Close

સરદારની પુણ્યતિથિ ઃ સરદાર સાહેબ અને પુત્રી મણિબહેન પટેલ :મારા પિતાને ગરીબોના સ્મશાનગૃહમાં જ અગ્નિદાહ આપો

કભી કભી | Comments Off on સરદારની પુણ્યતિથિ ઃ સરદાર સાહેબ અને પુત્રી મણિબહેન પટેલ :મારા પિતાને ગરીબોના સ્મશાનગૃહમાં જ અગ્નિદાહ આપો
તા.૧૫મી ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. આ સંદર્ભમાં સરદાર સાહેબના જીવનની અને તેમના પુત્રી મણિબહેન પટેલની કેટલીક વાતો અહીં પ્રસ્તુત છે.
સરદારનાં પુત્રી મણિબહેન પટેલના અવસાનને વર્ષો થઈ ગયાં. છેલ્લે છેલ્લે ભદ્રમાં આવેલા સરદાર કોંગ્રેસ ભવનના પગથિયા ચડતાં ઘણાએ જોેયા હશે. આ દેશ જેમને કદી ભૂલી શકે તેમ નથી તેવા ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનાં પુત્રી રિક્ષામાં બેસી કોંગ્રેસ ભવન આવતા. ના ઠાઠ, ના મોભો, ના દેખાડો. એમાયે રિક્ષાવાળો બીડી પીવે તો એમને ગમે નહીં. મણિબહેન પાસે પોતાનું કોઈ જ વાહન નહોતું. મણિબહેન એટલે મધ્યમ કદનાં, દુબળાં, પાતળાં, હંમેશાં સફેદ ખાદીના લૂગડાં તે પણ સારી પેઠે ઊંચો પહેરેલો સાડલો અને કોણી સુધી બાંયવાળું પોલકું. જ્યારે જુઓ ત્યારે એ જ પહેરવેશ.
પાટીદારની કન્યા વયસ્ક થાય એટલે તેને પરણાવી દેવાની જ ચિંતા થાય, પરંતુ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વ્યસ્ત એવા વિધુર પિતાની હાલત જોેઈ તેમની સેવા માટે મણિબહેને બાપુના આશીર્વાદ લઈ લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. આ તેમને પ્રથમ શ્રોષ્ઠ ત્યાગ હતો. મણિબહેન ગૂજરાત વિદ્યાપીઠના પ્રથમ સ્ત્રી સ્નાતક હતાં. એ જમાનામાં સ્ત્રીઓ જ્યારે પછાત હતી ત્યારે મણિબહેન સાઇકલ ચલાવે તો તે નવી વાત ગણાતી. લોકો તેમની મજાક ઉડાવે પણ મણિબહેનને કોઈની પરવા નહોતી.
મણિબહેને પિતાના પડછાયો બનીને રહેવાનું નક્કી કર્યું. તે પછી તેમના નોકર-ચાકરથી માડીને અંગત સચિવ સુધીની બધી જ કામગીરી મણિબહેન કરતાં હતાં. સરદાર સાહેબ શરૂ શરૂમાં તો સવારની પ્રાતઃક્રિયાઓ પતાવી સવાર-સાંજ ચાલવા જતા. કોઇવાર ૧૫.૨૦ કિલોમીટર ચાલી નાંખે. હાડપિંજર જેવા શરીર સાથે મણિબહેન પણ પાછળ દોડતાં હોય.
રોજ સવારે સરદાર સાહેબ સ્નાનાગારમાં સ્નાન કરતાં હોય તો મણિબહેન બાથરૂમની બહાર રેંટિયો કાંતવા બેસી રહે. મણિબહેનની એક આંખ રેંટિયો પર હોય તો બીજી આંખ બાથરૂમના દરવાજા પર. અંદરથી પાણીનો ખળખળ અવાજ કે ખાંસવાનો અવાજ આવે તે બધાનો સંકેત મણિબહેન પાસે હોય, પિતા શરીર પર પાણી ઉડાડી રહ્યા છે કે મોં ધોઇ રહ્યા છે તે બધું જ મણિબહેનને બહાર બેઠાં બેઠાં ખબર પડી જતું. સરદાર સાહેબ બાથરૂમમાંથી બહાર નીકળે એટલે મણિબહેની રેંટિયો બંધ. આઝાદી મળી તે પછી અને સરદાર સાહેબ નાયબ વડાપ્રધાન બન્યા તે પછી પણ મણિબહેન જ તેમના પુત્રી, ચાકર, મંત્રી, ધોબી અને અંગરક્ષક.
