Close

હજાર માણસોને ખાઈ જનાર વાઘ-દીપડાનો શિકાર કર્યો

કભી કભી | Comments Off on હજાર માણસોને ખાઈ જનાર વાઘ-દીપડાનો શિકાર કર્યો

જીમ કોર્બેટ.

ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન કેટલીક વ્યક્તિઓ જે યાદગાર સ્મૃતિઓ છોડી ગઈ તેમાં એક નામ જીમ કોર્બેટ છે. તેમનું આખું નામ એડવર્ડ જેમ્સ કોર્બેટ હતું પણ તેઓ જીમ કોર્બેટ તરીકે જાણીતા થયા.

તેઓ ભારતમાં હંટર, ટ્રેકર, લેખક અને પ્રકૃતિવિદ્ તરીકે ખ્યાતિ પામ્યા હતા.

બ્રિટિશ રાજ દરમિયાન તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં  કર્નલની રેન્ક ધરાવતા હતા. એ જમાનામાં ઉત્તર પ્રદેશ, અને ઉત્તરાખંડનો વિસ્તાર યુનાઈટેડ પ્રોવિન્સિંસ તરીકે જાણીતો હતો. આ વિસ્તારમાં માનવભક્ષી વાઘ અને દીપડાનો ભારે ત્રાસ હતો. ગઢવાલ અને કુમાઉ વિસ્તારના ગામડાંમાં રહેતા લોકોને આ માનવભક્ષી વાઘ અને દીપડાથી મુક્તિ અપાવવા કર્નલ જેમ્સ કોર્બેટને બોલાવવામાં આવ્યા. તેઓ એક અચ્છા શિકારી હતા.

તેમનો જન્મ તા. ૨૫, જુલાઈ ૧૮૭૫ના રોજ બ્રિટિશ ઇન્ડિયાના વેસ્ટર્ન પ્રોવિન્સિસ તરીકે જાણીતા અને હાલના નૈનિતાલ ખાતે થયો હતો. તેઓ આઇરીશ હતા, ક્રિસ્ટોફર વિલિયમ કોર્બેટના અનેક સંતાનો પૈકીના તેઓ આઠમા પુત્ર હતા. તેમના પિતા એક મિલિટરી ઓફિસર હતા. પરંતુ લશ્કરની નોકરી છોડીને પોસ્ટમાસ્ટર બન્યા હતા. શિયાળામાં આખું પરિવાર કલધુંગી  નામના ગામમાં રહેવા જતું રહેતું અને અહીં તેમણે  ‘અરુન્ડેલ’ નામની કોટેજ બાંધી હતી.

ક્રિસ્ટોફર વિલિયમ કોર્બેટના પત્ની મેરી જેન નૈનિતાલમાં રહેતા યુરોપિયન પરિવારોના એક જાણીતી હસ્તી હતા. જે યુરોપિયનો અહીં આવીને વસવા માગતા હતા. તેમના માટે મેરી જેન એક પ્રકારના રિઅલ એસ્ટેટ એજન્ટ બની રહ્યા. ૧૮૭૮માં  ક્રિસ્ટોફેર વિલિયમ કોર્બેટ પોસ્ટમાસ્તરની નોકરીમાંથી નિવૃત્ત થયા અને ૨૧ એપ્રિલ ૧૮૮૧ના રોજ અવસાન પામ્યા. એમના મૃત્યુ વખતે જીમની ઉંમર માત્ર છ વર્ષની હતી. પિતાના મૃત્યુ બાદ જીમના મોટાભાઈ ટોમ નૈનિતાલના પોસ્ટમાસ્ટર બન્યા.

ખૂબ  નાની વયથી જ જીમને પ્રાકૃતિક સૌંદર્ય, પર્વતો, સરોવરો, જંગલ, નદીઓ, ઝરણાં અને જંગલમાં રહેતા પ્રાણીઓ ગમતાં હતા. પશુ કે પક્ષીઓના અવાજ પરથી જ તે કયું પક્ષી કે પ્રાણી છે તે ઓળખી જતા.

એ પછી તેમણે પર્વતો  પર ચડવાનું અને કંદરાઓને ખૂંદવાનું શરૂ  કર્યું. એમ કરતાં કરતાં તેમણે શિકારનો શોખ વિકસાવ્યો.

તેઓ નૈનિતાલની ઓક ઓપનિંગ્સ સ્કૂલમાં ભણ્યા. જે પાછળથી નૈનિતાલની ફિલોન્દેર સ્મિથ કોલેજ સાથે ભળી ગઈ. પાછળથી આ સ્કૂલ હાલેટ વોર સ્કૂલ તરીકે જાણીતી બની. હવે તે બિરલા વિદ્યામંદિર, નૈનિતાલ તરીકે જાણીતી છે.

૧૯ વર્ષની વયે પહોંચતાં પહેલાં જ જીમ કોર્બેટે સ્કૂલ છોડી દીધી અને બેગાંલ એન્ડ નોર્થ વેસ્ટર્ન રેલવેમાં ફ્યૂઅલ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી શરૂ કરી.તે  પછી તેઓ ટ્રાન્સશિપમેન્ટ ગુડ્સના કોન્ટ્રાક્ટર બન્યા.

