Close

હમ સાંપ્રદાયિક હૈ ક્યોં કી હમ રાષ્ટ્રધ્વજ કા સમ્માન કરતે હૈ

કભી કભી | Comments Off on હમ સાંપ્રદાયિક હૈ ક્યોં કી હમ રાષ્ટ્રધ્વજ કા સમ્માન કરતે હૈ

સુષમા સ્વરાજ હવે રહ્યાં નથી.

૧૭ દિવસના ગાળામાં દિલ્હીએ તેનાં બે પૂર્વ મુખ્યમંત્રી ગુમાવ્યાં. થોડા દિવસો પહેલાં શીલા દીક્ષિત ચાલ્યાં ગયાં અને હવે સુષમા સ્વરાજ. સુષમા અને શીલા એ બંનેનું વ્યક્તિત્વ શાલીન હતું. બંને પોતપોતાની રીતે લોકપ્રિય હતાં.

સુષમા સ્વરાજનો જન્મ તા. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ એટલે કે વેલેન્ટાઈન દિનના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો.

સુષમા સ્વરાજ જેટલાં શાનદાર, બેબાક અને શક્તિશાળી નેતા હતાં એટલાં જ ઉત્કૃષ્ઠ મહિલા પણ હતાં. એટલાં જ સારાં ગૃહિણી પણ હતાં. સુંદર ચહેરો, ભારતીય સાડી અને કપાળમાં મોટી બિંદી તેમની પહેચાન હતી.

સુષમા સ્વરાજે તેમના રાજનૈતિક જીવનની શરૂઆત અખિલ ભારતીય પરિષદથી શરૂ કરી હતી. વિદ્યાર્થી અવસ્થામાં જ તેઓ પ્રખર વક્તા હતાં. વકતૃત્વ સ્પર્ધામાં અનેક પારિતોષિક તેમણે પ્રાપ્ત કર્યાં હતાં.  દેશમાં કટોકટી જાહેર થઈ ત્યારે જયપ્રકાશ નારાયણના ‘સંપૂર્ણ ક્રાંતિ’ના આંદોલનનો હિસ્સો બની તેઓ આગળ વધ્યાં. તે પછી તેઓ જનતા પાર્ટીનાં સભ્ય બન્યાં. ૧૯૭૭માં પહેલી જ વાર તેઓ હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડયાં અને માત્ર ૨૫ વર્ષની વયે જ ચૌધરી દેવીલાલની સરકારમાં શ્રમમંત્રી બન્યાં. ૧૯૮૦માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં દાખલ થયાં ત્યાર પછી આજ સુધી તેમણે પાછળ વળીને જોયું નહીં. દિલ્હીનાં મુખ્યમંત્રીથી માંડીને દેશનાં વિદેશમંત્રી સુધીનાં પદ સંભાળ્યાં.

ભારતની સંસદમાં તેઓ એકમાત્ર મહિલા સાંસદ હતાં જેમને ‘અસાધારણ સાંસદ’ તરીકેનો પુરસ્કાર મળ્યો.

સુષમા સ્વરાજના પિતા આરએસએસના સભ્ય હતા. સુષમાજીએ અંબાલા છાવણીની એસ.એસ.ડી. કોલેજ દ્વારા બી.એ. કર્યું. તે પછી ચંડીગઢની કોલેજ દ્વારા તેમણે કાયદાશાસ્ત્રની ડિગ્રી લીધી. તે પછી તેમણે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી હતી.

તેમનાં લગ્ન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી સ્વરાજ કૌશલ સાથે થયાં અને તેમનું એકમાત્ર સંતાન-દીકરી બાંસુરી છે, જે ઓક્સફર્ડ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ અને ઇનર ટેમ્પલ દ્વારા કાયદાશાસ્ત્રના બેરિસ્ટરની ડિગ્રી ધરાવે છે. બાંસુરી પણ પિતાની જેમ દિલ્હી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે.

સુષમા સ્વરાજના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે. રસપ્રદ વાત એ છે કે, સ્વરાજ કૌશલ સાથે તેમણે પ્રેમલગ્ન કર્યાં હતાં. આમ તો તે બંને કોલેજના દિવસોમાં જ એકબીજાના પરિરચયમાં આવ્યાં હતાં. એ વખતના સમયગાળામાં સ્ત્રીઓને કેટલીક મર્યાદાઓમાં રહેવું પડતું હતું.

સુષમા અને સ્વરાજ કૌશલની પ્રણયકથાનો આરંભ પંજાબ યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટની કોલેજમાં શરૂ થયો હતો. એ બંને પહેલી જ વાર અહીં મળ્યાં અને પછી વારંવાર મળવાનો દોર શરૂ થયો. બંને વચ્ચે પ્રણયનાં અંકુરો ફૂટયા અને બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કરી લીધું, પરંતુ બંનેના પરિવારો આ માટે તૈયાર નહોતાં, કારણ કે તેમના પરિવારો રૂઢિચુસ્ત હતા. એ સમયગાળામાં પ્રેમલગ્ન તો દૂરની વાત પણ દુલ્હા-દુલ્હન એકબીજાની શકલ પણ જોઈ ના શકે તેવી રૂઢિચુસ્ત પરંપરા હતી.

