Close

સુરભી ક્યાંય સુધી ઍરપોર્ટ પર પતિની રાહ જોતી રહી

કભી કભી | Comments Off on સુરભી ક્યાંય સુધી ઍરપોર્ટ પર પતિની રાહ જોતી રહી
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ. કેટલાંક વર્ષો પહેલાં સુરભિ અને આકાશ કૉલેજમાં એક જ ક્લાસમાં હતાં. સુરભિનું આખું નામ સુરભિ શાહ હતું. તે ગુજરાતી યુવતી હતી. આકાશ જૈન મારવાડી યુવક હતો. કૉલેજમાં તેમને એક ત્રીજો મિત્ર પણ હતો. તેનું નામ ધ્વનિત. આ ત્રણેય પાક્કાં દોસ્ત. કૉલેજમાં ચર્ચાનો વિષય હતો કે, સુરભિ કોને પરણશેઃ આકાશ જૈનને કે ધ્વનિત મહેતાને?  સમયાંતરે નક્કી થઈ ગયું કે, સુરભિ શાયર આકાશ જૈનના જ પ્રેમમાં છે. કૉલેજના રંગમંચ પર ‘રોમિયો અને જુલિયેટ’  નાટક ભજવાયું ત્યારે આકાશ જૈન રોમિયો બન્યો અને સુરભિ જુલિયેટ.
કૉલેજ પૂરી કર્યા બાદ સુરભિ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના ક્ષેત્રમાં ગઈ, જ્યારે આકાશ જૈન કૉમ્પ્યૂટર સોફ્ટવેરના ફ્લ્ડિમાં ગયો. અભ્યાસ પૂરો કર્યા બાદ આકાશ જૈન અને સુરભિ પરણી ગયાં.   લગ્નમાં ધ્વનિત પણ આવ્યો હતો.  તે ખુશ છે કે નાખુશ એ વાત લોકો નક્કી કરી શકતા નહોતા.
લગ્ન બાદ આકાશ જૈનને અમેરિકાના એચ-૧બી વિઝા મળી ગયા. તે થોડા જ સમયમાં પેન્સિલ્વેનિયા પહોંચી ગયા. તેના ગયાના એક વર્ષ બાદ તેની પત્ની તરીકે સુરભિ પણ અમેરિકા પહોંચી ગઈ.
બન્યું એવું કે, એક રાત્રે બે વાગ્યે આકાશના લેન્ડલાઈન નંબર પર કોઈનો ફોન આવ્યો. તે બ્લેન્ક કૉલ હતો. કોઈ સામેથી બોલતું નહોતું. આકાશ વિચારમાં પડી ગયો. સુરભિ આવી તે પહેલાં આ રાતે કોઈનોય ફોન આવ્યો નહોતો. ફરી મધરાતે એક ફોન આવ્યો. આકાશે કહ્યું ઃ ‘સુરભિ મને લાગે છે કે, કોઈ તારી સાથે જ વાત કરવા માંગે છે, પરંતુ મારો અવાજ સાંભળી ફોન મૂકી દે છે.’
સુરભિએ કહ્યું ઃ ‘મને કોઈ ફોન શા માટે કરે?’
એ દિવસ પછી આકાશ વધુ ને વધુ વહેમી થતો હતો. એ કોઈ ને કોઈ બહાને ધ્વનિતની વાત કાઢતો, પરંતુ સુરભિ કહેતી ઃ ‘છેલ્લા એક વર્ષથી મેં ધ્વનિતને જોયો નથી.’
‘એ શક્ય નથી’  આકાશ કહેતો.
‘તારા સમ..’
‘તું જુઠ્ઠા સમ ખાય છે.’ આકાશે સીધો આક્ષેપ કર્યો.
