આખું નામ ક્રિસ્ટિના લક્ષિતકુમાર સાવલિયા છે. તે ગોંડલની ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણે છે. તે આઠ વર્ષની છે. બચપણથી જ તેને સાપ સાથે દોસ્તી કરવાનો શોખ છે. આવી નાનકડી દીકરીને હાથમાં સાપ સાથે જોવી તે એક આૃર્યજનક ઘટના છે. બાળપણથી જ વિવિધ સ્થળે નીકળતા અવનવા સાપને પકડીને તેને પ્રેમથી રમાડે છે. વિવિધ સર્પોને પણ ક્રિસ્ટિનાની દોસ્તી ગમે છે. ક્રિસ્ટિના સાપથી સહેજ પણ ડરતી નથી. નાનકડી ક્રિસ્ટિનાના હાથમાં સાપ જોઈને લોકો દંગ રહી જાય છે.
ક્રિસ્ટિનાનો જન્મ ૨૬-૭-૨૦૧૪ના રોજ ગોંડલમાં થયો. ક્રિસ્ટિનાના પિતા ગોંડલમાં ડૉક્ટર છે. ક્રિસ્ટિના તેના પિતા, દાદા-દાદી સાથે ગોંડલમાં રહે છે. ગોંડલમાં રહેતી ત્રીજા ધોરણમાં ભણતી ક્રિસ્ટિના ૨ વર્ષની ઉંમરથી જ નાગ/સાપ પકડી શકે છે અને જેમ બાળકો રમકડાથી રમે એમ નાગ/સાપ સાથે રમે છે.
ક્રિસ્ટિનાના પિતા ડૉ. લક્ષિત સાવલિયા કે જેઓ ડેન્ટિસ્ટ છે અને તેમણે સ્નેક રેસ્ક્યૂની તાલીમ લીધેલ છે. જેથી દીકરી ક્રિસ્ટિનાને પણ પ્રાણીઓ પશુ-પક્ષી પ્રત્યે લાગણી અને પ્રેમ છે. પ્રકૃતિ પ્રેમી બ્રિજેશભાઈ પટેલ અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે અને પિતાના માર્ગદર્શનથી ક્રિસ્ટિનાને નાગ/સાપ પ્રત્યે અનેરી લાગણી છે. જેથી ક્રિસ્ટિના માત્ર બે વર્ષની ઉંમરથી જ નાગ/સાપને પકડતી અને રમાડતી થઈ.
ક્રિસ્ટિના ૧૦૦થી વધારે સાપને રેસ્ક્યૂ કરીને પ્રકૃતિમાં છોડી દીધેલ છે અને ૨૦થી વધારે સાપની પ્રજાતિને ઓળખી શકે છે.
આ ઉપરાંત ક્રિસ્ટિના જિલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયન, જિલ્લા કક્ષાની નૃત્ય ચેમ્પિયન પણ રહી ચૂકી છે.
ક્રિસ્ટિનાના પિતાએ સાપ પકડવાની તાલીમ અને પર્વતારોહણની તાલીમ લીધેલી છે અને પિતાને જોઈને દીકરીને પણ બે વર્ષની ઉંમરથી સાપને પકડવાની ઈચ્છાઓ થતી જેથી બીનઝેરી સાપને પકડવા/રમાડવા લાગી. નાનપણથી જ ક્રિસ્ટિના માટે સાપ એ કોઈ જાનવર નહીં પણ એક રમકડું કે મિત્ર જેવું લાગ્યું અને ત્યારબાદ પિતા સાથે ખેતર, જંગલમાં સાપ/નાગ પકડતી અને અભ્યાસ કરતી. સમજણી થતા ક્રિસ્ટિનાને રુચિ લાગવા માંડી.
ક્રિસ્ટિનાના પિતાની ઈચ્છા છે કે ઁીિૅીંર્ર્ઙ્મખ્તૈજં (સરીસૃપ તજ્જ્ઞ) બને.
