Close

સૌંદર્ય સમ્રાજ્ઞી-નૂરજહાં નૂરજહાંએ છ દાયકા દરમિયાન ૧૦,૦૦૦ ગીતો ગાયાં હતાં !

કભી કભી | Comments Off on સૌંદર્ય સમ્રાજ્ઞી-નૂરજહાં નૂરજહાંએ છ દાયકા દરમિયાન ૧૦,૦૦૦ ગીતો ગાયાં હતાં !
૧૯૪૭માં ભારતના ભાગલા થયા, પરંતુ એ વખતે મુંબઈના ફિલ્મઉદ્યોગમાં કોઈ પણ પ્રકારનું કોમી વૈમનસ્ય નહોતું. હા, એ ભાગલા વખતે કેટલાક કલાકારોએ પાકિસ્તાનથી ભારત આવવાનું અને કેટલાક કલાકારોએ ભારતથી પાકિસ્તાન જવાનું સ્વેચ્છાએ પસંદ કર્યું હતું. તેમાંના એક હતાં નૂરજહાં. કોમી વિચારણાના કારણે નહીં, પરંતુ જે તે વિસ્તારની જન્મભૂમિના લગાવને કારણે સ્થળાંતર કરી ગયાં હતાં.
નૂરહજહાંનો જન્મ તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૨૬ના રોજ કસૌર, પંજાબમાં (હાલ પાકિસ્તાનમાં) બ્રિટિશ ઇન્ડિયા દરમિયાન થયો હતો. તેમનો જન્મ પંજાબી મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેઓ ઈમદાદ અલી અને ફાતિમા બીબીનાં અગિયાર સંતાનો પૈકીનાં તેઓ એક હતાં.
નૂરજહાંએ માત્ર પાંચ જ વર્ષની વયે ગાવાનું શરૂ કર્યું હતું. દીકરીની ગીત-સંગીત પ્રત્યેની અભિરુચિને જોેઈ તેમની માતાએ નૂરજહાંને ઉસ્તાદ ગુલામ મોહંમદ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ માટે મોકલ્યાં હતાં. ઉત્સાદે તેમને પતિયાલા ઘરાના અને હિન્દુસ્તાની ક્લાસિક મ્યુઝિકની તાલીમ આપી હતી. તેઓ તેમની પાસેથી ઠુમરી, ધ્રુુપદ અને ખમાસ શીખ્યાં.
નવ વર્ષની વયે એ વખતના પંજાબી સંગીતકાર ગુલામ અહેમદ ચિશ્તીના ધ્યાન પર આવ્યાં. તેમણે તેમને લાહોરમાં એક સ્ટેજ પર- પ્રસ્તુત કર્યાં, તેમાં સંગીતબદ્ધ કરેલી ગઝલ અને લોકગીતો નૂરજહાંએ ગાયાં. એ વખતે તેમનાં બહેન સિનેમાંમાં ડાન્સ પરફૉર્મન્સ કરતાં હતાં. નૂરજહાંને પણ તેમાં રસ પડયો.
એ વખતના થિયેટર માલિક દીવાન સરદારી લાલ આ નાનકડી છોકરીને ૧૯૩૦ના ગાળામાં કલકત્તા લઈ ગયા. એમની સાથે આખો પરિવાર પણ કલકત્તા ગયો. એક બધા નાનકડી નૂરજહાંની ફિલ્મજગતમાં કારકિર્દી બનાવવા માંગતા હતાં. એક થિયેટર પર નૂરજહાંએ પરફૉર્મન્સ આપ્યું અને જેમનું અસલી નામ અલ્લાહ રાખી વાસાઈ હતું. તેને નૂરજહાં એવું નામ આપવામાં આવ્યું.
૧૯૩૫માં કે. ડી. મહેરાએ ‘પિંડ કી કુડ્ડી’ નામની પંજાબી ફિલ્મ બનાવી તેમાં નૂરજહાંએ તેમની બહેન સાથે અભિનય કર્યો અને એક પંજાબી ગીત પણ ગાયું. એમનું એ ગીત હિટ સાબિત થયું. ૧૯૩૬માં ‘મિસર કા સિતારા’ ફિલ્મમાં અભિનય કર્યો. એમાં ગીત પણ ગાયું. ૧૯૩૯માં ‘ગુલે બકાવલી’ નામની પંજાબી ફિલ્મમાં અભિનય કર્યો. આ બધી જ ફિલ્મો કલકત્તામાં બની.