સુરભિ રડી પડી.  આકાશે બીજા જ દિવસે તેનો ફોન નંબર બદલાવી નાંખ્યો. સુરભિ હવે બહાર જવા લાગી હતી. એને અમેરિકામાં કાર ચલાવવાનું લાઈસન્સ મળી ગયું હતું, પરંતુ ફરી એક રાત્રે બ્લેન્ક કૉલ આવ્યો. આકાશ જૈને ફોન સીધો સુરભિ તરફ્ ફેંેંક્યો ઃ’તું નહોતી આવી ત્યાં સુધીકોઈ ફોન આવતા નહોતા. હવે ક્યાંથી આવે છે, બોલ?’
‘હું શું જાણું, આકાશ?’
‘તું બધું જ જાણે છે. હું અહીં આવ્યો તે પછી એક વર્ષ તું ઇન્ડિયામાં હતી. એ દરમિયાન તે શું કર્યું બોલ? કોની કોની સાથે રખડવા જતી હતી. પેલો ધ્વનિત તો નથી ને?’
સુરભિ એટલું જ બોલી ઃ ‘તું વહેમી બની ગયો છે, આકાશ.’
પણ ઝઘડો વધતો ચાલ્યો. આકાશે હવે વધુ ને વધુ મોડા આવવાનું ચાલુ કરી દીધું, સુરભિ તેની રાહ જોઈ બેઠી રહેતી, પરંતુ આકાશ બહારથી જ ફાસ્ટફૂૂડ ખાઈને આવતો. બોલ્યા ચાલ્યા વગર સૂઈ જતો.  એક રાત્રે તે બારમાં ગયો. ખૂબ પીધો. પીધેલી હાલતમાં મોડી રાત્રે તે ઘેર આવ્યો. આવતાં જ એણે જોયું તો સુરભિ કોઈની સાથે રડતાં રડતાં ફોન પર વાત કરતી હતી. આકાશને જોઈને તેણે ફોન મૂકી દીધો. આકાશે પૂછયું ઃ ‘કોની સાથે વાત કરતી હતી?’
‘ઇન્ડિયા, મારી મમ્મી સાથે.’સુરભિએ જવાબ આપ્યો.
‘જુઠ્ઠું બોલે છે?’ કહેતાં આકાશે સુરભિના ગાલ પર તમાચો ફટકારી દીધો.
સુરભિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
આકાશે કહ્યું ઃ ‘ચાલ રડવાનું નાટક બંધ કર. ગેટઆઉટ ફ્રોમ માય હાઉસ.’
‘પણ હું ક્યાં જાઉં ? અહીં મને ઓળખે છે કોણ ?’  સુરભિ વલવલી રહી.
‘અહીં કોઈ ઓળખતું ના હોય તો ઇન્ડિયા જતી રહે.’
સુરભિ આખી રાત રડતી રહી, પરંતુ રાત્રે જ એણે મનોમન એક નિર્ણય લઈ લીધો. બીજા દિવસે સવારે ખૂબ જ સ્વસ્થતાપૂર્વક સુરભિએ કહ્યું ઃ ‘હું ઇન્ડિયા જવા તૈયાર છું. મારી પાસે ટિકિટ જેટલા ડૉલર છે. મને ટિકિટ કઢાવી દો.’ આકાશે કહ્યું ઃ ‘સારું પૈસા લાવ. પણ કદીયે પાછી આવતી નહીં. ‘
 સુરભિ આકાશ સામે જોઈ રહી.
બીજા દિવસે સુરભિની ઇન્ડિયા જવા માટેની ટિકિટ આવી ગઈ. ટિકિટ આપતાં આકાશ બોલ્યો ઃ ‘મેં ટેક્સી મંગાવી દીધી છે. મારે ઑફિસમાં કામ છે. હું ઍરપોર્ટ આવી શકીશ નહીં. ટેક્સી પ્રિપેઈડ છે. તને એરપોર્ટ મૂકી દેશે. મારી રાહ જોઈશ નહીં… એન્ડ ડોન્ટ કમી બેક અગેઈન.’
