Close

સવાયા ગુજરાતી જે દેશ-વિદેશની ૨૮ જેટલી ભાષાઓ જાણે છે !

કભી કભી | Comments Off on સવાયા ગુજરાતી જે દેશ-વિદેશની ૨૮ જેટલી ભાષાઓ જાણે છે !
ચાલો આજે એક પ્રશ્ન પૂછીએઃ ‘તમે વધારેમાં વધારે કેટલી ભાષાઓ જાણો છો?
જવાબ હોઈ શકે છે ઃ ‘બે-ત્રણ, ચાર કે પાંચ’
પરંતુ આજે ગુજરાતમાં જ નડિયાદ ખાતે વસતા મૂળ કેરાલાના વતની અને  ગુજરાતમાં રહેતા સવાયા ગુજરાતીનો પરિચય કરાવવો છે જેઓ દેશ-વિદેશની ૨૮ ભાષાઓ જાણે છે. દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં આ એક જ એવી વ્યક્તિ હશે કે આટલી બધી ભાષાઓ કડકડાટ વાંચી, સમજી અને બોલી શકતી હોય. તેમનું મૂળ વતન કેરાલા. તેમનું મલયાલમ નામ છે. ‘ત્રિવેન્દ્રમ હરિ નામ્બુદ્રીપ્પાડ’ અને ગુજરાતી નામ છે ઃ ‘હેમંત રાવલ.’
૫૭  વર્ષની વયના હેમંત રાવલ ઉર્ફે ત્રિવેન્દ્ર હરિ નામ્બુદ્રીપ્પાડની જીવનકથા તેમના જ શબ્દોમાં વાંચોઃ
”ભારતની પુણ્યભૂમિ-પરશુરામ ક્ષેત્ર અને વિશિષ્ટ સંસ્કૃતિ, કળાચાર, ભાષા, ઉત્સવ- આઘોષ, સંગીતનું ઉચ્ચત્તમ ક્ષેત્ર એવી સાક્ષર ભૂમિ એવી કેરળ ધરતી એ મારું વતન છે. ત્રિવેન્દ્રમના રહેવાસી હોઈ કેરળના રિવાજ મુજબ ત્રિવેન્દ્રમ હરિ ગોપીનાથન્  નામ્બુદ્રીપ્પાડ.  મારા પિતાજી તવાંગ-અરુણાચલપ્રદેશમાં આર્મી ફોર્સમાં સ્ટેશન માસ્ટર હતા. અને મા મંજુલા ગુજરાતી  પ્રશ્નોરા નાગર ધ્રાંગધ્રાના હતા પણ નેવી ફોર્સમાં કોચી-કેરળ મુકામે ટ્રેનિંગ દરમિયાન મારા પિતા સાથે સ્નેહ લગ્ન કરેલા. કેરળમાં બ્રાહ્મણો અને નાયર મેનન, પાણિક્કર, નામ્બિયાર, નમ્બૂદ્રીમાં છોકરાને પરણીને સાસરે જવાનો રિવાજ સામાન્ય છે અને બાળકોમાં માતા તથા પિતાનું નામ અને અટક લખવાની બાબત સર્વ સામાન્ય છે.  આમ મારે પણ એ પ્રથાને સ્વીકારીને મને માતા તરફથી ‘રાવલ’ અટક મળી અને ગુજરાતી નામકરણ હરિ ઉર્ફે હેમન્થન રાખવું પડયું. મારું વતન ત્રિવેન્દ્રમ એટલે કે હાલનું તિરુવનંતપુરમ્ જિલ્લાનું નેયન્દ્રિનકકારા તાલુકાનું છેલ્લું ગામ પારસ્સાલા છે. મારું  પોતાનું અને મારા પિતાનું પૈતૃક મકાન, રબ્બર, તેજાનાના બગીચાઓ પણ ત્યાં છે. ‘
તેઓ કહે છેઃ ‘નામ્બુદ્રી બ્રાહ્મણો સમગ્ર ભારત વર્ષમાં  શુદ્ધ સંસ્કૃત બોલનારા, સંગીતના અજોડ જ્ઞાતાઓ, કેરલીય પરંપરાને દેવસ્થાનમાં હજારો વર્ષોથી જાળવી રાખનારા ગણાય છે. અહીં શંકરાચાર્ય અમારા નામ્બ્રુદ્રી સમાજમાં જન્મેલા જેના કારણે શ્રાી શંકરાચાર્યજીના નિર્વાણસ્થળ કેદારનાથમાં અને બદ્રરીનામમાં, તુંગનાથમાં, નામ્બુદ્રીપ્પાડ પૂજારીઓનો જ હક્ક કાયમનો રહ્યો છે. કેરળમાં તિયા, પુલયા, એળવા, પણિક્કર, મેનન, નાયર, પિપ્ળા, માપ્પિળ્ળા, એળવા, વિશ્વકર્મા જેવી જ્ઞાતિ-સમાજો પણ વસે છે.