૧૯૩૮માં નૂરજહાં લાહોર પાછાં આવ્યાં. સંગીતકાર ગુલામ હૈદરે નૂરજહાં માટે એક ગીત સંગીતબદ્ધ કર્યું અને નૂરજહાંનો સ્વર લોકપ્રિય થઈ ગયો.
૧૯૪૨માં નૂરજહાંએ ‘ખાનદાન’ ફિલ્મમાં પ્રાણ સામે રોલ કર્યો. એ એમનો એક પુખ્ત અભિનેત્રી તરીકેનો પહેલો અભિનય હતો. લાહોરમાં બનેલી આ ફિલ્મની સફળતાએ તેમનો મુંબઈનો માર્ગ સરળ કરી આપ્યો. ૧૯૪૩માં મુંબઈમાં તેમણે શાંતા આપ્ટે માટે સ્વર આપ્યો. એ ‘દુહાઈ’ નામની ફિલ્મ હતી.
૧૯૪૪માં નૂરજહાંએ આઝમગઢ ઉત્તરપ્રદેશના વતની શૌકત હુસૈન રિઝવી સાથે શાદી કરી લીધી. તે પછી ભારતના ભાગલા થયા. પાકિસ્તાન ભારતથી અલગ થઈ ગયું. એ પહેલાં નૂરજહાં ભારતીય ફિલ્મઉદ્યોગમાં એક મોટા ગજાનાં ફિલ્મ  અભિનેત્રી અને ગાયિકા હતાં. તેઓ મુંબઈમાં બનેલી (૧) ‘બડી મા’ (૧૯૪૫), (૨) ‘નિત’ (૧૯૪૫), (૩) ગાંવ કી છોરી (૧૯૪૫), (૪) અનમોલ -ઘડી (૧૯૪૬) અને (૫) જુગનુ (૧૯૪૭) ફિલ્મોથી દેશમાં જબરદસ્ત લોકપ્રિય હતાં. એ બધી ફિલ્મો જબરદરત કમાણી કરી આપતી ફિલ્મો હતી.
૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા થયા. નૂરજહાં અને તેમના પતિ રિઝવીએ પાકિસ્તાન જવાનો નિર્ણય કર્યો. ૧૯૪૭માં આખો પરિવાર મુંબઈ છોડીને કરાંચી જતો રહ્યો.
પાકિસ્તાનમાં સ્થિર થયાનાં ત્રણ વર્ષ બાદ નૂરજહાંએ ૧૯૫૧માં પહેલી પાકિસ્તાની ફિલ્મમાં સંતોષકુમારની સાથે રોલ કર્યો. તે તેમની પહેલી પાકિસ્તાની ફિલ્મ હતી. તેમાં તેમણે ગીતો પણ ગાયાં. પતિ-પત્ની બંનેએ ફિલ્મોમાં નિર્દેશન પણ કર્યું. આ રીતે નૂરજહાં પાકિસ્તાનમાં પહેલાં મહિલા ફિલ્મ નિર્દેશક બન્યાં. નૂરજહાંની બીજી પાકિસ્તાની ફિલ્મ ‘દુપટ્ટા’ (૧૯૫૨).
૧૯૫૩-૧૯૫૪ દરમિયાન નૂરજહાં અને તેમના પતિ રિઝવી વચ્ચે મતભેદો સર્જાયા અને એ જ વર્ષમાં તેમણે તલાક લીધા.
૧૯૫૯માં નૂરજહાંએ એઝાઝ દુરાની નામના એક તેમનાથી નવ વર્ષ નાના અભિનેતા સાથે ફરી લગ્ન કર્યાં. ૧૯૬૨માં નૂરજહાંએ ‘ગાલિબ’ ફિલ્મમાં અભિનય આપ્યો અને ગીતો પણ ગાયાં. એ પછી તેમનું ગીત ‘મુઝસે પહેલી સી મહોબ્બત મેરે મેહબૂબ ના માંગો’ જબરદસ્ત લોકપ્રિય સાબિત થયું. એ પછી તેમના બીજી વારના પતિ દુરાનીએ નૂરજહાંને અભિનય છોડી દેવા દબાણ કર્યું. પરંતુ એક્ટિંગ છોડી દીધા બાદ નૂરજહાંએ પ્લેબેક-સંગીતકાર તરીકે કામ ચાલુ રાખ્યું. ‘ફંદા’ અને ‘બાઝી’ તેમની જાણીતી પાકિસ્તાની ફિલ્મોમાં હતી. ૧૯૬૩માં એમણે અભિનય છોડી દીધો. આ દરમિયાન તેમણે ૧૪ પાકિસ્તાની ફિલ્મો અને ૪ પંજાબી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો.