પોતાના જીવન દરમિયાન જીમ કોર્બેટે જંગલમાં ફરતા અનેક દીપડા અને વાઘનો શિકાર કર્યા, તેમાંથી ૧૯ જેટલા  તો માનવભક્ષી દીપડા અને વાઘ હતા. પોતાના શિકારની વિસ્તૃત કથા તેમણે તેમના પુસ્તકો (૧) મેન ઇટર્સ ઓફ કુમાઉ (૨) ધી મેન ઇટિંગ લિઓપાર્ડ ઓફ રુદ્રપ્રયાગ અને (૩) ધી ટેમ્પલ ટાઇગર્સમાં લખી છે. આ પુસ્તકમાં કરવામાં આવેલા ઉલ્લેખ પ્રમાણે આ વિસ્તારના વાઘ અને દીપડાઓએ અહીંના ૧,૨૦૦ જેટલા સ્ત્રી-પુરુષો અને બાળકોને મારી નાખ્યા હતા. જીમ કોર્બેટે આવા નરભક્ષી પ્રાણીઓને મારી નાખ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે કુમાઉ વિસ્તારના  જંગલોમાં એક વાઘે ૪૩૬ લોકોને મારી નાખ્યા હતા. ૧૯૧૦માં એક દીપડાએ ૪૦૦ જેટલા માણસોને મારી નાખ્યા હતા. એ જ રીતે રુદ્રપ્રયાગની યાત્રાએ આવતા લોકો પર સતત આ દીપડાઓ અને વાઘના હુમલાનો ભય રહેતો. કેદારનાથ અને બદરીનાથ જતા યાત્રાએ સતત ભયભીત રહેતા.  ૧૯૨૬માં એક દીપડાએ ૧૨૬ યાત્રાળુઓનો ભોગ લીધો હતો. આ માનવભક્ષી વાઘમાં એકનું નામ તલ્લા- દેસ મેન ઇટર હતું.

જે જે માનવભક્ષી વાઘોને મારી નાખવામાં આવ્યા તે પ્રાણીઓની ખોપડીઓ અને તેમના અવશેષોને સાચવી રાખવામાં આવ્યા હતા. તપાસ કરતાં ખબર પડી કે અગાઉ કોઈક શિકારીઓએ આ વાઘ પર કરેલા ગોળીબારથી તે પ્રાણીઓના શરીરમાં જે ઘા થયા તેના કારણે એ વાઘ એક ખાસ પ્રકારની બીમારીના ભોગ બન્યા હતા અને તે કારણે તે વાઘ કે વાઘણ માનવભક્ષી બની ગયા હતા. એ વાઘ કે વાઘણ વધુ હિંસક બનવાનું કારણ પણ તેમની પર કરવામાં આવેલા ગોળીબાર જ હતા.

નોંધપાત્ર વાત એ છે કે જીમ કોર્બેટ એકલા જ શિકાર કરવાની ડેન્જરસ ગેમ પસંદ કરતા હતા. તેઓ વાઘનો શિકાર કરવા રોબિન નામના એક નાનકડા કૂતરાનો ઉપયોગ કરતા હતા.

૧૯૨૦માં તેઓ પહેલો કેમેરા લાવ્યા. ફેડરિક વોલ્ટર ચેમ્પિયન નામના એક વ્યક્તિએ વાઘ પર ફિલ્મ શૂટ કરવાનું શરૂ કર્યું હતું. જીમ કોર્બેટે તેમનામાંથી પ્રેરણા લીધી. જીમ કોર્બેટ જંગલ વિશે ઊંડું જ્ઞા।ન ધરાવતા હતા.

મોટાભાગના લોકોને એવો ખ્યાલ હતો કે જીમ કોર્બેટ માત્ર માનવભક્ષી વાઘનો જ શિકાર કરતા હતા પરંતુ ક્યાંક અપવાદ પણ હતો.

જીમ કોર્બેટ શાળાના બાળકો સમક્ષ જઈ પ્રકૃતિ અને વન્ય પ્રાણી જીવન વિશે પ્રવચનો પણ આપતા હતા. જંગલોની અને  પર્યાવરણની જાળવણી  થાય તેમાં તેમને રસ હતો. વન્ય જીવનની જાળવણી માટે તેમણે કેટલીક સંસ્થાઓ પણ ઊભી કરી હતી. એટલું જ નહીં પરંતુ કુમાઉ હિલ્સ પર તેમણે એક નેશનલ પાર્ક પણ ઊભો કર્યો. આ દેશનો પહેલો નેશનલ પાર્ક હતો. શરૂઆતમાં તે પાર્કની સાથે લોર્ડ માલ્કોમ હેઈલીનું નામ જોડવામાં આવ્યું. ૧૯૫૭માં જીમ કોર્બેટના સન્માનમાં તે પાર્ક કોર્બેટ પાર્ક તરીકે નામાધીન થયો.

