Close

હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

કભી કભી | Comments Off on હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં દેશના ઘરોમાં કોડિયા જલતા હતાં. તેલના દીવા થતા. મશાલો જલતી હતી. એક માત્ર મંદિરોમાં ભગવાનના ચરણોમાં ઘીના દીવા જલતા હતા.

ભારતમાં પહેલી વાર વીજળી તા. ૨૪ જુલાઇ, ૧૮૭૯ના વર્ષમાં કોલકાતામાં આવી. તે પછી ૧૮૮૧માં આવી. ઇ.સ. ૧૮૮૫માં કોલકાતા ઇલેક્ટ્રિક લાઇટિંગ એક્ટ પસાર થતાં ક્લિબર્ન કંપનીને કોલકાતામાં વીજળી સપ્લાય કરવાનું લાઇસન્સ પ્રાપ્ત થયું. આ કંપની કોલકાતા ઇલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન લિ.ના એજન્ટ તરીકે કાર્યરત થઇ. ધી કોલકાતા ઇલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન લિ.ની નોંધણી લંડનમાં થઇ હતી. તા.૧૭ એપ્રિલ ૧૮૯૯ના રોજ ધી કોલકાતા ઇલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન લિ.નો પહેલો પ્લાન્ટ પ્રિન્સેપ ઘાટ નજીક ઇમામ બાગ લેઇન ખાતે શરૂ થયો. એ ભારતનું પહેલું વીજળી ઉત્પન્ન કરતું થર્મલ પાવર સ્ટેશન હતું. વર્ષો બાદ આ કંપનીનું નિયંત્રણ લંડનથી કોલકાતામાં ટ્રાન્સફર થયું. તે પછી તેનું નામ ધી કોલકાતા ઇલેક્ટ્રિક સપ્લાય કોર્પોરેશન (ઇન્ડિયા) લિ. થયું.

નોંધપાત્ર વાત એ છે કે ન્યૂયોર્કમાં વીજળી આવ્યાના ૧૭ વર્ષ બાદ કોલકાતામાં વીજળી આવી. ૧૯મી સદીના અંત સુધીમાં ભારતમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેશન પણ શરૂ થયું.

કોલકાતામાં વીજળી આવ્યાની સફળતાથી પ્રેરાઇને મુંબઇમાં પણ વીજળી લાવવાની યોજના થઇ. મુંબઇને છેક ઇ.સ. ૧૮૮૨ની સાલમાં વીજળીના દીવા જોવા મળ્યા. મુંબઇમાં સૌથી પહેલી વાર ક્રાફર્ડ માર્કેટમાં વીજળીના દીવાનું ડેમોન્સ્ટ્રેશન થયું. એ પછી ૧૯૦૫માં બોમ્બે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રામ્સવે કંપની (બેસ્ટ) ટ્રામ્સને દોડાવવા ઊભી કરવામાં આવી. દેશનું પહેલું હાઇડ્રો ઇલેક્ટ્રિક મથક ઇ.સ. ૧૮૯૭માં દાર્જિલિંગ મ્યુનિસિપાલિટી માટે સિદ્રાપોંગ ખાતે સ્થાપવામાં આવ્યું.

તા. ૫ ઓગસ્ટ, ૧૯૦૫ના રોજ સમગ્ર એશિયામાં બેંગલુરુ ખાતે પહેલી સ્ટ્રીટ ઇલેક્ટ્રિક લાઇટ શરૂ થઇ. એ જ રીતે દેશની પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન તા. ૩જી ફેબ્રુઆરી ૧૯૨૫ના રોજ મુંબઇના વિક્ટોરિયા ટર્મિનસથી કુર્લા સુધી હાર્બર લાઇન પર શરૂ થઇ. તા. ૮ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ કોચીન આંતરરાષ્ટ્રીય વિમાની મથક દેશનું પહેલું સૂર્ય ઊર્જાથી ચાલતું એરપોર્ટ બન્યું.

ગુજરાતમાં વીજળી સાથે સાથે જોડાયેલી એક ઐતિહાસિક કથા ગુજરાતના દરિયા ખેડૂઓની એક યાદગાર ઘટના છે. એક જમાનામાં ગુજરાતના ખેડા જિલ્લાના પાટીદારો અને કચ્છના સાહસિકો રોજીરોટી માટે શઢવાળા વહાણોમાં બેસી મસ્કતથી માંડીને આફ્રિકા જતાં આ વહાણો શઢમાં ભરાતા પવનથી ચાલતાં. કેટલીકવાર આફ્રિકા પહોંચતાં મહિનાઓ લાગતાં. કેટલાંક દરિયાઇ જહાજો તો ઝંઝાવાતમાં જળસમાધી લેતા પરંતુ ‘વીજળી’ના નામે ઓળખાતું એક દરિયાઇ જહાજ ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકગીતોનો એક હિસ્સો બની ગયું છે.