સરદાર સાહેબ સંસદભવનમાં કેબિનેટની મિટિંગમાં અંદર જાય તો મણિબહેન બેસી રહે. કોઈનીયેે ઓફિસમાં જઈ તડાકા મારવાની કે ચા-નાસ્તા કરવાથી તેઓ જોેજનો દૂર. તેઓ જાતે રેટિયો ચલાવે. તેમાંથી સરદાર સાહેબના ધોતિયા તૈયાર થાય. ફાટે તો સાંધી આપે અને છેવટે તે ધોતિયામાંથી જ પોતાના બ્લાઉઝ સિવડાવે.
નાયબ વડા પ્રધાનના નાતે સરદાર સાહેબને દિલ્હીમાં મોટો બંગલો ફાળવવામાં આવ્યો હતો પરંતુ મણિબહેને ખપ પૂરતાં બે-ત્રણ ઓરડા જ ખુલ્લા રાખી બીજા રૂમ બંધ કરાવી દીધા હતા. કારણ આપતાં મણિબહેને કહેલું કે, ‘મારા ઘરમાં નોકર નથી, બધા રૂમની મારે જ સાફસૂફી કરવાની હોય છે. અમારી પાસે વધુ સામાન પણ નથી.’
કહેવાય છે કે બાપુને પણ મણિબહેન અત્યંત પ્રિય હતાં. એમાયે સરદાર સાહેબ અને મણિબહેન એટલે કે પિતા-પુત્રી વચ્ચે એક પ્રકારની નિઃશબ્દ આત્મીયતા હતી. બંનેના માનસ એક જ દિશામાં વિચારવા લાગ્યા હતા. બાપુના લીધેે જ પિતા-પુત્રી વચ્ચે સુસંવાદ સધાયો હતો. સંવાદ વિના જ પિતા-પુત્રી એકબીજાને જાણી લેતાં શીખ્યાં હતા. મણિબહેેન અને સરદાર સાહેબ વચ્ચેનો નિઃશબ્દ સંવાદ એક નોખી જ વાત હતી.
સરદાર સાહેબે પોતાની પુત્રી માટે ફૂટી કોડી કે નાની ઓરડી પણ રાખી નહોતી. સરદાર સાહેબે પુત્રીને કદીયે ટિકિટ આપી નહીં, રહેવા ઘર પણ નહીં.
મણિબહેનને એક જ ચિંતા હતી ઃ ‘કેટલા પ્રેમથી તેઓ મારી સામે વારે મારે જુએ છે ? પોતાના ગયા પાછી મારી દીકરીનું શું થશે તેવી ચિંતાથી તેઓ વ્યથિત થાય તો મારું  કર્યું કરાવ્યુંં ધૂળ થઈ જાય. સરદાર સાહેબ મારી ચિંતા ના કરે એ જ શ્રોષ્ઠ. ખરેખર તો એમની ચિંતા કરવા માટે હું જન્મી છું. એમને ચિંતા કરાવવા માટે નહીં.’
સરદાર સાહેબની તબિયત લથડતી જતી હતી અને ભગવાને જાણે કે મણિબહેનની પ્રાર્થના  સાંભળી હોય તેમ અર્ધબેભાન અવસ્થામાં સરદાર સાહેબ બોલતા હતા ઃ ‘આ કાશ્મીરનું શું થવા બેઠું છે? હૈદરાબાદનું પૂરું થાળે પડવું જોઈએ. ગોવાનું ક્યારે પતશે ?’આવી વાતો સરદાર સાહેબના મોંમાં હતી.’
 ‘મણિનું શું થશે ?’ એવી કોઈ વાત સરદાર સાહેબના હોઠ પર નહોતી.
