Close

સિમલાની બરફવર્ષામાં રાત્રે પ્રગટેલું મમતાનું એક ઝરણું

કભી કભી | Comments Off on સિમલાની બરફવર્ષામાં રાત્રે પ્રગટેલું મમતાનું એક ઝરણું

એનું નામ કાલિન્દી છે. કાલિન્દી દિલ્હી-નોઈડામાં રહે છે. એના જીવનનાં  કેટલાંક વર્ષો પૂર્વેની  કહાણી યાદ કરતાં કહે છે : ‘મારા લગ્નને હજી દસ જ દિવસ થયા હતા. અમે બેઉ હનીમૂન મનાવવા સિમલા ગયાં હતાં. મારાં લગ્ન ડિસેમ્બરમાં થયેલા હોવાથી સિમલામાં બર્ફીલી ચાદર છવાઈ ગઈ હતી.  મોસમ મસ્ત મસ્ત હતી. મેં મારી જિંદગીમાં પહેલી જ વાર બરફવર્ષા જોઈ હતી. અવકાશમાંથી વરસતા બરફના ગોળાનું એ ગ્શ્ય મનમોહક હતું.  હું બાલ્કનીમાં ચાલી ગઈ. ઠંડીની પરવા કર્યા વિના કુદરતના નજારાને નિહાળી રહી.

મને બહાર રસ્તા પર જવાનું મન થયું.  હું અને મારા પતિ બર્ફીલા રસ્તા પર કેટલીયે વાર ઘૂમ્યાં. થાકીને હોટેલ પર પાછાં આવ્યા. રૂમમાં જઈ કપડાં બદલ્યાં. ઇન્ટરકોમ પર ચાનો ઓર્ડર આપ્યો. ઠંડીમાં ફરવાના કારણે  મારું માથું દુખવા લાગ્યું હતું. મેં મારા પતિને કહ્યું: ‘મારાથી સહન થતું નથી. મને સેરિડોન લઈ આપોને !’

મારા પતિ તરત જ ફરી વસ્ત્રો બદલી વરસતા બરફમાં કોઈ ડ્રગસ્ટોરની ખોજમાં નીકળી પડયા. હું મારા રૂમમાં બેઠાં બેઠાં તેમની રાહ જોતી હતી. હું એકલી હોઉં ત્યારે ભવિષ્યનાં સપનાં જોતી હોઉં છું. મને બાળકો બહુ જ ગમે છે. હું પણ મારાં ભાવિ બાળકો, તેમનો અભ્યાસ વગેરે બાબતો પર વિચાર કરવામાં ખોવાઈ ગઈ. હું તેમને કેવું ભણાવીશ, પરણાવીશ એવા એવા વિચારો પણ કરવા લાગી.

મેં ચા પી લીધી. હું થાકી ગઈ હતી. પલંગમાં આડી પડી  અને સપનાં જોતાં જોતાં  જ ઝોકું આવી ગયું. અચાનક મારી આંખ ખૂલી તો ખબર પડી કે મારા પતિને બહાર ગયે બે કલાક થઈ ગયા છે. પણ હજી સુધી  હોટેલ પર પાછા આવ્યા નથી. મને ચિંતા થવા લાગી. દવાની દુકાન તો હોટેલની  નજીકમાં જ હતી. તો આટલો બધો સમય કેમ લાગ્યો હશે? મને ગભરાટ થયો. ચિંતા થવા લાગી કે કાંઈક અજુગતું તો બન્યું નહીં હોય ને ? મને ખરાબ ખરાબ વિચારો આવવા લાગ્યા. દિલ્હીથી સિમલા આવવા નીકળ્યા ત્યારે બિલાડી આડી ઊતરી હતી તે પણ મને યાદ આવ્યું.

હું તરત જ નીચે  રિસેપ્શન પર ગઈ સહેજ દૂર દવાની દુકાન ક્યાં છે તેની પૂછપરછ કરી. દોડીને હું બાજુમાં જ આવેલા ડ્રગ સ્ટોર્સ પર ગઈ. ત્યાં જઈને પૂછયું, ‘મારા હસબન્ડ અહીં સેરિડોન લેવા આવ્યા હતા?’

સ્ટોરવાળાએ  કહ્યું, ‘હા… પણ એ તો સેરિડોન લઈને ગયાને દોઢ કલાક થઈ ગયો.’

હું હાંફળીફાંફળી થઈ ગઈ. આસપાસનાં બજારો હું ઘૂમવા લાગી.  ક્યાંયે મારા હસબન્ડ દેખાતા નહોતા. હવે તો ત્રણ કલાક થઈ ગયા. ફરીને પાછી હોટેલ પર આવી ગઈ.

રાત પડી ગઈ.