એ દરિયાઇ જહાજમાં પહેલી વાર વીજળીના દીવા લગાડવામાં આવ્યા હોઇ તેને લોકો ‘વીજળી’ કહેતા હતા. આ જહાજનું ખરું નામ તો વૈતરણા હતું. વૈતરણા જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું, એ.જે. શેર્ફ્ડ અને કાું. મુંબઇની માલિકીનું જહાજ હતું. આ જહાજ ૮, ડિસેમ્બર ૧૮૮૮ના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર નજીક વાવાઝોડામાં માંડવીથી મુંબઇ જતી વખતે અગ્શ્ય થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં ૭૪૦થી વધુ લોકો ખોવાઇ ગયા હતા. આ ઘટનાને કારણે ઘણાં દરિયાઇ કાવ્યો અને લોકગીતો રચાયા છે.

આ જહાજને વૈતરણા નામ મુંબઇ વિસ્તારની વૈતરણા નદી પરથી અપાયું હતું. જહાજનું હુલામણું નામ વીજળી હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું. જહાજને ઘણી વાર ‘ગુજરાતના ટાઇટેનિક’ તરીકે ઓળખવામાં આવે છે, જો કે ટાઇટેનિક તેનાં ૨૪ વર્ષ પછી ડૂબ્યું હતું. વૈતરણા ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. દ્વારા ૧૮૮૫માં બનાવવામાં આવેલું વરાળથી ચાલતું અઇને સ્ટીલથી બનેલું જહાજ હતું. તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા હતા અને બે જહાજસ્થંભો હતા. તેની વજન ક્ષમતા ૨૯૨ ટન હતી જેમાં ૨૫૮ ટન તૂતકની નીચે હતી. વરાળ એન્જિનને બે સિલિન્ડર હતા, જેનો વ્યાસ ‘૨૧’ હતો અને જે ‘૪૨’ અને ‘૩૦’ના હડસેલા વડે ૭૩ હોર્સપાવર શક્તિ ઉત્પાદન કરતા હતા. આ એન્જિનનું ઉત્પાદન ડુન્સમુર એન્ડ જેકસન, ગ્લાસગોએ કર્યું હતું. જહાજની લંબાઇ ૧૭૦.૧ ફીટ, પહોળાઇ ૨૬.૫ અને ઊંડાઇ ૯.૯ ફીટ હતી.

જહાજ માંડવી, કચ્છ (તે સમયનું કચ્છ રજવાડું) અને મુંબઇ વચ્ચે મુસાફરો અને માલ-સામાન લઇને આવન-જાવન કરતું હતું. ૮ રૂપિયાના દરે આ જહાજ માંડવીથી મુંબઇની સફર ૩૦ કલાકમાં પૂરી કરતું હતું. આ વિસ્તારનાં જહાજો તોફાનોનો સામનો કરવા માટે બનાવેલા નહોતા. કારણ કે સામાન્ય રીતે જહાજો બંદરોથી બંદર પર શાંત વાતાવરણમાં સફર કરતાં હતા અને તોફાનો દરમિયાન બંદરો પર લાંગરેલા રહેતા હતા.

વૈતરણા માંડવી બંદર પર ગુરુવાર ૮, નવેમ્બર ૧૮૮૮ (વિક્રમ સંવત ૧૯૪૫ની કારતક સુદ પાંચમ)ના રોજ બપોરે લાંગર્યું હતું અને ૫૨૦ પ્રવાસીઓને લઇને દ્વારકા માટે રવાના થયું. દ્વારકા પહોંચ્યા બાદ વધુ પ્રવાસીઓ લીધા બાદ સંખ્યા ૭૦૩ પર પહોંચી. તે પોરબંદર માટે રવાના થયું. લોકવાયકા મુજબ પોરબંદર બંદરના સંચાલક લેલીએ કપ્તાનને સમુદ્રમાં સફર કરવાની ના પાડી હતી પણ પછી થયેલા સંશોધનો મુજબ આ વાત ખોટી હતી. ખરાબ હવામાનને કારણે જહાજ પોરબંદર પર રોકાયું નહીં. અને સીધું મુંબઇ જવા રવાના થયું. સાંજ પડતાં તે માંગરોળ દરિયા કિનારે દેખાયું હતું અને કેટલાંક લોકોએ તેને માધવપુર (ઘેડ) નજીક ભારે તોફાનમાં તૂટેલું દેખાયું હોવાનો દાવો કર્યો હતો. બીજા દિવસે જહાજને ખોવાયેલું જાહેર કરવામાં આવ્યું હતું, તેમાં કેટલીક જાનો પણ હતી.