દિલ્હીમાં સરદાર કામના અતિશય ભારણને કારણે આરામ કરી શકતા નહોતા. ડૉક્ટરે તેમને દવા માટે તેમજ આરામ માટે મુંબઈ જવા સલાહ આપી. તેમને ખ્યાલ આવી ગયો હતો કે હવે મૃત્યું નજીક છે. દિલ્હીથી મુંબઈ રવાના થતાં પહેલાં ઑફિસના અધિકારીઓને બોલાવી કામકાજ અંગે ચર્ચા કરી, સલાહ-સૂચનો કરેલાં, ઉપયોગી માર્ગદર્શન આપેલું. સરદાર સાહેબને વિદાય આપવા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ વિમાનઘરે આવ્યા હતા. સરદાર સાહેબને શુભેચ્છા સાથે ભાવભીની વિદાય આપી. તેઓએ એવી આશા રાખેલી કે સરદાર સાહેબ વહેલી તકે સાજા થઈને રાજધાની દિલ્હી અવશ્ય પાછા ફરશે. સરદાર સાહેબ છેલ્લે તેમની સાથે એટલું જ બોલેલા. એમ કહેવાય છે કે, ‘મારા જવાથી જવાહરલાલને માથે ખૂબ બોજ વધી જશે.’ તા. ૧૨-૧૨-૧૯૫૦ના રોજ તેમને મુંબઈ લાવવામાં આવ્યા. સરદારના શરીરમાં અશક્તિ ખૂબ વધી ગઈ હતી. આખરી દિવસોમાં સરદારને પોતાના મૃત્યુનો અણસાર આવી ગયો હતો. અવારનવાર તેમના મોઢેથી આ પંક્તિઓ સાંભળવા મળતીઃ
‘મંગલ મંદિર ખોલો દયામય
મારી નાડ તારે હાથ હરિ…
જીવન જળ  જયારે સુકાઈ જાય…’
સરદારે છેલ્લી અવસ્થામાં વીણા સાંભળળાની ઇચ્છા વ્યક્ત કરી. મહાન સંગીતકારોને બોલાવી વીણા દ્વારા સંગીત સંભળાવવામાં આવ્યું ગીતાપાઠ પણ ચાલુ હતો. તા.૧૫-૧૨-૧૯૫૦ની સવારે ૯.૩૦ના સમયે ભારત માતાના વીર સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ અંતિમ શ્વાસ લઈ કલ્યાણ માર્ગે સિધાવ્યા. મા ભારતનો એક તેજસ્વી દીપક નહીં, પણ એક દીર્ઘ ઝળહળતી દીપમાળા, ૨૭,૪૩૮ દિવસ પ્રકાશ રેલાવીને ઓલવાઈ ગઈ. દિવસ ૨૭,૪૩૮, વર્ષ ૭૫, ૧ મહિનો અને ૧૫ દિવસ.
પિતા મુંબઈમાં મૃત્યુ પામ્યા ત્યારે મણિબહેન સ્વસ્થ રહ્યાં. વિવેકભાનમાં અડગ રહ્યાં. બિરલા હાઉસમાં મોટી ભીડ થઈ ગઇ. પરંતુ મણિબહેન વ્યવસ્થાપ્રિય હતા. તેઓ સરદાર સાહેબના મૃત શરીર પાસે બેસીને મોટે મોટેથી રડવાને બદલે અંતિમક્રિયાની વ્યવસ્થામાં લાગી ગયાં.
બધાંએ કહ્યું કે ‘સરદાર સાહેબનો અગ્નિદાહ મુંબઇની ચોપાટી પર આપવો જોેઇએ’ ત્યારે મણિબહેન બોલ્યાઃ ‘મારાં દાદીને સોનાપુરના સ્મશાનમાં અગ્નિદાહ અપાયો છે. મુંબઇના પ્રત્યેક ગરીબને સોનાપુરના સ્મશાનમાં અગ્નિદાહ અપાય છે. મારા પિતાનો પણ અગ્નિદાહ સોનાપુરમાં જ અપાશે.’
મણિબહેન અડગ રહ્યાં. અને સરદાર સાહેબની અંત્યેષ્ટિ મુંબઈના સોનાપુરના એક સામાન્ય સ્મશાનમાં કરવામાં આવી. સરદાર સાહેબના અવસાન બાદ પૂરા ચાર દાયકા મણિબહેન જીવ્યાં. અમદાવાદમાં પ્રિતમનગરના અખાડા પાસેના એક સામાન્ય મકાનમાં રહ્યાં.
અને દેશના એક અત્યંત શક્તિશાળી નેતાનાં પુત્રી મણિબહેન પટેલ કોઈ જ મિલકત, જાયદાદ કે સંપત્તિ વગર જ મૃત્યુ પામ્યાં. તેઓ સરદારનાં પુણ્યાંશ હતાં અને પુણ્યાંશરૂપે જ જગતમાં રહ્યા. પિતા વલ્લભભાઈ પટેલે મણિબહેન માટે કહ્યું હતું ઃ ‘આ સંસારના મોજશોખનો ત્યાગ કરી કોઈ દિવસ રંગીન કપડું પણ એણે પહેર્યું નથી ! આવું ઉગ્ર તપ કરનાર કોઈ જ સ્ત્રી હોય છે.’
જ્યારે ગાંધીજીએ મણિબહેન માટે લખ્યું હતું ઃ ‘પિતાની સેવામાં સર્વસ્વ હોમનારી ને તેને ખાતર કુમારિકા જીવન જેને સહજછે એવી હિંદુસ્તાનમાં તો એક મણિને જ હું ઓળખું છું.’

Be Sociable, Share!