બહાર સ્ટ્રીટલાઇટો  પ્રજ્વલિત થઈ. હું મારા રૂમનું બારણું ખુલ્લું રાખીને એકીટશે બારણા પર નજર  રાખીને બેસી રહી. મારું હૃદય હવે જોરજોરથી ધબકવા લાગ્યું હતું. સિમલામાં અમારું કોઈ સગુંવહાલું કે મિત્ર નહોતું. મેં હોટેલ મેનેજરને વાત કરી. તે પણ કહેવા લાગ્યો કે, દવા લઈને આવવામાં આટલી વાર લાગવી ના જોઈએ. છતાં એણે મને સાંત્વના આપી : ‘હું છોકરાઓને તપાસ કરવા બહાર મોકલું છું.’

મેં દિલ્હી ફોન કરી જાણ કરવા વિચાર્યું, પણ મને લાગ્યું કે, મારાં સાસરિયાં ગભરાઈ જશે. એટલી વારમાં મારા રૂમના ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. રિસેપ્સનિસ્ટે કહ્યું : ‘મેડમ આપકા ફોન હૈ. નીચે આના પડેગા. દૂસરી લાઇન પર ફોન આયા હૈ. આપ કો નીચે આના પડેગા.’

હું ગભરાઈ ગઈ. મારા પગ પાણી પાણી થઈ ગયા. હું દોડતી નીચે ગઈ. મેં પૂછયું :’કયાંથી ફોન છે?’

રિસેપ્શનિસ્ટે કહ્યું, ‘પુલીસ સ્ટેશન સે ફોન હૈ.’

મારા પગ હવે કામ કરતા નહોતા. મને ખ્યાલ આવી ગયો કે કાંઈ અશુભ બની ગયું છે. મેં ફોનનું રિસીવર ઉપાડયું. કેટલીયે વાર સુધી કોઈ બોલ્યું નહીં. મેં હલો હલો કહેવાનું ચાલું રાખ્યું. રિસેપ્શનિસ્ટને ખ્યાલ આવી ગયો કે કાંઈક  ગરબડ થઈ છે. એણે મારા હાથમાંથી ફોન લઈ લીધો. એ દરમિયાન સામેથી આવેલા ફોન પર રિસેપ્શનિસ્ટ વાત કરવા લાગ્યો. કોઈ ગંભીર વાત હતી. રિસેપ્શનિસ્ટ શાંતિથી વાત સાંભળી રહ્યો. ઇન્સ્પેક્ટર કાંઈક કહી રહ્યો હતો. પૂરી એક મિનિટ સુધી વાત ચાલી. એ સાઠ સેકન્ડસ મારા માટે સાઠ કરોડ વર્ષ જેટલી હતી. હું સમજી ગઈ કે, કોઈ ગંભીર વાત છે. રિસેપ્શનિસ્ટે મને ફોન આપતાં કહ્યું : ‘લિજિયે, આપ બાત કર લો.’

પણ હવે મારામાં હિંમત નહોતી. હું ફરી ફોનનું રિસીવર હાથમાં લઉં તે પહેલાં જ જબરદસ્ત માનસિક તનાવના કારણે  હું બેભાન થઈ ગઈ.

કેટલીક વાર પછી મારી આંખો ખૂલી તો મને ખબર પડી કે હું હોટેલના મારા રૂમમાં હતી. મારા પતિ મારી બાજુમાં જ બેઠેલા હતા. તેમની બાજુમાં હોટેલના મેનેજર અને એક ડોક્ટર પણ ઊભા હતા. મને હોશમાં આવેલી જોઈ તેઓના ચહેરા પર સ્મિત  આવ્યું અને થોડી વારમાં જ તેઓ બહાર નીકળી ગયા.

હું મારા રૂમમાં હું અને મારા પતિ જ હતા. હું  એમને વળગી પડી. અમારાં લગ્નને હજી દસ જ દિવસ થયા હતા, પરંતુ મને દસ જન્મ જેટલો સમય પસાર થઈ ગયો હોય એમ લાગ્યું. હું  એમના ખોળામાં માથું નાંખી રડવા લાગી. તેમનો હાથ મારી પીઠ પર ફરી રહ્યો હતો. પણ હું તો હજી હીબકાં જ ભરી રહી હતી.

અચાનક મારી નજર રૂમના એક ખૂણામાં મૂકેલા એક પારણા તરફ પડી. એ જોઈને હું ચોંકી ગઈ. હું એકદમ બેઠી થઈ ગઈ. સ્વસ્થ થતાં જ હું ઊભી થઈ એ પારણા તરફ ગઈ. મેં જોયું તો અંદર એક નવજાત શિશુ ગરમ કામળીમાં વીંટાળાયેલું હતું. બાળક નીંદર માણી રહ્યું હતું. હું હતપ્રભ બની એ નવજાત શિશુને જોઈ રહી.