મારું કેરળ ખૂબ જ સાક્ષર, સંસ્કૃતિ, કળા, સ્થાપત્ય, જ્ઞાન-વિજ્ઞાન અને પરિવર્તન પ્રેમી છે.
કેરળીય પ્રજા આપને વિશ્વભરના વહીવટીક્ષેત્રમાં, પેરા-મેડિકલ, એવિએશન, નેવીનેશન, રેવન્યૂમાં અચૂક જોવા મળે, કેરળની શાળાઓમાં પ્રારંભમાં જ વાંચન, શ્રાવણ, કથન, લેખન એવા ચાર  મુખ્ય કૌશલ્ય ઉપર ભાર આપવામાં આવે છે. કેરળમાં સ્પેનિશ, જર્મન, ઇટાલિયન, સીરિયન મિશનરીની મોટી વસાહત હોઈ આખા રાજ્યમાં સાક્ષરતાનો દર કેળવણી, જ્ઞાનવૃદ્ધિનો દર ખૂબ ઊંચો છે.
હું પોતે ત્રિવેન્દ્રમની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ભણ્યો હોઈ ફાધર કપનાક, સિસ્ટર મેરી ઓગસ્ટિન આચાર્યપદે હતા. તેમાં વિવિધ ભાષા, જ્ઞાન, વાંચન, કૌશલ્ય, સંગીત પ્રેમને કારણે અને સ્કૂલની વિશાળ લાઈબ્રેરીનોે ખૂબ જ લાભ મળવાથી નાની ઉંમરે જ્ઞાનની ક્ષિતિજો ખૂલી ગઈ. મારું કુટુંબ આર્થિક રીતે સદ્ધર હોઈ અભ્યાસ  કરવામાં વિપુલ સાહિત્ય, ઈતર વાંચનની સામગ્રી પણ વિપુલ  પ્રમાણમાં ઉપલબ્ધ  થતી. પરિણામે કેરલા એસ.એસ.સી. બોર્ડમાં સ્કૂલ-ફર્સ્ટ આવેલ.શાળા તરફથી મારું બહુમાન કરવામાં આવ્યું. મારા મમ્મીના આગ્રહને લીધે મારે સને ૧૯૮૩માં અગિયારમાં ધોરણમાં ગુજરાતના આણંદ ખાતે શાળાની સેકન્ડરી એજ્યુકેશનની શરૂઆત કરવી પડી. સતત ત્રણ માસ સુધી પ્રાઇવેટ ટયૂટર સાથે બેસીને મારે ગુજરાતી શીખવું પડયું. ધો.૧થી ૧૦માં મલયાલમ્ માધ્યમમાંથી  ગુજરાતી માધ્યમ ખૂબ જ અઘરું લાગ્યું. પણ તે સમયે જૂના ખેડા જિલ્લામાં સારું શિક્ષણ આપતી ઇંગ્લિશ માધ્યમ શાળાઓ ન હતી. આમ કરતાં કરતાં બી.કોમ., એલ.એલ.બી. કર્યું ને સાથે સાથે યુ.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારી કરતો રહ્યો. સાથે સાથે દર ત્રણ માસે કેરાલા જઈને ત્યાંની પ્રાઇવેટ કૉલેજમાંથી કંઈક નવું શીખી લેતો.