નાનકડી ક્રિસ્ટિના વિશે વધુ જાણવું હોય તો તેને નજીકની જાણતી વ્યક્તિએ અમે પૂછેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે છે.
સવાલઃ ક્રિસ્ટિના ક્યારથી સાપ પકડે છે?
જવાબઃ ક્રિસ્ટિના દોઢ-બે વર્ષની હતી જ્યારે ચાલતા પણ ન આવડતું ત્યારથી સાપ સાથે રમકડાની જેમ રમે છે.
સવાલઃ નાની ઉંમરથી સાપ પકડવામાં ડર નથી લાગતો?
જવાબઃ ક્રિસ્ટિના જ્યારથી સમજણી થઈ ત્યારથી એ સાપ સાથે રમતી. બાળકોને નાનપણથી જ જે વિચારો, તાલીમ મળે એ બાળક માટે સહજ સામાન્ય વાત છે અને બાળકો નાની ઉંમર(કોરી પાટી)માં જે લખો એ એના માનસમાં છપાઈ જાય. એવી જ રીતે ક્રિસ્ટિના માટે નાગ એ એક સામાન્ય રમકડા જેવો છે એવું જ એના મનમાં છે એટલે સાપને પકડવામાં એને જરા પણ ડર લાગતો નથી.
સવાલઃ સાપ પકડવાની પ્રેરણા ક્યાંથી મળી?
જવાબઃ ક્રિસ્ટિનાના પિતા એ સાપ પકડવાની અને રેસ્ક્યૂ કરવાની તથા પર્વતારોહણની તાલીમ લીધેલ છે જેથી જ્યારે સમય-સંજોગ મળે ત્યારે સાપ રેસ્ક્યૂ કરીને ઘરે લઈ આવતા અને ક્રિસ્ટિનાને સાપ વિશે સમજાવતા. જેથી દીકરી ક્રિસ્ટિનાને પણ સાપ પ્રત્યે રુચિ થવા લાગી અને એક મિત્ર સમાન સાથે રમતા.
સવાલઃ ક્રિસ્ટિનાને સાપ/નાગ વિશે શું માહિતી છે?
જવાબઃ ક્રિસ્ટિના અત્યારે સાપ/નાગ વિશે જાણકારી મેળવતી રહે છે. એને એટલું જ્ઞાન છે કે દુનિયામાં ૪,૦૦૦, ભારતમાં ૩૦૦, ગુજરાતમાં ૫૬ પ્રકારની નાગની પ્રજાતિઓ છે. ગુજરાતમાં ૫૬માંથી ૪ સાપ ઝેરી છે અને બાકીના બિનઝેરી છે અને ઘણાખરાના નામ આવડે છે.
સવાલઃ ક્રિસ્ટિનાની ભવિષ્યની શું ઈચ્છા છે?
જવાબઃ ક્રિસ્ટિનાને એના પિતાની જેમ ડૉક્ટર બનવું છે પણ માણસના નહીં, પશુ-પક્ષી-પ્રાણીના ડૉક્ટર બનવું છે. અને ક્રિસ્ટિનાના પિતાની ઈચ્છા છે કે જો ક્રિસ્ટિના સરીસૃપ પ્રજાતિમાં આવી જ દિલચશ્પી રહે તો એને ઁીિૅીંર્ર્ઙ્મખ્તૈજં (સરીસૃપ તજ્જ્ઞ) બને તો તેમાં આગળ વધવા માટે પરિવાર સાથે છે અને જરૂરી તમામ વ્યવસ્થા થશે.
સવાલઃ સરીસૃપ તજ્જ્ઞ બનવાનું ભવિષ્ય શું છે?