મારી જિજ્ઞાસાને પામી જતાં મારા પતિ ઊભા થઈ મારી પાસે આવ્યા. મને પકડીને પલંગમાં બેસાડી. તેઓ સામેની ખુરશીમાં બેઠાં.

એમણે ધીમેથી વાત શરૂ કરી : ‘ હું તારા માટે જ્યારે દવા લેવા નીકળ્યો  ત્યારે બરફવર્ષા અટકી ગઈ હતી. પરંતુ ઠંડા પવનનું જોર વધ્યું હતું. અંધારું  થવા આવ્યું હતું. રસ્તા પણ સૂમસામ થવા લાગ્યા હતા. હું  ડ્રગ સ્ટોર પર ગયો. તારા માટે સેરિડોન લીધી. પાછો હોટેલ તરફ આવવા નીકળ્યો ત્યારે રસ્તા પર મેં નાનકડા બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. હું ચોંકી ગયો.  મેં  ફરી બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. મેં આમતેમ નજર ફેંકી. મારી નજર રસ્તા પર મૂકેલા એક ડસ્ટબિન પર ગઈ. હું ડસ્ટબિન તરફ ગયો. મેં અંદર નજર કરી તો હું ચોંકી ગયો. કચરાપેટીમાં કોઈ તાજું જ જન્મેલું નવજાત શિશુ મૂકી ગયું હતું.  તેની આસપાસ ગરમ કામળી લપેટેલી હતી. મેં તરત જ  નવજાત શિશુને ઉઠાવી લીધુંં. મેં જોયું તો એક નાનકડી બાળકી હતી. બાળકીને હાથમાં  તો મેં લઈ લીધી, પણ હું ગભરાયો. બાળકીનું શરીર ઠંડીના કારણે  સાવ ઠરી ગયું હતું.  હું  સીધો જ એને લઈ નજીકની હોસ્પિટલમાં દોડયો. ડોક્ટરોએ નવજાત શિશુને તપાસી તેને દવા પીવરાવી. અને એક વધુ સારી ગરમ શાલમાં લપેટી આપ્યું. ડોક્ટરોએ મને પોલીસ સ્ટેશન જવા સલાહ આપી. હું બાળકીને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસ ઇન્સ્પેક્ટરને મેં બધી વાત કરી. ઇન્સ્પેક્ટરે કહ્યું : ‘બાળકનો અમે કબજો તો લઈ લઈશું.’ પણ મેં કહ્યું : ‘આ બાળકી પ્રત્યે મને લાગણી થઈ આવી છે તે તમે મને જ આપી ના દો?’ પરંતુ ઇન્સ્પેક્ટરે કહ્યું : ‘બાળક તમને સોંપવું હોય તો  પણ મારે કાનૂની કાર્યવાહી કરવી પડે. કોર્ટમાંથી ઓર્ડર્સ લેવા પડે.’ પરંતુ મેં એ ઝંઝટથી દૂર રહીને વ્યવહારું બનવા વિનંતી કરી. પોલીસ અધિકારીએ માનવીય વલણ દાખવ્યું. એમણે મને પૂછયું : ‘આ બાળકીને તમે ખરેખર ઉછેરશો?’ મેં હા પાડી. એમણે મને કહ્યું : ‘જુઓ, કોઈ આ બાળકીને અનિચ્છનીય  સમજીને ફેંકી ગયું છે, પરંતુ  તમારી લાગણી જોઈ હું તમને સોંપું છું. આખીયે વાત આપણા પૂરતી જ સીમિત રાખું છું. તમે એની હિફાજત કરજો.’ આ બધી કામગીરી પૂરી કરતાં મને ત્રણેક કલાક લાગી ગયા. ‘મને તારામાં શ્રદ્ધા છે કે આ બાળકીને ઉછેરવામાં તું મને મદદ કરીશ.’

હું તરત જ પલંગમાંથી ઊભી થઈ. દોડીને પારણા તરફ ગઈ. મેં પારણામાંથી નવજાત બાળકીને ઉઠાવી લીધી અને મારી છાતી સાથે એને ચાંપી દીધી. મારા શરીરની ગરમાહટથી બાળકીને એક કિલકારી કરી અને ફરી ઊંઘી ગઈ.

એ જાગી ત્યારે મારી અને મારા પતિની દુનિયા  બદલાઈ ગઈ હતી. અમે એ દીકરીનું નામ મમતા પાડયું. આજે મારી દીકરી મમતા હવે ડો. મમતા છે. નોઇડામાં સફળ તબીબોમાં એનું નામ છે. એના બે નાના ભાઈઓ જે મારી કૂખે જન્મ્યા છે, તેમને તે સગા ભાઈઓે કરતાંયે વધુ પ્યાર કરે છે. મમતાના આવ્યા પછી અમારા જીવનમાં ખુશિયાં જ ખુશિયાં છે.’

અને કાલિન્દી તેની વાત પૂરી કરે છે. .

Be Sociable, Share!