હાલ જે વિસ્તાર ઉત્તરાખંડ તરીકે ઓળખીયે છે. તે વિસ્તાર કલધુંગી ગામની આસપાસ રહેતા ગરીબ લોકોના તેઓ હમદર્દ હતા. એક રેલવે કોન્ટ્રાક્ટર તરીકે તેમણે અનેક ભારતીયોને કામ અને રોજી આપ્યા. તેમણે એક પુસ્તક લખ્યું જેનું નામ હતું : ‘માય ઇન્ડિયા ટુ…’ આ પુસ્તક ગરીબ ભારતીયોને અર્પણ કરતાં તેમણે લખ્યું ‘…… માય ફ્રેન્ડસ, ધી પુઅર ઓફ ઇન્ડિયા.’ તેમાં એમણે લખ્યું : ‘આ બધા એ ગરીબો છે જેમની વચ્ચે હું રહ્યો છું. જેમને મેં પ્રેમ કર્યો છે અને તેથી હું આ પુસ્તક ભારતના ગરીબોને અર્પણ કરું છું.’

જીમ કોર્બેટ તેમના બહેન મેગી કોર્બેટ સાથે  જે ઘરમાં રહેતા હતા તે ઘર ‘ગર્ની હાઉસ’ તરીકે જાણીતું હતું. નવેમ્બર ૧૯૪૭માં તેમણે ભારત છોડયું. અને કેન્યા ખાતે સ્થળાંતર કરતાં પહેલાં એ મકાન તેમણે શ્રીમતી કલાવતી વર્માને વેચ્યું. આ ઘર હવે મ્યુઝિયમમાં રૂપાંતરિત થયું છે અને તે ‘જીમ કોર્બેટ મ્યુઝિયમ’ તરીકે જાણીતું  છે.

જીમ કોર્બેટ છોટી હલ્દવાની તરીકે ઓળખાતા એક નાના ગામમાં થોડો સમય રહ્યા હતા. આ ગામ તેમણે દત્તક લીધું હતું. આ ગામમાં વન્ય  પ્રાણીઓ પ્રવેશ કરી ના જાય તે માટે ૧૯૨૫માં તેમણે ગામની આસપાસ દીવાલ પણ બંધાવી હતી. એ રીતે ગામ લોકોને જંગલી પ્રાણીઓના હુમલાથી બચાવ્યા હતા. તે ગામ પાછળથી કોર્બેટ વિલેજ તરીકે ઓળખાયું.

ભારત છોડયા પછી જીમ કોર્બેટ અને તેમના બહેન મેગી કોર્બેટ કેન્યામાં સ્થાયી થયા. અહીં પણ તેમણે વાઘોની ઘટતી જતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા લેખો લખ્યાં. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં તેમણે વૃક્ષોની  ડાળીઓની ઉપર એટલે કે ઝાડ પર એક ઝૂંપડી બાંધી હતી. એલિઝાબેથ મહારાણી બન્યા તે પહેલાં  પ્રિન્સેસ એલિઝાબેથ તરીકે જાણીતા હતા. કેન્યાની મુલાકાત દરમિયાન તા. ૫-૬ ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ પ્રિન્સેસ એલિઝાબેથ કેન્યા આવ્યા હતા અને અહીં રોકાયા હતા. પ્રિન્સેસ એલિઝાબેથ અહીં પહેલી જ વાર એક ઝાડ પર ચડયા હતા એ એમના જીવનનો એક રોમાંચક અનુભવ  હોવાનું જીમ કોર્બેટે લખ્યું છે. જીમ કોર્બેટે તેમનું છેલ્લું પુસ્તક ‘ટ્રી ટોપ્સ’ લખ્યું અને ૭૯ વર્ષની વયે તા. ૧૯ એપ્રિલ ૧૯૫૫ના રોજ તેઓ ન્યાયેરી કેન્યા ખાતે અવસાન પામ્યા. તેમના મૃતદેહને ન્યાયેરી ખાતે સેંટ પીટર્સ એન્જલિકન ચર્ચ ખાતે દફનાવવામાં આવ્યો. જીમ કોર્બેટની સ્મૃતિઓ ભારતમાં ‘મોતી હાઉસ’ ખાતે સચવાયેલી છે. આ ઘર તેમણે તેમના મિત્ર મોતીસિંહ માટે બનાવ્યું હતું.

નોંધપાત્ર વાત એ છે કે જીમ કોર્બેટે લખેલું પુસ્તક ‘મેન ઇટર્સ ઓફ કુમાઉ’ એક જબરજસ્ત સફળ પુસ્તક હતું. ભારત, ઇંગ્લેન્ડ અને અમેરિકામાં તેની ૨,૫૦,૦૦૦ જેટલી નકલો વેચાઈ ગઈ હતી. પાછળથી તે ૨૭ ભાષાઓમાં અનુવાદિત થયું. ઉત્તરાખંડ ખાતેનો જીમ કોર્બેટ નેશનલ પાર્ક તેમના નામ સાથે ભારતે તેમને આપેલા સન્માનનું એક પ્રતીક ગણાય છે. જીમ કોર્બેટ જિંદગીભર અપરિણીત રહ્યા..

  • દેવેન્દ્ર પટેલ

 

Be Sociable, Share!