જે સમયગાળા દરમિયાન હું મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડમ, તુમું, કોડાગું, કોંગણી, બાંગ્લા, જેન્તિયા, અસમિયા, નેપાળી, ઉડિયા, ચાઇનીઝ, મેન્ડેરીન, મલય, ઇન્ડોનેશિયન, જાપાની, જ્યૂઝ, ઇદ્રિશ, ઇટાલિયન, સ્પેનિશ, જર્મન, ફ્રેન્ચ, લેટિન, સ્વાહિલી, સિંધી, મરાઠી, પોર્ટુગીઝ, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓ શીખી ગયો.
સમયનો સંપૂર્ણ ઉપયોગ કેમ કરવો એ મને મારા માતા-પિતા તરફથી શીખવા મળ્યું. મેં મારા જીવનનો એક ધ્યેય બનાવ્યો કે સમાજ, કુટુંબ કે મિત્રમંડળ કે ફાલતું બાબતોમાં સમય પસાર કરવાના બદલે કાંઈક નવું શીખવાના ધ્યેયને જ વળગી રહેવું.
મારો જુદી જુદી ભાષા શીખવાના પ્રેમને કારણે વિવિધ દેશના પેપર્સ, સંગીત, પુસ્તકો, નાણાકીય વ્યવહાર, વહીવટી બાબતોને ખૂબ ઊંડાણપૂર્વક સમજતો થયો. આજે યુનિવર્સિટી ઑફ મિશિગન ડેટ્રોઇટમાં એસોસિએટ ટ્રાન્સલેટર તરીકે કામ કરું છું. મેં એમ.એ. વીથ ઇંગ્લિશ, એમ.એ. વિથ ફ્રેન્ચ, એમ.એ. વિથ મલયાલમ,બી.કોમ. એલ.એલ.એમ. એટલે કાયદામાં પણ માસ્ટરની ડિગ્રી મેળવી છે. ગુજરાતીમાં બી.એ. કર્યું. બી.એડ્. ગુજરાતી ઇંગ્લિશ સાથે કર્યું છે. મને મારી કેરળીય સંસ્કૃતિની હવા અને વાતાવરણની એટલી તીવ્ર અસર છે કે હું સતત વાંચતો જ હોઉં, લખતો જ હોઉં અને કર્ણાટકી સંગીત  સાંભળતો જ હોઉં. નિરામય તંદુરસ્ત જીવન જીવવા માટે વાંચન, સંગીત અને એકાંતમાં ઈશ્વર આરાધના, ખૂબ જ જરૂરી છે.  ગુજરાતનું લોકજીવન અને કેરળનું લોકજીવન બંને વચ્ચે આભ-જમીનનો તફાવત છે. મને આયુર્વેદ પર પણ એટલો જ પ્રેમ છે. અમારા કેરળમાં ખૂબ જ આયુ-ચિકિત્સકો, આયુ ચિકિત્સાનો પ્રચાર-પ્રસાર છે. જેનો લાભ સૌથી વધારે જર્મન પ્રજા ઉઠાવે છે. મલયાલમ સંસ્કૃત અને તમિળનું સંયોજન હોઈ ખૂબ જ મધુર ભાષા છે. સમગ્ર ભારત વર્ષમાં સૌથી વધુ મધુર કંઠવાળી, મધુર લહેકાવાળી ભાષા ત્રિચૂરની મલયાલમ છે.