તેમને ‘મલ્લિકા-એ-તરન્નુમ’નો ખિતાબ પણ મળ્યો, પરંતુ ૧૯૭૭માં તેમનું બીજું લગ્ન પણ છૂટાછેડામાં પરિણમ્યું.
૧૯૭૧માં નૂરજહાંએ ટોક્યોની મુલાકાત લીધી. ૧૯૮૨માં તેમણે ભારતની મુલાકાત લીધી અને ભારતની બોલતી ફિલ્મોના સુવર્ણ મહોત્સવમાં ભાગ લીધો. એ વખતે તેઓ ભારતનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને પણ મળ્યાં. તેઓ ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે મુંબઈના એરપોર્ટ પર ભારતનાં કોકિલા લતા મંગેશકર અને લબ્ધ પ્રતિષ્ઠિત એક્ટર દિલીપકુમારે તેમનું સ્વાગત કર્યું હતું. ભારતની તેમની મુલાકાત દરમિયાન સુરેન્દ્ર, પ્રાણ અને સંગીતકાર નૌશાદ વગેરેને તેઓ મળ્યા હતાં.
૧૯૯૧માં નૂરજહાંએ લંડનના સુપ્રસિદ્ધ રોયલ આલ્બર્ટ હૉલમાં મિડલ ઇસ્ટના બાળકો માટે યોજાયેલા એક ફંડ રેઇજિંગ ચેરિટી શોમાં હાજરી આપી ગીતો ગાયાં હતાં. આ કાર્યક્રમમાં બ્રિટિશ એક્ટર જ્હોન ગિલગુડ, નોબેલ પ્રાઈઝ વિજેતા નાટય લેખક હેરોલ્ડ પ્રિન્ટર અને ઓસ્કાર ઍવૉર્ડ વિજેતા એક્ટર પેઝી એસ્ક્રોફ પણ હાજર રહ્યાં હતાં.
નૂરજહાંએ તેમના અભિનય અને ગીત-સંગીતની છ દાયકાની સફળ દરમિયાન ૧૦,૦૦૦ ગીતો ગાયા હતા.
૧૯૮૬માં નૂરજહાંએ તેઓ જ્યારે નોર્થ અમેરિકાની ટૂરમાં હતાં ત્યારે અચાનક -છાતીમાં દર્દ ઊપડયું. ત્યાં જ તેમની બાયપાસ કરવામાં આવી. તેમની કિડની પણ ખરાબ થઈ ગઈ હતી. તે પછી તેમને ડાયાલિસીસ પર રાખવામાં આવ્યા. ૨૦૦૦ની સાલમાં તેમને પાકિસ્તાની આગાખાન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં, પરંતુ તા. ૨૩ ડિસેમ્બર, ૨૦૦૦ના રોજ તેમનું અવસાન થયું. તેમને કરાચીના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યાં.
નૂરજહાં અસંખ્ય ઍવૉર્ડ એનાયત થયા હતા. તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ નૂરજહાંની ૯૧મી જન્મજયંતી નિમિત્તે ગૂગલે પણ ડુડલ બનાવી આ ર્પાૃ ગાયિકાને શ્રાદ્ધાંજલિ અર્પી હતી. અહીં એ નોંધવું જરૂરી છે કે ભારતના ભાગલા પછી નૂરજહાં તેમનો જ્યાં જન્મ થયો તે સ્થળ પાકિસ્તાનમાં હોઈ જન્મસ્થળનાં લગાવના કારણે ભાગલા બાદ પાકિસ્તાન જતાં રહ્યાં હતાં. બાકી મુંબઈના ફિલ્મઉદ્યોગમાં એ સમયે કોઈ જ કોમી તનાવ કે મનભેદ નહોતાં. આવાં મલ્લિકા-એ તરન્નુમ નૂરજહાં આજે તો કરાચીના કબ્રસ્તાનમાં કાયમ માટે પોઢી ગયાં છે.
દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!