જવાબઃ સામાન્ય રીતે બાળકોને માતા-પિતા એવું કેરિયર-ભવિષ્ય માટે મહેનત કરતા હોય છે કે જેમાં સારી જીવનશૈલીની સાથે સમાજમાં મરતબો અને રૂપિયા મળે. જે સારું છે, પણ રિસર્ચ પ્રમાણે ભારત દેશ સંશોધન, સંરક્ષણ, સંચારણ બાબતે દુનિયામાં ઘણો પાછળ છે અને ભારતમાં પશુ, પક્ષી, પ્રાણી, વનસ્પતિ વગેરેની ઘણી પ્રજાતિ લુપ્ત થતી જાય છે એના માટે કંઈક કરવું અશક્ય જેવું છે. કારણ કે ભારતમાં પશુ, પક્ષી, પ્રાણી, વનસ્પતિ વગેરે માટે એક પણ સંશોધન- સંરક્ષણ- સંચારણ કેન્દ્ર નથી. જો બાળક કંઈક સારું કરે તો સક્ષમ પરિવારે એના બાળકોને જરૂરી માર્ગદર્શન, તાલીમ વગેરે આપવી જોઈએ, જેથી સમાજમાં એક નવો દાખલો બને અને નવી પેઢી પણ આ દિશામાં આગળ વધે છે.
પ્રકૃતિએ પેદા કરેલા દરેક વન્યજીવનું એક આગવું મહત્ત્વ છે. ઈશ્વરે કોઈ પણ ચીજ કારણ વગર પેદા કરી નથી. સર્પ એ માનવી માટે ડર પેદા કરે તેવો જીવ છે. પરંતુ સાપ પણ જ્યાં સુધી તેને છંછેડો નહીં ત્યાં સુધી માનવીને કરડતો નથી. ભગવાન વિષ્ણુ સ્વયં ક્ષીરસાગરમાં શેષનાગ પર માતા લક્ષ્મીજી સાથે બિરાજતા હોય છે. શેષનાગની શય્યામાં બિરાજતા ભગવાન વિષ્ણુ શાંત મુદ્રામાં બિરાજતા દેખાય છે. તેમનું આ શાંત સ્વરૂપ ખરાબ સમયમાં પણ સંયમ અને ધીરજ રાખવા માટે અને મુશ્કેલીઓને નિયંત્રિત રાખવાની પ્રેરણા આપે છે. શેષનાગ પર બિરાજતા ભગવાન વિષ્ણુ જે ક્ષીરસાગરમાં દેખાય છે તે ક્ષીરસાગર સુખનું પ્રતીક છે અને ભગવાન નારાયણનું આ સ્વરૂપ કાળ, દુઃખ, વિપત્તિઓ અને ભયથી મુક્ત થવા માટેની પ્રેરણા આપે છે. ક્ષીરસાગરમાં શેષનાગની શય્યા પર બિરાજતા ભગવાન વિષ્ણુની એ પ્રતિમાને જોઈ આપણે પણ પ્રેરણા લેવી જોઈએ કે, શ્રાી હરિની માફક વિપરીત પરિસ્થિતિઓમાં પણ શાંત, સ્થિર, નિર્ભય અને નિિંૃત થઈને ધર્મનું પાલન કરવું જોઈએ.
હિન્દુ ધર્મમાં દેવોના દેવ મહાદેવ-ભગવાન શંકરના ગળામાં પણ વાસુકી નાગની માળા દેખાય છે. નાગ આમ તો ભયનું પ્રતીક છે પરંતુ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સર્પને મા દૈવીશક્તિ માનવામાં આવે છે અને ભારતીય પુરાણોમાં સર્પ પૌરાણિક કથાઓનો એક હિસ્સો છે. શ્રાાવણ માસમાં નાગપંચમી પણ એક પવિત્ર તહેવાર છે અને નાગની પણ પૂજા કરવામાં આવે છે.
આવા સર્પો સાથે દોસ્તી કરતી નાનકડી દીકરી ક્રિસ્ટિનાને અભિનંદન. અલબત્ત, ક્રિસ્ટિનાને સર્પ પકડતી જોઈ બીજાં બાળકો ઝેરી અને બિનઝેરી સર્પોને ઓળખ્યા વિના તેનું અનુકરણ ના કરે.
(પૂરક માહિતીઃ હરેશ બોરસાણિયા, મતિરાળા, તા. લાઠી.
– દેવેન્દ્ર પટેલ