હું ૧,૨૦૦ પ્રકારની વનસ્પતિ ઓળખી શકું છે. નડિયાદ પાસે એક ગ્રામ્ય વિસ્તારમાં મેં મારું પોતાનું આયુ-કૃષિક્ષેત્ર વિકસાવ્યું છે. જેમાં ગળો, વાસા, અપામાર્ગ, ગોખરુ, અરણી, ગળજીભી, વિકળો, અર્જુન, લોધ્ર જેવી નિર્દોષ વનસ્પતિ રોપી છે. અતિશય વાંચનના શોખને કારણે મારી પાસે ત્રણ મકાન ભરીને ૩ લાખ પુસ્તકો ઉપરાંત મેગેઝિન્સ જેવા કે કુમાર, શારદા, કોડિયું, કવિલોક, ગણિતજ્ઞ, વિજ્ઞાન દર્શન અખંડ આનંદ, નવનીત સમર્પણ જેવાનો પણ વિપુલ અને વિશાળ સંગ્રહ છે.
મલયાલમની સાથે વિશ્વની ૮ ભાષાનું વ્યાકરણ બનાવ્યું છે. જેમાં ક્રિયાપદને પૂર્વગ, પ્રત્યય, અંત્યગ  (જેકકૈટશ્ ૅિીકૈટ) લગાડીને  વાકય રચના બનાવી શકાય.આમ વિવિધ ભાષાઓ ઉપરાંત હું ૬૭ જેટલા દેશોમાં ફરીને આવ્યો છું. ત્યાંની સંસ્કૃતિ, લોક વ્યવહાર, આર્થિક બાબતો, ઉદ્યોગો, લોકજીવન, સંગીત વિશે ખૂબ જ જાણકારી મેળવી છે. મને પોતાને અમારા કેરળના વાંજિત્રો જેવા કે થવિલ, ચેન્ડૂ, રૂદ્રવિણા, નાગ-વિણા, નાગસ્વરમ્, હાર્મોનિયમ, તાળમ્, તબલા વગાડતા પણ આવડે છે. કેરળમાં જિલ્લાવાર બોલી, શબ્દકોશ, સંસ્કૃતિ, ગીત રચના, લોકવ્યવહાર, જુદા જુદા હોઈ ખૂબ જ જિજ્ઞાસાથી જ્ઞાનનું ખેડાણ કરવાની વૃત્તિ જાગે છે. અમો અગ્નિહોમ સતત કરનારા નામ્બુદ્રીપ્પાડ બ્રાહ્મણ હોઈ ખૂબ જ  ઇશ્વરનું આરાધન કરવામાં, અગોચર બાબતો, પરાવિદ્યા, કોઈ કલ્પી ના શકે તેવી વિદ્યાઓમાં અતૂટ વિશ્વાસ રાખીએ છીએ.
આજે પણ એવા સંતો કે સિદ્ધ પુરુષ હોય છે, જે દરરોજની દરરોજ ઘટનાની પૂર્વ જાણકારી તમને આપીને જીવનને તબાહ કરતું અટકાવી શકે. કોર્ટના દાવાદૂવી, શત્રુની શક્યતાથી, ગંભીર બીમારીથી કે મૃત્યુની આગોતરી જાણ કરનાર સંતોથી આ પૃથ્વી પરની ઘણી ઈચ્છિત વસ્તુ કે બાબતો સહજ બનતી હોય છે. એવી જ સહજ બાબત મને મારા સિદ્ધ પુરુષ પરમવંદનીય સોમેશ્વર દેવ નામના સંતથી આ બધુ મળ્યું છે.
મારા ત્રણ પુત્રો અમેરિકા અને પુત્રી ઓસ્ટ્રેલિયા છે. પણ આ સંતની એક જ આજ્ઞાથી બધા એક દિવસે અમે ભેગા થઈને સુંદર કીર્તન કરીએ છીએ. આ લખાણ થકી મારો આપ સૌને સંદેશ છે કે કોઈ પણ કામ કરતાં વિચાર કરજો કે ઈશ્વર બધુ જ  જુવે છે, સાંભળે છે અને અંતે પરિણામ આપે છે. જય જય. ‘
હેમંત રાવલ  ઉર્ફે ત્રિવેન્દ્રમ હરિ નામ્બુદ્રીપ્પાડે  વર્ણવેલી તેમની સરસ્વતી સાધનાની વાત અહીં પૂરી થાય છે.
– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!