તૂટેલા જહાજનો કોઇ ભાગ અથવા કોઇ મૃતદેહો મળ્યાં નહીં. જહાજ મોટાભાગે અરબી સમુદ્રના તોફાનમાં તૂટી ગયેલ માની લેવાયું. લોકવાયકા મુજબ ૧,૩૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ જહાજ પર ૭૪૬ લોકો (૭૦૩ પ્રવાસીઓ અને ૪૩ જહાજના કર્મચારીઓ) સવાર હતા. બીજા અહેવાલો મુજબ ૭૯૮- ૭૪૧ (૩૮ જહાજી કર્મચારીઓ અને ૭૦૩ પ્રવાસીઓ) અને ૭૪૪ લોકોનો સમાવેશ થાય છે. જહાજમાં ૧૩ જાનના જાનૈયાઓ અને ડિસેમ્બરમાં મુંબઇ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા આપવા માટે જતાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સામેલ હતા.

કાસમ ઇબ્રાહિમ અથવા હાજી કાસમ જહાજનો કપ્તાન હતો, તે બોરિવલી અને દહીંસર વચ્ચેની જમીનનો જમીનદાર હતો, તેનું કાર્યાલય અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પર આવેલું હતું અને તે મલબાર હિલમાં રહેતો હતો. કોઇ ફકીરે આશીર્વાદ આપ્યા હતા કે તે ૯૯ જહાજોનો માલિક થશે અને વીજળી તેનું છેલ્લું જહાજ હશે. મુંબઇ સેન્ટ્રલ વિસ્તારની હાજી કાસમ ચાલનું નામ તેના પરથી પડેલું છે. જહાજની દુર્ઘટના પછી, મુંબઇ પ્રેસિડેન્સીએ આ મામલાની તપાસ માટે એક સમિતિની સ્થાપના કરી. તપાસમાં એવું તારણ નીકળ્યું કે વૈતરણા જહાજ સલામતીની ગ્ષ્ટિએ સજ્જ નહોતું. તેમાં પૂરતી સંખ્યામાં જીવનરક્ષક નૌકાઓ અને પોષાકો નહોતા. ભારે તોફાનને કારણે જહાજ ડૂબી ગયું હતું. વૈતરણા પ્રકારના જહાજોમાં તપાસ કરતાં તેમાં ખરાબીઓ જોવા મળી હતી. મુંબઇ પ્રેસિડેન્સી અને અન્ય જહાજી કંપનીઓએ જહાજનો કાટમાળ શોધવાનો પ્રયાસ કર્યો પણ તે અસફળ નીવડયો. આ ઘટનાને કારણે ઘણી દરિયાઇ લોકવાયકાઓ, દંતકથાઓ અને ગીતોની રચના થઇ અને ગુજરાતમાં લોકપ્રિય અને જાણીતી બની. લોકગીતોમાં આ જહાજને વીજળી તરીકે ઓળખાયું અને તેના કપ્તાન હાજી કાસમ સાથે જાણીતું બન્યુ. હાજી કાસમ નૂર મહંમદ એ પોરબંદરમાં શેફર્ડ કંપનીનો બુકિંગ એજન્ટ પણ હતો.

જહાજના ખોવાયાં પછી જામનગરના કવિ દુર્લભરાય વી. શ્યામજી ધ્રુવે ‘વીજળી વિલાપ’ નામના ગીતોનો સંગ્રહ પ્રગટ કર્યો. ભીખારામ સાવજી જોશીએ પણ આ નામનું બીજું પ્રકાશન પ્રગટ કર્યું. ઝવેરચંદ મેઘાણીએ આ પ્રકારના લોકગીતો ભેગા કરીને સંગ્રહ, રઢિયાળી રાત, માં ‘હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ’ હેઠળ પ્રકાશિત કર્યું. ગુજરાતી લેખક ગુણવંતરાય આચાર્યએ હાજી કાસમ તારી વીજળી (૧૯૫૪) ના નામે આ ઘટના પરથી નવલકથા લખી હતી. ધોરાજીના સંશોધક વાય. એમ. ચિતલવાલાએ આ ઘટનાના અભ્યાસ પરથી વીજળી હાજી કાસમની નામનું દસ્તાવેજી પુસ્તક તૈયાર કર્યું જે દર્શક ઇતિહાસ નિધિ દ્વારા ૨૦૧૦માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

વીજળી સાથે જોડાયેલી એક આવી કરુણ ઘટના પણ છે જે બ્રિટિશ રાજ વખતે ઘટી હતી.

દેવેન્દ્ર પટેલ

Be Sociable, Share!