આકાશ ઑફ્સિે જતો રહ્યો. રાતના ૮ વાગ્યાનું એર ઇન્ડિયાનું પ્લેન હતું. ન્યૂયોર્કના ‘જેએફકે’  તરીકે ઓળખાતા કેનેડી એરપોર્ટ પરથી પ્લેન ઊપડવાનું હતું. સુરભિએ તેની એક બેગ તૈયાર કરી દીધી. તે બપોરે જ ઍરપોર્ટ જવા નીકળી. તેની નજર ફોન પર હતી, પરંતુ છેલ્લું ‘ગુડબાય’ કહેતો ફોન પણ આકાશ તરફથી ના આવ્યો. સુરભિની આશા નઠારી નીવડી.  સુરભિ ભારે હૈયે એરપોર્ટ પર પહોંચી.  એર ઇન્ડિયાના કાઉન્ટર પર જઈ બોર્િંડગ કાર્ડ લઈને સામેની લોન્જમાં એક બાંકડા પર બેઠી. તેની નજર હજી મુખ્ય પ્રવેશદ્વાર તરફ્ હતી. એને હતું કે, આકાશનો ગુસ્સો ઠંડો પડયો હશે તો જરૂર પાછળ પાછળ આવશે.  તે કેટલીયે વાર સુધી ત્યાં બેસી રહી. સ્ક્રીન પર અમદાવાદ જનારા ઉતારુઓ માટે વારે વારે સિક્યોરિટી ચેક માટેની સૂચના આવતી હતી. છેક છેલ્લી ઘડી સુધી તે પ્રવેશદ્વાર તરફ્ જોઈ રહી. એની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં અને એક ધ્ર્રાસકા સાથે તે ઊભી થઈ. સિક્યોરિટી ચેક માટે ગઈ, પરંતુ આકાશ ન આવ્યો તે ન જ આવ્યો.  રાત્રે એક મોટી ગર્જના સાથે એર ઇન્ડિયાનું જંબો વિમાન કેનેડી ઍરપોર્ટના રનવે પરથી આકાશમાં ઉડાન ભરી રહ્યું. સમય વીતતો રહ્યો.
આ વાતને સાતથી આઠ વર્ષ વીતી ગયાં.
વખત પલટાઈ ગયો.
આકાશ જૈન જે કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો તે કંપની જ બંધ થઈ. એણે ઓછા પગારથી બીજી કંપનીમાં કામ સ્વીકાર્યું, પરંતુ આર્થિક મંદીમાં સપડાયેલા અમેરિકાની અનેક કંપનીઓ આર્થિક મુશ્કેલીઓ અનુભવવા લાગી હતી. નાછૂટકે આકાશ જૈને એક રેસ્ટોરાંમાં વેઈટર તરીકે નોકરી સ્વીકારી. પગાર ઓછો, પણ ટીપ સારી મળતી. તેની પર તેનું નભતું હતું. એક દિવસ દારૂના બારમાં તેનો એક મિત્ર મળ્યો. તે પહેલેથી જ રખડેલ અને આવારા હતો. દારૂના નશામાં તે બોલી ગયો ઃ ‘તારી વાઈફ્ ક્યાં છે યાર?’
‘મેં કાઢી મૂકી.’
‘તેં ખોટું કર્યું… મેં ઘણા કોલ્સ કર્યા હતા, પણ તે જવાબ જ નહોતી આપતી. તે તને જ વફાદાર હતી.’
આકાશ જૈન સ્તબ્ધ થઈ ગયો.
– આ વાતના કેટલાક મહિનાઓ બાદ આકાશની આર્થિક હાલત બગડી ગઈ. જે થોડું ઘણું કમાતો તેનો તે દારૂ પી જતો. છેવટે એણે અમેરિકાને કાયમી બાય બાય કરી દેવા નક્કી કરી લીધું. એણે વિચાર્યું કે, ઇન્ડિયામાં જે કોઈ નાની-મોટી નોકરી મળશે તે કરી લઈશ.  એક દિવસ પ્લેન પકડી તે ઇન્ડિયા આવી ગયો.