પરંતુ સુષમાએ હિંમત દર્શાવી. બંને એકબીજા સાથે પરણવા મક્કમ રહ્યાં. ખૂબ જ સમજાવટ બાદ બંનેના પરિવારોએ એમના લગ્ન માટે સંમતિ આપી.

સુષમાના પતિ સ્વરાજ કૌશલ માત્ર ૩૪ વર્ષની વયે જ દેશના સૌથી ઓછી ઉંમરના એડવોકેટ જનરલ બન્યા હતા. એટલું જ નહીં, પરંતુ ૩૭ વર્ષની વયે તેઓ મિઝોરમના ગવર્નર પણ બન્યા હતા. ૧૯૯૦થી ૧૯૯૩ સુધી તેઓ આ પદ પર રહ્યા.

સુષ્મા સ્વરાજ હિન્દી ઉપરાંત બીજી અનેક ભાષાઓ જાણતાં હતાં. તેમના પ્રખર વકતૃત્વ કૌશલ્યનું પ્રમાણ તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આપી દીધું હતું. ૨૦૧૬માં તેમણે યુએનમાં કરેલું પ્રવચન અવિસ્મરણીય છે. એ વખતે તેમણે યુ.એન.ના મંચપરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું : ”ન્યૂયોર્કમાં નાઇન ઇલેવન અને મુંબઈમાં ૨૬/૧૧ની ઘટનાઓએ શાંતિની ઉમ્મીદો પર પાણી ફેરવી દીધું છે.  ભારત પણ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો શિકાર બની રહ્યું છે. પાકિસ્તાન એક એવો દેશ છે જેણે આતંકવાદ ફેલાવવાની સાથે સાથે પોતાના કરેલાં કૃત્યોને નકારવામાં સામર્થ્ય હાંસલ કરેલું છે.”

યુ.એન.માં વસુધૈવ કુટુંબકમ્ની પરિભાષા આખી દુનિયાને સમજાવતાં તેમણે કહ્યું હતું : ‘વસુધૈવ કુટુંબકમ્’ની બુનિયાદ છે પરિવાર અને પરિવાર પ્રેમથી ચાલે છે, વેપારથી નહીં. પરિવાર મોહથી ચાલે છે, લોભથી નહીં. પરિવાર સંવેદનાથી ચાલે છે, ઇર્ષાથી નહીં. તેથી આપણે સંયુક્ત રાષ્ટ્રને એક વિશ્વ કુટુંબના સિદ્ધાંત પર ચલાવવો પડશે અને આ સુધાર કોસ્મેટિક ના હોઈ શકે તે મૌલિક હોવો જોઈએ!

એ જ રીતે સુષ્મા સ્વરાજે તા. ૧૧ જૂન, ૧૯૯૬ના રોજ ભારતની સંસદમાં સરકારના પતનના દિવસે આપેલું ભાષણ પણ યાદગાર છે. ભાજપને સાંપ્રદાયિક પાર્ટી કહેવાવાળા વિપક્ષ પર તીર ચલાવતાં તેમણે સંસદમાં કહ્યું  હતું : ”હા હમ સાંપ્રદાયિક હૈ ક્યોં કી હમ વંદેમાતરમ્ ગાને કી વકાલત કરતે હૈ. હમ સાંપ્રદાયિક હૈ ક્યોં કી હમ રાષ્ટ્રીય ધ્વજ કે સમ્માન કે લિયે લડતે હૈ. હમ સાંપ્રદાયિક હૈ ક્યોં કી હમ ધારા ૩૭૦ સમાપ્ત કરને કી માગ કરતે હૈ. હમ સાંપ્રદાયિક હૈ ક્યોં કી હમ દેશ મેં સમાન નાગરિક સંહિતા બનાને કી માગ કરતે હૈ. હમ સાંપ્રદાયિક હૈ ક્યોં કી કાશ્મીરી શરણાર્થીઓ કે દર્દ કો જુબાન દેને કા હક રખતે હૈ… સચ્ચાઈ યહ હૈ કી હમ હિંદુ હોને મેં શર્મ મહેસૂસ નહીં કરતે, ઈસ લિયે હમ સાંપ્રદાયિક હૈ.”

સુષ્મા સ્વરાજનું આ પ્રવચન પણ સંસદમાં આપેલા પ્રવચનો પૈકી એક યાદગાર ભાષણ છે.

હવે આવાં પ્રેમાળ, પ્રખર અને બેબાક સુષ્મા સ્વરાજ આજે આપણી વચ્ચે નથી. ભારતની રાજનીતિમાં આવી પ્રતિભાઓ ક્યારેક જ આવે છે અને તેમની ચિરંજીવ યાદ છોડીને ઓઝલ થઈ જાય છે.

કવિ નિદા ફાજલીની આ પંક્તિઓ યાદ આવે છે :

”ઉસ કો રુખસત તો ક્યા થા

મુજે માલૂમ તો ન થા સારા ઘર લે ગયા

ઘર છોડ કે જાનેવાલા.”

– સુષમાજીને  શ્રદ્ધાંજલિ.

– દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!