯૪૦માં શાંતિનિકેતનમાં થઈ. તે વખતે કવિવરે ગાંધીજી માટે કહ્યું: ‘ભિખારીના લિબાસમાં છુપાયેલો આ મહાન આત્મા મને મળવા આવ્યો છે !’

થોડા મહિના પછી ટાગોર કોલકાતામાં પથારીવશ હતા, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે ગાંધીજીએ પોતાના રહસ્ય મંત્રી મહાદેવ દેસાઈને મોકલ્યા. મહાદેવ દેસાઈએ ગાંધીજીએ લખેલો પત્ર કવિવરને આપ્યો એ પત્ર લેતાં જ કવિવરના હાથ લાગણીવશ થઈ ધ્રૂજી ઊઠયા અને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. કવિવર દુઃખમાં કદી રડયા નહોતા પરંતુ આજે આનંદમાં રડી પડયા. આ બંને વચ્ચે ઘણા મતભેદો હોવા છતાં બંને વચ્ચે ગજબનો પ્રેમભાવ અને લાગણીનો અતૂટ સંબંધ હતો. કહેવાય છે કે આ બંનેમાંથી એક પણ જો ઓછો મહાન હોત તો તેઓ ઝઘડી પડયા હોત પરંતુ આ બંને વચ્ચેની મિત્રતાને દેશવાસીઓ બંનેની મહત્તાની અમર સાક્ષી તરીકે સંભારી રાખશે.

આ બંનેની લાગણીક્ષમતા અને જીવન પદ્ધતિઓ તીવ્ર રીતે ઊલટી હતી. તેમની પ્રવૃત્તિઓ પણ અલગ હતી. દરેકની પાસે આગવા પ્રશંસકો હતા. તેથી કવિવર ટાગોર અને ગાંધીજી વચ્ચે ગેરસમજ થવી સહેલી હતી પરંતુ તેઓએ તેમ ના કર્યું એ તેમની મહાનતાનું પ્રમાણ હતું.

હવે તો કવિવર પણ નથી અને ગાંધીજી પણ નથી. ટાગોર પોતાના શબ્દબ્રહ્મમાં અને ગાંધીજી લોકહૃદયમાં જીવે છે. ગાંધીજીના વિચારો કદી યે આઉટ ડેટ નહીં થાય.

ગાંધીજીએ કહ્યું હતું : ‘સત્ય અને સૌંદર્ય હું ઝંખું છું, એના માટે જીવું છું, અને એ ખાતર મરું પણ ખરો.’

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!