અખબારોમાં રોજ વિજ્ઞાપનો ફેંદવા લાગ્યો. તેને સાફ્ટવેર એન્જિનિયર તરીકેનો સારો અનુભવ તો હતો જ. એક મલ્ટિનેશનલ કંપનીની મોટી જાહેરખબર તરફ્ તેની નજર ગઈ. તેમાં પણ સોફ્ટવેર એન્જિનિયર લેવાના હતા. એણે અરજી કરી. ઇન્ટરવ્યૂ માટેની તારીખ આવી. આકાશ જૈન રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે ગયો. તેની પાસે અમેરિકામાં કામ કર્યાનો અનુભવ હતો. એને આત્મવિશ્વાસ હતો. આકાશ જૈનનો નંબર આવ્યો. તે એક વિશાળ ઍરકન્ડિશન ઑફિસમાં પ્રવેશ્યો. તે સ્તબ્ધ બની ગયો. કંપનીના મેનેજરની ખુરશીમાં સુરિભ બેઠેલી હતી. સુરભિને ઓળખતાં બે ક્ષણ લાગી, કારણ કે તેણે હવે સ્પેકટેકલ્સ પહેરેલાં હતાં. સુરભિએ થોડી જ વારમાં સ્વસ્થતા ધારણ કરી લીધી, પરંતુ આકાશ અસ્વસ્થ બની ગયો. સુરભિને પૂછયું ઃ ‘આકાશ, તમે?’
‘હા… અમેરિકાની નોકરી છૂટી ગઈ.’
‘તો હવે ?’ સુરભિએ પૂછયું.
‘હું ઘેર આવી શકું ? ‘ આકાશે પૂછયું.
‘સ્યોર…’ કહેતાં સુરભિએ ઘરનું સરનામું આપ્યું.
બીજા દિવસે સવારે આકાશ જૈન સુરભિના ઘેર પહોંચ્યો. ઘરમાં છ વર્ષનું એક બાળક રમતું હતું. આકાશે પૂછયું ઃ ‘સુરભિ આ કોણ?’
 સુરભિએ કહ્યું ઃ ‘મારો પુત્ર.’
 ‘તો તેં ફરી લગ્ન કરી લીધું ? કોની સાથે ?’ આકાશે અચકાતાં અચકાતાં પૂછયું.
‘ના.’સુરભિ બોલી ઃ ‘મેં એને એડોપ્ટ કર્યો છે. એ છ અઠવાડિયાંનો હતો ત્યારે જ એને અનાથાશ્રામમાંથી લઈ આવી હતી.’
 ‘સુરભિ ! જે કાંઈ થઈ ગયું તે ભૂલી જા. આઈ એમ સૉરી. આપણે નવેસરથી જિંદગી શરૂ કરીએ..’કહેતાં આકાશે સુરભિના હાથને સ્પર્શ કરવા પ્રયાસ કર્યો.
સુરભિએ પોતાનો હાથ ખસેડી લેતાં કહ્યું ઃ ‘આઈ એમ સૉરી આકાશ… મેં હવે એકલા – પતિ કે પુરુષ વગર રહેતાં શીખી લીધું છે. ફરીથી હું લાગણીઓના દરિયામાં ડૂબવા માંગતી નથી. માનવીએ કદીક ‘ઇમોશનલી ઇન્ડિપેન્ડન્ટ’ થતાં શીખી લેવું જોઈએ. આઈ એમ અ ડિફ્રન્ટ લેડી નાઉ..’
આકાશ એક મક્કમ અને બદલાયેલી નારી તરફ્ જોઈ રહ્યો. તે નિઃશબ્દ હતો.
 આકાશ જૈનને એ જ કંપનીમાં નોકરી તો મળી ગઈ, પરંતુ સુરભિએ પોતાની બદલી મુંબઈ કરાવી દીધી. લાગણીઓ પર કાબૂ મેળવવો કોઈ સુરભિ પાસેથી શીખે.
 દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!